19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આઈએએસ ઓફિસર કે સમાજસેવક?

પ્રાસંગિક-દર્શના વિસરીયાસરકારી બાબુઓની ઈમેજ આપણા મગજમાં એટલી બધી ખરડાયેલી છે કે જો ભૂલથી કોઈ એકાદ સાફસૂથરી છબિવાળો સરકારી બાબુ આપણને મળી જાય તો પણ એને શંકાની નજરે જોવાનું આપણે ચૂકતા નથી. આટલું ઓછું હોય તેમ જો કોઈ સરકારી અધિકારીએ સારું કામ કર્યું હોય તો એમાં તેનો શું સ્વાર્થ છુપાયેલો હશે એવો અલપઝલપ વિચાર પણ મનમાં આવી જ જાય નહીં? પણ આજે આપણે વાત કરવાના છીએ આવા જ એક આઈએએસ ઓફિસર કે જેણે એક શાળાના સમારકામ માટે તેની બે મહિનાની સૅલરી આપી દીધી. મળો, ૨૦૧૫ના બૅચના સ્વપ્નિલ ટૅમ્બેને.

મેઘાલયના પશ્ર્ચિમ ગારો હિલ્સના અંતરિયાળ વિસ્તાર દાદેંગરે સિવિલ સબ ડિવિઝનમાં સબ ડિવિઝનલ ઓફિસર (એસડીઓ) તરીકે ફરજ બજાવી રહેલા સ્વપ્નિલ ટેમ્બેનું માનવું છે કે જેમના માટે પણ શક્ય હોય એવા લોકોએ તેમની આસપાસમાં આવેલી શાળાને દત્તક લઈને વિદ્યાર્થીઓનું ઉજ્જ્વળ ભવિષ્ય ઘડવામાં ચોક્કસ યોગદાન આપવું જોઈએ.

પોતાની અનોખી યાત્રાની શરૂઆત ક્યાંથી થઈ એ વિશે વાત કરતાં સ્વપ્નિલ કહે છે કે ‘આઈએએસની ટ્રેનિંગ વખતે મને યુનિયન મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસૉસિઝ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની તક મળી અને એ જ વખતે શિક્ષણને ખૂબ જ નજીકથી જાણવાનો-સમજવાનો મોકો મળ્યો અને બસ એ જ વખતે મેં આના માટે કંઈક કરવાનો નિર્ણય કરી લીધો. પછી જ્યારે મેઘાલયના ગારો પર્વતો વચ્ચે આવેલા વિસ્તારમાં મારી પોસ્ટિંગ કરવામાં આવી ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે મારા વિસ્તારમાં

સરકારી શાળાઓની સંખ્યા ખૂબ જ

ઓછી છે.’

બસ આ વાત ધ્યાનમાં આવતા જ સ્વપ્નિલે સરકારી શાળાઓની સ્થિતિ અને શકલ બંને બદલી નાખવાનો ઈરાદો કર્યો અને એ માટે રોજ ઓફિસ જતાં પહેલાં સ્વપ્નિલ સરકારી શાળાઓમાં એક આંટો મારી આવતો અને ધીરે ધીરે તેને સમજાયું કે લોઅર પ્રાઈમરી શાળામાં માંડ બે-ત્રણ ઓરડા હોય છે અને શિક્ષકોની સંખ્યા પણ લગભગ એટલી જ હોય છે અને ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦થી ૪૦ની.

સ્વપ્નિલ કહે છે કે ‘મેઘાલયના આ વિસ્તારમાં તો શિક્ષણની સ્થિતિ હજી સારી છે, મેઘાલયના ઉત્તરીભાગમાં જ્યાં વસતિ ખૂબ ઓછી છે ત્યાં તો શિક્ષણનું સ્તર હજી વધુ કથળેલું છે.

જોકે આની પાછળ પણ કારણ છે. શાળામાં આવનારાં બાળકોમાંથી મોટાભાગનાં બાળકો તેમના પરિવારમાંથી શાળામાં જનારી પહેલી પેઢી છે (અર્થાત્ આ બાળકોના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી શાળામાં ગઈ જ નથી!) આ ઉપરાંત પણ પર્વતીય વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઈલેક્ટ્રિસિટી આ બે ખૂબ જ મહત્ત્વની સમસ્યા છે.’

જોકે સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે પશ્ર્ચિમી ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનરે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે ‘પ્રોજેક્ટ સ્ટાર’. આ પ્રોજેક્ટ હેઠળ શાળાની કાયાપલટ કરવાનું કામ કરવામાં આવે છે અને શાળામાં મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં સ્વપ્નિલે પોતાની સક્રિય ભાગીદારી દેખાડીને સોંગાદિંગરે ગામની એક લોઅર પ્રાઈમરી શાળાને દત્તક લીધી.

‘મેં દત્તક લીધેલી શાળામાં ત્રીસ બાળકો ભણતા હતા અને બે જ રૂમ હતા. સોંગાદિંગરે આંગણવાડીની બિલ્ડિંગ પણ શાળાની નજીક જ હતી. એટલે અમે લોકોએ વિચાર્યું કે આ બિલ્ડિંગનું પણ પુનર્નિર્માણ

કરવું જોઈએ. શાળામાં રહેલું ફર્નિચર પણ જૂની અને જર્જરીત અવસ્થામાં હતું. ટૂંકમાં મેં આ શાળાને મૉડલ શાળામાં બદલવાનો નિર્ધાર કરી લીધો. મારું આ કામ જોઈને બાકીના લોકોને પણ પ્રેરણા મળશે.’ એવું કહે છે સ્વપ્નિલ.

સ્વપ્નિલ રાજ્યના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાને પોતાનો રૉલ મોડેલ માને છે અને તેમના નક્શે કદમ ચાલીને જ તેણે પોતાનો બે મહિનાનો પગાર સ્કૂલના સમારકામ માટે દાનમાં આપવાનો નિર્ણય લીધો. તેનો બે મહિનાનો પગાર ભેગો કરીને આશરે રૂ. ૧.૫૦ લાખ અને બાકીના રૂ. બે લાખ ક્રાઉડ ફંડિંગના માધ્યમથી એકઠા કર્યા. આ માટે ભારત સહિત વિદેશમાંથી પણ સ્વપ્નિલને મદદ મળી અને એ પણ માત્ર બે જ દિવસમાં.

એકઠી થયેલી રકમમાંથી શાળાની ઈમારતની ધરમૂળથી કાયાપલટ કરવામાં આવી હતી. પહેલાં જ્યાં ચોમાસામાં શાળાના છાપરામાંથી

પાણી ટપકતું હતું એ બંધ થઈ ગયું છે. શાળામાં બારીઓ લગાવવામાં

આવી છે, દીવાલો પર કલરફૂલ પેન્ટ કરવામાં આવ્યું છે અને તેને

કારણે શાળામાં આવનારાં બાળકોના ઉત્સાહમાં પણ વધારો જોવા મળી

રહ્યો છે.

નવી બદલાયેલી શાળા વિશે સ્વપ્નિલ કહે છે ‘બાળકો હવે રોજ શાળાએ આવવા માગે છે, એટલું જ નહીં તેઓ જ્યારે પણ તેમની શાળા વિશે વિચાર કરે છે ત્યારે તેમના ચહેરા પર સ્મિત જોવા મળે છે. શિક્ષકોને પણ બાળકોને ભણાવવામાં આનંદ આવી રહ્યો છે. જોકે આ પરિવર્તનની પૂરેપૂરી ક્રેડિટ મને જ મળવી જોઈએ એવું નથી. સ્થાનિક લોકોએ પણ આ કામમાં નાની-મોટી મદદ કરીને યોગદાન આપ્યું છે.’

સ્વપ્નિલ તો ઈચ્છે છે કે જો શક્ય હોય તો દરેકેદરેકે વ્યક્તિએ તેમની આસપાસમાં આવેલી સરકારી શાળાઓને દત્તક લેવી જોઈએ અને આ શાળાઓમાં ભણી રહેલા વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશનું એક કિરણ લાવવામાં નિમિત્ત બનવું જ જોઈએ.

સ્વપ્નિલ જેવા યુવાન અને ઈમાનદાર સરકારી અધિકારીઓ પોતાના સારા અને ઉચ્ચ વિચારોથી સમાજમાં, શિક્ષણવ્યવસ્થામાં પરિવર્તન

લાવવાની પહેલ કરે તો ચોક્કસ જ નજીકના સમયમાં ભારતની સ્થિતિ સુધરી જશે અને એટલું જ નહીં, ભારતને આગળ વધતા પણ કોઈ અટકાવી શકશે નહીં!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1e8h5M1W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com