14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખોટ કરતી કંપનીઓને ખરીદીને નફાકારક બનાવવાની વ્યૂહરચના

સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈશ્રીલંકાના ધમ્મીકા પરેરાની આર્થિક સ્થિતિ સારી હોવા છતાં માતા-પિતા તેમને છૂટથી પૈસા વાપરવા આપતા નહોતા તેનું કારણ તેમનામાં પૈસાની વેલ્યુ શું છે તેની સમજ આવે. માતા-પિતાના માર્ગદર્શન અને શિસ્તના વાતાવરણમાં ઉછરેલા પરેરાએ ઓછા ભણતર છતાં ધીમી ગતિએ આગળ વધતા શ્રીલંકાના બિઝનેસનું ચિત્ર બદલી નાખ્યું.

માત્ર ૩૦ વર્ષની ઉંમરે તેમણે મિત્ર સાથે મળીને ૨૦ વર્ષનો (૧૯૯૯-૨૦૧૯) માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તેમાં જે બિઝનેસ લક્ષ્યાંક મૂક્યો હતો તે નિર્ધારિત સમયગાળા પહેલાં એટલે કે ૨૦૧૮માં જ પૂર્ણ કરી બતાવ્યો.

તેમણે ખોટ કરતી કંપનીઓ/બૅંકોને હસ્તગત કરીને વિશેષ વ્યૂહરચના દ્વારા નફાકારક બનાવી દીધી. વ્યૂહાત્મક અને પુરુષાર્થથી તેમણે જોરદાર સફળતા મેળવીને શ્રીલંકાના સૌથી અમીર વ્યક્તિમાં સ્થાન મેળવ્યું છે. તેમનો અભિગમ એવો છે કે બિઝનેસના માલિક બનો, પરંતુ ઓપરેટર નહીં. પ્રોફેશનલ મેનેજમેન્ટને બિઝનેસ ચલાવવા દો. સારું શિક્ષણ તમામ સમસ્યા અને સફળતાની ચાવી છે. આવો તેમની સફળતાની સફર વિશે જાણીએ.

ધમ્મીકા પરેરાનો જન્મ શ્રીલંકાના પેયાગાલામાં ૧૯૬૮માં થયો હતો. આર્થિક સ્થિતિ એકંદરે સારી હતી. દાદા ડાંગરની ખેતી મોટાપાયે કરતા હતા. પિતા રિટેલ શોપ ચલાવતા હતા અને માતા શિક્ષિકા હતા. આર્થિક સ્થિતિ સારી છતાં તેમને છૂટથી પૈસા વાપરવા મળતા નહોતા. ઘરનું વાતાવરણ શિસ્તવાળું છે.

ધમ્મીકા ૧૧ વર્ષના હતા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને મહિને રૂ. ૩૦૦ મળતાં હતા (૧૯૭૯-૮૦માં). જોકે તેમાંથી તેઓ બચત કરતા હતા. પૈસાની વેલ્યુ શું છે તેની સમજ નાનપણથી માતાપિતાએ તેમને આપી હતી જે આગળ જતાં તેમને બહુ ઉપયોગી નીવડી. ટેક્ષીલા સેન્ટ્રલ કૉલેજ-મોર્તુવા યુનિવર્સિટીમાં ડિપ્લોમા ટેક્નોલોજી ડિગ્રી મેળવ્યા પછી આગળ ભણવાને બદલે તેમને બિઝનેસ સાહસ કરવાનો વિચાર આવ્યો. બીજુ કારણ ૧૯૮૭માં શ્રીલંકામાં સિવિલ વૉર ફાટી નીકળતાં તંગ વાતાવરણમાં તેમણે ભણવાનું છોડી દીધું.

ભારત આઝાદ થયા બાદના એક વર્ષ પછી શ્રીલંકા ૧૯૪૮માં બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયું હતું. તેના ૨૦ વર્ષ પછી ધમ્મીકા પરેરાનો જન્મ થયો. શ્રીલંકાની તમામ મોરચે પ્રગતિ ધીમી હતી. માળખાકીય સવલત ઓછી હતી.

ધમ્મીકા પરેરાએ દેશના બિઝનેસ ચિત્રને ઘણું ખરું બદલી નાખ્યું. તેમણે યુવા વયે તાઈવાન જઈને ટેક્નિકલ તાલીમ લીધી. પ્રારંભમાં સ્લોટ મશીનમાં રોકાણ કર્યું. વિદેશથી શીખીને આવેલા ટેક્નોલોજીની મદદથી ૨૦મા વર્ષે તેમણે સ્લોટ મશીન બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો. ચાર વર્ષ સુધી આ બિઝનેસ ચલાવ્યો. તેમના જૂના ઘરની પાછળ જ ફેક્ટરી હતી.

તેઓ ભણતા હતા ત્યારથી જ ઈલેક્ટ્રિક-ઈલેક્ટ્રોનિકમાં રસ હતો. ઈલેક્ટ્રોનિક સર્કિટ બોર્ડ બનાવવાનું શરૂ કર્યું. વચ્ચે થોડો સમય કાર વેચાણમાં ઝંપલાવ્યું હતું. માત્ર ૨૪ વર્ષની ઉંમરે કેસીનો શરૂ કરવાની હિંમત કરી. આ બધા બિઝનેસમાં સારું કમાયા બાદ તેમણે શેર માર્કેટમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. માર્કેટનો અભ્યાસ કર્યો. દશ વર્ષ સુધી આ માર્કેટમાં સક્રિય રહ્યા હતા. સારું વળતર મેળવ્યું. શેરબજારનો અનુભવ પછીથી તેમને કંપનીના આઈપીઓ વખતે કામ આવ્યો. પરેરા ખરેખર સ્વપ્નદૃષ્ટા છે. ૩૦-૩૧ વર્ષની ઉંમરે તેમણે મિત્ર નદીમ અલ હક (જે બાદમાં આઈએમએફમાં ઉચ્ચ હોદ્દા પર ગયા હતા) સાથે મળીને ૨૦ વર્ષનો (૧૯૯૯-૨૦૧૯) માસ્ટર પ્લાન (વિઝન ડૉક્યુમેન્ટ) તૈયાર કર્યો હતો. ૧૨ સેક્ટરમાં માર્કેટ લીડર બનવાનો લક્ષ્યાંક તે સમયે મૂક્યો હતો. ૨૦૧૮ સુધીમાં મોટાભાગનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે.

તેમની ગણતરી કે વ્યૂહરચના કેટલી સચોટ હતી તે તેમના દ્વારા હસ્તગત થયેલ ખોટ કરતી કંપની કે બૅંક કુશળ વહીવટથી નફો કરતી થઈ છે.

૨૪-૨૫ વર્ષની વયે તેમણે ખોટ કરતી રોયલ સિરેમિક્સ ખરીદી લીધી ત્યાર બાદ ખોટ કરતી નાણાં સંસ્થા/બૅંક પાન એશિયા બૅંક (પીએબીસી) હસ્તગત કરીને નફાકારક બનાવી હતી. સંપથ બૅંકમાં હિસ્સો ખરીદયા બાદ મોટા શેરધારક બન્યા હતા. એનડીબી બૅંકમાં હિસ્સો ખરીદયા બાદ વેચી નાખ્યો હતો.

થોડા વર્ષ પછી સિરેમિક ટાઈલ્સ ખરીદીને નફો કરતી કરી નાખી. હાઈડ્રોવિંડ પાવર, એલ્યુમિનિયમ ઉત્પાદન, ટૂરિઝમ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. એલબી ફાઈનાન્સ ખરીદયા બાદ વેલીબેલ ફાઈનાન્સમાં અંકુશ મેળવ્યો હતો. પેઈન્ટ, ગારમેન્ટ, ચા ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો. નિયોન લાઈટનું ઉત્પાદન શરૂ કર્યું, જે સેક્ટરમાં ઝંપલાવ્યું તેમાં સફળતા મળી. જોકે શિપિંગ સેક્ટરમાં ધારણા પ્રમાણે સફળતા મળી નહીં. ત્રણ જહાજ તેમની માલિકીના હતા.

શ્રીલંકાને જે કુલ કોર્પોરેટ ટૅક્સ મળે છે તેમાં પરેરાની કંપનીનો હિસ્સો ૧૦ ટકા છે. રિસોર્ટ, ઊર્જા, પ્લાન્ટેશન, ગારમેન્ટ, ફાઈનાન્સ, સેનેટરી, ટાઈલ્સ સહિત તેમની ૨૩ કંપની શેરબજારમાં લિસ્ટેડ છે. તેઓ પ્રારબ્ધથી અમીર કે સફળ થયા નથી, પરંતુ ગણતરીપૂર્વક અને વ્યૂહાત્મક રીતે ભારે પુરુષાર્થ કરીને આગળ આવ્યા છે. ખાનગી જાહેર ક્ષેત્રની અનેક કંપનીમાં સારો હોદ્દો મેળવ્યો હતો. સરકારના વિભિન્ન વિભાગમાં પણ ઉચ્ચ હોદ્દો ભોગવ્યો છે. શ્રીલંકા ઈન્વેસ્ટમેન્ટ બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છે. શ્રીલંકા ટ્રાન્સપોર્ટ ખાતાંના સચિવ પણ રહ્યા હતા. વ્યૂહાત્મક એન્ટરપ્રાઈસ મેનેજમેન્ટ એજન્સીના બોર્ડ મેમ્બર રહી ચૂક્યા છે.

હાલ તેઓ સંપથ બૅંક, વેલીબેલ ફાઈનાન્સ, વેલીબેલ ગ્રુપના ચેરમેન છે. રોયલ સિરેમિક, લંકા સિરેમિક અને એલબી ફાઈનાન્સના ડેપ્યુટી ચેરમેન છે. તે ઉપરાંત લંકા ફ્લોર ટાઈલ્સ, કીંગબરી, ઓરીટ એપરલના ડિરેક્ટર બોર્ડમાં છે.

વેલીબેલ વન બાય ટૂ, થ્રી અને ફોરની યોજના પણ છે. વેલીબેલ-વનના આઈપીઓને ઘણી સારી સફળતા મળી હતી. ધમ્મીકા પરેરાએ શ્રીલંકામાં અનેક સેક્ટરમાં સર્વોપરિતા સાબિત કર્યા બાદ તેમની પાંખો થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, યુ.કે. અને કેનેડામાં ફેલાવી હતી. તેમની ગ્રુપ કંપનીમાં ૬૨૦૦૦ કર્મચારી કામ કરે છે. હાલ શ્રીલંકાની સૌથી વધુ અમીર વ્યક્તિમાં તેમનું સ્થાન છે.

આવી સફળ વ્યક્તિના ક્વોટ અને કથન પ્રેરણાદાયક છે જે અત્રે સંક્ષિપ્તમાં જણાવ્યા છે. ટેક્નોલોજી સુધારાથી અથવા સમય પરિવર્તનથી ડરવું નહીં. ટેક્નોલોજી વિકાસ-પરિવર્તનથી ઘણા ડરે છે જોબ જતી રહેશે પણ એવું નથી.

અમુક લોકો કામના સ્થળે ભાષા, ધર્મ, જાતિ લાવે છે જે યોગ્ય નથી. વ્યક્તિ કયા ધર્મ-જાતિનો છે તે જોવા કરતાં તેની કૌશલ્ય, બુદ્ધિપ્રતિભા, કાબેલિયત અને કાર્યક્ષમતા જોવી જોઈએ જે સંસ્થામાં કામ કરતા હોય તેમાં જવાબદારીપૂર્વક કામ કરો, સાથોસાથ મેનેજમેન્ટ સારું હશે તો બંનેને લાભ થશે.

જીવનમાં કે બિઝનેસમાં કોઈ ભૂલ કરી હશે તો તે કયાં કરી છે તે શોધીને સુધારો કરો. દરરોજ કંઈ નવું શીખવાનો પ્રયત્ન કરો તે માટે પ્રશ્ર્નો પૂછતા રહો. નોલેજમાં ચોક્કસ વૃદ્ધિ થશે, જેની પાસે સારું નોલેજ હશે તે શક્તિશાળી ગણાશે.

ઘરે કે ઓફિસે ગુસ્સો કરવાનું ટાળો. સંતાનોના સારા ભાવિ માટે આજથી જ પ્લાનિંગ કરો. બિઝનેસના માલિક બનો, ઓપરેટર નહીં. સારા પ્રોફેશનલ મેનેજમેન્ટ બિઝનેસ ચલાવશે. તેમણે પોતે આ પદ્ધતિ અપનાવી છે. જોકે નિગરાની જરૂર રાખો. સારું શિક્ષણ એ તમામ સમસ્યા અને સફળતાની ચાવી છે. ક્યા કામને પ્રાધાન્યતા આપવી તે પહેલા નક્કી કરો. બીજાને મદદની ભાવના રાખો. પરોપકારી પ્રવૃત્તિ અને ચેરિટી કામમાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. વિદ્યાર્થીઓને વ્યાજ ફ્રી લોન આપે છે જેઓ સેટ થાય પછી લોન પરત કરે એવી શરત સાથે આપે છે. સામાજિક જવાબદારી પૂર્ણ કરવાના અનેક પ્રોજેક્ટ તેમણે હાથ ધર્યા છે. તેમણે ૧૦૦૦ પ્રી સ્કૂલ ઊભી કરી છે જેમાં તમામ સવલત પણ પૂરી પાડે છે. વિદ્યાર્થીનો શિક્ષણ પાયો મજબૂત થાય તે માટે પ્રી સ્કૂલ પર વધુ ધ્યાન આપે છે.

કેન્સરગ્રસ્તો ઉપરાંત હૉસ્પિટલને પણ મદદ કરે છે. પર્યાવરણ સુરક્ષા માટે તેમણે દશ વર્ષમાં દશ લાખ વૃક્ષો વાવવાની યોજના બનાવી છે. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ, સીએ ભણતા વિદ્યાર્થી ઉપરાંત કોર્પોરેટ એક્ઝિક્યુટિવ, બિઝનેસ લીડરને અવારનવાર માર્ગદર્શન આપતા રહે છે.

આલ્બર્ટ આઈનસ્ટાઈનથી તેઓ ઘણા પ્રભાવિત છે. તેમના જીવનનો અભ્યાસ કર્યો છે. તેમના ઘરની મુલાકાત પણ લીધી હતી. પરેરા સુપર યાટ, ખાનગી પ્લેન અને લક્ઝરી હોલીડે રિસોર્ટ ધરાવે છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી મોંઘી કારના માલિક છે. દેશમાં વધુ ટૂરિસ્ટો આવે તે માટે બજેટ એરલાઈન્સને પ્રમોટ કરવા અને વધુ એપાર્ટમેન્ટ, હોટેલ ઊભી કરવા શ્રીલંકાની સરકારને તેમણે વિનંતી કરી હતી. શ્રીલંકાના વિકાસમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7W0k44
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com