29-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દોડતી ટ્રેનમાં લાઈબ્રેરી

પ્રાસંગિક-દર્શના વિસરીયા‘ડિસેમ્બર મહિનાની એક સવારે ઓફિસ પહોંચવાની ઉતાવળે માંડ પચ્ચીસ વર્ષની આસપાસની એક યુવતી ચાલતી બસમાં ચડી જાય છે અને ચડતાંની સાથે જ ભીડમાં પોતાની જગ્યા કરીને શાંતિથી હાથમાં રહેલું પુસ્તક ખોલીને વાંચવાનું શરૂ કરી દે છે. બાજુમાં બેઠેલા એક ૫૫-૬૦ વર્ષના અંકલ દર એક-બે મિનિટે યુવતીને અને તેના હાથમાં રહેલાં પુસ્તકને જોઈ લેતા હતા. આખરે સ્ટોપ આવતા જ્યારે યુવતી ઉતરવા માટે ઊભી થઈ ત્યારે અંકલે નહીં રહેવાતા પૂછી જ લીધું કે ‘દીકરા તને હજી પણ ગુજરાતી બુક્સમાં રસ છે? ખરેખર તારા જેવી યુવાપેઢી જ્યાં સુધી પુસ્તકો વાંચતી રહેશેને ત્યાં સુધી આ પુસ્તકોને ઊની આંચી પણ નહીં આવે...’

ઘટના છે તો સાવ સામાન્ય પણ જો એના ઊંડાણમાં જઈએ તો ખૂબ જ ગૂઢ અને માર્મિક સંદેશ આપી રહી છે. ડિજિટલ અને ટૅક્નોલોજીના જમાનામાં જ્યારે પણ કોઈના હાથમાં પુસ્તક જુઓ એટલે ચોક્કસ જ આજની તારીખમાં પણ લોકો પુસ્તકો વાંચે છે ખરા, એવો સવાલ મનમાં ચોક્કસ જ થઈ જાય. પણ આ જ હકીકત છે. સાવ એવું પણ નથી કે આ પુસ્તકો વાંચનાર વર્ગ વૃદ્ધોનો જ છે. માંડ ત્રીસીમાં પહોંચી રહેલા યુવાવર્ગમાંથી પણ જૂજ યુવાનોના હાથમાં જ્યારે પુસ્તકો જોઈએને ત્યારે એક વાતની ધરપત ચોક્કસ રહે છે જ્યાં સુધી આવા વાચક છે, ત્યાં સુધી પુસ્તકો અને લાઈબ્રેરીનું ભવિષ્ય હજી જળવાઈ રહેશે. ટૅક્નોલોજીના આગમનની સાથે સાથે જ ધીરે ધીરે લોકોના વાચનને બ્રેક લાગી ગઈ છે.

બે-ત્રણ વર્ષ પહેલાં જ થાણે જિલ્લાના ડોંબિવલીમાં ગણેશ ચતુર્થીના ડેકોરેશન તરીકે ગણેશ મંડળ દ્વારા લોકોને વાંચન અને પુસ્તકોમાં રસ પડે એ માટે પુસ્તકોનું ઈગ્લુ બનાવવામાં આવ્યું હતું અને આ આખું ઈગ્લુ બનાવવા માટે આશરે ત્રણથી ચાર હજાર પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે એ વખતે આ વાતની ખાસ એટલી નોંધ લેવામાં આવી નહોતી.

હાલમાં જ નવા વર્ષની શરૂઆતમાં ભારતીય રેલવે દ્વારા પણ પ્રવાસીઓ પ્રવાસના સમયનો સદુપયોગ કરે એ અને વાંચનનો વિસ્તાર થાય એ હેતુથી મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી ઍક્સ્પ્રેસમાં એક લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે, આ લાઈબ્રેરીમાં ૩૫ જેટલા બાળકો માટેના અને બાકીના ૭૦ પુસ્તકો મૂકવામાં આવ્યા છે. આ અંગે વાત કરતાં પશ્ર્ચિમ રેલવેના ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર આરતી પરિહારે જણાવ્યું હતું કે ‘ભારતીય રેલવેમાં ટ્રેનમાં લાઈબ્રેરી શરૂ કરવાનો પશ્ર્ચિમ રેલવેનો આ પહેલો જ પ્રયોગ છે. પ્રવાસીઓ પ્રવાસ દરમિયાન નિ:શુલ્ક આ લાઈબ્રેરીનો લાભ લઈ શકશે અને ટ્રેનમાંથી ઊતરતાં પહેલાં પુસ્તક લાઈબ્રેરીમાં પાછું આપી દેવાનું રહેશે.’

આ ઉપરાંત ઑક્ટોબર, ૨૦૧૮માં મધ્ય રેલવે દ્વારા ડેક્કન ક્વીન અને પંચવટી ઍક્સ્પ્રેસમાં માસિક પાસ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે પણ આ પ્રકારની લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ લાઈબ્રેરીમાં હિસ્ટોરિકલ, સસ્પેન્સ, પૉલિટિક્સ, બાયોગ્રાફીથી લઈને નવલકથા, બાળકો માટે સ્ટોરી બુક્સ મૂકવામાં આવે છે.

મધ્ય રેલવે પર પંચવટી અને ડૅક્કન ક્વીન ઍક્સપ્રેસમાં પણ ઑક્ટોબર, ૨૦૧૮થી એક લાઈબ્રેરી શરૂ કરવામાં આવી હતી અને પ્રવાસીઓ દ્વારા આ લાઈબ્રેરીને સારો અને સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

‘આજના મોબાઈલ ફોનના જમાનામાં પુસ્તકો વંચાય અને એ માટેનું વાતાવરણ ઊભું કરવું એ જ કેટલું અદ્ભુત છે અને પશ્ર્ચિમ રેલવે દ્વારા ટ્રેનમાં આ પ્રકારની લાઈબ્રેરી શરૂ કરવાના ઉપક્રમને એક રીતે તો ‘લાઈબ્રેરી ઓન વ્હીલ’ કહી શકાય. આ ઉપરાંત પ્રવાસીઓના મંતવ્યો અને વિચારોને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં લાઈબ્રેરીના કલેક્શનમાં ફેરવિચારણા કરવામાં આવશે’ એવું પરિહારે વધુમાં જણાવ્યું હતું.

જોકે ભારતીય રેલવેની જેમ જ આ વધુને વધુ લોકો વાંચન તરફ વળે એ માટે મહારાષ્ટ્રના એક ગામે ૨૦૧૭માં અનોખી પહેલ કરી દીધી છે અને આ પહેલને કારણે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ આખા દેશમાં આ ગામે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. મહારાષ્ટ્રના સાતારામાં આવેલા જે ગામ વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ ગામ પહેલાં તો સ્ટ્રોબેરીના ગામ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે આ ગામ ‘પુસ્તકોના ગામ’ તરીકે ઓળખાય છે.

દોઢેક વર્ષ પહેલાં સુધી તો આ ગામની એક જ ઓળખ હતી અને એ એટલે સ્ટ્રોબેરી. પણ હવે સ્ટ્રોબેરીની સાથે સાથે આ ગામને બીજી ઓળખ મળી છે અને એ એટલે દેશના પહેલા પુસ્તકોના ગામ તરીકે. આખા ગામને જ એક પ્રકારની લાઈબ્રેરી કહી શકાય. ચોથી મે, ૨૦૧૭ના આ ગામમાં વિવિધ વિષયોના ૧૫,૦૦૦ પુસ્તકો જ્યારે બાળકો માટે ૨૦૦૦ જેટલા પુસ્તકો સાથેની અનોખી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે અને ગામવાસીઓ પણ ટુરિઝમ, સ્ટ્રોબેરી અને વાંચનને પ્રોત્સાહન આપી રહ્યા છે.

લગભગ બેથી ત્રણ કિલોમીટરમાં ફેલાયેલા ભિલારમાં ત્રણ મંદિર, લૉજ અને હૉટેલ મળીને કુલ ૨૫ જગ્યાઓ પર પુસ્તકોને અલગ અલગ વિભાગમાં વહેંચીને મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં જે ૨૫ જગ્યાઓ પર પુસ્તક મૂકવામાં આવ્યા છે એ જગ્યાઓ ૭૫ જેટલા કલાકારોએ મળીને કયા પ્રકારના પુસ્તકો આ વિભાગમાં મૂકવામાં આવ્યા છે એ મુજબ પેઈન્ટ કરી છે. ભિલારને વર્ષે સ્ટ્રોબેરીને કારણે જ ૪૦થી ૫૦ કરોડની આવક થાય છે અને હવે તેમની આ અનોખી પહેલને કારણે ગામમાં આવનારા પર્યટકોની સંખ્યા તો ચોક્કસ જ વધી જશે.

ગામવાસીઓ પણ આ વિશે કહે છે કે વાંચન એ તો આપણા પૂર્વજોની દેણ છે અને એને આ સાવ રેઢું તો ના જ મૂકી દેવાય ને? આમ તો દરેક ગામમાં એકાદ લાઈબ્રેરી તો હોય જ છે. પણ અમારું ભિલાર તો પોતે જ એક લાઈબ્રેરી છે અને અમને એનું અભિમાન છે. જો એક નાનકડા ગામના લોકો વાંચનને આટઆટલું મહત્ત્વ આપતા હોય તો આપણે આમાં કેમ પાછા પડી શકીએ?

વાંચન પ્રત્યેની આપણી ઉદાસીનતા આપણી આવનારી પેઢીના વિચારોને સાવ કંગાળ અને પાંગળા બનાવી દેશે, એના કરતાં તો જાગ્યા ત્યારથી સવાર વિચારીને ટૅક્નોલોજીને કારણે તેમની બુદ્ધિની ધારને બુઠ્ઠી થતી અટકાવીએ અને અત્યારથી જ આપણા બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ જગાવીએ અને તેમને આપણેએક સમૃદ્ધ અને કળાત્મક વિચારોનો વારસો પુસ્તકના માધ્યમથી આપીએ. નવા વર્ષનો એક નવો સંકલ્પ જ માની લઈએ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6Aw5s75
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com