19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લીલા પાંદડાવાળી ભાજીઓ: ચીલ બથુઆ અને સરસોં

સ્વાસ્થ્ય સુધા-મીનાક્ષી જોષીસામાન્યપણે આપણે શિયાળાની ઠંડીમાં આપણે લીલી ભાજી ખાવાનું પ્રમાણ વધારી દઇએ છીએ. આ ઋતુમાં એ સહેલાઇથી અને વધુ પ્રમાણમાં મળી તો આવે જ છે, સાથે સાથે ઠંડીમાં શરીરની ગરમી વધારવા માટે પણ ખૂબ ઉપયોગી નીવડે છે. જોકે, ઘણી બધી લીલી ભાજીઓથી તમે પરિચિત હશો જ, પણ આજે આપણે ગુજરાતીઓમાં અને ખાસ કરીને મુંબઇના ગુજરાતીઓમાં ઓછી વપરાતી ચીલ બથુઆ અને સરસોની ભાજીના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણીશું. સૌ પ્રથમ શરૂઆત કરીએ ચીલની ભાજીથી.

ચીલ બથુઆ

ચીલ બથુઆ જેનું બાયોલોજીકલ નામ છે, ચેનોપોડિયમ આલ્બમ તેની ખેતી વિશ્ર્વના ખૂબ ઓછા વિસ્તારોમાં કરવામાં આવે છે. ભારતમાં પણ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં તેની ખેતી વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના ખેતરોમાં તો એ શિયાળામાં ઘઉંની સાથે સાથે જ ઊગી નીકળે છે. ત્યાં તો આ ભાજી માટે એક કહેવત પણ સાંભળવા મળે છે કે ઘઉં ભેગો ચીલ પીએ - મતલબ કે ઘઉંના છોડ માટે ખેતરમાં પાણી છોડવામાં આવ્યું હોય તે પીને ચીલના લીલા પાંદડાવાળી ભાજી પણ અલમસ્ત બને છે અને માણસ માટે ઔષધિ યુક્ત ખોરાક બનાવે છે. જોકે, તમારે મુંબઇમાં આ ભાજી ખરીદવી હોય તો ચીલની ભાજી - એવું પૂછવાથી જલદી નહીં મળે. મરાઠી ભાષામાં આ ભાજી ચંદન બથુઆ કે તેના અપભ્રંશ થયેલા નામ ચંદન બટવા તરીકે ઓળખાય છે.

ચીલની ભાજી આ સિઝનમાં માત્ર ગરમી જ પૂરી નથી પાડતી, પણ શરીરને વિવિધ પોષક તત્ત્વો પણ પૂરા પાડે છે.

ચીલની ભાજી એટલે શરીરને જરૂરી ખનિજ તત્ત્વો, વિટામિન્સ અને એન્ટિઓક્સિડેન્ટ્સ ધરાવતો ખાદ્ય પદાર્થ. આ ભાજીમાં વિટામિન એ, સી અને બી કૉમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં છે. આ ભાજીના પાંદડામાં એમિનો એસિડ પણ ખૂબ પ્રમાણમાં છે. શરીરના કોષોને કાર્યરત રાખવામાં અને નુકસાન પામેલા કોષોનુ સમારકામ કરવામાં એમિનો એસિડ મહત્ત્વનો ફાળો ભજવે છે. આપણા શરીરના કોષ ઉપરાંત સ્નાયુઓ અને વિવિધ નલિકાઓ એમિનો એસિડની બની હોવાથી આવી ભાજી ખાવાનું મહત્ત્વ વધી જાય છે. આ ઉપરાંત ભાજીમાં લોખંડ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ક્ેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં છે. ભાજીમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી પાચન શક્તિ વધે છે, પેટ સાફ આવે છે. કબજિયાતમાં ફાયદો થાય છે. ભાજીનો ઉપયોગ લિવરને પણ મજબૂત રાખવામાં સહાયક બને છે.

ભાજીમાં થી માત્ર શાક જ નહીં, થેપલાં અને મુઠિયા પણ બને છે. ઘણા ગુજરાતીઓ આ ભાજીમાં મકાઇનો જાડો લોટ (ભૈડકુ) ઉમેરીને છાશ, આદુ-મરચા સાથે વઘારી કઢી જેવી ખાટી- તીખી વાનગી પણ બનાવે છે અને મકાઇના રોટલા સાથે લિજ્જતથી ખાય છે. શિયાળામાં આ સ્વાદિષ્ટ ભાજી ખાવાથી શરદી- કફ અને કબજિયાતની તકલીફ તો દૂર થાય જ છે સાથે ઠંડીની મોસમમાં શરીરની ગરમી ટકાવી રાખવામાં પણ તે મદદરૂપ બને છે.

સરસોંકા સાગ

ઘણી પંજાબી બેકગ્રાઉન્ડ ધરાવતી હિન્દી ફિલ્મોમાં તમે આ વાક્ય સાંભળ્યું જ હશે. સરસોકા સાગ ઔર મક્ક્ે કી રોટી. આમાં સરસો એટલે સરસવ- રાઇના છોડના લીલા પાન. સરસવ પંજાબ અને ઉત્તર ભારતમાં ઘણું જ પ્રચલિત છે. સરસવનું તેલ આપણા ગુજરાતીઓ ખાસ કરીને ઠંડીની સિઝનમાં વાપરે છે જેને સરસ્યૂ કે હરસ્યૂ પણ કહે છે. જોકે સરસવના લીલા પાનની ભાજી ખાવાનું ચલણ હજી પણ ઘણું ઓછું છે. જો તમારે મેથી, પાલક કે તાંદળજાથી હટીને કોઇ નવી ભાજી

ખાવી હોય તો ચીલ બથુઆની જેમ આ ભાજી પણ ખાવા જેવી ખરી. ચીલની ખાટી ભાજીની જેમ આ ભાજી સાથે પણ મકાઇના રોટલા (મક્ક્ે કી રોટી) સંકળાઇ ગઇ છે. ચીલની ભાજીમાં રાજસ્થાની અને ગુજરાતીઓ ઘી નાખીને ખાય છે તેમ પંજાબીઓ સરસોના સાગ (સાગ એટલે લીલી ભાજી) સાથે બનાવેલા મકાઇના રોટલા પર માખણ લગાવીને ખાય છે. (યાદ રહે શરીરને શિયાળામાં ગરમી અને શક્તિ પૂરી પાડવામાં આ ઘી-માખણ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.)સરસોનુ સાગ બનાવતા પંજાબીઓ સરસવના પાનમાં થોડી પાલક અને બથુઆની ભાજી પણ ઉમેરતાં હોય છે. સરસવની વાત કરીએ તો આમાં ઠંડીમાં શરીરની ગરમી ટકાવી રાખવાની શક્તિ તો છે તે ઉપરાંત તેનો મહત્ત્વનો ફાયદો એ છે કે તેનામાં ઘણા ઓછા પ્રમાણમાં કેલરી કે ચરબી હોય છે. વળી, સરસવમાં પૂરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, સાકર, પોટેશિયમ, વિટામિન એ, સી, ડી અને બી-૧૨ હોય છે. વળી મેગ્નેશિયમ, લોખંડ અને કેલ્શિયમ જેવા ખનિજ તત્ત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. સરસવમાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે જે શરીરના વિષદ્રવ્યો દૂર કરવામાં મદદરૂપ થાય છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. સરસવના પાનમાં પણ ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચન શક્તિ સરળ અને ઝડપી બને છે. કબજિયાતની સમસ્યા સતાવતી નથી. સરસવનો એક મહત્ત્વનો ફાયદો એ પણ છે કે તેના સેવનથી કૉલેસ્ટરોલનું પ્રમાણ ઓછું થાય છે, એટલે હૃદય સંબંધી બીમારીઓની શક્યતા ઘટે છે.

લીલાં પાંદડાવાળી ભાજીઓના સેવન માટે હાલનો સમય શ્રેષ્ઠ છે. તેનો બને એટલો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આખા વર્ષના આરોગ્યનું ભાથુ બાંધી શકાય એમ છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

074lu77m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com