25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈનું પરિવહન

મુંબઈ મસ્ત-રાજુ કુર્લેકરમુંબઈ શહેરનો વિકાસ બહુ ઝડપથી થયો. અહીંની વસતિમાં જેમ જેમ વધારો થતો ગયો એમ અહીંની પરિવહન વ્યવસ્થામાં પણ ફેરબદલ થતી રહી. મુંબઈની ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વિકાસ થતો રહ્યો અને જબરદસ્ત પ્રમાણમાં થયો. અહીંના પરિવહનમાં સૌ પ્રથમ તો બળદગાડીઓ અને આર્થિક સગવડ અનુસાર ઘોડાગાડી દ્વારા માલસામાનનું તેમ જ પ્રવાસીઓનું ટ્રાન્સપોર્ટેશન થતું હતું. સમયના વહેણની સાથે રોડ-ટ્રાફિક-ટ્રાન્સપોર્ટમાં ફેરબદલ થઈ. બળદગાડાને બદલે સાર્વત્રિક રીતે ઘોડાગાડીનો વપરાશ થવા લાગ્યો હતો. જોકે, માત્ર રસ્તાના પરિવહનમાં જ બદલ થઈ એવું નહીં, પણ બ્રિટિશરોએ આ દેશમાં પોતાના ફાયદા માટે રેલવેનો આરંભ કર્યો હતો અને થોડા સમયમાં જ આ શહેરનો વિકાસ થયો.

રોડ-ટ્રાન્સપોર્ટેશનનાં-પરિવહનનાં સાધનોમાં ફેરબદલ થતી રહી. ઘોડાગાડીની પાછળ જ આ શહેરમાં સૌપ્રથમ ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતી ટ્રામ દોડવા લાગી હતી. એ પછી કોલાબાથી દાદર વચ્ચે ટ્રામ દોડવા લાગી હતી. બહુ ઓછા ભાવમાં મુંબઈવાસીઓને ટ્રામ દ્વારા આખાં મુંબઈમાં ફરવાનું મળવા લાગ્યું હતું તો સાથે જ પ્રવાસની ગતિ પણ ખાસ્સી વધી ગઈ. એમ તો ટ્રામ શરૂ થવા પહેલાથી ઘોડાગાડીઓ તો હતી જ. પરેલના પોયબાવાડી સહિત અનેક સ્થળે આ ગાડીઓનાં સ્ટેન્ડ હતાં. આજે જેમ રિક્ષા-ટેક્સીવાળાઓની જેમ મનમાની ચાલે છે એ જ પ્રમાણે ત્યારે ઘોડાગાડીઓવાળાઓની મનમાની ચાલતી હતી. ટ્રામ શરૂ થઈ એટલે તેમની મનમાની ભાંગી પડી, એને લગામ લાગી ગઈ હતી. પરેલ ટીટી (પરેલ ટ્રામ ટર્મિનસ) કે દાદર ટીટી (દાદર ટ્રામ ટર્મિનસ) જેવાં નામો આજે પણ કેટલાકોને યાદ હશે. આ સ્થળે ટ્રામના સ્ટેન્ડ-સ્ટોપ હતા. આ સ્ટેશનો પરથી છેક કોલાબા સુધી એક કે બે આનામાં શહેરમાં આંટો મારી શકાતો હતો. ટ્રામની જોડાજોડ શહેરમાં ટેક્સીઓ દોડવા લાગી હતી. કેટલીક ખાનગી મોટરબસ સેવા પણ શરૂ થઈ હતી. જોકે, એને પગલે મુંબઈવાસીઓને પડતા ત્રાસને ધ્યાનમાં લઈને મહાપાલિકાના અખત્યારમાં હોય એવી બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. હળવે હળવે ટ્રામનાં પાછાં પાણી થયાં અને એને સ્થાને બસ સેવા શરૂ થઈ ગઈ હતી. સિંગલ ડેકર, ડબલ ડેકર, ટ્રોલર બસ જેવાં બસોનાં બદલાતાં સ્વરૂપો આ શહેરે જોયાં અને અનુભવ્યાં છે. આજે હવે બેસ્ટની બસોની જાળ સમગ્ર શહેરમાં ફેલાયેલી છે.

જોકે, મુંબઈના પરિવહનને ખરા અર્થમાં ગતિ મળી તે રેલવેને કારણે! ૧૬ એપ્રિલ, ૧૮૫૩ના દિવસે શહેર ખરા અર્થમાં દોડતું થયું હતું. વિકાસની ગતિ વધવા લાગી. એ જ કારણે ઉપનગરની રેલવેને મુંબઈની જીવાદોરી કે જીવનવાહિની તરીકે ઉલ્લેખ થવા લાગ્યો છે. ૧૬ એપ્રિલથી રેલવે દોડવા તો લાગી પણ એ અગાઉ આ લોખંડી રાક્ષસ દ્વારા લોકો પ્રવાસ ન કરે એ માટે રેલવેનો મોટા પ્રમાણમાં વિરોધ કરાયો હતો. લોકોનાં મનમાંનો ભય દૂર કરવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે શહેરના ત્યારના મહાનુભાવો અને મોટા માણસો-લબ્ધપ્રતિષ્ઠિત માણસો પ્રવાસમાં સહભાગી બન્યા હતા. બોરીબંદર, ભાયખાલા, શીવ, ભાંડુપ અને થાણે એ આ પહેલા પ્રવાસનાં સ્ટેશનો હતાં. ભાયખાલા અને શીવ રેલવે સ્ટેશનોની, એ કાળની જીઆઈપી રેલવેનાં સ્ટેશનોની કમાનો-મહેરાબો આજે પણ આપણને જોવા મળે છે. પ્રબોધનકાર ઠાકરેએ લખેલી ‘માઝી જીવનગાથા’ નામના આત્મચરિત્રમાં આ પહેલા પ્રવાસની ગમ્મત-રમૂજી પ્રસંગો નોંધવામાં આવ્યા છે. ‘સાહિબ’, ‘સિંધ’ અને ‘સુલતાન’ નામનાં એન્જિનોએ આ પહેલી ૧૪ ડબ્બાની ટ્રેન ખેંચી હતી. એ વખતે આ ટ્રેન દ્વારા ૪૦૦ પ્રવાસીઓએ પ્રવાસ કર્યાનું કહેવામાં આવે છે. આ ગાડીને શીવ ખાતે પાણી ભરવા માટે ઊભી રાખવામાં આવી હતી. એમ તો આપણાં દેશમાં વર્ષ ૧૮૩૨થી રેલવે દોડવા લાગી હતી, પણ પ્રવાસી પરિવહન કરવાનું પહેલું માન આ શહેરને મળ્યું. ૩ ફેબ્રુઆરી, ૧૯૨૫માં હાર્બર રેલવે શરૂ થઈ હતી અને પાંચમી જાન્યુઆરી, ૧૯૨૮ના દિવસે એટલે કે ૯૦ વર્ષ અગાઉ બોરીવલીથી ચર્ચગેટની ઉપનગરની ટ્રેન દોડતી થઈ હતી.

મુંબઈ-થાણે રેલવે માર્ગ બાંધવાનું કામ ત્યારના ગ્રેટ પેનિન્સ્યૂલર રેલવેના મુખ્ય નિવાસી એન્જિનિયર જેમ્સ જૉન બર્કલેએ કર્યું હતું. શીવ ખાતે આ રેલવે માર્ગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારની ગ્રેટ પેનિન્સ્યૂલર પ્રોવિન્સ (જીઆઈપી રેલવે એટલે અત્યારની મધ્ય રેલવે) અને બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઈન્ડિયન (બીબી એન્ડ સીઆઈ એટલે અત્યારની પશ્ર્ચિમ રેલવે) એમ બે રેલવે કંપનીઓ હતી. મુંબઈથી રૂ-કપાસ સુરત અને વડોદરા ખાતે લઈ જવામાં આ રેલવે માર્ગનો ઉપયોગ કરાતો હતો. સમય જતાં પ્રવાસી પરિવહન શરૂ થયું હતું.

એ સમયે મુંબઈ બંદરમાં આવનારો માલ અન્ય રાજ્યોમાં મોકલવા માટે જહાજોના સમયે ગાડીઓ ચલાવવામાં આવતી હતી. પશ્ર્ચિમ રેલવેમાં ત્યારે કોલાબા

એ છેલ્લું સ્ટેશન હતું તો મધ્ય રેલવેમાં બેલાર્ડ એસ્ટેટ છેલ્લું સ્ટેશન હતું. હવે એ સ્ટેશન હવે ઈંદિરા ડૉકમાં જોવા મળે છે. આ તરફ પશ્ર્ચિમ રેલવે ખાતેનું કોલાબા રેલવે સ્ટેશન હવે નામશેષ થયું હોવા છતાં રેલવે અધિકારીઓનું નિવાસ સ્થાન છે એ બધવાર પાર્કના સ્થળે આ સ્ટેશન હતું. ફરુકચંદ બધવાર રેલવે બૉર્ડના પહેલા ચેરમેન હતા. રેલવેના અધિકારીઓનાં નિવાસ સ્થાનની ઈમારતને ૧૯૬૨માં આ નામ આપવામાં આવ્યું હતું. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર, ફ્રન્ટીયર મેલ સુધ્ધાં મુંબઈની ગોદીમાં આવેલા જહાજના સમય પ્રમાણે પ્રવાસ શરૂ કરતો હતો. બેલાર્ડ એસ્ટેટ ખાતેથી રવાના થયેલી આ ગાડી કર્નાક બંદર ખાતે મુખ્ય માર્ગ પર લાગતી હતી.

મુંબઈ શહેરનાં પ્રવાસી પરિવહનને જેમ જેમ વેગ મળ્યો એમ રેલવેનાં સ્ટેશનો ઊભાં કરવાનું અનિવાર્ય બની ગયું હતું. પહેલા છ ડબ્બાની પછી આઠ અને પછી નવ ડબ્બાની ગાડી દોડવા લાગી હતી. હવે તો ૧૨ અને ૧૫ ડબ્બાની ગાડી ૮૦ લાખ કરતાં વધારે મુંબઈવાસીઓને લઈને દરરોજ દોડે છે. મધ્ય રેલવેમાં વર્ષ ૧૮૫૬માં કુર્લા રલવે સ્ટેશન તૈયાર થયું હતું. એ જ સમયે દાદર સ્ટેશન પણ બાંધવામાં આવ્યું હતું. વર્ષ ૧૮૭૭માં મસ્જિદ, ચિંચપોકલી અને પરેલ સ્ટેશનો ખડા થયાં હતાં. વડાલા રોડ, અને કુર્લા તેમ જ રે રોડ માર્ગ ૧૨ ડિસેમ્બર, ૧૯૧૦ના શરૂ કરવામાં આવ્યો હતો. સૅન્ડહર્સ્ટ રોડ ખાતે હાર્બર માર્ગ શરૂ થયો તે ત્રીજી ફેબ્રુઆરી, ૧૯૨૫ના દિવસે. ત્યારે રેલવેનું વિદ્યુતિકરણ થયું પછી ટ્રેનો ચઢાણ પણ ચડવા લાગી હતી. સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પણ ત્યારે જ શરૂ કરવામાં આવ્યું હતું. ડૉકયાર્ડ રેલવે સ્ટેશનનો જન્મ વર્ષ ૧૯૩૧માં થયો હતો. મુંબઈ રેલવે સ્ટેશન વર્ષ ૧૯૩૦માં ઊભું થયું હતું. વર્ષ ૧૮૬૭માં મરીન લાઈન્સ, એલફિન્સ્ટન રોડ (અત્યારનું પ્રભાદેવી) જ્યારે વર્ષ ૧૮૬૫માં માટુંગા સ્ટેશન બંધાયું હતું. મંબઈની વસતિ વધતી ગઈ. મુંબઈવાસીઓનો રેલવે સંબંધી ભય સદંતર નાબૂદ થયો હતો. એક સમયે ગાડીની સિટી સાંભળીને ભાગમભાગ કરી દેનારા આજુબાજુના લોકો એ જ લોખંડી રાક્ષસના પેટમાં ઊતરી પોતાનાં પેટનો ખાડોે ભરવા માટે દિવસ-રાત પ્રવાસ કરવા લાગ્યા હતા. આ સુવર્ણનગરીનો વિકાસ અધિક ઝડપે થવા લાગ્યો હતો.

અનેક લોકોના જીવનમાં જે શહેરનું અનન્ય મહત્ત્વ છે એ જ આ આપણું મુંબાપુરી કે મુંબઈ શહેર! આ મુંબઈનો ઈતિહાસ બહુ ઓછાં પ્રમાણમાં પ્રગટ થયો છે. હજીય અનેક રહસ્યો આ શહેરનાં ઉદરમાં દટાયેલાં પડ્યાં છે. મુંબઈ પર લખવા માટે હજીય બહુ બધી બાબતો છે. એટલું જ નહીં, પણ મુંબઈનું કૅલિડોસ્કોપ હજું ઘણાં પ્રમાણમાં બાકી છે. ખરેખર તો આ શહેર દરેક જણને પોતાની આકૃતિ-રૂપ-રંગ જુદી જુદી રીતે દેખાડે છે. એ જે દેખાડે છે એ જ દેખાડવાનો કરેલો આ નાનકડો પ્રયાસ છે. વધુ ફરી ક્યારેક... ત્યાં સુધી અલ્પ એવો વિરામ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

R0284kw
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com