25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતીય કળાઓમાં મૂર્ત છે નાગદેવતા

પ્રાસંગિક-સુમન કુમાર સિંહભારતીય લોક ધર્મમાં નાગને દેવતા મનાય છે અને પરંપરા મુજબ તેની પૂજા કરાય છે. પ્રાચીન સંસ્કૃતિ હડપ્પા અને મોહન-જો-દરોમાંથી પ્રાપ્ત થયેલી મહોરો પર પણ નાગના ચિત્રો અંકિત થયેલા જોવા મળે છે. આમ તો પ્રાગૈતિહાસિક યુગમાં નાગદેવતાને પૂજવાની પરંપરા અનાર્ય કાળથી ચાલતી આવી છે, પણ આર્ય સભ્યતાને માનનારા ધર્માવલંબીઓ તથા બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધો દ્વારા પણ તેનો અંગીકાર થયો હતો. અથર્વવેદ, યજુર્વેદ તથા ગૃહસૂત્રોમાં પણ નાગપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં પણ સર્પ-મંત્રનો ઉલ્લેખ છે. બૌદ્ધ જાતક કથાઓમાં પણ અનેક નાગોના વર્ણન છે, સાથે જ નાગની પૂજાનો પણ ઉલ્લેખ જોવામળે છે.

ચીની પ્રવાસી હ્વેનસાંગે પોતાના પ્રવાસવર્ણનમાં ભારતના અનેક ભાગમાં નાગપૂજા થતી હોવાનું વર્ણન કરેલું છે. તક્ષશિલાની નજીક ઉત્તર પશ્ર્ચિમ દિશામાં એક નાગકુંડનું વર્ણન કંઇક આવી રીતે કર્યું છે. રાજધાનીથી થોડે દૂર એલાપત્ર નાગકુંડ હતો, જેનો વિસ્તાર લગભગ ૧૦૦ પગલાં જેટલો હતો. તેનું જળ બહુ નિર્મળ હતું. કુંડમાં નાના રંગીન કમળો હતા, જેનાથી તેની છબી સુંદર બનતી હતી. આ એલાપત્ર નાગ એવો ભિક્ષુક હતો, જેણે કશ્યપ બુદ્ધના સમયમાં એલાવૃક્ષને નષ્ટ કરી દીધું હતું. આથી સ્થાનિક લોકો જ્યારે વર્ષા કે તાપ માટે પ્રાર્થના કરવા અહીં આવતા, ત્યારે કોઇ એક ભિક્ષુને અવશ્ય સાથે રાખતા હતા. તે ચુટકી વગાડતા નાગનું અભિવાદન કરતા હતા અને આ રીતે તેમનો મનોરથ પૂર્ણ થઇ જતો હતો.

જો સાપ કે નાગપૂજાની માન્યતાની વાત કરીએ તો સૂર્યની જેમ સાપને પણ કાળનો ભક્ષક માનવામાં આવતો હતો. ત્યાં સુધી કે સૂર્ય અને યમરાજની સાથે સાથે સાપને પણ લગભગ સમાન મહત્ત્વ આપવામાં આવતું હતું. આ માન્યતાઓમાં સૂર્ય દૈનિક કાળનો પ્રતીક ગણાય છે જ્યારે સાપને મૃત્યુ કાળનો પ્રતીક માનવામાં આવે છે. કળામાં સાપનું અંકન ક્યાં ક્યાં થયેલું છે તેની વાત કરીએ તો બ્રાહ્મણકળામાં મથુરામાંથી અત્યાધિક સંખ્યામાં સર્પની પ્રસ્તર મૂતિઓ મળી છે. એવી કિંવદંતિ છે કે કુષાલ કાળમાં મથુરા નાગપૂજાનું એક મોટું કેન્દ્ર હતું. ત્યારે એ જ મથુરામાં ભગવાન કૃષ્ણ દ્વારા કાળિયા નાગ મર્દનની કથાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન શિવનું તો આભૂષણ જ સર્પ ને નાગ છે, જ્યારે ભગવાન વિષ્ણુ એક બાજુ ગરુડની સવારી કરતા જોવા મળે છે તો બીજી બાજુ ગરુડના દુશ્મન ગણાય છે તે નાગોને તેમની શેષશય્યા રૂપે અંકિત થયેલા જોવા મળે છે. નાગો અને સર્પોની આ વૈમનસ્યતાને લઇને વિનીતા અને કદ્રુની કથાનું વર્ણન પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે.

બૌદ્ધ સાહિત્યમાં નાગોના જે વિભિન્ન વર્ણન જોવા મળે છે તેના આધારે મુખ્યત્વે ત્રણ રૂપમાં તેઓ અંકિત થયેલા છે. કેટલાક સ્થાનો પર સર્પાકૃતિઓ જીવજંતુ રૂપે અંકિત થયેલી જોવા મળે છેતો એક અન્ય જાતનું વર્ણન અને અંકન એવું છે કે જેમાં સર્પને અડધો મનુષ્ય અને અડધા સર્પ રૂપે એટલે કે મિશ્રિત રૂપે જોવા મળે છે અને ક્યાંક નાગરાજનું વર્ણન જોવા મળે છે તેમાં પૂર્ણત: માનવરૂપે પણ અંકિત થયેલા જોવા મળે છે. બોધગયાની વેદિકા પર મુચલિંદ નાગ જંતુરૂપે અંકિત છે. બીજી બાજુ ભરહુત વેદિકા પર સર્પનું અંકન ઉપરોક્ત ત્રણ રૂપમાં એકસાથે મળે છે. એ ખાસ નોંધનીય વાત છે કે જ્યારે ભગવાન બુદ્ધ તેમની ગાઢ સમાધિમાં લીન હતા, ત્યારે મુચલિંદ નાગે તેમના શીર્ષ પર પોતાની ફેણોને ફેલાવીને તેમને ભયંકર વરસાદથી સુરક્ષા આપી હતી.

બીજી બાજુ એવું પણ વર્ણન જોવા મળે છે કે નિરંજના નદીમાંથી સ્નાન કર્યા પછી ભગવાન બુદ્ધ નીકળ્યા ત્યારે નાગ ક્ધયા દ્વારા તેમને સ્વર્ણ સિંહાસન આપવામાં આવ્યુંહતું, જે સ્વર્ણ સિંહાસન પર બેસીને તેમણે સુજાતા દ્વારા પ્રદત્ત ખીરને ગ્રહણ કરી હતી. ત્યાં સુધી કે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત કરવાની સૂચના પણ કાળીયા નાગે આપી હતી, તેવું વર્ણન પણ મળે છે. જોકે, નાગો અને બુદ્ધ વચ્ચે શક્તિ પ્રદર્શનનું પણ વર્ણન મળે છે. કશ્યપ બંધુઓની યજ્ઞશાળામાં ભગવાન બુદ્ધના આ શક્તિ પ્રદર્શનમાં અંતે ભગવાન બુદ્ધ વિજયી થયા હોવાનો ઉલ્લેખ પણ છે. આમ જુઓ તો ભગવાન બુદ્ધનો નાગ સાથેના સંઘર્ષનો ઉલ્લેખ ભલે મળતો હોય, પણ અંતે તો આ નાગ દ્વારા ભગવાન બુદ્ધની શ્રેષ્ઠતા સ્વીકારવા સાથે તેમની સેવાના પણ અનેક વર્ણન આવે છે. બ્રાહ્મણ કળામાં જોઇએ તો શેષનાગના મોટા ભાગે સાત ફેણવાળા રૂપ જોવા મળે છે.

મધ્ય યુગમાં ઓડિસાના મંદિરો પર મિશ્રિત રૂપમાં નાગરાજા તથા નાગરાણીની આકૃતિઓ જોવા મળે છે, જેમાં મુખાકૃતિ તો મનુષ્યની છે, પણ શરીરનો નીચલો હિસ્સો સર્પનો છે. જૈન કળાની વાત કરીએ તો અહીં તેમના ૨૩મા તીર્થંકર પાર્શ્ર્વનાથ સાથે પણ સર્પનો સંબંધ દેખાડવામાં આવ્યો છે. અહીં સર્પનું એ જ સાત ફેણવાળું રૂપ ચિત્રિત થયેલું જોવા મળે છે. ઇતિહાસની વાત કરીએ તો ફર્ગ્યુસન જેવા ઇતિહાસકારોનીમાન્યતા છે કે સર્પપૂજક માનવોને નાગની સંજ્ઞા આપવામાં આવતી. ક્યારેક સર્પ તેમના વંશનું ચિહ્ન રહ્યું હશે પણ કાળાંતરે આ લોકો પોતે નાગના નામથી ઓળખાશે. નાગોથી સંબદ્ધ દેવતાઓને માનવરૂપ સાથે સાથે નાગરૂપે પણ અંકિત કરવાની પરંપરા ઇ.સ. પૂર્વે ૨૦૦ વર્ષથી પ્રચલિત રહ્યાની સાક્ષી ઇતિહાસકારો આપે છે. સાહિત્યિક વર્ણનોની વાત કરીએ તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નાગની પૂજા અને નાગ પ્રતિમાઓની પણ ચર્ચા આવી છે. ભારતીય પૌરાણિક ધર્મકથાઓ અને લોકકથાઓમાં નાગોનો ઉલ્લેખ થયેલો છે. જોકે, તેમનો કોઇ જંતુને બદલે દેવતાની શ્રેણીમાં રાખીને ઉલ્લેખ કરવામાં આવે છે. નાલંદામાંથી પ્રાપ્ત એક નાગ પ્રતિમામાં નાગદેવના જમણા હાથમાં જપ કરવાની માળા છે અને તેના ડાબા હાથમાં કમંડળ છે. નાગદેવનું આસન તેમની કાંચી છે અને માથા પર સાત ફેણોનું છત્ર સુશોભિત છે. પોતાની ઊઠેલી અને ફેલાયેલી ફેણોથી ખભા અને માથાને ઢાંકી રાખવું એ નાગની મૂર્તિઓનો વિલક્ષણ ગુણ છે, જેનું ભારતીય કળામાં બહુજ મનોરમ્ય પ્રદર્શન જોવા મળે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

S6710h8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com