21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અસફળતા પુરુષને પપ્પુ બનાવે છે

વરણાગી રાજા-દિવ્યાશા દોશીમુરાંબા નામની મરાઠી ફિલ્મમાં યુવાનને સતાવતો અસફળતાનો ડર સંબંધોમાં નડે છે. ફિલ્મમાં માતાપિતા સરસ રીતે સંવાદ સાધીને એ છોકરાને ડરની સામે ઊભા રહેવાનું શીખવે છે. હકીકતમાં બહુ ઓછા ઘરોમાં સંવાદ જોવા મળતો હોય છે. તેમાં પણ આજે ટેકનોલોજીને કારણે સંવાદ થતાં જ નથી. આપણે ફક્ત સંદેશાઓની આપલે કરતાં હોઈએ છીએ. સંવાદ માટે સહિયારું ધ્યાન જરૂરી હોય છે. તમારે જ્યારે બીજા સુધી પહોંચવું હોય છે ત્યારે તમે ફોન કરો છો કે રૂબરૂ મળો છો. મેસેન્જર એપ્પ તમારા સંદેશા બીજા સુધી પહોંચાડે છે ખરા પણ તમને બીજી વ્યક્તિ સુધી પહોંચાડી શકતા નથી. વાનગીના ફોટા જોવાથી વાનગીનો સ્વાદ સમજાતો નથી તેને ચાખવી પડે છે, ખાવી પડે છે.

ગયા અઠવાડિયે એક યુવાન કવિએ આત્મહત્યા કરી. એ કવિને હું ઓળખતી નહોતી પણ સોશિયલ મીડિયા પર સૌ કોઈએ આઘાત વ્યક્ત કર્યો અને તેને શ્રદ્ધાંજલિ આપી ત્યારે ખબર પડી કે બાવીસેક વરસના એ યુવાન કવિમાં પ્રતિભા હતી પણ તે કોઈ કારણસર હિંમત હારી ગયો અને જીવન પણ હારી ગયો. દરેક આત્મહત્યા બાદ સવાલ ઊઠતો હોય છે કે સંવાદ કેમ સાધી ન શકાયો? કેમ વ્યક્તિને એકલતા લાગી ને તે હારી ગયો. આ યુવાન કવિ તો કેટલીય વ્યક્તિ સાથે મેસેજ દ્વારા સંપર્કમાં હતો પણ તે છતાં તેના આંતરિક વિશ્ર્વની કોઈને ખબર ન પડી તેનું કારણ સંવાદ ક્યારેય થઈ શક્યો નહોતો. શક્ય છે એ વ્યક્તિને સંવાદ કેવી રીતે થાય તેનો અનુભવ જ ન હોય. જો સંવાદ થયો પણ હોય તો તેના કોઈપણ અસફળતાના ડરને સરળતાથી બદલી શકાયો હોત ખરો?

સફળતા અને અસફળતાની ધરી પર આજે લોકો દોડી રહ્યા છે. હકારાત્મક સૂત્રો લખેલા અને પ્રેરણાત્મક પુસ્તકો આજે ધૂમ વેચાઈ રહ્યા છે, કારણ તો સૌ કોઈએ સફળ થવું છે, સુખી થવું છે. જીવન જેવું છે તેવું આજે કોઈને જોઈતું નથી. તેમાં પણ પુરુષો માટે આ માર્ગ ખૂબ કપરો હોય છે. પુરુષ એટલે વીર યોદ્ધો. આજે જીવનના યુદ્ધમાં સફળતાથી પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે તે વીર પુરુષ. છોકરો જન્મે ત્યારથી તેના પર અપેક્ષાઓનો ભાર ધીમે ધીમે મુકાતો જાય છે. તેણે સારી રીતે ભણવાનું ડિગ્રી મેળવીને સારા પગારની નોકરી કરવાની કે પોતાનો સફળ વ્યવસાય સંભાળવાનો. આપણા સમાજમાં બાવીસ ત્રેવીસ જ નહીં અઠ્ઠાવીસ કે ત્રીસ વરસની છોકરી જો બહાર જઈને કામ નહીં કરતી હોય કે પોતાની સફળ કારકિર્દી ન ઘડે તો કોઈ જ વાંધો નથી આવતો. એને કોઈ સ્ટ્રેસ તાણી નહીં જાય, પણ જો છોકરો પચ્ચીસ વરસે પણ સેટલ ન થયો એટલે કે કમાતો ન હોય કે સફળતાની સીડીઓ ચઢતો ન હોય તો માતાપિતા અને સમાજ તેને ફોલી ખાશે. એને અહેસાસ કરાવશે કે તે નકામો છે, અસફળ છે, કશા જ કામનો નથી. પુરુષ માટે સફળતા એટલે બહુ બધા પૈસા અને પછી નામ કે સત્તા એ બે અગત્યની બાબત હોય છે. સ્ત્રી માટે લગ્ન, પતિ અને બાળકો એ વાત અગત્યની હોય છે. જો કે સ્ત્રીની અગત્ય બાબતમાં થોડો ઘણો પણ હવે બદલાવ આવી રહ્યો છે ખરો પણ પુુરુષ માટે પરિસ્થિતિ સહેજ પણ બદલાઈ નથી. તેણે પુરવાર થવાનું છે સમાજમાં કે તે સારો પુરુષ છે. તે સફળ થઈ શકે છે. અસફળતા ભલભલા પુરુષને પપ્પુ બનાવી દેતી હોય છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. સમાજમાં જાહેરાત અને મેસેજિસ દ્વારા એવું સ્થાપિત કરી દેવામાં આવ્યું છે કે પપ્પુ એટલે અસફળ, બુદ્ધુ માણસ જે કદી સરળતાથી પાસ થતો નથી કે સફળ થતો નથી. વળી એ પપ્પુ પુરુષ જ છે તેવું પણ ખરું. બહુ ઓછા સંશોધન થયા છે અસફળતાની પુરુષ અને સ્ત્રી પર થતી અસર ઉપર. તેમાં હાઉ ટુ ઈટ એલિફન્ટ ઈન ધ રૂમ ના લેખક અને મેનેજમેન્ટ કોચ કિઆરા હાર્ટિ લખે છે કે આલ્ફા મેલ કેરેકટર ધરાવતા સ્પોર્ટસ રમતા પુરુષો કે જેમને સતત જીતવાની, સફળ થવાની આદત હોય છે તેઓ હાર કે અસફળતાને સરળતાથી ખમી શકતા નથી. તેઓ બહુ જલ્દી ભાંગી પડે છે.

કિઆરા હાર્ટિ કહે છે કે કોઈપણ પ્રોફેશનમાં કામ કરતા કેમ ન હોય પણ પુરુષોમાં અસ્વીકાર કે અસફળતા પચાવવાની તૈયારી હોતી નથી. તેઓ મોટેભાગે અસફળતા કે રિજેકશનને જોયું ન જોયું કરતા હોય છે. જ્યારે સ્ત્રીઓ તેને સહજતાથી સ્વીકારી લેતી હોય છે. કોઈપણ પ્રકારની હારનો ડરની અસર તમે તેને કેવી રીતે સ્વીકારો છો, જુઓ છો એના પર આધારિત હોય છે. ડર ગયા સો મર ગયા એ કહેવત સાચી છે. આપણા સમાજમાં જે પારંપરિક સ્ત્રી અને પુરુષના જે ચોકઠા છે તેને કારણે સ્ત્રીઓ દરેક ડરને પચાવીને જીવતાં શીખી જાય છે જ્યારે પુરુષ પાસે સફળતા સિવાય કોઈ વિકલ્પ જ નથી રાખવામાં આવ્યો. મુકેશ અંબાણી હોય કે રસ્તા પર કામ કરતો મજૂર હોય દરેક પુરુષને અસફળતાનો છુપો ડર હોય જ છે. કબૂલ કરે કે ન કરે રાહુલ ગાંધી અને અમિત શાહ પણ એ ડર અનુભવતા હોય છે, પરંતુ તે ડરને જીતમાં પલટવાની આશા પર તેઓ ટકી જાય છે. અસફળતા કે સફળતા પુરુષને પૌરુષીય બનાવે છે એવી માન્યતાઓ સામે પુરુષે ઝઝૂમવાનું હોય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ડૉ. લીઝા નેફ્ફે હાઉ મેન એક્સિપિરિયન્સ ઈનકોમ્પિટનન્સ વિષય સાથે એક અભ્યાસ હાથ ધર્યો હતો. તેને પણ જણાયું કે સ્ત્રીને જો કોઈ સાંભળનાર કે મદદ કરનાર મળે તો તે સરળતાથી પોતાની હારને-જાતને સ્વીકારીને જીવનમાં આગળ વધી શકે છે, પણ પુરુષોને મદદ મળે તો પણ પોતાની હારને-ફેઈલ્યોરિટિને સ્વીકારવામાં તકલીફ પડતી હોય છે. તેમની તાણ ઓછી કરી શકાતી નથી. આજે અઢળક પોઝિટિવિઝમનો ડોઝ આપણને વ્હોટ્સ એપ્પ અને ફેસબુક સંદેશાઓ દ્વારા મળતો હોવા છતાં પુરુષોમાં આપઘાતનું પ્રમાણ ઓછું થયું નથી. જ્યારે પુુરુષ આપઘાત કરતો હોય છે ત્યારે ઘરની સ્ત્રીઓને એટલે કે મા, બહેન કે પત્નીને લાગતું હોય છે કે મારી સાથે વાત કેમ ન કરી શક્યો? ડૉ. નેફ્ફેનું સંશોધન અને અભ્યાસ સૂચવે છે કે પુરુષો પોતાના ફેઈલ્યોરિટિની કે મનના ડરની વાત ઘરે કે મિત્ર સાથે કરે તો પણ જરૂરી નથી કે તેની તાણ ઓછી થઈ જશે. તેણે એ પરિસ્થિતિનો સામનો કરવાનો બાકી જ રહેતો હોય છે. એ પરિસ્થિતિ જે તેને લૂઝરનું લેબલ આપી શકે છે. ગ્લેમર અને સ્પોર્ટસ ઈન્ડસ્ટ્રીઝમાં આ પરિસ્થિતિ દરેક પુરુષ અનુભવતો હોય છે. વિરાટ કોહલી કે યુવરાજ સતત સ્કોર કરે કે જીતે તો સમાજ તેને માથે બેસાડે પણ જો એક મેચ હારે કે નબળું પરફોર્મન્સ હોય તો તરત જ એ સમાજ તેના માથે માછલા ધોવા મંડે. વિરાટના મેચના પરફોર્મન્સ સાથે અનુષ્કાને કોઈ જ લેવા દેવા ન હોય પણ તેને પણ ગુનેગાર બનાવી દેવામાં આવે. પુરુષોને આમ પણ લાગણીઓની સાથે કેવી રીતે વર્તવું તે આવડતું હોતું નથી. તેઓ ક્યાં તો ગુસ્સે થશે કે પછી હારી જશે, ભાંગી પડશે. પુરુષ એટલે સ્ટ્રોન્ગ, હિંમતવાળો નબળાઈ તેને શોભે જ નહીં એવા સ્ટિરિયોટાઈપ રોલની માનસિકતા પુુરુષનું માનસ

ઘડે છે.

પુરુષને એક વ્યક્તિ તરીકે સ્વીકારવાની જરૂર છે. તેના ઉછેરમાં સહજતા ઉમેરવાની જરૂર હોય છે. સમાજમાં પુરુષ હોવાની અને સ્ત્રી હોવાની માનસિકતા બદલાશે તો સ્ત્રીઓ પર અત્યાચાર ઓછા થશે અને પુરુષોની આત્મહત્યા પણ ઓછી થશે. ઓછી કહું છું ખતમ નહીં. કારણ કે આખરે માણસ માત્રનું માનસ કોમ્પલિકેટેડ હોય છે. માનસિકતા ઘડવામાં અનેક પાસાંઓ કામ કરતા હોય છે. પંગુ લંઘયતે ગિરિમ્ એટલે કે કેટલીકવાર શારિરીક અપંગત્વને કે અવળી પરિસ્થિતિઓને ઉલ્લંઘીને પોતાની જાતને સાબિત કરી શકવાને સક્ષમ હોય છે. તો વળી કોઈ જ તકલીફ ન હોવા છતાં પણ કેટલીક પરિસ્થિતિઓથી તે હારી જાય છે. મુંબઈમાં થોડા વરસ પહેલાં ૨૪ વરસના એક યુવાને ફાઈવસ્ટાર હોટલની પોતાની રૂમમાંથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તે સમયે પણ વોટ્સ એપ્પ પર મેસેજ ફરતા હતા કે કેટલાય સફળ પુરુષોએ (સચિન, નવાઝુદ્દીન, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, શાહરૂખ વગેરે) પણ જીવનમાં નિરાશાનો અનુભવ કર્યો હતો પણ છતાં તકલીફોમાં હિંમત હાર્યા નહીં. હિંમત હાર્યા વિના તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો તો છેવટે સફળતા સુધી પહોંચી શક્યા. આપણે ત્યાં સફળતાને જ મહત્ત્વ આપવામાં આવે છે. આખી જિંદગી લોકોના ઘરે કચરાં પોતા કરતાં કે રસોઈ બનાવતાં કે પછી મોચીકામ કરતાં માણસને આપણે સફળ કહેતા નથી. તેના ગુણગાન ગવાતા ફોટાઓ છપાતા નથી કે તેણે સરસ રીતે પોતાનું કામ કર્યું. હા જો એ વ્યક્તિ કરોડપતિ હોય અને તે છતાં એવું કામ કરતી હોય તો તેના ગુણગાન ચોક્કસ ગવાશે. એનો અર્થ કે આપણે ફક્તને ફક્ત પૈસાને જ સફળતા ગણાવીએ છીએ અને તેને જ મહત્ત્વ આપીએ છીએ. કોઈ ખૂબ સરસ સુથારી કામ કરતો હશે તો તેના વિશે ક્યારેય આપણે કોઈ પોષ્ટ વાંચતા નથી કે અખબારમાં સમાચાર આવતા નથી, પણ ગ્લેમર અને પૈસાને જ આપણે નવાજીએ છીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8b4bU1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com