25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંતાનને લાગણીશીલ બનાવવા શું કરશો?

સમજણ-મુકેશ પંડ્યાગયા રવિવારનો લેખ વાંચીને એક ઓળખીતા વાચકમિત્રનો ફોન આવ્યો કે સંતાનને લાગણીશીલ બનાવવા શી રીતે? જવાબમાં મેં કહ્યું કે આવતા રવિવારનો લેખ વાંચી જજો એના વિશે જ લખ્યું છે. તેમના મનમાં જે પ્રશ્ર્ન આવ્યો તેવો સવાલ ઘણા લોકોના મનમાં આવ્યો હશે એટલે આ લેખ વાંચવાથી ઘણા વાચકોને ઉત્તર મળી શકશે. તો ચાલો આપણે ઊંડા ઊતરીએ. દરેક મા-બાપ પોતાના સંતાનોને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતાં હોય છે. સારો ખોરાક, સારા કપડાં, સારી સ્કૂલ, રમકડાં, દર રવીવારે પિક્ચર, મૉલ -રેસ્ટોરન્ટમાં ખાવાનું, વેકેશનમાં બહારગામ ફરવા લઇ જવાનું વિગેરે વિગેરે તમામ બાબતોમાં મા-બાપ એવું ઇચ્છતા હોય છે કે અમારા સંતાનોને કોઇ વાતની કમી ન રહે. તેમને કોઇ અડચણ ન પડે. તેઓ પાણી માગે તો અમે દૂધ હાજર કરી દઇએ. સારી વાત છે તમારે સારામાં સારી ચીજો અને સગવડો સંતાનોને આપવી જોઇએ એ કબૂલ, પણ સાથે સાથે તેમનામાંથી શું સારું બહાર કાઢી શકાય એ પણ જોવું જરૂરી છે. તેમને સ્માર્ટ સંતાનોની સાથે સાથે લાગણીશીલ બનાવવા શું કરવું જોઇએ તે પણ શીખી લેવાની જરૂર છે. ગયા રવિવારે કહ્યું હતું તેમ તેમની બુદ્ધિ તો શાળા કૉલેજમાં પણ તેજ થતી જ રહેશે, પણ તેને લાગણીશીલ બનતા તો તમારે જ શીખવાડવું પડશે. તેમને આપી આપીને માગણીશીલ બનાવવાની જગ્યાએ લાગણીશીલ બનાવવા પણ તત્પર રહેવું પડશે. જોકે, મહત્ત્વનો મુદ્દો એ છે કે તેમને લાગણીશીલ બનાવવા કેવી રીતે? ચાલો એની ચર્ચા કરીએ.

તમે તમારા છોકરાઓને દર રવિવારે કે રજાઓને દિવસે બહાર ફરવા લઇ જાવ છો, ફિલ્મો દેખાડો છો. આધુનિક થિયેટરોમાં મોંઘીદાટ પોપકોર્ન ખવડાવો છો, વીડિયો ગેમ્સ અપાવો છો, બૉલ-બેટ-ફૂટબૉલ અપાવો છો, લેટેસ્ટ ફોન અપાવો છો, ફેશનેબલ મોંઘા વસ્ત્રો, બૂટ-મોજા જે જોઇએ તે લઇ આપો છો અને મનમાં હરખાવ છો કે બાળકો જે માગે તે હું અપાવી દઉં છું. હું જગતની શ્રેષ્ઠ માતા કે શ્રેષ્ઠ પિતા છું, પણ જરા થોભો! હજી તો તમે અડધે રસ્તે જ છો. તમારે ખરેખર શ્રેષ્ઠ માબાપ બનવું હોય તો એ જ્યાં ઇચ્છે ત્યાં લઇ જાવ છો એ કબૂલ, જે માગે તે અપાવો છો એ કબૂલ, પરંતુ શું તમે એવી જગ્યાએ લઇ ગયા જ્યાં એ કશુંક ‘આપતાં’પણ શીખે?

તમે વળી એવા વિચારમાં ચઢી ગયા કે એવી કઇ જગ્યા છે જ્યાં એ આપતા શીખે. યસ, ઘણી બધી જગ્યાઓ છે અને તે પણ તમારી આસપાસમાં જ. શું તમે કોઇ એકાદ રવિવારે સવારે હોસ્પિટલના ગરીબ દર્દીઓને ફળફળાદી આપવાનું ન શીખવી શકો? શું તમે નજીકના કોઇ અનાથાશ્રમમાં તમારા બાળકોને ન લઇ જઇ શકો? ત્યાં જઇને તેમના જ હાથે કપડાં, ખોરાક કે રમકડાનું દાન ન કરાવી શકો? આજુ બાજુના વૃદ્ધાશ્રમ, સેવાશ્રમ, ગૌશાળા અથવા તો જ્યાં પણ સત્કર્મો થતાં હોય, સેવાના કાર્યો થતાં હોય ત્યાં કંઇ નહીં તો મહિનામાં એકાદ વાર ન લઇ જઇ શકો?

અત્યાર સુધી તમે બાળકોને જ્યાં પણ લઇ ગયા છો ત્યાં તેઓ માગતા જ શીખ્યા છે, ગ્લેમરની ચકાચૌંધ રોશની જ જોઇ છે. આપતા નથી શીખ્યા. ગરીબી અને અસહાયતાનું ઘનઘોર અંધારું નથી જોયું. માગણી સાથે તો જોડાયાં છે, પણ લાગણી સાથે નથી જોડાયા. તેમની ઉંમરના એવા અનેક બાળકો છે જેમની પાસે એક ટંક ખાવાનું નથી, પૂરતાં વસ્ત્રો નથી. આવા લોકો પાસે લઇ જાવ. તેમના હસ્તે દાન કરાવો. તેઓ માગવાનું જ નહીં આપવાનું પણ શીખે. ભોગવીને નહીં ત્યાગીને પણ આનંદ પામે ત્યારે તમે શ્રેષ્ઠ માબાપ બની શકો. આવા લાગણીશીલ સંતાનો જ્યારે પરણશે ત્યારે સામેવાળા પાત્ર પાસેથી અપેક્ષા નહીં રાખે ક્ે માગવાનું નહીં શીખે, પણ હું સામેવાળાને શું આપી શકું, તેની અપેક્ષાઓ કેવી રીતે પૂર્ણ કરી શકું એવો ભાવ જાગવાની શક્યતા વધી જશે. પતિ પત્ની બેઉ એકબીજા પાસે માગવાની બદલે આપવાની વૃત્તિ દાખવશે તો પ્રેમ વધશે, સાથે સહનશક્તિ પણ વધશે અને છૂટા-છેડાની સંભાવનાઓ પણ જરૂર ધૂંધળી બનશે. દરેક રવીવારે મોજમજા જ કરાવતા રહેશો કે પછી જે માગે એ અપાવી દેશો તો એ જિદ્દી અને અહંકારી બનતા જશે. આવા સંતાનો સાસરે જાય કે ઇવન નોકરી ધંધામાં પણ, હા જી હા સાંભળવા મળશે એવા ઇરાદાથી પ્રવેશશે તો દુખી જ થશે. અત્યાર સુધી એમણે જે માગ્યું એ મળ્યું છે પણ હવે તેમણે જતું કરવાનું પણ શીખવું પડશે.

ઘણા સુખી-ધનિક પરિવારના લોકો સેવાકાર્યો માટે ચેક લખીને કોઇ આશ્રમ કે ટ્રસ્ટમાં મોકલી દેતાં હોય છે, પરંતુ તેમણે માત્ર ધનથી જ નહીં, ક્યારેક કયારેક તન અને મનથી પણ જોડાવું જોઇએ અને સંતાનોને પણ સાથે લઇ જવા જોઇએ. કશુંક મેળવવા મથતા અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં વંચિતો અને પીડિતોનો સાક્ષાત્કાર પણ કરાવવો જોઇએ. આનાથી બે ફાયદા થશે, એક તો તમે જે નાણાકીય મદદ કરો છો તેનો સદુપયોગ થાય છે એ રૂબરૂ જવાથી ખબર પડશે અને તમારા સંતાનો જેમણે દુનિયાની એક જ બાજુ જોઇ છે, તેઓના મનમાં દુખિયાઓની આ બીજી બાજુ જોઇને જરૂર લાગણીના અંકુર ફૂટશે. જોય ઓફ ગિવિંગ- આપવામાં આનંદ અનુભવશે.

રામ-લક્ષ્મણને, રમવાની ઉંમરે દશરથ રાજાએ વિશ્ર્વામિત્ર સાથે વનમાં મોકલ્યા હતાં, કારણ કે ત્યાં ઋષિમુનિઓને પડતી તકલીફથી તેઓ બેઉ પુત્રોને વાકેફ કરવા માગતા હતાં. ગૌતમ બુદ્ધના પિતા પણ રાજા હતાં, પણ તેઓ ઇચ્છતાં હતાં કે મારો છોકરો સમૃદ્ધિભર્યા મહેલમાં જ રહે, બહારની દુનિયામાં પગ જ ન મૂકે.જોકે, થવાનું હતું એ તો થઇને જ રહ્યું તેમણે બહારની શોષિત,પીડિત અને બીમાર દુનિયા જોઇ અને વિશ્ર્વને શ્રેષ્ઠ કરુણાનો અવતાર ધરાવતા પ્રબુદ્ધ પુરુષના દર્શન થયાં. તમને એમ કે રામ અને બુદ્ધ તો ભગવાન કહેવાય. આપણે માણસ છીએ. પણ તમે ધીરુભાઇ અંબાણી નામના માણસનું નામ તો સાંભળ્યું જ હશે. એવું સાંભળવા મળ્યું છે કે આ ધનાઢ્ય આદમી તેમના દીકરાને કોલેજમાં જવા આવવા માટે કાર નહીંં, પણ ટ્રેનના સેક્ધડ કલાસના ડબ્બામાં પ્રવાસ કરવાની સલાહ આપતા હતા જેથી અસલી દુનિયાની ખબર પડે. આ તો સાંભળ્યું છે, પણ નજરે જોયેલા બનાવોથી તમને વધુ વિશ્ર્વાસ આવશે. કાંદિવલીના વિદ્યુત નરમ અને નીલા નરમ, આ બેઉ પતિ-પત્ની મહિનાના એક -બે રવિવારે મુંબઇ કે તેની આસપાસના આશ્રમો કે સેવાકીય સંસ્થાઓમાં તન-મન-ધનથી સેવા કરવા અચૂક પહોંચી જાય છે અને તે પણ તેમના સંતાનોને લઇને. સંતાનોને ખબર પડે કે આપણે ઘર કે મૉલની અંદર જે જીવીએ છીએ એ જ એક માત્ર દુનિયા નથી, બહારની પણ એક અજબ દુનિયા છે. શાળામાં સંતાનો બુદ્ધિશાળી જરૂર બનશે, પરંતુ તેમને લાગણીશીલ-પરગજુ બનાવવાની જવાબદારી તો મા-બાપે જ નિભાવવી રહી.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6Rt38Gy
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com