19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંબંધ સજાવે જિંદગી યાને સુવાસનો સરવાળા

દિલની વાત -દિનેશ દેસાઈઅબ્રાહમ લિંકને એક વાર કહ્યું હતું કે રિલેશનશિપમાં હંમેશા એકબીજાની કદર કરો, એકબીજાનો આદર કરો અને પછી એકબીજાને ચાહો. જો કદર અને આદર નહીં હોય તો એવા સીધાસાદા ચાહવાનો કોઈ અર્થ નથી.

કોઈની સાથે મિત્રતા કરવામાં ભલે વિલંબ કરો, પરંતુ એક વાર મિત્રતા થઈ જાય તો તેને જીવનભર પૂરી નિષ્ઠાથી નિભાવવી રહી. દર વર્ષે જીવનમાંથી આપણે એક એક કરીને ખોટી ટેવ કે બૂરી આદત દૂર કરતા જઈએ તો એક દિવસ સારા બની રહીએ એવું બને. જીવનમાં એકમાત્ર સારી બાબત જ્ઞાન છે અને ખરાબ બાબત અજ્ઞાન હોવું એ છે.

જ્યારે તમે જે કંઈ ઈચ્છો તે ન મળે ત્યારે દુ:ખ થાય અને જે નથી ઈચ્છતા એ મળી જાય તો પણ મુશ્કેલી અનુભવતા હોઈએ એ સ્થિતિ વરવી ગણાય. કેમ કે જે વસ્તુ તમે ઈચ્છો તે મળે કે ના મળે પરંતુ સ્થિતિ કદીય કાયમી રહેતી નથી. જીવનનો રાહ હંમેશા આસાન હોય એવું બનતું નથી. જ્યારે પર્યટનમાં વાંકાચૂંકા અને આરોહ-અવરોહવાળા રસ્તા આવે ત્યારે એવા રસ્તાઓની જ મજા હોય છે.

આપણી આસપાસ આજે ભૌતિક દુનિયાએ પકડ જમાવી લીધી છે. કોઈ પણ સ્થિતિમાં પૈસાથી સારા ગુણ હાંસલ કરી શકાશે નહીં, પરંતુ સારા ગુણોથી પૈસા જરૂર મેળવી શકાય છે. જ્યારે વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર કાબૂ મેળવવાનું શીખી જાય છે ત્યારે તે વ્યક્તિ અન્યના ગુસ્સાથી પોતાની જાતને બચાવવાનું પણ આપોઆપ શીખી લેતો હોય છે.

જ્યારે આપણે ઈશ્ર્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના માત્ર ઈશ્ર્વરના આશીર્વાદ મેળવવા માટે જ હોવી જોઈએ. એ સિવાય બીજું કશુંક મેળવી લેવાની કામના માટે પ્રાર્થના હોવી જોઈએ નહીં, કારણ કે ઈશ્ર્વરને હંમેશા ખબર હોય છે કે આપણા માટે સારું શું છે અને શું નથી.

જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને પ્રપોઝ કરે છે કે તે ચાહે છે. આ સંજોગોમાં વ્યક્તિએ પોતાની જાતને પણ એક વાર પૂછી લેવું જોઈએ. કેમ કે વ્યક્તિ પહેલા પોતાની જાતને પણ ચાહે એ જરૂરી હોય છે. જો તમારી ભીતર જ પ્રેમ નહીં હોય તો તમે અન્ય બીજા કોઈને પ્રેમ કઈ રીતે, કેવી રીતે આપી શકવાના છો. જો તમારી ભીતર પ્રેમના સ્થાને ઈર્ષા, નફરત, વેરઝેર, ઘૃણા ઈત્યાદિ જ ભરેલાં હોય તો તમે કોઈને પ્રેમ કઈ રીતે આપી શકશો.

એક સરસ મજાની વાત છે કે સંતોષ, સંતુષ્ટિ એ પ્રાકૃતિક સંપદા છે. સંતોષ એટલે કુદરતી સંપત્તિ અને આશીર્વાદ. જ્યારે વૈભવ, ભૌતિક સંપત્તિ અને ધન વગેરે તો કાળા માથાના માણસે જાતે જ બનાવેલી ગરીબી જ છે. ખરો ધનિક તો એ વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા સંસાધનોથી ચલાવી લેવાનું જાણતો હોય. ઓછી વસ્તુઓથી જેનું જીવન પસાર થઈ જતું હોય તે વ્યક્તિ ગરીબ નહીં, પરંતુ દુનિયાનો સૌથી ધનિક માણસ છે.

વ્યક્તિ પોતે પ્રેમાળ હોવાનો પુરાવો એટલો જ કે તેનું હૃદય પણ પ્રેમાળ હોય. તે વ્યક્તિના હૃદયમાં ખુદ ઈશ્ર્વરનો વાસ હોય છે. વ્યક્તિએ પોતાની જાતને ફક્ત બહારથી જ ભપકા અને ઠાઠથી સુંદર બનાવવાની જરૂર નથી, બલકે પોતાની ભીતર પણ સૌંદર્ય પ્રસારવાની જરૂર છે. ઈનર-બ્યુટીની વાત પાબ્લો પિકાસોએ કરી હતી. તમે ઈશ્ર્વરને પ્રાર્થના કરી શકો કે ઈશ્ર્વર તમને જેવા ભીતર છો, એવા જ બહાર પણ બનાવે. વ્યક્તિ બહાર અને અંદરથી એક જેવા જ હોય, એ ઈશ્ર્વરના આશીર્વાદ વિના શક્ય બને નહીં.

વ્યક્તિમાં ભીતરનું સૌંદર્ય અને સાચું બૌદ્ધિક સ્તર એ સમયે જ આવી શકે જ્યારે વ્યક્તિ બુદ્ધ જેવી સમ્યક સ્થિતિમાં આવી જાય. વ્યક્તિ એમ વિચારવા લાગે કે દુનિયામાં હું કશું જ જાણતો નથી, એવો અહંકારરહિત ભાવ પ્રગટે ત્યારે વ્યક્તિનું ભીતરનું સૌંદર્ય આપોઆપ પ્રગટવા લાગે છે. સૌંદર્યવિજ્ઞાનની ભાષામાં જેને આત્માનું સૌંદર્ય અથવા વ્યક્તિનું આભામંડળ, વ્યક્તિની આસપાસ રચાતી ઓરા ત્યારે જ જોવા મળે જ્યારે વ્યક્તિ સર્વ પ્રકારના રાગ-વિરાગથી મુક્ત બન્યો હોય.

સંબંધમાં કોઈ પણ એક પક્ષે ગરજ અથવા મતલબનો પ્રવેશ થાય ત્યારે સમજવું કે સંબંધને જીવલેણ બીમારી લાગુ પડી છે. એવો સંબંધ વેન્ટિલેટર પર મુકાઈ જતો હોય છે. ગમે ત્યારે સંબંધ મૃત્યુ પામે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

25A715BH
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com