14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગણપત ભોસલે હનુમાનજીની મૂતિ લેવા ફંટાયા અને...

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહકચ્છ સરહદે ૧૯૬૫માં શહીદ થયેલા એસ.આર.પી.ના ગણપતભાઉ ભોસલેની સ્મૃતિમાં સ્મારક બનાવવાનું સરકારશ્રીએ વચન આપ્યું. સ્વાભાવિક છે કે લાંબા સમયે મળેલી આ ખાતરીથી દીકરો રમેશ ભોસલે ખુશખુશાલ થઈ જાય, પણ હજી કુતૂહલ ઉછાળા મારી રહ્યું હતું કે કયા સંજોગોમાં પિતા શહાદતને વર્યા?

૧૯૬૫ના એપ્રિલની વાત છે. ત્યારની પ્રથા મુજબ કચ્છની આંતરરાષ્ટ્રીય સીમાના રક્ષણની જવાબદારી સી.આર.પી.એફ. (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) અને ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની હતી. આજે તો કચ્છ સરહદ પર કાંટાળી વાડ છે, ત્યાં આવવા - જવાનો રસ્તો છે અને સરસ લાઈટિંગ વ્યવસ્થા છે, ત્યારે એ વિસ્તાર એકદમ નિર્જન હતો. દૂર-દૂર સુધી ન માનવ-વસતિ દેખાય, ન કોઈ ઝાડ-પાન કે પશુ-પંખી. જ્યાં જુઓ ત્યાં રણની રેતી. અનિવાર્ય હોય તો અવરજવર માત્ર ઊંટ પર શક્ય બને.

ચોમેર શાંતિ વચ્ચે કોઈ જાણતું નહોતું કે પાકિસ્તાન કોઈ ખતરનાક પગલું વિચારી રહ્યું હતું. ભારતને ઊંઘતું ઝડપી લઈને પાકિસ્તાન કચ્છના વિસ્તારો હડપ કરી લેવા માગતું હતું. કચ્છ સરહદ પર ભારતના અર્ધલશ્કરી દળના મુઠ્ઠીભર જવાનો સામે પાકિસ્તાને તોતિંગ સેના જોતરવાનું શૈતાની કાવતરું રચ્યું હતું. પાકિસ્તાનની ૫૧મી બ્રિગેડ ગ્રુપના ૩૫૦૦ સૈનિકો પૂરેપૂરી તૈયારી અને ભરપુર શસ્ત્ર સરંજામ સાથે ત્રાટકવાના હતા. પાકિસ્તાન લશ્કરે ભારત પરના હુમલાને નામ આપ્યું હતું ‘ઓપરેશન ડેઝર્ટ હૉક વન’. હા, પાકિસ્તાની લશ્કરી શકરા તો જાણે બાજની જેમ ત્રાટકીને આપણો વિસ્તાર પોતાના સીમાડામાં ઉમેરી દેવા તલપાપડ હતા.

ભૂતપૂર્વ પોલીસવાળા રમેશ ભોસલે પિતા ગણપત ડી. ભોસલેની અનોખી શહાદત વિશે જાણવા નીકળ્યા ત્યારે ખબર પડી કે તેમની સાથે કૉન્સ્ટેબલ સહાજી સાળુંકે અને કૉન્સ્ટેબલ પી. આર. કાંબળેએ પણ વતન માટે જીવ ન્યોછાવર કર્યા હતા, આ યુદ્ધ અને શહાદતના સંજોગો ખૂબ વિશિષ્ટ હતા, તેની આજે કલ્પના પણ ન થઈ શકે.

રમેશભાઉના કહેવા મુજબ ૧૯૬૫માં ગુજરાત પોલીસ થકી વાયરલેસ મેસેજ મળ્યો હતો કે ગણેશજી શહીદ થઈ ગયા છે. પાર્થિવ દેહની સ્થિતિ વતન સુધી લઈ જવાય એવી નહોતી, એટલે અંતિમ સંસ્કાર ગોંડલમાં થયા; ત્યારે માત્ર ત્યાં રહેતાં ફૈબા ઈન્દુમતી પવાર જ પહોંચી શક્યાં હતાં.

પછી રમેશભાઉ પત્રકારોને મળ્યા. અખબારની કચેરીએ પહોંચ્યા. સંબંધિત અમલદારોને મળ્યા અને શક્ય એટલા દસ્તાવેજો થકી પપ્પાની શહાદતની વિગતો મળી. આમાં રસપ્રદ માહિતી પીઢ પત્રકાર કીર્તિભાઈ ખત્રી થકી મળી. એ સમયે ભોસલેજી સાથે લડનારા મૂળ કચ્છ-માંડવીના વીરજીભાઈ મીઠુ ખારવાના જૂના અખબારી ઈન્ટરવ્યુ ઉપયોગી થઈ પડ્યા. એમાંથી રમેશભાઉએ તારવીને પીરસેલી માહિતીમાંથી કંઈક આવું ચિત્ર નજર સામે આવે છે.

૧૯૬૫ની ૨૦મી એપ્રિલની રાતે એટલે કે ૨૧મી એપ્રિલે કચ્છની આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલા છાડબેટની કુબાચોકી અને હનુમાનતરાઈ નામના થાણાની રક્ષા માટે ગુજરાત એસ.આર.પી.ના ત્રીસ જવાન તહેનાત હતા. એમની પાસે શસ્ત્રમાં શું? માત્ર સાદી રાઈફલ. સામે પક્ષે પાકિસ્તાની લશ્કર એકદમ શસ્ત્રસજ્જ દુશ્મનના આક્રમણની શક્યતાનમી ખાતરી થતા આ જવાનોને થાણા ખાલી કરવા જણાવી દેવાયું પણ એ એટલું આસાન નહોતું. આ ભારતીય જવાનો કંઈ વિચારે એ અગાઉ તો પાકિસ્તાની ટેંકોનો તોપમારો શરૂ થઈ ગયો. આમાં ગણપત ભોસલે સાથે સહાજી સાળુંકે અને વિઠ્ઠલ કાંબળે (ક્યાંક આ વ્યક્તિનાં નામનો કોન્સ્ટેબલ પી. આર. અને ક્યાંક પી. બી. કાંબળે તરીકેય ઉલ્લેખ જોવા મળે છે). માભોમ માટે મરી ફિટ્યા. આ ત્રણેય એ વખતે ગોંડલ સરહદી એકમ માટે કાર્યરત હતા.

ભારત સાથે ફુલ ફલેજ્ડ યુદ્ધ શરૂ કરવા અગાઉના ટ્રાયલ રનમાં પાકિસ્તાની લશ્કરી સરમુખત્યાર અયુબ ખાનનો કચ્છનો વધુ ને વધુ વિસ્તાર હડપ કરવાનો મનસૂબો હતો, પરંતુ એકદમ ટાંચા સાધનો અને નહિવત્ માનવબળ છતાં ભારતીય અર્ધ-લશ્કરી દળના જવાનોએ આપેલી લડત અભૂતપૂર્વ હતી. આપણા જવાનોએ વિષમ સ્થિતિમાં માત્ર સાહસ અને દેશદાઝના જોરે કરેલા બેજોડ પ્રતિકાર વિશ્ર્વના યુદ્ધના ઈતિહાસમાં સ્થાન પામી શકે એટલો દમદાર હતો.

રમેશભાઉએ આપેલા જૂના અખબારોની કતરણમાં બે વર્ષ જૂનો લેખ કે, ‘મુંબઈ સમાચારમાં’, ‘કચ્છ મુલકજી ગાલ’ (રવિવાર, તા. ૧-૧૦-૨૦૧૫)માં કીર્તિભાઈ ખત્રીના લેખ મુજબ માંડવીના વીરજીભાઈ મીઠુ ખારવાએ આ હુમલાનો આંખે દેખ્યો અહેવાલ આપ્યો છે. એના આધારે રમેશભાઉ કહે છે: ‘પાકિસ્તાની લશ્કર પાંચ-પાંચ કલાકથી સતત તોપમારો કરી રહ્યું હતું. ભારતીય પક્ષે ઓછા જવાનો અને નહિવત્ શસ્ત્રો ઉપરાંત મોટી સમસ્યા ખાધાખોરાકીની અછતની હતી. તોપગોળાએ અનાજ ભરેલી ટ્રક, તંબુ અને મેસની સાધનસામગ્રીને રાખમાં ફેરવી નાખ્યા હતા. એકદમ બળી ગયેલા રસોડામાંથી એક પતરાનો ડબ્બો મળ્યો. ખોલીને જોયું તો અંદર સુકાઈ ગયેલી વાસી રોટલીઓ, વધુ ખાંખાખોળામાં એક ડબી મળી મરચાંની ભૂકીની. આ મરચાંની ભૂકી અને રોટલીથી પેટની બળતરાને કંઈક અંશે શાંત પાડે, એ અગાઉ ફરી તોપમારો થવા માંડ્યો. ભોસલે, સાળુંકે અને કાંબલેએ વીરજીભાઈને આગળ ન જવા દીધા. એ ધમાસાણ વચ્ચે તોપગોળો પડ્યો અને એક પછી એક કરતાં ત્રણેય મરાઠી જવાનો શહાદતને વર્યા.’

અહીં એકઝેટલી શું થયું હતું? લેખમાં વીરજીભાઈએ કરેલા વર્ણન મુજબ છાડબેટથી ત્રણેક માઈલના અંતરે આવેલી કુંબા અને હનુમાનતરાઈ ચોકી પર માંડ ત્રીસ જવાન મોજૂદ હતા. ખીજડાના ઝાડ પર બાંધેલા માંચડા (અપરવિઝન પોસ્ટ) પર ચડીને દૂરબીનથી જોતા તેમણે (વીરજીભાઈએ) પાકિસ્તાની રણગાડી (ટેન્ક)ની કતાર જોઈ. એકતરફ હળવાં - નજીવાં શસ્ત્રો સાથેની પોલીસ અને સામે પાકિસ્તાનનું શસ્ત્રસજ્જ લશ્કર. અચાનક બૉમ્બ ઝીંકાયો અને માંચડાની બાજુમાં પડ્યો. તેથી બધા સ્ટ્રેન્ચમાં ગોઠવાયા. એ સાથે જ જોરદાર તોપમારો થયો. ચોકી છોડવાનો આદેશ અપાયો તેથી જવાનો બીજા મોરચે જવાની તક શોધવા લાગ્યા. હવાલદાર ગણપત ભોસલે થોડા આડા ફંટાયા તો દુશ્મનની નજરમાં આવી ગયા અને તરત જ તેમને નિશાન બનાવી તોપના ગોળાથી ફૂંકી માર્યા. કેટલાક પોલીસમેનનું કહેવું એમ હતું કે ગણપત ભોસલે ચોકી પર મુકાયેલી હનુમાનની મૂર્તિ લેવા આડા ફંટાયા હતા.’

શહીદ પિતા ગણપત ભોસલે વિશે તપાસ માટે દીકરા રમેશે કરેલા પ્રયાસને પ્રતાપે સમયની ધૂળમાં ઢંકાઈ ગયેલું એક પરાક્રમ પ્રકાશમાં આવ્યું. આવા તો કેટલાય શહીદો કાળની ગર્તામાં ખોવાઈ ગયા હશે.

સેલ્યુટ ગણપત ભોસલેજી. થૅન્ક યૂ રમેશ કાંબળે.

(સંપૂર્ણ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3H886m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com