14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહિલાઓ માટે ક્યારેે ખૂલશે સબરીમાલા મંદિરના દરવાજા?

કવર સ્ટોરી-દર્શના વિસરીયાસબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિવાદ તો જાણે શમવાનું નામ જ નથી લઈ રહ્યો અને આ વિવાદ વચ્ચે જ ગયા અઠવાડિયે બે મહિલાઓએ સુરક્ષાના ઘેરા વચ્ચે રહીને આખરે સબરીમાલા મંદિરમાં પ્રવેશીને અયપ્પા સ્વામીના દર્શન કરી લીધાં. પણ આ ઘટના બાદ સતત બે દિવસ સુધી કેરળ બંધ રહ્યું અને શહેરમાં સતત હિંસા થતી રહી અને એટલું જ નહીં મંદિર પણ બંધ કરીને તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. વાત વિચારવા જેવી ખરી કે મહિલાઓના પ્રવેશથી મંદિર કઈ રીતે અશુદ્ધ થયું કે તેનું શુદ્ધિકરણ કરવું પડ્યું અને જો તમે મહિલાઓને અપવિત્ર જ માનો છો તો પછી એ જ મહિલાના કૂખે જન્મ લેનારા તમે પુરુષો કઈ રીતે પવિત્ર ગણાવ? ભગવાનના નરરૂપને પૂજવાનો શું કામ પુરુષને જ ઈજારો હોય? અને તેમ છતાં તમે તો પાછા માથું ઊંચું કરીને મંદિરે જાવ ખરા, પણ અન્ય મહિલાઓએ અયપ્પા સ્વામીના દર્શન કરવા ૫૦ વર્ષ પૂરાં કરવા સુધીની રાહ જોવી પડે આ તે વળી ક્યાંનો ન્યાય?

મંદિરમાં પ્રવેશીને ભગવાન અયપ્પા સ્વામીના દર્શન કરનારી બંને મહિલાઓને ‘ગુપ્ત સ્થળે’ રાખવામાં આવી છે, કારણ કે આ બંને મહિલાઓના ઘરની સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે અને એટલું જ નહીં બંને મહિલાઓને સતત ધમકીઓ પણ મળી રહી છે. આ મામલે મંદિરમાં પ્રવેશનારી બિંદુ અને કનકદુર્ગામાંથી બિંદુ અમ્મિનીએ એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘જે લોકો અમને ધમકી આપી રહ્યા છે એ લોકો અમારું કંઈ જ બગાડી શકે એમ નથી. જે સમયે અમે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી રહ્યાં હતાં એ વખતે પણ લોકો અમારા ઘરની સામે પ્રદર્શન કરી રહ્યાં હતાં.’

બિંદુ અને કનકદુર્ગાએ સ્વામી અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરવાની સદીઓ જૂની પરંપરા તોડીને ઈતિહાસ રચી દીધો છે અને આ પરંપરા અનુસાર ૧૦ વર્ષથી ૫૦ વર્ષ સુધીની મહિલાઓનો મંદિરમાં પ્રવેશ વર્જ્ય છે. આ પહેલાં પણ બંનેએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પણ પહેલા પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી હતી. પણ બીજા પ્રયાસમાં સાદા યુનિફોર્મમાં પોલીસ કર્મચારીઓએ બિંદુ અને કનકદુર્ગાને સુરક્ષા પૂરી પાડી હતી.

કનકદુર્ગા (૩૯)ના વિચારો પણ બિંદુના વિચારો જેવા જ છે અને તે કહે છે કે ‘મને ભવિષ્યનો કોઈ જ ડર નથી, કારણ કે હું ભગવાનમાં માનું છું.’

જોકે બિંદુ એ કનકદુર્ગા જેટલી ધાર્મિક નથી અને તેનું કહેવું છે કે ‘મને મારી સુરક્ષાની કોઈ જ ચિંતા નથી, કારણ કે મારું બાળપણ જ કપરી પરિસ્થિતિમાં પસાર થયું છે. હું નાની હતી ત્યારે જ મારાં માતા-પિતા અલગ થઈ ગયાં હતાં અને મારી માતાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો, જોકે બાદમાં કોઈક કારણસર તેણે આ નિર્ણયને અમલમાં નહીં મૂક્યો. પણ ત્યારથી જ મારું જીવન સંઘર્ષમય રહ્યું છે અને કદાચ આ જ કારણ છે કે મને હવે કોઈ પણ વસ્તુનો ડર નથી લાગતો. શાળામાં પણ ઘણી વખત મારેે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો પણ હિંમત હાર્યા વિના મેં મારા પ્રયાસ ચાલુ જ રાખ્યા અને આખરે લૉ (કાયદા)નો અભ્યાસ કરીને હું એક લૉ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈ ગઈ. ૨૪મી ડિસેમ્બરના અમે ૧૦ મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જતાં આખરે અમારે પાછાં ફરવું પડ્યું. પોલીસે પણ અમને ઘરે પાછાં જવાની સલાહ આપી, પણ હું અને બિંદુ અમારા નિર્ણય પર અડગ રહ્યાં અને આખરે અમે ભૂખહડતાળ કરી ત્યારે પોલીસે અમને મંદિરમાં પ્રવેશ કરવા માટે મદદ કરવાનું આશ્ર્વાસન આપ્યું અને અમે લોકોએ બે જાન્યુઆરીના ફરી સબરીમાલા મંદિર જવાનું નક્કી કર્યું. આ વખતે પોલીસે પણ અમને સાદા કપડામાં પ્રોટેક્શન આપવાનો નિર્ણય લીધો. આખરે અમે અમારા મિશનમાં સક્સેસફૂલ રહ્યાં અને મંદિરમાં પ્રવેશ કરી જ લીધો.’

બિંદુ કહે છે કે ‘હું બીજી વાર સબરીમાલા તો ક્યારે જઈશ એની ખબર નથી, પણ મને વિશ્ર્વાસ છે કે મારા અને કનકદુર્ગાના આ પગલાંને કારણે ભવિષ્યમાં બધી મહિલાઓ માટે સબરીમાલા મંદિરના દ્વાર ખૂલી જશે.’

જોકે આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે એવી માન્યતા લોકોમાં પ્રવર્તી રહી છે કે જો દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે તો પુરુષોના મનમાં ‘વિકાર’ની લાગણી ઉત્પન્ન થશે. આ તો એવી વાત થઈ કે બળાત્કાર માટે બળાત્કારીઓ નહીં પણ પીડિતાનાં કપડાં જવાબદાર છે, જો પીડિતાએ સાડી પહેરી હોત તો શું તેના પર બળાત્કારીએ બળાત્કાર ના કર્યો હોત? બીજા કોઈ પર આંગળી ચીંધતાં પહેલાં એક વાત વિચારી લેજો કે ત્રણ આંગળીઓ તમારી સામે જ છે. બળાત્કારની ઘટનાઓને રોકવા માટે કપડાં નહીં પણ આપણે આપણા મન અને વિચારો પર કાબૂ લાવવાની જરૂર છે અને એ જ રીતે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાને બદલે પુરુષો જ પોતાના વિચારો પર કાબૂ મેળવી લે તો? અને કોણે કહ્યું કે ૧૦ વર્ષની નાની બાળકી અને ૫૦ વર્ષની સ્ત્રીને જોઈને પુરુષના મનમાં કામભાવના નહીં જ જાગે? જો આવું જ હોત તો આજે ભારતમાં નાની નાની બાળકીઓ પર બળાત્કારની જે ઘટનાઓ બની રહી છે એ તો ના જ થઈ હોત ને? આખી વાત વિચારાવા જેવી છે.

હવે મનમાં બીજો સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે આવા વિચારને જો પરંપરા રૅપરમાં રૅપ કરીને રજૂ કરવામાં આવી રહ્યો છે તો આનો વિરોધ થવો આવશ્યક છે. પણ આનો વિરોધ જોઈએ એટલો તીવ્ર પ્રકારે કેમ નથી કરવામાં આવતો?સુપ્રીમ કોર્ટે હાલમાં છેલ્લા કેટલાક સમયથી અનેક ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે અને આવા જ એક ૧૫૭ વર્ષ જૂની પરંપરા કે કાયદાને નાબૂદ કરતો નવો ચુકાદો આપીને સમલૈંગિક સંબંધોને મંજૂરી આપી હતી.

સબરીમાલાના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો સવાલ ઉપસ્થિત કર્યો હતો કે જો સ્ત્રી પુરુષને બનાવવામાં ભગવાન પોતે ભેદભાવ નથી કરતા તો પછી મંદિરમાં આ પ્રકારનો ભેદભાવ કેમ કરવામાં આવે છે? બસ આ જ સવાલને આધાર બનાવીને કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ ઉઠાવી લેતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ધર્મપાલનનો અધિકાર મહિલા અને પુરુષો બંનેને છે.

જો ભારતની સર્વોચ્ચ અદાલત આ બાબતને માને છે અને તે માન્યતા આપે છે તો આનો વિરોધ કરનારા આપણે કોણ? શા માટે આપણે આ ચુકાદાને સહેલાઈથી અપનાવી શકતા નથી? માસિક ધર્મ આવે એટલે સ્ત્રી અપવિત્ર, મંદિરમાં મહિલાઓને જોઈને પુરુષોના મનમાં કામભાવના જાગે એટલે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવો આ તે ક્યાંનો ન્યાય? આપણે હવે સમસ્યાઓના આવા કામચલાઉ સૉલ્યુશન શોધવા કરતાં તેના કાયમી અંત લાવી દે એવા ઉપાયો શોધવાનું શરૂ કરવું જોઈએ? ક્યાં સુધી બિંદુ અને કનકદુર્ગા જેવી મહિલાઓએ પોતાના હક માટે આ રીતે સંઘર્ષ કરવો પડશે? ભૂખહડતાળ કરવી પડશે? તેમના પરિવારોએ ભયના વાતાવરણમાં જીવવું પડશે? બહાદુરીભર્યું કામ કર્યું હોવા છતાં કેમ તેમને કથિત ‘સુરક્ષિતસ્થળે’ છુપાવવું પડે છે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0K81w700
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com