19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટેક્સટેશનશિપમાં વાતચીત કરવાની ટ્રિક

પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહઆજે અહીં બે વાત આવરી લેવાની છે, કારણ કે બે જુદી સમસ્યા લઈને બે પુરુષો બારણું ખખડાવે છે. પહેલી વાત થોડી વિસ્તારીને કરવી પડે છે. બીજી વાત એક માતાની ચિંતાને ઝીલીને એક પિતા એના બાળવયનાં સંતાનોનાં આહારની વાત લઈ આવ્યો છે. માતાએ આપેલી ચિંતા પિતાને પણ વળગી છે કે બાળકો પોષક આહાર આપવો હોય તો શું આપવું... વગેરે

એની વે, પહેલી સમસ્યા એવી છે કે એક પિતાનો ટીનેજર અને જસ્ટ કૉલેજમાં જતો પુત્ર એક કિશોરી સાથે દોસ્તી ધરાવે છે, ટૂંકમાં રિલેશનશિપમાં છે. માતાપિતાને આ બાબતે સમસ્યા નથી, પણ છોકરો આખો દિવસ મોબાઈલ પર સતત મેસેજ કર્યા કરે છે અને સામે પેલી છોકરી પણ સંદેશાનો જવાબ સંદેશો પાઠવીને આપે છે. ‘ભાઈલો’ જગતનું ભાન રાખ્યા વિના મોબાઈલમય રહે છે અને પુત્રને પૂછતાં એ કહે છે, "ડેડ-મોમ, હું ટેક્સટેશનશિપમાં છું. માતાપિતા વધારે ચિંતામાં એટલે છે કે એમને આ નવી ‘શિપ’ એટલે કે ટેક્સટેશનશિપ શું છે એ વિશે ઝાઝું જાણતાં નથી અને પૂછવા જતાં પોતાનું ‘નાણું’ વિના કારણે ‘ખોટું’ પુરવાર થાય એવું છે.

ખરેખર તો સ્ત્રીપુરુષ રિલેશનશિપમાં અથવા રિલેશનશિપમાં ઊતર્યા બાદ સ્ત્રી અને પુરુષ સામસામે એકબીજાને નાંણી જોવા માગતાં હોય ત્યારે અને સામી વ્યક્તિ પોતાને અનુરૂપ છે એ વાત પાકી કરી લેવા માગતાં હોય છે. ખરેખર તો રિલેશનશિપનું આ એક અંગ છે જે આજકાલ વધારે ચલણમાં આવ્યું છે. ખાસ તો આ પદ્ધતિ દ્વારા પુખ્ત કે યુવાન સ્ત્રીપુરુષો પરસ્પરનું માપ-તોલ કાઢવા માટે અજમાવી જોતાં હોય છે. આપણાં સબજેક્ટ ટીનેજર છે, પણ કિશોરવયનાં ઓલમોસ્ટ પરાકાષ્ઠાનાં કાળમાં છે. પિતાએ પુત્રને ડાયરેક્ટ સમજાવવા કહ્યું છે એટલે એ પુરુષને સમજણ આપવાની સાથે ટીનેજરોને પણ પથ્ય પડે એવું કહી દેવું છે.

તો આ ‘ભાઈલો’ ટેક્સટેશનશિપમાં છે. જેમણે આ વિશે જાણ્યું-સાંભળ્યું નથી એમને માટે આ શબ્દ સ્ત્રીપુરુષ સંબંધોનો જ એક હિસ્સો છે, જેમાં પુરુષ અને સ્ત્રી સામી વ્યક્તિ પોતાને ફિટ છે કે નહીં એનો કયાસ કાઢવા માટે ઊંડા પાણીમાં પગ મૂકતાં પહેલા પાણીનું છિછરાપણું કે ઊંડાણ ચકાસે છે. વળી, ટેક્સ્ટ મેસેજિસ જ વાતચીતની કે કમ્યુનિકેશનની એક માત્ર રીત હોય છે એવું માની લઈને એમ કહેવું પડે કે, ‘એ ઓનલાઈન સંદેશાઓ તમારા વિશે મોટાભાગે રાઈટ રીતે રાઈટ વાત જણાવતા હોવા જોઈએ.’ એ વિશે જાણવું જોઈએ ટેક્સટેશનશિપનો સહારો લેનારાં દરેકે! અહીં થોડા સૂચનો છે, જો કામ લાગે તો... (કામ લાગશે જ).

કંટાળો ઊપજે એવું ન થાય: આ સૌથી મહત્ત્વનું અને સૌથી પહેલું એટલે કે ‘નૂમરો ઉનો’ સૂચન છે અને એનો અમલ એકદમ જરૂરી છે. હંમેશાં તમારો ટેક્સ્ટ સંદેશો ટૂંકો રાખો. ગુજરાતી છાપાંમાં એક સમયે ‘સંક્ષિપ્ત’ કે ‘સંક્ષેપ’ સમાચારો આવતાં. આજે પણ અંગ્રેજી છાપાંમાં ‘ન્યૂઝ ઈન બ્રીફ’ આવે છે. એનાં કરતાં પણ સંક્ષેપમાં મેસેજ હોય એ હિતાવહ છે. આ રીત કમ્યુનિકેશનનું શોર્ટ ફોર્મ છે. એ એટલા માટે કે તમે રૂબરૂમાં મળો ત્યારે સામસામી વાતચીતમાં ઊંડાણપૂર્વક વાત કરી શકાય. લાંબો સંદેશો નવા સવાલો પેદા કરે છે એટલે ટૂંકી વાતચીત-શોર્ટ મેસેજિસ લાંબો લેખ બની જાય છે. તમારે જે કઈં કહેવું છે એ ટૂંકામાં ટૂંકા વાક્યમાં કહો.

સંદેશા ચોખ્ખા રાખજો: મહેરબાની કરીને કોઈ પણ જાતની ઈન્ટિમસી, ઘરોબો કે નિકટતા ન જ હોવી જોઈએ. તમે હજી શરૂઆત જ કરી છે માટે સંદેશાઓમાં ડબલ ટૉક, દ્વિઅર્થી વાત કરતાં પહેલાં જાતને કાબૂમાં રાખજો. આનો સીધો અને એકમાત્ર અર્થ એટલો જ છે કે તમારા સંદેશામાં ફ્લર્ટી ફન ચૅટ એટલે કે નખરાળી કે હળવી પ્રણયચેષ્ટાની રમૂજ કે વિનોદથી વધારે કશું જ ન હોવું જોઈએ. ઘણા સંદેશામાં છાની વૃત્તિનો સંકેત આપતી વાત લખે છે. ટૂંકમાં આમ કરીને તમે સામી વ્યક્તિની શાખ પર અવિશ્ર્વાસ કરો છો એવું નક્કી થઈ જશે.

ધીરજ મહત્ત્વનો ગુણ છે: સામી વ્યક્તિને સંદેશો મોક્લ્યો છે અને હજી સુધી તમને જવાબ મળ્યો નથી? તમને તમારા સંદેશાના ખૂણે બે બ્લ્યુ ટિકમાર્ક જોવા મળ્યા હશે એટલે સામી વ્યક્તિએ એ મેસેજ ચોક્કસ જ વાંચી લીધો છે કે જોઈ લીધો છે એવું તમને સમજાઈ જ ગયું હશે અને એટલે તમને વળતો જવાબ મેળવવાની ઉતાવળ થઈ હશે! પણ જરા ધીરજ રાખો. સામી વ્યક્તિએ સંદેશો વાંચ્યો હોઈ શકે અને ન પણ વાંચ્યો હોય એમ બની શકે. એને જવાબ આપવાનો સમય આપો. એક વાત તો ચોક્કસ જ છે કે એણે તમારો મેસેજ વાંચી લીધો છે અને એ જવાબ આપવા પણ માગે છે, પણ પોતાની વાત સારા ઢાંચામાં ગોઠવવા માટે એને વિચાર કરવો પડે એમ છે, સમય જોઈએ એમ છે. પ્લીઝ, રાહ જુઓ. રાહ જોવા માટે સબૂરી-ધીરજ-પૅશન્સ મહત્ત્વનો ગુણ છે, કેળવો.

સમયનું માન પણ રાખો: ટેક્સટેશનશિપમાં કેટલાક વળી એવા ફાજલ બની જાય છે કે દર વખતે સંદેશો લખ્યા કરે અને મોકલ્યા કરે, પણ ‘ભાઈલા’ઓ મહેરબાની કરીને વહેલી સવારે કે પરોઢના સમયે ટેક્સ્ટ્સ ન કરો. સામી વ્યક્તિને એનો વાંધો ન હોય તો ઠીક નહીં તો તમારું ઉતાવળાપણું અવિચારી બહાવરાપણાંમાં ગણાઈ જશે. સંદેશાઓ દ્વારા કરાતી વાતચીત ચોક્કસ સમય દરમિયાન બંધ રાખવી પણ જરૂરી છે. એમ કરવાથી તમે સામી વ્યક્તિની કે તમારી ગર્લફ્રેન્ડનાં સમયપત્રકનું માન રાખો છો અને એને મહત્ત્વ આપો છો એવું કહેવાશે.

વિનોદવૃત્તિ કે હાજરજવાબી બહુ કામ કરે છે: આ છેલ્લી વાત ખરી પણ આખરી કે અંતિમ વાત નહીં એટલું તો પાકું, કારણ કે આ વિશે ઘણું બધું કહી શકાય છે. સંદેશાઓમાંથી તમારી રમૂજવૃત્તિ કે હાજરજવાબી દેખાવી-પરખાવી જોઈએ. તમે વિનોદ ઉપજાવતી રમૂજ કરો અથવા હાજરજવાબ વન-લાઈનર મોકલો તો એ ચોક્કસ જ કેટલાક વધારે પોઈન્ટ સ્કોર કરે છે અને તમારી ઈન્ટલેક્ચ્યુઅલ બાજુ-બૌદ્ધિક બાજુ પ્રગટ કરશે. હવે આપણે બીજા પુરુષની વાત પર નજર નાખીએ કે, એનાં બાળકોને પોષક આહારમાં શું આપવું. ઘણાં એમ માનતા હોય છે કે ભરપૂર ખવડાવવું એટલે ઉત્તમ આહાર ખવડાવ્યો કહેવાય અને એવો સંતોષ માતાપિતાને થાય, પણ એવું નથી.

ખરેખર બહુ ખવડાવવું કે ભરપૂર આહાર આપવો એટલે ઉત્તમ આહાર આપ્યો એમ ન કહેવાય. આહારમાં સંખ્યાત્મક વધારો કરવાને બદલે ગુણાત્મક વધારો કરવો મહત્ત્વનો છે. ટૂંકમાં તમે તમારા બાળવયનાં સંતાનને સવારમાં પાંચ બદામ, પંદર કાજુ, પાંચ ખજૂર અને ત્રણ અંજીર અને ઉપર ગરમ દૂધ આપતા હો તો એ સંખ્યાત્મક કહેવાય, પણ ફક્ત એક કેળું કે એક સફરજન કે એક દાડમ સવારના નાસ્તામાં આપો અને એ બચ્ચું પચાવી શકે છે એની ખાતરી-કાળજી રાખો તો એ ગુણાત્મક કહેવાય. ખારેક તો બાળકનાં શરીરના અને બુદ્ધિના વિકાસ માટે આહાર સાત્ત્વિક હોવો જરૂરી છે. દરેક માતાપિતાને પોતાનું બાળક સુદૃઢ અને શક્તિશાળી બને એવી ઈચ્છા હોય છે. આ વિચાર હોવો કે થવો એ પણ બરાબર છે, પણ એ માટેકોઈ જાદુઈ ગોળી કે દવા નથી એ વાત સાહજિકપણે ધ્યાનમાં લેવાતી નથી. એક વાત સમજે, કે તમે એક નાનો છોડ વાવો અને એને નિયમિત ખાતર-પાણી આપો તો સમય જતાં છોડનું રૂપાંતર એક વૃક્ષમાં થાય અને એનાં પર ફળ-ફૂલ બેસે. બાળકનું પણ આવું જ છે. આહાર ઉત્તમ હશે તો વિકાસ પણ ઉત્તમ હોવાનો. એના અનુસંધાનમાં ઉત્તમ વિકાસ માટે આહાર સાત્ત્વિક હોવો જોઈએ. ડાહ્યા લોકોએ કહ્યું છે ને કે, ‘વી આર... વ્હોટ વી ઈટ’.

ખરેખર તો આ સમસ્યા કે વિચાર એક પુરુષે વ્યક્ત કર્યો છે એની પાછળ તો એની પત્ની છે એટલે કે એક માતા છે. માતાને બાળકને આપવાના કે અપાતાં પોષક આહાર વિશે માહિતી હોવી જ જોઈએ. એ જરૂરી પણ છે નહીં તો બાળક કુપોષિત રહે છે અથવા સ્થૂળ-લઠ્ઠ બને છે. બાળકની વય પ્રમાણે આહારમાં પ્રોટિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, આવશ્યક ઓમેગા ફૅટિ એસિડ્સ, વિટામિન્સ, મિનરલ્સ વગેરેની આવશ્યક્તા હોય છે એટલા માટે જ આહારમાં દૂધ, ચણા, તુવેર, મગ, અડદ, વટાણા, મસૂર, મઠ, ચોળા જેવા કઠોળ, ફળો, ભાજી, ઈંડા (ખાતાં હો તો)નો સમાવેશ હોવો જોઈએ એમ જાણકારો કહે છે. આહાર યોગ્ય ન હોય તો ઍનિમિયા થાય છે અને બૌદ્ધિક વિકાસ ધીમો પડે છે.

ખાસ કરીને બાળકનાં પહેલાં છ વર્ષ માતાપિતાએ એના આહાર વિશે બરાબર ધ્યાન આપે તો બાળકનો વિકાસ સરસ થાય છે. બાળક નબળું રહેતું નથી અને એવું તંદુરસ્ત બાળક માંદું પડતું નથી. દરેક બાળકે કોઈ પણ ભૂલ વિના કે આળસ વિના સવારનો નાસ્તો કરવો જોઈએ. દરરોજ સવારે ભરપૂર નાસ્તો કરનારું બાળક ઍનિમિક થતું નથી. એ બાળક એના ભણતરમાં પણ આગળ હોય છે, એમ એક અભ્યાસમાં પુરવાર થયું છે. વળી, બીજી એક મહત્ત્વની વાત છે કે બાળકને સ્કૂલમાં જતી વખતે નાસ્તાનો ડબ્બો કે ટિફિન આપવું જ જોઈએ. આ ડબ્બામાં ઘરમાં બનાવેલું જ અન્ન હોવું જરૂરી છે. પેકેટબંધ ખાદ્ય સામગ્રી કે ફાસ્ટફૂડ બાળકો માટે સારું નથી. બજારમાં મળતાં પેકેટ ફૂડ આપવાથી વિટામિનના કમતરતા નિર્માણ થાય છે.

વળી, આહાર હંમેશાં સમતોલ હોવો જોઈએ. આહારમાં દરેક પ્રકારના પોષકતત્ત્વનો સમાવેશ થવો જોઈએ. બધા પોષક દ્રવ્યો આહારમાં હોય તો શરીરમાં શ્ર્વેત પેશીઓ વધે છે અને વધારે સક્ષમ બને છે એને કારણે બાળકનું શરીર ચેપી રોગ કે સંસર્ગજન્ય બીમારીનો સામનો સહેલાઈથી કરી શકે છે. બાળકની રોગપ્રતિકારકશક્તિ વધે છે. સંતુલિત આહારમાં આટલું હોવું જોઈએ એમ નિષ્ણાતો કહે છે. વિવિધ પ્રકારનાં ફળો, શાકભાજી, લીલાં પાંદડાંવાળી ભાજી, દહીં, સૂકો મેવો, વિટામિન ‘સી’ (ક)થી સમૃદ્ધ પદાર્થ એટલે કે લીંબુના વર્ગમાં આવતાં બધા જ પદાર્થો. વિટામિન ‘ઈ’ (ઈ)થી સમૃદ્ધ પદાર્થ એટલે કે સૂકોમેવો, કઠોળ વગેરે. વિટામિન ‘એ’ (પ)થી ભરપૂર પદાર્થો, જેમાં ગાજર, રતાળું આવે છે. વિટામિન ‘બી’ (બ)ના પદાર્થો, જેમાં દૂધ, દૂધની વાનગી કે ઉત્પાદનો, મશરૂમ, વટાણા અને ફળો આવે છે. વળી, પાલક, બીન્સ, કઠોળ અને ફૅટ ન હોય એવાં માંસાહારી તત્ત્વોનો સમાવેશ થાય છે.

વૈશ્ર્વિક આરોગ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન-હુ)ના અહેવાલ અનુસાર, ૧૦થી ૨૫ વર્ષનાં છોકરા-છોકરીઓમાં વર્ષ ૨૦૪૦ સુધીમાં ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ, આંતરડાંનું કૅન્સર, દાંતની તકલીફો. ટીબી, ઍઈડ્સ જેવા રોગોનું પ્રમાણ ઝડપથી વધશે, એનો સામનો કરવા માટે જ અત્યારથી જ એ સુદૃઢ, સશક્ત પેઢીનું નિર્માણ કરવાની તાતી જરૂર છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

47RJ330
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com