19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શાહઝાદી ઝેબ-ઉન-ન્નિસા-૨

પ્રફુલ શાહઔરંગઝેબની પાંચ દીકરી પણ માત્ર ઝેબ-ઉન-ન્નિસા સૌથી અલગ. એના રૂપ, ગુણ અને વિદ્રોહી સ્વભાવને કારણે. અન્ય શાહઝાદીઓની માફક બાપની દરેક વાત ચૂપચાપ સ્વીકારીને એ સુખી થઇ શકી હોત. સૌથી વધુ સુખી-સંપન્ન હોત કારણકે એ સૌથી મોટી અને એકદમ લાડકી હતી.

કદાચ ઝેબ-ઉન-ન્નિસાના રાજકાજ, ભોગવિલાસ અને હરમના કુથલીબાજી માટે નહોતી બની. એને ભાષોઓમાં રસ હતો. કવિતા-શાયરીમાં દિલચસ્પી હતી. સુફીવાદમાં લગાવ હતો. ધર્મ-જડતાને બદલે સર્વધર્મ સમભાવ ભણી ઝુકાવ હતો. કટ્ટર મુસ્લિમ ઔરંગઝેબ કંઇ આવું સહન કરી શકે?

દાદા શાહજહાંએ ચતુરાઇપૂર્વક એની મંગની પોતાના પાટવીકુંવર અને ભાવિ સુલ્તાન દારા શિકોહના સૌથી મોટા દીકરા અને ગાદીના વારસદાર સુલેમાન શિકોહ સાથે કરાવી હતી. પરંતુ ઔરંગઝેબે ગાદી પચાવી પાડવા માટે જે મોટાભાઇ દારા શિકોહની બેરહેમીથી હત્યા કરાવી એ કાકા સાથે ઝેબ-ઉન-ન્નિસાને બહુ પટતું હતું. દારા શિકોહની જેમ જ એ સર્વધર્મ સમભાવમાં માનવા માંડી હતી. દારા શિકોહની બાદ કોઇ જોખમ ન રહે એટલે ઔરંગઝેબે સુલેમાન શિકોહની પણ હત્યા કરાવી નાખી. પોતાના રાજકીય સ્વાર્થ-સલામતીમાં તેણે દીકરાની લાગણી કે ભવિષ્યનો વિચાર ન કર્યો.

ત્યારબાદ ઝેબ-ઉન-ન્નિસાને છત્રપતિ શિવાજી મહારાજ તરફ એક તરફી પ્રેમ થઇ ગયો. ઔરંગઝેબ એક જાની દુશ્મનને નાથવા માટે આ સંબંધ સ્વીકારી પણ લેત, પરંતુ શિવાજી મહારાજ બધુ સમજતા હતા એટલે આ પ્રેમ પ્રસ્તાવને શિફ્તથી નકારી કાઢ્યો.

ક્યાંક ઉલ્લેખ મળે છે કે દારા શિકોહ માટે આદર અને ભાવિ ભરથાર સુલેમાન શિકોહ પોતાના દુશ્મન બની ગયા બાદ પણ ઝેબ-ઉન-ન્નિસા તેમને પ્રેમ કરતી રહી, સંપર્કમાં રહી અને પ્રભાવિત થતી રહી એનાથી ઔરંગઝેબ સમસમી ગયા હતા. આ ‘ગુનાહ’ માટે તે ક્યારેય બેટીને માફ ન કરી શક્યો.

જોકે ઔરંગઝેબને પોતાની આંખના રતન સમી શાહઝાદી કેમ કણાની જેમ ખૂંચવા માંડી એ માટે મતમતાંતર છે,પરંતુ આ નિષ્ઠુર બાપે પોતાની દીકરી સાથે જે કંઇ કર્યું એનો ઇનકાર ન થઇ શકે.

આ બાપ-દીકરીમાં એવા તે કેવા મનભેદ થઇ ગયા કે વાત આજીવન કેદ સધી પહોંચી ગઇ? ૧૬૬૨માં ઔરંગઝેબની તબિયત કથળી ત્યારે હકીમોએ હવાફેર માટે લાહોર જવાની સલાહ આપી. એટલે ઔરંગઝેબ લાવલશ્કર, રસાલા અને દરબાર સાથે પહોંચી ગયા લાહોર. એ સમયના લાહોરના વઝીરના દીકરા અલીખાન અને ઝેબ-ઉન-ન્નિસા વચ્ચે આકર્ષણ ઊભું થયું. ત્રૂટક-ત્રૂટક નોંધ મુજબ ઝેબ-ઉન-ન્નિસા અને અલીખાન જીવનના હમસફર બની શક્યા હોત, પરંતુ દારા શિકોહના રંગે રંગાયેલી દીકરીનો સંસાર વસાવીને ભવિષ્યમાં પોતાના કે પોતાના વારસદારો માટે દુશ્મન ઊભા ન થાય એવી ઔરંગઝેબે જોગવાઇ કરી. કોઇ બાપ આટલો પાષાણ-હૃદય કેવી રીતે થઇ શકે?

આ તરફ દિલ્હી પાછા ફરેલા ઔરંગઝેબે અલીખાનને મળવા માટે દિલ્હી બોલાવ્યો. આ પોતાનું નિકંદન કાઢી નાખવાનું કાવતરું હોઇ શકે એવા ડરથી અલીએ જ ઝેબ-ઉન-ન્નિસાના પ્રેમને ઠુકરાવી દીધો. ઔરંગઝેબને મનોમન ફફડાટ હોઇ શકે કે પોતાની શાહઝાદી થકી ક્યાંક દારા શિકોહનો માનસપુત્ર પોતાને પડકારે તો!

એક પછી એક કુઠારાઘાતથી શાહઝાદી હચમચી ગઇ. શાહી સવલતોની બેડીમાંથી મુક્ત થઇને એક બગીચામાં સાવ એકલીઅટુલી રહેવા માંડી. બીજી બાજુ હતાશ(કે ડરપોક)પ્રેમી અલીખાન તો પરિવાર, હોદ્દો અને સંપત્તિ છોડીને જીવવા માંડ્યો. કહેવાય છે કે એક તબક્કે ફરી એ ઝેબ-ઊન-ન્નિસા પાસે બગીચામાં પહોંચી ગયો. દિદાર એકદમ અલગ હતા. ઓળખાણ આપ્યા બાદ જ પ્રેમિકાને ખબર પડી કે સામે કોણ ઊભું છે?

એ સમયે બન્ને ઔરંગઝેબની નજરે ચડ્યા વગર બગીચામાં મળતા રહ્યા. પરંતુ એ લાંબો સમય ન ચાલ્યું.

અહીં પાછી બે વિરોધાભાસી માહિતી મળે છે એક, ઝેબ-ઉન-ન્નિસા લાહોરના નવા કોટ સ્થિત બગીચામાં હતી એટલે બન્ને દિલ્હીમાં બિરાજમાન ઔરંગઝેબની નજરથી દૂર હતા પણ પ્રેમ ક્યાં સુધી છૂપો રહેવાનો! એમાંય ઔરંગઝેબ જેવા શાસકના ચમચા અને જાસૂસો કેટલા બધા હોય? આનાથી વિપરીત બીજી માહિતી એવીય મળે છે કે ઝેબ-ઉન-ન્નિસા તો દિલ્હીના તીસ હજારી બગીચામાં હતી. તો શું અગાઉ મોતના ડરે ઔરંગઝેબના આમંત્રણથી દિલ્હી ન આવેલો અલીખાન સર્વસ્વ ત્યાગીને દિલ્હી આવ્યો હોઇ શકે?

અલીખાન દિલ્હી આવ્યાનું કહેનારા આગળ શું કહે છે? ક્રોધે ભરાયેલા ઔરંગઝેબે પ્રેમી-પંખીડાને બરાબરના પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ઝેબ-ઉન-ન્નિસાની નજર સામે જ કઢાઇમાં ઉકળતા પાણીમાં અલીખાનને ડૂબાડીને મારી નખાયો!

આટલેથી સંતોષ પામવાને બદલે લગભગ અડધા-પોણા ભાગના હિન્દુસ્તાન પર રાજ કરનારા બાપે સગી દીકરીને એના જ બગીચામાં કેદ કરાવી દીધી. શાહઝાદીને કેદમાં પૂરી દેવાઇ એ હકીકત છે. પરંતુ આની માટેના કારણો સંદિગ્ધ, અર્ધ-સત્ય કે પૂર્ણ કલ્પના હોઇ શકે.

હકીકતમાં શાહજહાં, ઔરંગઝેબ, દારા શિકોહ અને ઝેબ-ઉન-ન્નિસાના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું હતું લાહોર. લાહોર દારા શિકોહને ખૂબ પ્રિય હતું. અબ્બાજાન સુલ્તાન શાહજહાંએ તેને લાહોરનો વઝિર બનાવ્યો હતો. દારાના સમયમાં લાહોરનો ખૂબ વિકાસ પણ થયો. અહીંથી તેણે દિલ્હીની સલ્તનત પર દાવો નોંધાવવા ઔરંગઝેબ સાથેના જંગની શરૂઆત કરી હતી. લાહોરના સૂફી સંત મિયાં મિરથી દારા અત્યંત પ્રભાવિત થયેલા હતા. માની લો કે તેના આધ્યાત્મિક ગુરુ. આ માન એટલું ઊંડું કે પોતાના મહેલથી દૂર દૂર જ્યાં મિયાં મિર રહેતા હતા, ત્યાં સુધી એક રસ્તો બાંધવાનું સુધ્ધાં વિચાર્યું હતું.

લાહોરને પણ દારા શિકોહ માટે ખૂબ પ્રેમ અને ઔરંગઝેબ માટે નફરત. આ અસંતોષની અભિવ્યક્તિ લાહોરે ઝેબ-ઉન-ન્નિસાને ટેકો આપીને કરી હતી. એમાંય આ ઔરંગઝેબ-પુત્રીને દારાની માફક સૂફીવાદમાં વિશ્ર્વાસ. એમાંય આ તો એવી શાહઝાદી હતી કે જેના પહેલા મંગેતરની બાદશાહે ઘાતકી હત્યા કરી હતી, તે પ્રેમીને જીવતો ઉકાળીને મારી નાખ્યો હતો.

પરંતુ ઇતિહાસમાં ક્યાંક અલગ ઉલ્લેખ મળે છે કે ઝેબ-ઉન-ન્નિસા લાહોરના બગીચામાં નહીં, દિલ્હીના તીસ હજારી બાગમાં જ આજીવન કેદ રહી હતી એક બાપે બેગુનાહ બેટીને આપેલી અન્યાયી ઉમ્રકેદમાં શું થયું? (ક્રમશ:)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Crr501
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com