14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આધુનિક છાબડીમાં ઉપવનનાં પુષ્પો

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરઆધુનિક કવિતા કેવી હોય! જે આજની ભાષાને પોતાની ભાષામાં એવી રીતે એક કરે કે જેથી ક્યાંય સાંધણ દેખાય નહીં. બલકે જ્યાં જ્યાં ભાષાને ભેળવી હોય ત્યાં ત્યાં રંગબેરંગી ફૂલો એકબીજા સાથે ગેલ કરતાં હોય. એનું નામ નવી કવિતા આ પણ એક નવી કવિતાની પરિષાભા હોઈ શકે. કવિતા જ્યારે હાથ લાંબા કરી કોઈ શબ્દને આલિંગન આપતી હોય ત્યારે એની પાસે ભાવ સિવાય બીજો કોઈ રંગ હોતો નથી.આ તો આધુનિક છાબડીમાં મૂકેલાં ઉપવનનાં પુષ્પો છે. એને સંવેદનાની ભૂમિકાએ થોડા જોવાનાં હોય! કવિ કૃષ્ણ દવેની આ રચના આવી અનેક પ્રતીતિઓ કરાવી રહી છે. ત્રણ-ચાર દાયકા પછીની પ્રકૃતિ કવિતા આવી જ હશે. જેમાં ‘ઝાકળનાં ટીપાં’, ‘કળીઓ’, ‘રંગો સુગંધો’, ‘ઉષા’, ‘લીમડાની લીફટ’, ‘ખિસકોલી’, ‘બુલબુલનું સ્ટેશન’, ‘નરસિંહ મહેતાનું પરભાતિયું’, ‘સુઘરીની કાંતણકળા’, ‘ભમરાનો મોબાઈલ’, ‘ટહુકાનાં તોરણ’, ‘રંગોનું સૉફટવેર’, ‘પતંગિયાંઓની રમત’ આવા તો કેટલાય અર્થસભર લહેકાઓ આ રચનામાં સાંભળવા મળે છે.

આધુનિક માણસ અને પ્રકૃતિ જ્યારે હાથ મેળવે છે ત્યારે આખું જગત નવા નક્કોર વાઘા પહેરતું જણાય છે.

કવિ કૃષ્ણ દવેની બંધ હથેળી ખૂલે છે અને એ બંધ ખોબાની દુનિયા આપણી સામે ખૂલ્લું હસતી જણાય છે. આમ તો કૃષ્ણ દવેએ નામ મુજબ શબ્દ બાંસુરી છેડી અને પ્રકૃતિ પોતાના સંતાનો જેવા પદાર્થોની ‘બારણે ટકોરા’ મારતી જણાય છે. અહીં તો ક્ષણભંગુર ઝાકળનાં ટીપાં છે. જે કવિ આવી ક્ષણને સાચવે છે એમને માટે જ ‘વાહ કવિ’નો સહજ ઉદ્ગાર સહૃદયની પાસેથી મળે છે. જેમ ઝાકળનું ટીપું ક્ષણભંગુર છે એમ કળી પણ ફૂલ બનતા પહેલાં પોતાના ક્ષણભંગુર કળીપણાને સાચવતી હોય છે. ઝાકળ અને કળી સાથે મળે તો બાગ-ઉપવન જાણે વસંતનું વરદાન પામતાં હોય છે. અહીં પ્રભાતનું ચિત્ર છે. આછો અજવાસ રંગોથી - સુગંધોથી ઊભરાય છે.

નગરવાસી આ કાવ્યનાયિકને મનભરીને માણે છે. બારણું ખોલતાં જ દૂધવાળા કે છાપાવાળાના દર્શન કરવાની શહેરીજનોને આદત હોય છે. એને બદલે ઝાકળ અને કળીને આ રીતે કાર્યરત જોઈને માનવજાત પણ થોડી ક્ષણો માટે આ નંદનવનનાં આનંદમાં ડૂબી જાય છે. રંગો - સુગંધોના પગલાંમાં નર્યો આનંદ છે. રંગ-સુગંધની દુનિયા એ તો ફૂલોની જાગીર છે.

સ્ક્રીન અને ડોરબેલની ભાષા આધુનિક છે. પડદા પરની દુનિયા રંગબેરંગી છે. ઉષાની લાલી, લીમડાની હરિયાળી અને ખિસકોલીનાં ભૂખરા રંગોની અનેરી છટા... લીમડાની ડાળી પર એક પલકારામાં નીચે પહોંચતી ખિસકોલી જાણે નિયતિની ગતિ સાથે સ્પર્ધા કરતી જણાય છે. લીમડાની ડાળી પર સરકતી ખિસકોલી ‘મૉર્નિંગ વૉક’ લેવા આગળ વધે છે. કવિએ યોજેલા શબ્દોની મોહિની હજી વધુ ને વધુ ઘૂંટાતી જણાય છે.

ગુજરાતીના આદ્ય કવિ નરસિંહ મહેતા અને એના મનભર ચિરંજીવ પરભાતિયાં. હજીયે કાનને માધુર્યથી તૃપ્ત કરે છે, કારણ એની રજૂઆત બુલબુલના સામ્રાજ્યમાંથી થયેલી છે. સુઘરીનો માળો એટલે શિલ્પકાર અને દરજીનો અતૂટ નાતો. એ બે તરણાંથી જાણે પોતાના વિશ્ર્વને અખંડ આકૃતિમાં ગૂંથી શકે છે.

મોબાઈલ સંદેશાના માધ્યમથી સમગ્ર દુનિયાને એક કરે છે; નાની બનાવે છે. અહીં મોબાઈલને પણ કવિ ક્રિયાહીન નથી રાખતા ભમરો અને સંદેશાની આપ લે કરતો મોબાઈલ... કયા બાત હૈ! કવિની કલમનો સ્પર્શ જે જે પ્રકૃતિના સાથીઓને થાય છે. તે તે બધા જાણે આ પારસમણિના સ્પર્શથી ચેતનાપૂર્ણ થાય છે.

વૃક્ષો પરોઢના આગમનને અનેરી રીતે વધાવે છે. શુભ-મંગલ પ્રસંગે બારણે તોરણ ઝૂલે એમ દરેક ડાળી ટહુકાના તોરણોથી ઝૂલી રહી છે. પણ એનો પ્રભાવ નાનકડા પતંગિયાં પર થતો હોય તેમ રંગોનું સૉફટવેર જાણે પાંખો પર ભરીને રંગીન સપનાં જેવાં પતંગિયાં રમવાની મજા લઈ રહ્યા છે.

સમગ્ર રચનાને કવિએ આધુનિક બનાવી છે શબ્દાર્થના પ્રભાવથી. આનંદ હંમેશાં મેઘધનુષના રંગો લઈને હૃદયમાં ઊતરી આવે છે. એમ આ રચના પણ સભર છે. રંગબેરંગી વાઘા પ્રકૃતિના છે. પણ એનો આનંદ લે છે માનવસૃષ્ટિ. શબ્દ, રસ, ધ્વનિ, રૂપ અને સૌરભ સભર આ સૃષ્ટિ છે. સહજ અર્થે અહીં પ્રભાતનું માનવચક્ષુથી અંકાયેલું ચિત્ર છે પણ કવિએ એ સૃષ્ટિના આનંદને શતગુણો બનાવે એવી સબળ કલ્પના સર્જી છે. પ્રતીક અને કલ્પનોની દુનિયા કરતાં આ સૃષ્ટિ અનેરી છે જેમાં ગીતની લયકારી છે, ‘લોલ’ની ઊર્મિ છે અને આસપાસની ધબકતી સૃષ્ટિનો હૂંફાળો શ્ર્વાસ છે.

---------------------------

અનુબંધ

ઝાકળનાં ટીપાંએ

ડોરબેલ મારીને,

કળીઓએ બારણાં

ઉઘાડ્યાં રે લોલ;આછા અજવાસમાં

રંગો સુગંધોએ

દોડીને પગલાંઓ

પાડ્યાં રે લોલ!દૂર દૂર સ્ક્રીન ઉપર

ઉપસી રહી છે સ્હેજ

ઉષાની લાલ લાલ

લાલી રે લોલ

લીમડાની લીફટમાંથી

નીચે ઊતરીને

બે’ક ખિસકોલી

પોક લેવા ચાલી રે લોલબુલબુલના સ્ટેશનથી

રીલે કર્યું છે

એક નરસિંહ મહેતાનું

પરભાતિયું રે લોલ

લીલા ને સુક્કા

બે તરણામાં સુધરીએ

કેટલુંયે જીણું જીણું

કાંતિયું રે લોલ.ચાલુ ફલાઈટમાંથી

ભમરાએ, કોણ જાણે

કેટલાયે મોબાઈલ

કીધા રે લોલ

એવું લાગે છે જાણે

આખ્ખીયે ન્યાતને

ફૂલોનાં સરનામાં

દીધાં રે લોલ.ડાળી પર ટહુકાનાં

તોરણ લટકાવીને

વૃક્ષોએ આંગણાં

સજાવ્યાં રે લોલ

પાંખો પર લોડ કરી

રંગોનું સૉફટવેર,

રમવા પતંગિયાંઓ

આવ્યાં રે લોલ.

- કૃષ્ણ દવે

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2872Mh
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com