31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હે ભગવાન, તારો આભાર કે તેં મને સ્ત્રી નથી બનાવ્યો

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લસદીઓથી, સહસ્ત્રકોથી પિતૃસત્તા જ્યાં જ્યાં પચપચી ગઈ હોય ત્યાં દંભપૂર્વક પરંપરાનો આશરો લેવાય. કેટલીક પરંપરાઓ સ્ત્રીઓએ હવે જાતે જ તોડી છે, ક્યારેક સદ્પુરુષોની સહાયથી. દા.ત. હવે ક્યારેક સ્ત્રીઓને પુરોહિત બનવાની તાલીમ અપાય છે, ક્યારેક દીકરીઓ પોતે જ આગ્રહપૂર્વક મા કે બાપને સ્મશાને લઈ જવા કાંધ આપે છે અને અગ્નિદાહ આપે છે, તે અગાઉ અને હજી પણ મોટેભાગે જેમને દીકરો ન હોય તેને ભાઈભત્રીજા કે સંબંધીઓ લઈ જાય છે અને કોઈ ભત્રીજો કે દૂરનો ભાઈ અગ્નિદાહ આપે છે. આ પરંપરા ચાલુ રાખવાની કે નહીં? બાપની લાશને સ્ત્રીએ અગ્નિદાહ આપવાનો કે નહીં? પરંપરાની વિરુદ્ધ જઈ બાપને કાંધ આપવા નીકળનાર સ્ત્રીની સામે હુલ્લડ થવા જોઈએ કે નહીં? સ્ત્રીઓએ વેદાભ્યાસ કરવાનો કે નહીં? એક શંકરાચાર્યે હજી બેત્રણ દાયકા અગાઉ જ બખાળા કાઢેલા કે આજકાલ સ્ત્રીઓ તો અભ્યાસ કરે છે, જે અનુચિત છે. વાત પણ સાચી છે. સ્ત્રી અને શૂદ્રની હાજરીમાં વેદની ઋચાઓ બોલાય પણ નહીં તેવી પરંપરાનો આટલો મોટો દગો કરનાર સ્ત્રીઓને સજા થવી જોઈએ કે નહીં? કે પછી હિંદુ ધર્મના બ્રાહ્મણોની માન્યતા દૃઢ થતી હોય તો એ ચાલી જાય? ગાયત્રી મંત્ર આખો દિવસ ઘણા રેકોર્ડમાં મૂકી વગાડ્યા કરે છે. પાટિયાં પર ચિતરી દીવાનખાનામાં મૂકે છે. હવે આ મંત્ર તો સ્ત્રીઓને સંભળાવવાનો પણ ન હોય તો બોલાવવાની તો વાત જ ક્યાં? આ તો દ્વિજ પુત્રને જનોઈ વખતે કાનમાં કહેવાય, જનોઈ સંસ્કાર તો સ્ત્રીને અપાય જ નહીં. (આર્ય સમાજ સિવાય). ઘણુંખરું માત્ર જેને ધાર્મિક પરંપરા કહેવાય છે તેમાં સોળ સંસ્કાર હોય પણ સ્ત્રીઓને પંદર જ. આ પરંપરા તોડનાર દયાનંદ સરસ્વતી માટે શું આપણે ટીકા કરવાની? એમણે તો બહુ મોટી પરંપરાઓ તોડેલી. એક તો સ્ત્રીને જનોઈ અને ધાર્મિક કે બીજા શિક્ષણ માટે મંજૂરી, જ્ઞાતિપ્રથા કે પરંપરા ધર્મમાંથી બાકાત કરેલી એટલે બ્રાહ્મણોનો જન્મસિદ્ધ સર્વોચ્ચ હોવાનો અધિકાર માન્ય નહોતો રાખ્યો. ઉપરથી વેદને જ માત્ર ધર્મ ગણેલો અને પંચમહાભૂતને જ આરાધ્ય ગણેલા (આજે પર્યાવરણ સંબંધે આ બહુ આકર્ષક લાગે છે) એટલે દેવ-દેવીઓ અને ધર્મકથાઓ, વાર્તાઓ, મૂર્તિપૂજા બધું બાકાત કરી નાખેલું. ઉપરથી ‘ઘરવાપસી’ માટે સમાજના કેટલાંક તત્ત્વો ભારે આગ્રહ રાખે છે પણ તે માટેનો રાહ આર્યસમાજમાં ઘડાયેલો. ધર્માંતર કરી પરધર્મીને એની ઈચ્છા હોય તો આર્યસમાજમાં અને એ રીતે હિંદુ ધર્મમાં સામેલ કરવાની પ્રથા આર્યસમાજમાં આવી પણ પરંપરાના તો એમણે ચૂરેચૂરા કરી દીધા. આ કારણસર એમની ટીકા પણ બહુ થયેલી અને આર્યસમાજ મર્યાદિત પ્રમાણમાં લોકપ્રિય થયેલો. જાણીતા ટી.વી., રંગમંચ અને ફિલ્મ અભિનેત્રી સુલભા આર્યના પતિ આ રીતે આર્યસમાજમાં પ્રવેશેલા. અભિનેત્રી તબૂ, શબાના આઝમી વગેરેના એ મામા થતાં ધર્માંતર બાદ જ એમની અટક આર્ય થયેલી. આ બધું ખોટું હતું? તે વખતે તો કોઈ પરધર્મી હિંદુ બને એ પરંપરાઓ માન્ય જ નહોતી રાખતી. ઉપરથી સવર્ણ વિધવાઓને બોડીબામણી રાખવાને બદલે પુનર્લગ્ન પણ કરાવતા.

--------------------------

સબરીમાલા

સબરીમાલાના સંદર્ભમાં રોજ નવા તથ્યો ઊપસી આવે છે. એક તો સ્ત્રી પ્રત્યેનો અવિશ્ર્વાસ, વાસ્તવમાં પોતાને માસિક આવતું હોય ત્યારે સ્ત્રી પોતે જ ન મંદિરમાં જાય કે ન ઘરમાં જ્યાં પૂજા હોય ત્યાં કશાને અડે. શા માટે વર્ષોના વર્ષ સુધી આવડો મોટો અવિશ્ર્વાસ હતો કે પિરિયડમાં હોવા છતાં સ્ત્રીઓ સબરીમાલા જશે? હવે તો કદાચ કોઈ પરંપરાનો સામનો કરીને માસિક આવતું હોય તો પણ જાય, કદાચ અને કદાચ જ પણ શું હિંદુ માતામહીઓ અને પિતામહીઓ પણ એવી હતી કે એ સમયે કોઈપણ મંદિરમાં જાય? ૧૦થી ૫૦ વર્ષ સુધીની ક્ધયાઓ અને મહિલાઓ પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો કે એમને માસિક આવતું હોય. ૪૫ કે ૪૮ વર્ષ સુધી તો આવી જ શકે. સારું. હવે દંભ ખુલ્લો થાય છે. ગર્ભવતી યુવાન કે આધેડ સ્ત્રીને નવ માસ પિરિયડ આવતો નથી, કેમ એમને માટે છૂટ નહોતી રખાઈ? માતૃત્વ કોઈ ગુનો હતો? થોડાક મહિનામાં તો ચોખ્ખું દેખાય કે બાઈ ગર્ભવતી છે એટલે એને માસિક આવતું ન હોય. તો પણ નહીં જવાનું? કે પછી સ્ત્રીના સૌથી તાકાતવાન, ઉત્સાહજનક, સર્જનશીલ વર્ષોમાં જ એને પાઠ આપવાનો કે તું ભગવાનને પણ નાપસંદ છે, તું અસ્પૃશ્ય છે, તારી આભડછેટ રાખવાની હોય. વિકાસના, અભ્યાસના, તરવરાટના વર્ષોમાં જ એનો આત્મવિશ્ર્વાસ ડગી જાય, સ્ત્રી પોતે જ સ્વીકારી લે એવી ધર્મને નામે પક્ષપાત રચવાની પરંપરા પ્રસ્થાપિત કરવાની આ પેરવીઓ હોય છે. પેરવીઓ સ્તો! દસ વર્ષમાં એટલે જ તો પરણાવી દેવાતી કે (સ્ત્રી સમર્થ ન બને, અભણ રહે અને છોકરાં જણતી રહે, બહારની દુનિયામાં પુરુષો સત્તા ભોગવી શકે) મનગમતા કામ શકી શકે, સારો અભ્યાસ કે વળતરવાળા કામનો અનુભવ લઈ શકે, એમાંથી કમાણી થાય એટલે ઘરમાં અને બહાર મોભો રહે, (ઘરનો સ્ત્રીવર્ગ અને વડીલ વર્ગ ઉપર એમનું વર્ચસ્વ રહે -) વડીલોને પોતે માન આપતા દેખાતા હોય તો પણ એ વળી જુદા પ્રકારની પિતૃસત્તાની પરંપરા છે.

અનેક ધર્મોમાં પિતૃસત્તા સલામત

પિતૃસત્તા અનેક સર્વવ્યાપી જુલમો કરે તો એની સામે વિરોધો થાય અને એની સત્તાના માળખા તૂટવા માંડે, હચમચી તો જાય જ. પરિણામે કોઈપણ સ્ત્રી-પુરુષ ભેદને શાશ્ર્વત કરતી ધાર્મિક માન્યતા કે પરંપરામાં અમુક રાહત મળે, સ્ત્રીઓને કાંઈક મોભો મળે એવાં તત્ત્વો પણ હોય જ. ઈસ્લામમાં બહુપત્નીત્વ, પુરુષો માટે સરળ તલાક વ્યવસ્થા (હતી પણ, નવા કાનૂન બને છે તેમાં પણ માત્ર ત્રણ વાર સાથે તલાક આપી ન શકાય. પણ દર મહિને એક તલાક આપી વર છૂટાછેડા આપી શકે છે. વગર તલાકે બીજી પત્ની લાવવી તો વળી તેથીય સરળ છે). આ જ ધર્મમાં દુુનિયામાં સૌથી પહેલીવાર દીકરીને વારસાહક અપાયો છે. જન્નત માતાના પગ હેઠળ છે એમ કહેવાયું છે. અહીં પતિ પોતાના બૈરીછોકરાંને ડિંગો આપી પરસ્ત્રીને તમામ વારસો મૂકી જઈ શકતો નથી. દારૂ અને જુગારનો નિષેધ છે જેથી પત્ની સહિત પરિવારનું સત્યાનાશ ન થઈ જાય. મુસ્લિમ હૉટેલોમાં દારૂ પિરસાતો નથી. બાકી તો કેટલાક ટકા ધર્મપાલન કરતાં હોય છે. આ કે પેલા ધર્મમાં? જૈન ધર્મને વિનોબા ભાવેએ શ્રેષ્ઠ ગણેલો, કારણ કે અહીંં જ સર્વ પ્રથમ સ્ત્રીઓને સંસાર છોડી મોક્ષ તરફ જવાનો અધિકાર અપાયેલો. બીજી બાજુએ પંદર વર્ષના મહારાજસાહેબને પણ કોઈ વિદ્વાન આધેડવયી સાધ્વી નમન કરે તો તેમાં આશ્ર્ચર્ય લાગે. ખ્રિસ્તી ધર્મપંથમાં વર્ષોના ઊહાપોહ અને સ્ત્રીઓની લડત બાદ સ્ત્રીઓને પાદરી, બિશપ કે કથાકાર બનવાનો હક મળ્યો છે. કેથોલિક ધર્મમાં તો આવું વિચારવું પણ અસંભવ છે. અહીં તો ઈશ્ર્વર પિતા છે તો એમના વતી પોપ વડા પિતાશ્રી છે અને એમની નીચેના આર્કબિશપો, બિશપો અને પાદરીઓ સૌ નાના-મોટા પિતાશ્રીઓ છે, આથી જ તો એમને ફાધર કહી સંબોવામાં આવે છે. કેથોલિક સાધ્વીઓ બધી જિસસ ક્રાઈસ્ટની નવવધૂઓ ગણાય છે. એ કાયમ જ પુરુષ પાદરીઓથી નીચા સ્થાને છે, કારણ કે એ ક્યારેય પિતા ઈશ્ર્વર, પિતા જિસસના પ્રતિનિધિ પિતા પોપ થવાની નથી. એ માત્ર પ્રેમાળ અને અક્ષતયોનિ પત્નીઓ જ રહેવાની છે. યહૂદી પુરુષો માટે એક રોજની પ્રાર્થના છે કે હે ભગવાન, તારો આભાર કે તે મને સ્ત્રી નથી બનાવ્યો. એમની ઘણીબધી વિધિઓ દસ પુરુષ હાજર રહીને કરે તો જ માન્ય છે, નહીં તો નહીં. હવે યહૂદીઓ તો મોટી સંખ્યામાં ઈઝરાયલ અથવા અન્ય મધ્યમવર્ગી શિક્ષિત ભારતીયોની જેમ અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે સ્થળો અને વિસ્તારોમાં દેશાટન કરીને સ્થાયી થઈ ગયા છે. બાકી રહેવામાં દસ પુરુષોને એક જ સ્થળે અને સમયે સાથે રાખવાનું ઘણીવાર બનતું નથી. આવું થાય તો એ લોકો એક જ ધર્મ અંદરના જુદા જુદા વાડાઓમાંથી પુરુષો ઉધાર લઈ આવે છે જેથી વિધિ પાર પડે. મુંબઈમાં મૂળ મરાઠી ભાષી અને લગભગ બે હજાર વર્ષોથી કોંકણને કિનારે રહેતા બે ઈઝરાઈલ લોકોની પોતાની સિનેગોગ (ધર્મ સ્થળ) છે તો બે-ત્રણ સદીઓ અગાઉ બગદાદથી આવેલા યહૂદીઓની પોતાની જુદી. એકમેક જોડે સમજાવટ કરી ધર્મપાલન કરવું પડે, કારણ કે યહૂદી/ બંને ઈઝરાયલ સ્ત્રીઓ ગમે તેટલી જ્ઞાની પંડિત હોય પણ એને વિધિમાં લેવાય નહીં. ટૂંકમાં કાગડા બધે કાળા. આ જ સંદર્ભમાં સબરીમાલામાં સ્ત્રી પ્રવેશની ઘટનાને જોઈતપાસી શકાય. આ જ સંદર્ભમાં પરંપરા પૂજકોને પૂછવું પડે કે મૂર્તિ પૂજાને વાહિયાત ગણે. વેદ પછીના દેવદેવીઓને ધર્મમાં સામેલ ન કરે, વિધવા વિવાહને સંંમતિ આપે, જ્ઞાતિ પ્રથાને ધર્મમાંથી બાકાત કરે. સ્ત્રીઓને જનોઈ સંસ્કાર આપે અને પરધર્મીઓને હિંદુ બનાવવાનો બાધ ન રાખે એ રીતે કલ્પના ન કરી શકાય એવી પ્રસ્થાપિત પરંપરાને તોડનાર સ્વામી દયાનંદ સરસ્વતી માટે તેઓ શું કહેશે? હું તો એમને ધર્મરક્ષક અને સમાજ સુધારક સમજતી હતી.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

X7sb146
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com