19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૧૫૦૦-પ્લસ અને ૩૦૦૦-પ્લસ રનમાં એકેય સિક્સર નહીં!
વન-ડેમાં આ રેકૉર્ડ મનોજ પ્રભાકરના નામે અને ટેસ્ટમાં ટ્રૉટના નામે છે

રેકોર્ડ બુક-યશ ચોટાઈવન-ડે ક્રિકેટની કરિયરમાં કોઈ બૅટ્સમૅને એક પણ સિક્સર વગર જેટલા રન બનાવ્યા હોય એમાં સૌથી વધુ રન ધરાવનારાઓમાં આપણો મનોજ પ્રભાકર મોખરે છે. કોઈને વિચાર થતો હશે કે એેકેય સિક્સર વગર કોઈ બૅટ્સમૅનના વધુમાં વધુ ૫૦૦ કે ૭૦૦ રન હોઈ શકે, પરંતુ પ્રભાકરના એ રન ૧,૫૦૦ કરતાં પણ વધુ છે. હા, તે ૧૯૮૪થી ૧૯૯૬ સુધીની ૧૨ વર્ષની વન-ડે કારકિર્દીમાં ૧૩૦ મૅચ રમ્યો હતો જેમાં તેણે ૧,૮૫૮ રન બનાવ્યા હતા અને એમાં ૧૧ ચોક્કા હતા, પણ છગ્ગો એકેય નહોતો.

નવાઈની વાત એ છે કે ૧,૮૫૮ રનમાં પ્રભાકરની બે સેન્ચુરી હતી જે તેણે એક પણ સિક્સરની મદદ વિના ફટકારી હતી. સિક્સર વગર ૧,૦૦૦ રનનો આંકડો પાર કરનારા બીજા બે બૅટ્સમેનો પણ છે. ઝિમ્બાબ્વેના ડિયોન ઇબ્રાહિમના ૧,૪૪૩ રનમાં અને ઇંગ્લૅન્ડના જ્યૉફ બૉયકૉટના ૧,૦૮૨ રનમાં એક પણ છગ્ગો નહોતો. અફઘાનિસ્તાનનો હશમતુલ્લા શાહિદી એવો ચોથો બૅટ્સમૅન છે જેના ૬૭૫ વન-ડે રનમાં એક પણ સિક્સર નથી.

ટેસ્ટ-ક્રિકેટમાં આ રેકૉર્ડ ઇંગ્લૅન્ડના જોનથન ટ્રૉટના નામે છે જેના બાવન ટેસ્ટમાં ૩,૮૩૫ રનમાં એકેય સિક્સર નહોતી. તે વર્ષ ૨૦૧૫માં આખરી ટેસ્ટ રમ્યો હતો અને તાજેતરમાં નિવૃત્ત થયો હતો. વિજય માંજરેકરના ૩,૨૦૮ રનમાં અને ન્યૂ ઝીલૅન્ડના ગ્લેન ટર્નરના ૨,૯૯૧ રનમાં એક પણ સિક્સર નહોતી. ટી-ટ્વેન્ટીમાં કૅનેડાનો આશિષ બાગાઇ એવો બૅટ્સમૅન છે જે આ યાદીમાં મોખરે છે. તેના ૨૮૪ રનમાં એક પણ છગ્ગો સામેલ નથી.

------------------------------

અઝહર અલી ૬૮ ટેસ્ટ રમ્યો છતાં ઘરઆંગણે એકેય નહીં

ઓગણીસમી અને વીસમી સદીમાં એવું બન્યું હતું કે અમુક ખેલાડીઓ ૧૦થી ૧૫ જેટલી ટેસ્ટ રમ્યા હતા અને એમાંથી તેમની ઘરઆંગણાની એકેય મૅચ નહોતી. જોકે, પાકિસ્તાનનો અઝહર અલી એવો બદનસીબ ખેલાડી છે જે ૬૮ ટેસ્ટ રમ્યો છે જેમાંની એક પણ પાકિસ્તાનમાં રમાયેલી નથી.

૧૮૮૦ના દાયકામાં ઇંગ્લૅન્ડના વિલી બેટ્સ કુલ ૧૫ ટેસ્ટ રમ્યા હતા અને એ બધી ટેસ્ટ તેઓ ઑસ્ટ્રેલિયાની ધરતી પર રમ્યા હતા. ઇંગ્લૅન્ડના જ ફ્રેડરિક ફેન ઇંગ્લૅન્ડ વતી ૧૪ ટેસ્ટ રમ્યા હતા અને એમાંની પાંચ ટેસ્ટમાં તો તેઓ કૅપ્ટન હતા, પરંતુ એ તમામ ૧૪ ટેસ્ટ વિદેશમાં રમાયેલી હતી. સાઉથ આફ્રિકાના પર્સી મન્સેલ તમામ ૧૩ ટેસ્ટ વિદેશી ધરતી પર રમ્યા હતા. ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન મૉરિસ બર્ડ બધી ૧૦ ટેસ્ટ પ્રથમ વિશ્ર્વયુદ્ધ પહેલાં સાઉથ આફ્રિકામાં રમ્યા હતા. હવે આપણે અઝહર અલીની વાત પર પાછા આવીએ. ૨૦૦૯ની સાલમાં પાકિસ્તાનના લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર જે આતંકવાદી હુમલો થયો હતો એ બનાવ પછી ક્યારેય કોઈ મોટા ક્રિકેટ-રાષ્ટ્રની ટીમ પાકિસ્તાનમાં પૂર્ણસ્તરે સિરીઝ રમવા નથી આવી. પરિણામ એ આવ્યું કે પાક ખેલાડીઓ ઘરઆંગણાની મૅચોથી વંચિત રહ્યા છે અને મોટા ભાગે યુએઇમાં કે હરીફ ટીમના દેશમાં રમે છે અને એટલે જ અઝહર અલીએ તમામ ૬૮ ટેસ્ટ વિદેશમાં રમવી પડી છે.

---------------------------

બ્રેન્ડને બન્ને દાવમાં સદી છતાં જોયો પરાજય

બે મહિના પહેલાં ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરે ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી છતાં તેની ટીમે પરાજય જોવો પડ્યો હતો. તેણે પહેલા દાવમાં ૧૧૦ રન અને બીજા દાવમાં અણનમ ૧૦૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો, પરંતુ બંગલાદેશે એ ટેસ્ટ ૨૧૮ રનના તોતિંગ માર્જિનથી જીતી લીધી હતી. બ્રેન્ડન ટેલરની બન્ને સદી એળે ગઈ હતી અને પહેલા દાવમાં ડબલ સેન્ચુરી (૨૧૯ અણનમ) નોંધાવનાર બંગલાદેશનો મુશ્ફીકુર રહીમ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

જોકે, બ્રેન્ડન ટેલર જેવા કમનસીબ કિસ્સા ટેસ્ટ-ક્રિકેટમાં અગાઉ ૧૦ વખત બની ચૂક્યા હતા. ચાર વર્ષ પહેલાં આપણા વિરાટ કોહલી સાથે જ આવું બની ગયું હતું. ઍડીલેઇડમાં તેણે પહેલા દાવમાં ૧૧૫ રન અને બીજા દાવમાં ૧૪૧ રન બનાવ્યા હતા છતાં ભારતનો માઇકલ ક્લાર્ક ઍન્ડ કંપની સામે ૪૮ રનથી પરાજય થયો હતો. ૨૦૦૧ની સાલમાં બ્રાયન લારાએ તો કોલંબોમાં શ્રીલંકા સામે પહેલા દાવમાં ડબલ સેન્ચુરી (૨૨૧) અને બીજા દાવમાં ૧૩૦ રન બનાવ્યા હતા છતાં વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકા સામે હાર ખમવી પડી હતી. ૧૯૭૮માં કરાચીમાં સુનીલ ગાવસકરે ૧૧૧ અને ૧૩૭ રન મળીને કુલ ૨૪૮ રન બનાવ્યા હતા છતાં ભારતે પરાજય જોવો પડ્યો હતો. ૧૯૪૮માં આપણા વિજય હઝારે સાથે આવું બન્યું હતું. ઍડીલેઇડમાં ઑસ્ટ્રેલિયા સામે તેમણે ૧૧૬ અને ૧૪૫ રન બનાવેલા છતાં ભારતની એક દાવ અને ૧૬ રનથી હાર થઈ હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

66k876v6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com