19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રમાકાંત આચરેકર: ખેલાડીઓના ખેલાડી

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાસચિન તેન્ડુલકર ‘તેન્ડ્લ્યા’માંથી ‘લિટલ ચૅમ્પિયન’, ‘માસ્ટર બ્લાસ્ટર’, ‘ગૉડ ઑફ ક્રિકેટ’ બનાવનાર તેના ‘બાળપણના કોચ’, ‘ગુરુ’, ‘ટીચર’ ‘સર’, ‘માગદર્શક’ તથા ‘પિતા સમાન’ રમાકાંત આચરેકર હવે આપણી વચ્ચે રહ્યા તો નથી, પણ તેમના કોચિંગને લગતી અનેકવિધ વાતો તેમનાથી પરિચિત ક્રિકેટચાહકો તેમ જ ઊભરતા યુવાવર્ગ માટે જરૂર પ્રેરણાદાયક બની રહેશે. સદ્ગત ‘આચરેકર સર’ ખાસ કરીને સચિનના તેમ જ અમુક અંશે વિનોદ કાંબળી, પ્રવીણ આમરે, બલવિન્દરસિંહ સંધુ, અજિત આગરકર, ચંદ્રકાન્ત પંડિતના કોચ તરીકે ઓળખાય છે, પરંતુ કારકિર્દીના ઘડતર માટે તેમના કોચિંગથી બીજા અનેક ખેલાડીઓને પણ પુષ્કળ ફાયદો થયો હતો.

આચરેકરનું તાજેતરમાં ૮૬ વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું હતું. તેમને ઘણા વર્ષોથી લકવા હતો અને થોડા અઠવાડિયાથી વૃદ્ધાવસ્થાને લગતી બીમારીઓ હતી.

સચિને ઇન્ટરનેશનલ કરિયર ૧૬મા વર્ષે શરૂ કરી હતી. તેનામાં ક્રિકેટને લગતી ટૅલન્ટ ભરપૂર હતી અને તેની બૅટિંગ-ટેક્નિક અતુલ્ય હતી, પરંતુ એ ક્ષમતા તથા કાબેલિયતને યોગ્ય દિશા ‘આચરેકર સરે’ આપી હતી. તેમણે સચિનની બૅટિંગ-ક્ષમતાને એવી ધારદાર બનાવી કે એની મદદથી માસ્ટર બ્લાસ્ટરે વિશ્ર્વના ભલભલા બોલરોની બોલિંગને ચીંથરેહાલ કરી હતી અને ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રૅડમૅન પછીના ગ્રેટેસ્ટ ક્રિકેટર તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.સચિનનો ૧૯ વર્ષીય પુત્ર અર્જુન તેન્ડુલકર હજી આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ તો નથી કરી શક્યો, પરંતુ જ્યારે કરશે અને સફળતા પામશે ત્યારે તેની એ સક્સેસમાં સીધી નહીં તો આડકતરી રીતે આચરેકરનો ‘ફાળો’ કહેવાશે, કારણકે અર્જુનને પિતા સચિન તરફથી જરૂર એવી ક્રિકેટિંગ-ટિપ્સ મળી હશે જે મૂળ રીતે (નાનપણમાં) સચિનને ‘આચરેકર સર’ પાસેથી જ મળી હશે.

સચિનને આચરેકરના એક તમાચાએ બનાવ્યો ‘માસ્ટર બ્લાસ્ટર’

સચિન તેન્ડુલકરને સ્કૂલના દિવસોમાં ‘આચરેકર સર’ના હાથે જે એક લાફો ખાવો પડ્યો હતો એ ઘટના તેને હજીયે બરાબર યાદ છે. જોકે, વાસ્તવમાં તેમના એક તમાચાએ જ બાળ સચિનમાં પુખ્ત વયના ખેલાડી જેવી સમજદારી લાવી દીધી હતી અને ત્યાર પછી સચિન સફળતાનું એક પછી એક પગથિયું ચડતો ગયો હતો.

સચિન સ્કૂલમાં હતો ત્યારે સામાન્ય રીતે તે દરરોજ સ્કૂલમાંથી નીકળ્યા પછી જમવા માટે માસીના ઘરે જતો હતો અને સચિન જમીને આવે ત્યાં સુધીમાં ‘આચરેકર સર’ તેના માટે કેટલીક મૅચોનું આયોજન કરાવી રાખતા હતા. તેઓ હરીફ ટીમોને કહેતા કે સચિન ચોથા નંબર પર જ બૅટિંગ કરશે.

એવા એક દિવસે સચિન સ્કૂલમાંથી નીકળીને મિત્રો સાથે સીધો વાનખેડે સ્ટેડિયમ પહોંચી ગયો હતો. સચિનને તેના ફ્રેન્ડ્સ સાથે પોતાની સ્કૂલ શારદાશ્રમની ઇંગ્લિશ મીડિયમ બૉય્ઝ વિરુદ્ધ મરાઠી મીડિયમ બૉય્ઝની મૅચ જોવાની ખૂબ ઇચ્છા હતી. હૅરિસ શીલ્ડ ટુર્નામેન્ટની એ ફાઇનલ હતી અને એમાં તે પોતાની ટીમને કોઈ પણ ભોગે ચિયર-અપ કરવા માગતો હતો.

જોકે, સચિને ત્યાં ‘આચરેકર સર’ને જોયા હતા. સચિન મિત્રો સાથે ‘સર’ને મળવા પહોંચી ગયો. ‘સર’ જાણતા હતા કે સચિને સ્કૂલમાં ગયા પછીની પોતે ગોઠવેલી મૅચમાં રમવાનું ટાળ્યું હતું એમ છતાં તેમણે સચિનને પૂછ્યું કે ‘સચિન, તું પેલી મૅચમાં કેવું રમ્યો? કેટલા રન બનાવ્યા?’ સચિને તેમને જવાબમાં કહ્યું, ‘મારે મારી સ્કૂલની ટીમને ચિયર-અપ કરવી હતી એટલે હું મિત્રો સાથે અહીં વાનખેડેમાં આવી ગયો હતો. આવતી કાલે તમે જે મૅચ રાખશો એમાં જરૂર રમીશ.’ સચિનનો આ જવાબ સાંભળીને ‘આચરેકર સરે’ તેના ગાલ પર ‘લેટ-કટ’ લગાવી દીધી હતી. બીજી રીતે કહીએ તો તેમણે સચિનને તમાચો મારી દીધો હતો. એ લાફો એટલો જોરદાર હતો કે સચિનના હાથમાં જે ટિફિન-બૉક્સ હતું એ દૂર પડી ગયું હતું અને ખૂલી જતાં એમાંનો બધો નાસ્તો બહાર ઢોળાઈ ગયો હતો.

સચિનને આ ‘ટ્રીટમેન્ટ’ આપ્યા પછી ‘આચરેકર સરે’ તેને ક્હેલું, ‘તારે બીજાને ચિયર-અપ કરવાની જરૂર નથી. તું એવું રમ કે બીજા લોકો તને ચિયર-અપ કરવા આવે.’ બસ, એ દિવસથી સચિન મનમૂકીને ક્રિકેટની પ્રૅક્ટિસ કરવા લાગ્યો હતો. તે રોજના કલાકો સુધી પ્રૅક્ટિસ કરતો હતો. ખુદ સચિને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘જો મારા જીવનમાં એ તમાચાવાળો દિવસ ન આવ્યો હોત તો હું આજે સ્ટેડિયમમાં જઈને બીજાને જ ચિયર-અપ કરતો હોત.’

સ્ટમ્પ પર સિક્કો રાખતા અને સચિન એ ‘જીતી લેતો’

સચિન તેન્ડુલકર ૧૨ વર્ષનો હતો ત્યારે મિત્રો અને બીજા ખેલાડીઓ સાથે શિવાજી પાર્કના મેદાન પર મોડી સાંજ સુધી રમતો હતો. ખેલાડીઓ એકબીજાને બરાબર જોઈ પણ નહોતા શક્તા એટલું બધુ અંધારું થઈ જતું છતાં તેઓ પ્રૅક્ટિસ કરતા રહેતા હતા. એવા અંધારામાં ક્રીઝ પર ૧૦થી ૧૫ મિનિટ ટકી રહેવું બૅટ્સમૅન માટે મોટો પડકાર કહેવાતો અને સચિનને એ પડકાર ગમતો હતો. સચિન જે હરીફ ખેલાડીઓ સામે રમતો એમાંથી તો ઠીક, પણ મેદાનની બાઉન્ડરી લાઇન પાસે જો કોઈ ફેરિયો પણ બૅટ્સમૅનનો કૅચ પકડી લેતો તો એ બૅટ્સમૅન આઉટ ગણાતો હતો. એવી સ્થિતિમાં સચિન લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી રહેતો અને પુષ્કળ રન બનાવતો હતો.

‘આચરેકર સર’ ત્યારે સ્ટમ્પ પર રૂપિયાનો સિક્કો રાખીને કહેતા કે ‘તું આજે આઉટ નહીં થા તો આ સિક્કો તારો.’ સચિને એવા ઘણા સિક્કા જીતી લીધા હતા. સચિન માટે ‘આચરેકર સર’ પાસેથી જીતેલા એક રૂપિયાના એ સિક્કા ‘ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલ’ સમાન છે અને એ સિક્કા તેણે હજી પણ સાચવી રાખ્યા છે.

-----------------------

‘ક્રિકેટર’ અને ‘કોચ’

આચરેકર વિશે જાણો

રમાકાંત આચરેકરનો જન્મ ૧૯૩૨માં થયો હતો. ૧૯૪૩ની સાલમાં તેમણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ૧૯૪૫માં તેઓ ન્યૂ હિન્દ સ્પોર્ટ્સ ક્લબમાં જોડાયા હતા. તેઓ ક્લબ-ક્રિકેટના દિવસોમાં યંગ મહારાષ્ટ્ર ઇલેવન, ગુલ મનોહર મિલ્સ તથા મુંબઈ પોર્ટની ટીમ વતી રમ્યા હતા. ઑલ-ઇન્ડિયા સ્ટેટ બૅન્ક વતી તેઓ એક જ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા હતા. એ મૅચ ૧૯૬૩ની સાલમાં મોઇન-ઉદ-દવલા ટુર્નામેન્ટમાં હૈદરાબાદ વિરુદ્ધ રમાઈ હતી.

આચરેકરે શિવાજી પાર્કમાં કામત મેમોરિયલ ક્રિકેટ ક્લબની સ્થાપના કરી હતી જેમાં તેમણે અનેક યુવાનોને ક્રિકેટની તાલીમ આપી હતી. એમાંના ઘણા ખેલાડીઓ (જેમના નામ આપણે આ લેખની શરૂઆતમાં જાણી ગયા)એ ક્રિકેટના સર્વોચ્ચ સ્તર સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આચરેકર હંમેશાં ભારતમાં ક્રિકેટને પ્રોત્સાહિત કરવામાં માનતા હતા. દેશમાં ક્રિકેટનું ધોરણ ઊચું લાવવું તેમનો ઉદ્ેશ હતો. ૧૯૯૦ની સાલમાં તેમને કોચિંગમાં સર્વશ્રેષ્ઠ ગણાતા દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતમાં ક્રિકેટના કોચિંગમાં સર્વોત્તમ યોગદાન આપવા બદલ મળેલા આ સન્માન બાદ વર્ષ ૨૦૧૦માં તેમને એ સમયનાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનાં શુભહસ્તે સ્પોર્ટ્સ કૅટેગરીમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આચરેકર કોચ તરીકે ખૂબ જ કડક સ્વભાવના હતા. જોકે, તેમના પ્રેમાળ સ્વભાવનો પણ સચિન સહિતના તેમના સ્ટુડન્ટ્સને અનુભવ થતો હતો.

સચિન તેન્ડુલકરે હંમેશાં પોતાની સફળતાનો પૂર્ણ યશ ‘આચરેકર સર’ને આપ્યો છે અને પ્રત્યેક તબક્કે તેમને ઉચ્ચત્તમ સન્માન સાથે નવાજ્યા છે. ગુરુવારે ‘આચરેકર સર’ને તેના આ સૌથી લાડલા અને સૌથી સફળ ક્રિકેટરે અશ્રુભીની આંખે કાંધ આપી હતી અને તેમની અંતિમક્રિયામાં શરૂઆતથી છેક સુધી હાજરી આપી હતી.

---------------------------

સચિનને ક્યારેય ‘વેલ પ્લેઇડ’ નહોતા કહેતા

નાનપણમાં કોચિંગ દરમિયાન સચિન તેન્ડુલકરે ઘણી વાર ઉમદા પર્ફોર્મ કર્યું હતું, પરંતુ ‘આચરેકર સરે’ તેને કદી ‘વેલ પ્લેઇડ’ નહોતું કહ્યું. ખુદ સચિને કહ્યું છે કે ‘આચરેકર સર મને કદી વેલ પ્લેઇડ નહોતા કહેતા, પરંતુ મારી કોઈ મૅચ પછી જો મને ભેલ-પૂરી કે વડા-પાવ ખવડાવવા લઈ જતા તો ત્યારે મને થતું કે સર મારાથી ખુશ છે અને મેં મેદાન પર તેમને પસંદ પડે એવું પર્ફોર્મ કર્યું છે.’ ગયા અઠવાડિયે ‘આચરેકર સર’ અવસાન પામ્યા ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે સચિને એક મુલાકાતમાં કહ્યું, ‘વેલ પ્લેઇડ, સર. તમે જ્યાં પણ હોવ ત્યાં વધુને વધુ કોચિંગ આપતા રહેજો.’ સચિને અંજલિ આપતાં એવું પણ કહ્યું હતું કે ‘આજે જીવનમાં અને ક્રિકેટર તરીકે હું જે પણ છું એનો મજબૂત પાયો આચરેકર સરને કારણે જ હું નાખી શક્યો હતો. મારી સફળતાના બીજ તેમણે જ રોપ્યા હતા.’

-----------------------

નાનપણમાં ‘આચરેકર સર’ પાસેથી જીતેલા સિક્કા તેમ જ એક મેડલ સાથે સચિન તેન્ડુલકર. માસ્ટર બ્લાસ્ટરે આવા કેટલાક સિક્કા જાળવી રાખ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Y0Gx84
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com