25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વ્યાપ રૂઢિપ્રયોગનો પણ સ્વરૂપ ચોવકનું

કચ્છી ચોવક-કિશોર વ્યાસગુજરાતીમાં એક કહેવત છે કે, ‘ઉછીનું ઘી ખાવું’, પણ એ કટાક્ષ છે, ઘી શરીરને પાચક બની રહે અને, ખિસ્સાંને પરવડે તે રીતે જ ખાવું જોઈએ. એવો જ એક મંત્ર કચ્છી ચોવક આપે છે. "ધાંઈ ધરપત, ઘી સંપત જેનો ભાવાર્થ એવો થાય છે કે, અનાજ પેટ ભરીને ખાવું જોઈએ અને ઘી ગજા પ્રમાણે એટલે કે, પોતાની જેવી આર્થિક સ્થિતિ હોય તે મુજબ ખાવું જોઈએ. ઘી હંમેશાં પીળી ધાતુની માફક મોંઘી વસ્તુ રહી છે. ચોવકમાં વપરાયેલા શબ્દોના અર્થ સમજીએ ‘ધાંઈ’ એટલે ધાન્ય કે અનાજ, ‘ધરપત’નો મતલબ થાય સંતોષ, ‘સંપત’ એટલે સ્થિતિ મુજબ અથવા આર્થિક સ્થિતિ પ્રમાણે. ગુજરાતીમાં ‘ઊછીનું ઘી ખાવું’ એ જે કહેવત છે, તે પણ વ્યાવહારિક ડહાપણની સલાહ આપે છે, કે કોઈ પણ કિંમતી ચીજ ગજાબહારની હોય તો એ ઊછીની લેવી નહીં. એ જ અર્થમાં આ કચ્છી ચોવક પણ જીવનને તેમ જ ઘર-ગૃહસ્થીને અનન્ય શક્તિ પૂરી પાડે છે. એ ચાણક્ય બુદ્ધિનું અવતરણ પણ ગણી શકાય.

ઘણી ચોવકો રૂઢિપ્રયોગ જેવી હોય છે, જેમ કે ‘હુલ પુઠીયા હુ઼ડી’ ‘હુલ’ એટલે શોરબકોર, કોલાહલ કે જાહેર પ્રચાર અને ‘હુ઼ડી’નો અર્થ થાય છે હડી કાઢવી, દોટ મારવી અથવા તો અહીં ચોવકના સંદર્ભમાં આંધળી દોડ! શબ્દો મુજબ ચોવકનો અર્થ થાય છે. દેખાવ કે જાહેર કોલાહલ પાછળ આંધળી દોટ મૂકવી. રૂઢિપ્રયોગ જેવી દેખાતી આ ચોવક જાહેરાતોની અસરમાં આવી જઈને જાણે વશીકરણનો ભોગ બનતા હોય તેવા આજની દુનિયાના લોકોની માનસ-છબી છતી કરે છે. લોકોને ગાંડા કરે એવો દેખાવ ઊભો કરે, એ લોકહૃદયમાં રાજ કરે! વગર વિચારે લોકો એની પાછળ દોડતા થઈ જાય છે. આમ જોવા જઈએ તો ચોવક આજના માર્કેટિંગના પ્રચાર સામે આંગળી ચીંધતી હોય તેવું લાગે છે!

એક અદ્ભુત ચોવક છે "છાય જો માયતર પાણી અર્થ થાય છે કે પાણી એ છાશ માટે માવિત્ર સમાન છે. કેટલું સરસ રૂપક? છાશ ઓછી લાગે અને પીવાવાળાની સંખ્યા વધી જાય તો તેમાં પાણી નાખવામાં આવે અને પાણી પણ ‘માવિત્ર’ની માફક છાશને સાચવી લે છે. એ છાશમાં એવી રીતે ભળી જાય છે કે, છાશ પોતાનું સ્વરૂપ પણ નથી ગુમાવતી! અહીં ‘માવિત્ર’ અંગે કંઈ પણ લખવું ઊણપ લાગશે... સંતાનોની શક્તિ જ્યારે ઓછી જણાય ત્યારે માવિત્ર એ ઓછપ દૂર કરે છે! ચોવકે માવતરનો મહિમા ગાયો છે: પોતાનું અસ્તિત્વ ઓગાળી દઈને સંતાનોનું નામ ઊજળું બનાવે એ, એટલે માવતર! કચ્છીમાં માવિત્ર કે માવતરને ‘માયતર’ કહેવાય છે.

ઢોલ કે નગારા પર દાંડી પડે એટલે કેટલાયના પગ થિરકવા લાગે, એ આપણે ઘણીવાર જોયું છે. એ રાસના કે દાંડિયા રમવાના શોખીન હોય છે એ પણ એક પ્રકારનું શૂરાતન ગણાય છે. આવું જ રણમેદાનમાં જોવા મળે! યુદ્ધમાં લડવૈયાઓને શૂરાતન ચઢાવવા શૌર્યરસનો રાગ ‘સિંધૂડો’ ગવાતો હોય છે. અહીં શબ્દોમાં અને કંઠની એવી અસર થાય છે કે લડવૈયા ‘મારું કે મરું’ જેવી મનોસ્થિતિમાં આવી જાય છે. શૂરવીર હોય એનાં પારખાં તો લડવાના સમયે જ થાય છે. મતલબ કે બળની પરખ યોગ્ય સમય આવે ત્યારે જ થાય છે. એટલે જ ચોવક કહે છે કે, "સૂરા સિંધૂ઼ડે સુઞણાજેં સૂરા એટલે શૂરવીરો ‘સુઞણાજેં’નો અર્થ થાય છે, ઓળખાય! સિંધૂડો વિશે તો આપણે સૌ જાણીએ છીએ! જોકે, એ જ્યારે લડાઈઓ લડાતી ત્યારની વાત છે. પણ આજના સમયમાં તેને એ રીતે સમજી શકાય કે, કોઈ પણ કઠિન કામ પૂરું કરાવવા કોઈને પાનો ચઢાવવા વપરાતા શબ્દો એ ‘સિંધૂડા’નું જ સ્વરૂપ છે.

બાકી તો, વાતમાં ને વ્યવહારમાં શૂરવીરતા દાખવનારા અસંખ્ય હોય છે, તેઓ સમાજમાં પોતાની છાપ જ એવી ઊભી કરે કે, લોકો કહે કે, ‘મોરો તો સિંહનો છે’, પણ ખરેખર એ સિંહ જેવો પ્રભાવ ધરાવતા હોય, એવું ન પણ બને. એટલે જ ચોવક એવી વ્યક્તિઓનો પરિચય આપતાં કહે છે કે, "મોરો સીં જો ને પુઠ ગડો઼ડેજી ભાવાર્થ સ્પષ્ટ થાય છે કે, રૂઆબ ખૂબ જ પણ ખરેખર હિંમતના નામે મીંડું! દેખાવ પ્રભાવશાળી લાગે, જરૂર લોકો તેનાથી અંજાઈ પણ જાય, પણ એ પ્રભાવનું પરિણામ શૂન્ય હોય છે. સિંહ જેવો મોરો જરૂર હોય પણ પીઠ જુઓ તો ગધેડા જેવી હોય તે આનું નામ. ‘મોરો’ એટલે ચહેરાનો કે સામેનો દેખાવ, ‘સીં’નો અર્થ થાય ‘સિંહ’, ‘પુઠ’ એટલે પીઠ અને ‘ગડોડેજી’ એટલે ગધેડાની પીઠ! સમાજના લોકોની પારદર્શકતા પ્રતિબિંબિત કરતી ચોવક પણ આને કહી શકાય! જીવનદર્શન કરાવે છે ચોવક.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2P5b3Y5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com