| ભારત દર વર્ષે ૨૦ અબજ ડૉલર ખોઇ રહ્યું છે |
|  સ્પેશ્યલ-વીણા સુખીજા
આમ તો પૂરી દુનિયામાં વિદેશમાં જઇને ઉચ્ચ શિક્ષણ લેવાનું ચલણ વિદ્યાર્થીઓમાં વધી રહ્યું છે. એક અંદાજ મુજબ દર વર્ષે લગભગ ૪૫ લાખ વિદ્યાર્થીઓ પોતાનો દેશ છોડીને કોઇ બીજા દેશમાં ભણવા જાય છે. આમાં નિસંદેહ ભારત અને ચીનના વિદ્યાર્થીઓ વિશેષ પ્રમાણમાં હોય છે. ભારતમાં તો લાગે છે કે બહાર જઇને ભણવાની એક આંધી ચાલી રહી છે. વાતાવરણ તો એવું છે કે અગર પરિસ્થિતિથી મજબૂર ન હોય તો કોઇક જ એવો હોય કે જે ભારતમાં રહીને ભણવાની ઇચ્છા રાખે. લગભગ દરેક ભારતીય વિદેશમાં જઇને શિક્ષણ લેવાનું પસંદ કરે, જો તેને અંગ્રેજી ભાષા કે પછી આર્થિક બાબતો અંગે કોઇ સમસ્યા ન હોય તો.
પ્રશ્ર્ન એ છે કે આનું કારણ શું છે?
આનું કારણ ફક્ત બીજા દેશોની સંસ્કૃતિ જાણવા કે સમજવાનું આકર્ષણ જ નથી, પરંતુ તેની પાછળ ગ્લોબલ થઇ રહેલી ઇકોનોમીનો પણ મોટો હાથ છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ એવા ઉમેદવારોને વધુ પસંદ કરે છે જેમને ઘણા દેશો અને ત્યાંના લોકો સાથે સંબંધો નિભાવવાનો અનુભવ હોય. ઘણા દેશોની સંસ્કૃતિથી સારી રીતે પરિચિત હોય. આંતરરાષ્ટ્રીય કંપનીઓ ૯૦ના દાયકાથી જ આવા લોકોને પોતાની સાથે જોડવાના કાર્યને વધુ મહત્ત્વ આપતી થઇ છે, જે બીજા દેશોમાં જઇને સહજતાથી કામ કરી શકે, ત્યાંની ભાષા બોલી શકે, સમજી શકે. અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે તાલમેલ બેસાડી શકે. વધારે મહત્ત્વની વાત તો એ છે કે ભિન્ન ભિન્ન ટાઇમ ઝોનમાં કામ કરતાં કરતાં પણ સરળતાથી રહી શકે.
આ રીતે જોવા જઇએ તો વિદેશમાં ભણવા જવાના ઉત્સાહ પાછળ આ બહુરાષ્ટ્રીય કંપનીઓ એક મહત્ત્વનું કારણ છે. જોકે, આ વિદ્યાર્થીઓ દુનિયાના કોઇ પણ દેશમાં જઇને ભણવાનું પસંદ નથી કરતાં, પણ અમુક ગણ્યા ગાંઠ્યા દેશોમાં જ ભણવા માગતા હોય છે. આમાં બેશક અમેરિકા સૌનો માનીતો દેશ છે. જોકે, દરેક જણ માટે અમેરિકા જવું એટલું સરળ નથી હોતું, અમેરિકાનું શિક્ષણ લેવું એટલું મોંઘું છે કે દરેક જણ ઇચ્છા હોવા છતાં પણ ત્યાં જઇ શકે એટલા ભાગ્યશાળી નથી હોતા. એટલા માટે ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, ન્યૂઝીલેન્ડ અને કેનેડા જેવા દેશ પણ હવે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાવાળા મુખ્ય દેશો બની ગયા છે.
આમ તો આ દેશો સિવાય બીજા કેટલાક દેશોમાં પણ વિદ્યાર્થીઓ ભણવા જાય છે જેમાં રશિયા, ચીન, મલેશિયા કે સિંગાપુર જેવા દેશો સામેલ છે. પણ આ દેશો તેમની પ્રથમ પસંદગી હોય એ જરૂરી નથી. ક્યાં તો અહીંનું ભણતર સસ્તું હોય અને અહીં ભણીને પોતના એકેડેમિક કેરિયરમાં પોતે વિદેશી શિક્ષણ લીધું છે એવી મોહર લગાવવા માગતા હોય, ક્યાં તો આ દેશો સંબંધી કોઇ વિશેષ વિષય પર શિક્ષણ લઇ રહ્યા હોય.
જ્યાં સુધી ભારતીય વિદ્યાર્થીઓને લાગે વળગે છે ત્યાં સુધી તેમની પહેલી પસંદગી અલબત્ત અમેરિકા જ હોય છે અને એ શક્ય ન હોય તો તેમની બીજી પસંદગી બ્રિટન અને ઓસ્ટ્રેલિયા છે. જોકે, હાલનાં વર્ષોમાં બ્રિટનમાં નોકરીઓ માટે સંકટ ઊભું થયું છે એટલે ઘણા વિદ્યાર્થીઓ બ્રિટન જવા તૈયાર નથી. જોકે હજી ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીમાં તે બીજા કે ત્રીજા સ્થાન પર રહ્યા કરે છે.
ભારતથી વિદેશ ભણવા જઇ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં કેવી રીતે વધારો થઇ રહ્યો છે એ વાતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે પાછલા દસ વર્ષોમાં વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ ૧૨ ટકાના દરે વૃદ્ધિ થઇ રહી છે. ૨૦૧૭માં તો આ દર ૧૫ ટકા સુધી પહોંચી ગયો હતો. કદાચ આ જ કારણ છે કે પૂરી દુનિયામાં વિદેશી વિદ્યાર્થીઓના રૂપમાં ભારતીયો અત્યાર સુધી સર્વોચ્ચ સ્થાને રહેલા ચીની વિદ્યાર્થીઓનો ઇજારો છીનવી લઇ આગળ નીકળી જશે. હજી બે વર્ષ પહેલાં તો વિદેશ જવા વાળા ભારતીય અને ચીનના વિદ્યાર્થીઓ વચ્ચે લગભગ અડધોઅડધ ફરક હતો. એક અંદાજ મુજબ ચીનના સાત લાખ વિદ્યાર્થીઓ બહાર ભણી રહ્યા હતાં તેમની સરખામણીમાં બહાર ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા હતી ત્રણ લાખ અને સાઠ હજાર.
એવું માનવામાં આવે છે કે આ ટ્રેંડ હજી બે દાયકાઓ એટલે લગભગ વીસ વર્ષ સુધી તો રહેશે. આનાં બે કારણો છે કે શિક્ષણનો આધારભૂત ઢાંચો છે એ અમેરિકા અને યુરોપથી બહેતર ક્યાંય નથી. બીજી એક મહત્ત્વની વાત એ છે કે અમેરિકા અને યુરોપના દેશો ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીમાં મોટાભાગનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં મેળવી શકાય છે. અંગ્રેજી ભાષા કોઇ ચાહે કે ન ચાહે લગભગ દુનિયાની ગ્લોબલ ભાષા બની શકે એટલી સર્વવ્યાપી બની ચૂકી છે.
કદાચ આ જ કારણ છે કે કેનેડા કે સિંગાપુર જેવા દેશોમાં તો વિદેશી છાત્રો જઇ રહ્યા છે, પણ દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોને જોઇએ એટલા વિદેશી વિદ્યાર્થીઓ નથી મળી રહ્યા. છતાંય એ માનવું પડે કે આ બે દેશો અન્ય કેટલાંય દેશોની સરખામણીમાં વધુ વિકસિત અને વધુ સમૃદ્ધ તો છે જ. જોકે ભાષા અને શૈક્ષણિક માળખું એ બે એવા મુદ્દા તો છે જ જેને આધારે તેઓ વધુ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષિત કરી શકે અને વધુ વિદેશી રોકાણ મેળવી શકે.
આટલી બધી પિષ્ટ પિંજણ કરવાનો મતલબ એટલો જ કે ભારતે પણ આમાંથી ઘણું બધું શીખવાની જરૂરત છે. આપણા દેશમાં ગુણવત્તાપૂર્વકનું શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ જોઇએ એટલા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી આપણે ઘણી મોટી સંખ્યામાં વિદેશી મુદ્રાઓ ખોઇ રહ્યા છીએ. દર વર્ષે આપણે (એટલે કે આપણા વિદ્યાર્થીઓ) વિદેશમાં ભણવા માટે ૮થી ૧૧ અબજ ડૉલર જેટલી વિદેશી મુદ્રાઓ ગુમાવીએ છીએ. અગર ભારતમાં ઉચ્ચતર શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે તો દેશને ૨૦ અબજ ડૉલરનો ફાયદો થઇ શકે એમ છે. આમાં લગભગ ૧૩ અબજ ડૉલર તો ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલો ખર્ચ અને લગભગ સાત અબજ ડૉલર એવું નુકસાન છે જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના વિદેશ ચાલ્યા જવાથી થાય છે.
જોકે, એક મહત્વની ચર્ચા વગર આ લેખ અધૂરો ગણાય. માત્ર શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓ વધારવાથી જ આ સમસ્યા ઉકેલાય એમ નથી. વિદ્યાર્થીઓ શૈક્ષણિક લોન લઇને દેવુ કરીને પણ વિદેશ ભણવા જાય છે એમાંના મોટા ભાગના લોકો ત્યાં જ સ્થાયી થવા પણ ઇચ્છતા હોય છે. અમેરિકન ડૉલર અને બ્રિટનના પાઉન્ડની મજબૂતી સામે ભારતનો રૂપિયો સાવ નબળો છે. હાલની પ્રજાને થોડા જ સમયમાં લખલૂટ કમાઇ લેવું છે. ભણવાનું પૂરુ કર્યા પછી પણ તેઓ દેશમાં પાછા ફર્યા વગર ત્યાંના ડોલર અને પાઉન્ડ ઝડપથી કમાઇ લેવાની ઇચ્છા રાખતા હોય છે. અમુક દેશો એવો પણ આગ્રહ ધરાવતા હોય છે કે એમને ત્યાં નોકરી જોઇતી હોય તો એમના દેશની યુનિવર્સિટીમાંથી જ ડીગ્રી લેવી પડે. ઘણી વાર ત્યાં લખલૂટ ખર્ચા કર્યા પછી પણ તરત જ યુનિવર્સિટી કેમ્પસમાં તરત જ નોકરી મળી જાય એવું બનતું નથી હોતું. ઘણી વાર રાહ પણ જોવી પડે છે. ઘરના રોટલા પણ તોડવા પડે છે. જોકે, અગાઉ ક્હયું તે પ્રમાણે ત્યાંની કરન્સી અને અહીંની કરન્સીમાં આસમાન જમીનનો ફરક હોવાથી મોડી નોકરી મળે તોય તેમણે ખર્ચેલા નાણા વસૂલ થઇ જાય છે. બીજી બાજુ ભારતમાં સુવિધા અને ગુણવત્તા વધારવાની સાથે સાથે રોજગારની શક્યતા વધારવા પર પણ ભાર મૂકવો પડશે. વિદેશમાં ભણવા જવામાં કે ત્યાં સ્થાયી થવામાં અમુક વર્ગને વધુ રસ રહેવાનો કારણ કે ભારતની રિઝર્વ્ડ કેટેગરીને કારણે (અભ્યાસ અને નોકરી બેઉમાં) ઘણા વંચિત લોકોને પોતાના મનગમતા ક્ષેત્રોમાં અભ્યાસ કરવાની કે નોકરી કરવાની તક ઓછી મળે છે. આ કારણે અહીંનું બુદ્ધિ ધન ત્યાં ભણ્યું હોય કે અહીં તેઓ વિદેશમાં સ્થાયી થવાની તમન્ના રાખતા હોય છે.
ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા કે સર્વિસ સુધારવાની સાથે સાથે ભારત દેશની શિક્ષણ ક્ષેત્રે અનામતની નીતિમાં પણ રચનાત્મક સુધારા જરૂરી છે. દેશના દરેક વર્ણ અને જ્ઞાતિઓને વિશ્ર્વાસમાં લઇને ભવિષ્યમાં કમસેકમ ભણવા બાબતમાં કોઇ વિશેષ તફાવત ન રહે તે માટે પણ જરૂરી પગલા જરૂરી છે.
ભારત અને ચીન જેવા દેશોમાં સતત થતો રહેતો વસતિ વધારો પણ દેશના વિદ્યાર્થીઓ કે નાગરિકોને વિદેશમાં કારકિર્દી બનાવવા મજબૂર કરે છે. વળી અમુક ક્ષેત્રે જેવા કે સોફ્ટવેર એન્જિનિયરીંગ કે કોમ્પ્યુટર કે પછી જિનેટિક એન્જિનિયરીંગ ક્ષેત્રે ભણવા કે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઘણી વાર સારી નોકરીનો દેશમાં અભાવ હોય છે તેમને પણ વિદેશ જવાની ઇચ્છા ન હોય તો પણ જવા માટે મજબૂર થવું પડે છે.
આમ ભારતનું ધન ભારતમાં જ રાખવું હોય તો
યુનિવર્સિટીની માળખાકીય સુવિધાઓ વધારવી પડશે, મોડર્ન અને છેક સુધીનું શિક્ષણ ભારતમાં પણ મળી રહે તેના પ્રયત્ન પણ કરવા પડશે. કમસેકમ શિક્ષણ પ્રથામાં ગુણવત્તા (મેરિટ)ના આધારે જ યોગ્ય વિદ્યાર્થીને પ્રવેશ મળે તે દિશામાં વિચારવું પડશે. ભણ્યા પછી યોગ્ય નોકરીની તકો વધે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે.
|
|