25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચાલો કુંભ મેળામાં ‘ખોવાઇ’ જઇએ

પ્રતીક ઠાકરઆઆજથી સિત્તેર-એંસી- વર્ષ પહેલાની હિંદી ફિલ્મોની વાર્તાઓમાં એવું આવતું કે નાનપણમાં બે ભાઇઓ કુંભમેળામાં ખોવાઇ જતાં, પછી અચાનક ઘણા વર્ષે કોઇ નિશાનીના આધારે તેમનો ભેટો થઇ જતો. જોકે, આજકાલ ડિજિટલ વિજ્ઞાનની શોધો, મોબાઇલ ફોન અને ચુસ્ત સલામતી-સિક્યુરિટીના પ્રતાપે આવા ખોવાઇ જવાના પ્રસંગો બહુ ઓછા બને છે. છતાંય અહીં લેખના મથાળામાં‘ખોવાઇ’ જવા પર બહુ ભાર મૂક્યો છે તેનું કારણ એ છે કે ધાર્મિક કે અધ્યાત્મની દુનિયામાં ખોવાઇ જવા માટે કે ડુબકી મારવા માટે આ શ્રેષ્ઠ સમય છે.

જી હાં, હાલમાં જ અલાહાબાદમાંથી પ્રયાગરાજ નામ પડ્યું છે ત્યાં ૧૪ જાન્યુઆરીથી શરૂ થતાં કુંભમેળાનું ભારતમાં પુરાણ યુગથી અનેરું મહત્ત્વ છે, પણ આ કુંભમેળો છે શું? એનું મહત્ત્વ શું છે? હાલના યુગમાં પણ તે કેટલા કામનો છે એ બધું જાણવું ખરેખર રસપ્રદ બની રહેશે.

કુંભમેળો એટલે કુંભનો મેળો. તમે કદાચ કુંભમેળામાં ન ગયા હોવ, પરંતુ નવી દુકાને કે ઘરે કુંભ મૂક્યો કે મૂકવાનો છે એવું તો સાંભળ્યું જ હશે. આપણે સારું મુહૂર્ત જોઇને પાણીનો કુંભ કે ઘડો મૂકીને તેની પૂજા કરીએ છીએ. મંત્રોચ્ચાર કરીએ છીએ ત્યાર બાદ જ સઘળા કાર્યોની શરૂઆત કરીએ છીએ. આમાં બે વસ્તુનો સમાવેશ થાય છે. એક પાણી અને બીજો કુંભ એટલે કે ઘડો. તમને કદાચ જાણીને નવાઇ લાગશે, પણ આજના વિજ્ઞાને પણ પુરવાર કરી દીધું છે કે પાણી આગળ બોલાતા ઉચ્ચારણોથી પાણી પર બહુ અસર થાય છે. સારા વચનો બોલાયા હોય તો સકારાત્મક અસર થાય છે જેમ કે મંત્રોચ્ચાર ક્ે શ્ર્લોકોના ઉચ્ચારણથી સારી અસર થાય છે, જ્યારે નિંદાત્મક કે ઝઘડાખોર વચનોથી માઠી અસર થાય છે. પહેલાના જમાનામાં સંતપુરુષો કોઇ મોટું વચન લેતાં કે દેતાં તો હાથમાં પાણી મૂકીને આ કામ કરતાં. આજના સમયમાં પણ કોઇ વ્યક્તિ મોટો નિર્ણય કરે કે સંકલ્પ લે ત્યારે તમે તેને એમ કહેતા સાંભળી હશે કે મેં તો આ કામ ન કરવા માટે પાણી મૂક્યું છે.

આમ પણ માનવશરીર સહિત સમગ્ર પૃથ્વી પર પાણી જ મોટા પ્રમાણમાં છે. આ પાણી પર માત્ર ઉચ્ચારણોની જ નહીં, પણ ગ્રહોની સારી નરસી અસર પણ થતી હોય છે. તમને એ તો ખ્યાલ હશે જ કે ચંદ્રની અસરથી જ પાણીમાં ઊથલ પાથલ થઇને ભરતી અને ઓટ આવે છે.

આટલું સમજ્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે પાણી એ ખરેખર સંવેદનશીલ તત્ત્વ છે. આપણા મોટા ભાગના તીર્થ કે આધ્યાત્મિક સ્થળો નદી કે દરિયા કિનારા પર જ કેમ વિક્સ્યા હશે તેનો તમને હવે ખ્યાલ આવ્યો હશે. પાણી ફક્ત આપણી તરસ જ નથી છીપાવતું, તેના સીંચનથી ખેતી થાય છે એટલે કે અન્ન પણ મળે છે. તેના સ્નાનથી શરીર પણ ચોખ્ખું થાય છે અને એક વાત હજી નોંધી લો કે શિતળ પાણીના સ્નાનથી મનની પણ શુદ્ધિ થાય છે એટલે જ કોઇ પવિત્ર કે ધાર્મિક કાર્યો કરતા પૂર્વે સ્નાન કરવું જરૂરી બની જાય છે.

પાણીનું આટલું મહત્ત્વ જાણ્યા પછી તમને કુંભમેળાનું મહત્ત્વ સમજવામાં સરળતા રહેશે.

------------------------------

આ કુંભમેળો શું છે?

આ કુંભમેળો એટલે દર બાર વર્ષે દેશની મુખ્ય નદીઓ પર ગ્રહોની અસરથી લઇને અમૃત સમાન બનતાં પાણીમાં સ્નાન કરવા ભેગા થતાં લોકોનો સમુદાય. ગંગા નદીના તટે આવેલા હરદ્વારનો કુંભમેળો હોય કે ક્ષિપ્રા નદીના કિનારે આવેલા ઉજ્જૈનનો, ગોદાવરીના તટે આવેલા નાસિકનો હોય કે પછી ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર આવેલા પ્રયાગનો કુંભમેળો હોય. બાર વર્ષે એક વાર આ નદીઓ પર ગ્રહોની ચોક્કસ સમય પર થતી સારી અસરથી જાણે અમૃત ભરેલો ઘડો છલકાતો હોય એવી અસર થાય છે અને આવી પવિત્ર થયેલી નદીઓ પર આ સમયે નહાવાથી શરીરના મેલની સાથે મનની વ્યાઘિરૂપી પાપોનો પણ નાશ થાય છે તેવી હજારો વર્ષ પુરાણી માન્યતાને કારણે લોકો આ સ્થળે સ્નાન કરવા માટે લાખોની સંખ્યામાં એકઠા થાય છે. શીતળ સ્નાન કરવાથી આમ પણ અનેક પ્રકારના શારીરિક અને માનસિક ફાયદા તો થાય જ છે, સાથે સાથે ગ્રહોના વિશિષ્ટ યોગોના પરિણામે યોજાતા કુંભમેળામાં આધ્યાત્મિક ફાયદા પણ જરૂર થતાં જ હશે, એમાં સંશય નથી. અમૃત ધરાવતા કુંભ જેવી બની ગયેલી નદીઓના તટે અત્યાધિક લાભ માટે માનવોનું થતું મિલન એટલે કુંભમેળો.

---------------------------

કુંભમેળાનું મહત્ત્વ શું છે?

જેમ કોઇ મંદિરમાં જતાં ભગવાનના દર્શન થાય છે અને ત્યાં આવતા ભક્તો માટે કયારેક ક્યારેક અમૃતવાણી ધરાવતાં ધર્મશાસ્ત્રોનું પઠન કરવામાં આવે છે, સંત સમાગમ થાય છે- બસ, એ જ રીતે ઉપરોકત પવિત્ર નદી તટે પણ કુંંભમેળાના સમયે સંન્યાસી અને સંસારીઓનો પણ સુંદર સમાગમ થાય છે. પહેલાના સમયમાં કેટલાય પુરુષો ઇશ્ર્વરની શોધમાં હિમાલય ભણી ચાલી નીકળતા. આવા લોકોને આપણે બાવો કહીને સંબોધતા. જોકે, કયા બાવાએ ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી છે તેની આપણને ખબર ન પડે, પણ અખાડા પરંપરાના સાધુ કે મહંત બનવા માટે ઘણી કઠિન તપશ્ર્ચર્યા કરવી પડે છે. તેમની વિધવિધ રીતે પરીક્ષાઓ લેવાય છે. તેમને જ્ઞાન આપતાં વેદ-ઉપનિષદોનો ઊંડો અભ્યાસ કરવો પડે છે. સામાન્ય પ્રજાને સમજાવી શકાય એવી વક્તૃત્વ કળા વિકસાવવી પડે છે. મન ઇશ્ર્વર પ્રાપ્તિના ધ્યેયથી હટી ન જાય તે માટે લાલચ, લોભ અને દરેક પ્રકારના ઇન્દ્રિય સુખનો ત્યાગ કરવો પડે છે. બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. આવા તેજથી ભરપૂર બાવાઓ સાથે સંગમ થાય તેની લોકો બાર બાર વર્ષ રાહ જોતા હોય છે. જે પાણીમાં આવા પવિત્ર, નિષ્પાપી, નિર્મોહી અને ભગવાન (અધ્યાત્મ)ની ઘણી નજીક પહોંચેલા સાધુ સંતો સ્નાન કરે (એટલે જ એમના સ્નાનને શાહી સ્નાન કહેવાય છે) તે પાણીમાં દેશના સામાન્ય માણસો પણ સ્નાન કરવા તલપાપડ હોય છે. એટલું જ નહીં આ સમયે તેમની ઉપદેશભરી વાણી પણ સાંભળવા મળતી હોય છે.

------------------------------

કુંભમેળો: બાર વર્ષે જ કેમ ?

આપણે આગળ જોયું કે કુંભમેળામાં માત્ર સ્નાન જ નહીં, પણ જ્ઞાનનું પણ આદાન-પ્રદાન થતું હોય છે. હવે, ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ -કદ અને વજન, એમ બેઉ રીતે ગુરુ ગણાય છે (એટલે જ તો એનું નામ ગુરુ પડ્યું હશે-ગુરુ એટલે મોટો અને લઘુ એટલે નાનો). હવે આશ્ર્ચર્યની અને આપણા સહુ માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે વિદેશી અને આધુનિક જ્ઞાન પ્રમાણે પણ ગુરુ જ સૌથી મોટો ગ્રહ છે એ સાબિત થઇ ચૂક્યું છે. આવડો મોટો ગ્રહ કોઇ પણ જાતના ટેલિસ્કોપ વગર નરી આંખે પણ જોઇ શકાય છે. આ ગ્રહની ગતિ અને તેના સૂર્ય તેમ જ પૃથ્વી સાથેના અમુક સંગમના સમયમાં સાધુ અને પ્રજાનો પણ નદી કિનારે સંગમ થાય એવું ગોઠવાયું હશે. આવા વિશિષ્ટ સમયે અગાઉ કહ્યું તે પ્રમાણે કોઇ વિશિષ્ટ યોગ હોય તે અમૃતરૂપી પાણી અને જ્ઞાનનો ઉદ્ભવ સમય હોય તે શક્ય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગુરુ ગ્રહને જ્ઞાનનો કારક પણ કહેવાય છે. હવે બીજી આપણી સંસ્કૃતિ માટે ગર્વ લેવા જેવી બાબત એ પણ છે કે ગુરુ અમુક ચોક્ક્સ સ્થાને આકાશમાં એક વાર આવે પછી એ જ સ્થાને પાછા આવતાં એને બાર વર્ષ લાગે છે એ ત્યારના જ્યોતિષોએ શોધી કાઢ્યું હતું. હવે આ જ વાત આજના ખગોળ વિજ્ઞાને આધુનિક સાધનોની મદદથી શોધી કે ગુરુને સૂર્યની આસપાસ એક ચક્કર લગાવતા પૂરા બાર વર્ષ લાગે છે. એટલે કે પૃથ્વી જેટલા સમયમાં સૂર્યની ૧૨ પ્રદક્ષિણા ફરે છે એટલા સમયમાં ગુરુ એક જ પ્રદક્ષિણા પૂરી કરે છે. ટૂંકમાં, સાધુ અને સંસારીઓ વચ્ચે માહિતી અને જ્ઞાનનું આદાન પ્રદાન અને તેનો અમલ કરવો આ બધી બાબતો કાંઇ એક બે વર્ષમાં ન થાય, પણ બાર વર્ષે ગુરુ ચોક્કસ સ્થાન કે રાશિમાં હોય ત્યારે મળવું એવું નક્કી કરવામાં આવ્યું હશે અથવા તો ગુરુ, સૂર્ય અને પૃથ્વી ચોક્કસ સ્થાનમાં હોય ત્યારે પૃથ્વીની નદીઓ પર આ મહાન ગ્રહ અને સૂર્યને કારણે પાણીમાં કોઇ ઔષધીય કે અમૃત તત્ત્વનો વધારો થતો હશે જે પ્રજાના કલ્યાણ માટે હોય એટલે સ્નાન કરવા લોકો આ સમયે ભેગા થતા હોય એ પણ શક્ય છે. જોકે, કારણ ગમે તે હોય પણ કુંભ મેળાનો સમય તો ગુરુની ગતિ પ્રમાણે એટલે કે દર બાર વર્ષે રાખવો એ પરંપરા હજારો વર્ષથી ચાલતી આવે છે અને ચાલતી રહેશે.

-----------------------

બાર વર્ષે બાવો બોલ્યોકોઇ માણસ વારંવાર બોલતો હોય કે વધુ પડતું બોલતો હોય ત્યારે આપણે તેની વાણીને બડબડાટ કહીને ઉપેક્ષા કરીએ છીએ, પણ કોઇ માણસ સામાન્ય પણે ચૂપ રહેતો હોય. ક્વચિત જ બોલતો હોય કે પોતાનું મંતવ્ય આપતો હોય ત્યારે આપણા મોઢામાંથી એ સમયે અનાયાસ એક વાક્ય નીકળી પડે છે કે ઓહો! બાર વર્ષે બાવો બોલ્યો. આ કહેવતમાં બાર જ વર્ષે કેમ, ચૌદ વર્ષ કે દસ વર્ષ કેમ નહીં તેનું રહસ્ય પણ દર બાર વર્ષે ભરાતાં કુંભમેળામાં છુપાયું છે. સંસારની આંટીઘૂંટીમાંથી મુક્ત થઇને હિમાલય કે અન્ય એકાંત સ્થળોએ જઇને સમગ્ર બ્રહ્માંડનું રહસ્ય જાણવા ઘોર તપસ્યા કરતાં અને બાર વર્ષે ચોક્કસ મુહૂર્તમાં નદીમાં નહાવા નીચે ઊતરતાં આ સંતો પોતાને જાણવા મળેલા સત્યનું જ્ઞાન માયામાં ફસાયેલા માનવીઓને આપીને તેમનું યોગ્ય માર્ગદર્શન કરતાં. આમ વિવિધ તપ કે અધ્યાત્મ પ્રવૃત્તિ અર્થે એકાંતમાં રહેતા સાધુ બાવાઓ દર બાર વર્ષે કુંભમેળાના સમયે સામાન્ય જનતાને ઉપદેશ આપવાના આશયે બોલતાં. આથી બાર વર્ષે બાવો બોલ્યો એ કહેવત આપણી ગુજરાતી ભાષામાં વર્ષોથી ફીટ થઇ ગઇ હશે તે હવે પરંપરાથી આપણે બોલીએ છીએ.

આજના સમયને જોતાં આ વ્યવસ્થા વધારે સુસંગત છે. સાધુ તો ચાલતા ભલા એ કહેવત અનુસાર અધ્યાત્મને અનુસરતાં સંત પુરુષ અને માયામાં લપેટાયેલા સંસારી પુુરુષે રોજેરોજ મળવું પણ ન જોઇએ. આજે આપણે જોઇએ છીએ કે ઘણા સંતો અને ગૃહસ્થો કાયમી સંબંધ રાખતા હોય છે. પહેલાના સમયમાં ન તો સાધુના કુળ પૂછાતાં કે ન તો ભક્તોનો ઇતિહાસ તપાસવામાં આવતો. માત્ર જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની જ આપ-લે થતી, જ્યારે આજે આપણે જોઇએ છીએ કે કેટલાય ધર્મગુરુઓ પાસે ભક્તોની આખી કુંડળી હોય છે. પૈસાવાળા ભક્તોના સંપર્કમાં તેઓ બારેમાસ રહેતાં હોય છે. કેટલાય સંતો તમને સંસારીઓના ઘરોની આસપાસ જ કાયમી આશ્રમ બાંધીને રહેતાં જોવા મળશે. (પહેલાં તો નદી કિનારે કે જંગલની અંદર એકાંતમાં આશ્રમ બાંધવામાં આવતાં) આમાંના કેટલાંય સંતો તમને વ્યવસાયિક રૂપ ધારણ કરીને બેઠેલા જોવા મળશે. આ બધી મોહમયી ચીજો તેમના અને ભક્તોના ઉદૃેશ્યમાં ખલેલ પહોંચાડતી હોય છે. એટલે ખરા નિ:સ્વાર્થ અને આત્માના કલ્યાણમાં જ માનવાવાળા સંતો ક્વચિત જ આમ પ્રજાના સંપર્કમાં આવે છે અને વળી પાછા એકાંતમાં અદૃશ્ય થઇ જતાં હોય છે. સંતો બાર વર્ષ તપસ્યા કરીને જ્ઞાન મેળવતાં અને તે આપીને દૂર થઇ જતાં તો બીજી બાજુ ભક્તો પણ કુંભમેળામાં મળેલા ઉપદેશને પચાવીને બાર વર્ષ દરમ્યાન જીવનમાં ઉતારવાનો નમ્ર પ્રયત્ન કરતાં. ખરેખર તો નદીની સાથે સાથે આવી જ્ઞાનગંગામાં ડૂબકી મારીને માણસ વધુ સંસ્કારી, સુસંસ્કૃત, ધાર્મિક અને સત્કર્મી બનતો હશે જેને કારણે તેના પૂર્વાશ્રમના દુષ્કર્મોનો અંત આવતો હશે. સાદી સીધી ભાષામાં તમે એમ કહી શકો કે અહીં આવીને સ્નાન કરવાથી સઘળા પાપ ધોવાય છે.

---------------------------

કુંભમેળાનો ઇતિહાસ

ભારતમાં કુંભમેળાની શરૂઆત ક્યારે થઇ, કેવી રીતે થઇ એની અલગ અલગ માન્યતાઓ છે. એક માન્યતા એવી છે કે કુંભમેળાની શરૂઆત આજથી ૮૫૦ વર્ષ પૂર્વે થઇ હતી. તો બીજી એક માન્યતા એ છે કે આદિ શંકરાચાર્યે સનાતન ધર્મના ફેલાવા માટે આ કુંભમેળાની શરૂઆત કરી હતી. કેટલાક દસ્તાવેજ અનુસાર ઇ.સ. પૂર્વે ૫૨૫ એટલે કે લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે કુંભમેળાની શરૂઆત થઇ હતી. કુંભ સાથે જોડાયેલ તથ્યો સમ્રાટ શિલાદિત્ય હર્ષવર્ધનના શાસનકાળ (ઇ.સ. ૬૧૭-૬૪૭) દરમ્યાન પણ મળી આવ્યા છે, પરંતુ કેટલીક કથાઓ અનુસાર કુંભનું વર્ણન સમુદ્રમંથન સમયે પણ મળી આવ્યું છે. સમુદ્ર મંથન સમયે ઝેર નીકળ્યુ તે પીવા કોઇ તૈયાર થયું ન હતું. અંતે ભગવાન શિવ આ વિષ ગટગટાવી ગયા,પરંતુ આ જ સમુદ્રમંથન દરમ્યાન અમૃત કુંભ નીકળ્યો હતો એને લઇને દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ હુંસાતુંસી દરમ્યાન અમૃત ભરેલા કળશમાંથી ચાર ટીપાં ભારતમાં અલગ અલગ ચાર જગ્યાએ પડ્યાં હતાં. હરદ્રાર, પ્રયાગ(અલાહાબાદ), ઉજ્જૈન અને નાસિક. આ ચાર જગ્યાઓ પર આવેલી નદીઓ હરદ્વારની ગંગા, પ્રયાગ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ, ઉજ્જૈનની ક્ષિપ્રા અને નાસિક ખાતે આવેલી ગોદાવરી નદીમાં કુંભમેળા સમયે સ્નાનનું મહત્ત્વ વધી જાય છે. કહેવાય છે કે અમૃત કુંભ મેળવવા માટે દેવ-દૈત્યો વચ્ચે બાર દિવસ અને બાર રાત સુધી યુદ્ધ ચાલ્યું હતું. દેવતાઓનો એક દિવસ બરાબર મનુષ્યનું એક વર્ષ ગણાય, એટલે ઉપરોકત પવિત્ર સ્થળોએ દર બાર વર્ષે કુંભસ્નાન કરવા કુંભમેળાનું આયોજન થાય છે.

---------------------------

કુંભમેળાના પાંચ પ્રકાર

મહાકુંભ મેળો

કહેવાય છે કે મહાકુંભ મેળામાં હિંદુઓએ પોતાના જીવન કાળમાં એક વાર અવશ્ય સ્નાન કરવું જોઇએ. મહાકુંભ મેળો ૧૨ પૂર્ણ કુંભમેળા બાદ એટલે કે ૧૪૪ વર્ષ પછી આવે છે. આ કુંભમેળો ફક્ત ગંગા, જમુના અને સરસ્વતી આ ત્રણ નદીઓના સંગમ- પ્રયાગ ખાતે જ યોજવામાં આવે છે. પાંચ વર્ષ પહેલાં જ ૨૦૧૩માં જ આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આગામી મહાકુંભનું આયોજન તેના ૧૪૪ વર્ષ પછી કરવામાં આવશે. મતલબ કે આપણી પેઢીના લોકો તો હવે આ મહાકુંભમેળામાં ઇચ્છા હોવા છતાંય ભાગ નહીં લઇ શકે. બીજા કુંભમેળાઓમાં સ્નાન કરીને જ મનને મનાવવું પડશે.

-------------------

માઘ કુંભમેળો

આ મેળો પણ માત્ર પ્રયાગના ત્રિવેણી સંગમ પર જ યોજવામાં આવે છે. આ મેળો તેના નામ પ્રમાણે હિંદુ કેલેન્ડર પ્રમાણે મહા મહિનામાં યોજાય છે. આવા સ્થળોએ આવા ગ્રહયોગમાં સ્નાન કરવાથી મનુષ્યના પાપ ધોવાઇ જાય છે એવી માન્યતા છે

--------------------------

પૂર્ણ કુંભમેળો

આ કુંભ મેળો પણ ફક્ત પ્રયાગ (અલાહાબાદ)માં જ દર બાર વર્ષે યોજવામાં આવે છે. લાખોની સંખ્યામાં લોકો અહીંના સંગમ પર સ્નાન કરવા ઊમટે છે. આ કુંભમેળાનું આયોજન ખૂબ મોટા સ્તરે કરવામાં આવે છે.

------------------

અર્ધ કુંભમેળો

આ કુંભમેળો બાર વર્ષની બદલે દર છ વર્ષે યોજવામાં આવે છે એટલે એને અર્ધકુંભ મેળો કહેવાય છે. આ મેળાનું આયોજન માત્ર પ્રયાગ અને હરદ્વાર ખાતે જ કરવામાં આવે છે. છેલ્લો અર્ધકુંભ મેળો ૨૦૧૬માં હરદ્વારમાં યોજવામાં આવ્યો હતો અને આવતા અઠવાડિયે ૧૪ જાન્યુઆરી, ૨૦૧૯માં પ્રયાગ ખાતે યોજાનારો મેળો પણ અર્ધકુંભ મેળો જ છે.

-------------------------

કુંભમેળો

આ મેળો દર બાર વર્ષે ભારતની ચાર જગ્યાઓ- હરદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈન ખાતે યોજવામાં આવે છે.

---------------------

કયા સ્થાન પર કયા ગ્રહયોગમાં

કુંભમેળો યોજાય છે?

હરદ્વાર

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિના દરમ્યાન જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે અહીં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

પ્રયાગ (અલાહાબાદ)

મહા મહિનામાં જ્યારે સૂર્ય અને ચંદ્ર બેઉ મકર રાશિમાં હોય અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં કુંભમેળો યોજાય છે.

નાસિક

ભાદરવા મહિનામાં સૂર્ય અને ગુરુ બેઉ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભમોળાનો યોગ બને છે.

ઉજ્જૈન

જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે અથવા ગુરુ, સૂર્ય અને ચંદ્ર વૈશાખ મહિના દરમ્યાન તુલા રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં આ યોગ બને છે.

----------------------

કુંભ સ્નાન કેટલાં અને ક્યારે?

૧૫ જાન્યુઆરી, ૨૦૧૯ ને મકરસંક્રાંતિને દિવસે શરૂ થતા અને ૪ માર્ચ,૨૦૧૯ને શિવરાત્રિના દિને પૂર્ણ થતાં આ કુંભમેળામાં આમ તો રોજ સ્નાન કરી શકાય, પરંતુ નીચેના દિવસો વધુ મહત્ત્વ ધરાવે છે.

-------------------------

મકર સંક્રાંતિ (પ્રથમ શાહી સ્નાન) ૧૫ જાન્યુઆરી મંગળવાર

પોષી પૂનમ ૨૧ જાન્યુઆરી સોમવાર

મૌની અમાવાસ્યા(દ્વિતીય શાહી સ્નાન) ૦૪ ફેબ્રુઆરી સોમવાર

વસંત પંચમી(તૃતીય શાહી સ્નાન) ૧૦ ફેબ્રુઆરી રવીવાર

માઘી પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરી મંગળવાર

મહા શિવરાત્રિ ૦૪ માર્ચ સોમવાર

--------------------

કુંભમેળાનું અવનવું

ક કુંભમેળાને સાલ ૨૦૧૭માં ગિન્નેસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન આપવાની સાથે સાથે ‘સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટવાળા પ્રસંગોમાંના એક’ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

ક આજથી પાંચ વર્ષ પહેલાં ૨૦૧૩માં જે મહાકુંભ મેળો

૧૪૪ વર્ષ બાદ પ્રયાગના ત્રિવેણી સંગમ ખાતે યોજવામાં આવ્યો

હતો એમાં દોઢ મહિના દરમ્યાન દસ કરોડ લોકોએ સ્નાન કર્યું

હતું.

ક કુંભમેળા પર પહેલી દસ્તાવેજી ફિલ્મ ૧૯૮૨માં બંગાળી ભાષામાં બની હતી જેનું દિગ્દર્શન દિલીપ રોયે કર્યું હતું. ફિલ્મનું નામ હતું- અમૃતા કુંભેર સંઘાને (અમૃત કુંભની સંગાથે).

------------------------

ક આ કુંભમેળામાં ભાવિકો તો સ્નાન કરે જ છે, પરંતુ આ નદીમાં સ્નાન કરવા વિવિધ અખાડાઓમાંથી અનેક સાધુ અને નાગાબાવાઓનું શાહી સ્નાન મુખ્ય આકર્ષણ હોય છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ અને ગણેશ એમ પાંચ ભગવાનનું પ્રતિનિધિત્વ કરનારા આ વિવિધ અખાડાઓના સાધુઓ પરમ તપસ્વી, યોગી, હિંદુ શાસ્ત્રોના જ્ઞાની અને બ્રહ્મચારી હોય છે. યોગિક આસનો, તલવારબાજી અને યુદ્ધ કળાના કરતબો બતાવતાં બતાવતાં આગળ વધતાં હોય છે. અખાડાના અનેક સાધુ-મહંતો એને નાગાબાવાઓ પગપાળા કે હાથી-ધોડા અને રથ પર સ્નાનાર્થે નદીની દિશામાં જઇ રહ્યા હોય ત્યારે અલૌકિક દૃશ્યો રચાતા હોય છે.

----------------------

આ વર્ષે દિવ્ય અને ભવ્યકુંભ શિર્ષક હેઠળ ૧૫ જાન્યુઆરીથી શરૂ થતાં પ્રયાગરાજના અર્ધકુંભમેળામાં અનેક આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દસલાખથી પણ વધુ વિદેશીઓ સહિત અઢાર કરોડથી વધુ ભાવિકો આ પવિત્ર સ્નાનપર્વમાં ભાગ લેશે તેવો અંદાજ સિવાય છે. આ કુંભમેળાની વધુ રસપ્રદ વિગતો આવતા રવીવારે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0011f3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com