25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્નાન કરો: મનની બીમારી હટાવો

પ્રાસંગિક-પ્રથમેશ મહેતાનદીના વહેતા પાણીથી સ્નાન કરીએ તેને ઘર્ષણ સ્નાન કહેવાય. ઘર્ષણ સ્નાનથી શરીર તો શુદ્ધ થાય પણ મનનું શુદ્ધીકરણ કઈ રીતે થાય?

મન શુદ્ધ અને શાંત થાય તો કેટલાંય અશક્ય કાર્યો શક્ય બની જાય, પરંતુ શરીરની જે પાંચ ઈન્દ્રિય છે તેની ઈચ્છા પૂરી કરવામાં મનનો બધો જ સમય વ્યસ્ત થતો હોય તો તે પોતાના કાર્યો ક્યારે કરી શકે? કાનને કર્ણપ્રિય સંગીત સાંભળવાનું, નાકને સુગંધ લેવાનું, જીભને સ્વાદિષ્ટ ખોરાક લેવાનું, આંખને સુંદર દૃશ્યો જોવાનું અને ત્વચાને નાજુક સ્પર્શ કરવાનું મન થાય. આમ, ઈન્દ્રિયો ભલે બદલાય મનને તો બધી ઈન્દ્રિયોમાં હાજર રહેવું પડે. ઈન્દ્રિયો જે જે ભોગવે પછી તે સારું હોય કે ખરાબ મન પર એની છાપ પડતી રહે અને મન દૂષિત થયા કરે. મનને શુદ્ધ અને સ્થિર રાખી શકાય તો ઘણી સિદ્ધિ મેળવી શકાય. નારદની જેમ એક લોકમાંથી બીજા લોકમાં ક્ષણવારમાં પહોંચી શકાય, હનુમાનની જેમ હવામાં ઊડી શકાય, ભગવાનની જેમ અદૃશ્ય થઈ શકાય કે પછી હાથ વડે તથાસ્તુ કહીને ધાર્યા કાર્યો કરી શકાય. આપણે આવું નથી કરતી શકતા, કારણ કે આપણી આખી જિંદગી પાંચ ઈન્દ્રિયની ઈચ્છાપૂર્તિમાં જ પૂરી થઈ જાય છે. "ઈન્દ્રિયો શાંત થાય તો મન આપોઆપ શાંત થાય. આવું વાક્ય તો આપણે હજારો વાર સાંભળી ચૂક્યા હોઈશું, પરંતુ બોલવું અને આચરણ કરવું એમાં વિમાન અને બળદગાડા જેટલો ફરક હોય છે. ચંચળ મનને શાંત કરવાના પ્રયાસમાં ભલભલા ઋષિમુનિઓ પણ પાછા પડ્યા છે, તો સામાન્ય માનવીનું શું ગજું? તો પછી આવા મનને શાંત કરવા માટે કોઈ ઉપાય ખરો? જવાબ છે હા. ઠંડા પાણીનું માથાબોળ સ્નાન મનને શાંત કરવાનો સરળ, સસ્તો અને હાથવગો ઉપાય છે. ઠંડા પાણીની ધાર મસ્તક પર પડતાં જ ઈચ્છા શાંત થવાની શક્યતાઓ વધે છે, જ્યારે જ્યારે તમને કોઈ ઈચ્છા થાય કે કોઈ વિજાતીય પાત્ર જોઈ કામના જાગે તમે ઠંડા પાણીના શાવર કે નળ નીચે માથું રાખી સ્નાન કરજો. ઈચ્છા શાંત થશે. મન શાંત થશે. "તમે તો મારી ઈચ્છા-આકાંક્ષા પર પાણી ફેરવી દીધું. આવા વાક્યપ્રયોગો તમે ઘણી વાર સાંભળતા હશો. વાસનાને શાંત કરવી હોય તો મસ્તક પર પાણી રેડવું પડે.

માત્ર પાંચ ઈન્દ્રિય જ નહીં, ક્રોધ પર કાબૂ મેળવવા પણ ઠંડા પાણીનું માથાબોળ સ્નાન ઘણું જ મહત્ત્વનું છે. તમને ક્યારેક અતિશય ગુસ્સો આવે તો તરત આવું સ્નાન કરી લેજો. પછી જે કંઈ નિર્ણય લેવો હોય તે લેજો. રોષમાં લીધેલા નિર્ણય કરતાં સ્નાન બાદ લીધેલો નિર્ણય વધુ સમતોલ સાબિત થશે.

આઘાતજનક સમાચાર જીરવવાની શક્તિ પણ સ્નાનથી મળે છે. ક્યારેક આવા સમાચાર સાંભળો ત્યારે જો સ્નાન કરી લો તો આઘાતથી કળ વળી જશે. ભારતીય સંસ્કૃતિમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે નહાવા-નવડાવવાનો રિવાજ છે. સ્મશાનમાં ગયેલા લોકો તો નહાય, કારણ કે શરીરશુદ્ધિ થાય, પરંતુ દૂર વસેલા સ્વજનો પણ નહાતા હોય છે, કારણ કે આઘાતજનક સમાચાર સાંભળવાથી મન પર અસર થતી હોય છે. મૃતક જોડે ગાળેલો સમય યાદ આવતો હોય છે. મન વ્યથિત થતું હોય છે. આવા સમયે શીતળ માથાબોળ સ્નાન કરી લેવાથી આઘાત સહન કરવાની શક્તિ વધે છે.

સ્નાન કરવાથી મનની સ્થિરતા વધે છે, મનની સ્થિરતાથી એકાગ્રતા વધે છે. સ્નાન કર્યા બાદ પૂજા-પાઠ વધુ ધ્યાનપૂર્વક કરી શકાય છે. સ્નાન કર્યા બાદ મંદિરમાં પ્રવેશ કર્યો હોય તો પરમશક્તિનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરી શકાય છે. શારીરિક કે માનસિક આરામ માટે ‘મેડિટેશન’ કરીએ છીએ. તે સ્નાન કર્યા બાદ તરત કરવામાં આવે તો વધુ ફાયદો થાય છે. વિદ્યાર્થીઓ પણ સ્નાન કરીને અભ્યાસ કરવા બેસે તો મન એકાગ્ર થઈ સ્મરણશક્તિ અને યાદશક્તિ બેઉમાં વધારો થાય છે.

તદુપરાંત તમારા મનમાં કોઈ પ્રત્યે ઈર્ષ્યા-અદેખાઈ જાગે, તિરસ્કાર ઉત્પન્ન થાય, દ્વેષ ઉત્પન્ન થાય, અભિમાન-અહંકાર જાગે - આ દરેક સંજોગોમાં મગજમાં ગરમી પેદા થતી હોય છે. શીતળ જળનું માથાબોળ સ્નાન તમને આવી પરિસ્થિતિથી બચાવવા માટે શ્રેષ્ઠ પુરવાર થઈ શકે તેમ છે. ક્યારેક જીવનમાં કોઈ કાર્યમાં નિષ્ફળતા મળવાથી મન ગ્લાનિ અનુભવે છે, હૈયું હતાશ થાય છે. નિરાશાની આવી પળમાં ઘણા આત્મહત્યા કરવા પ્રેરાય છે, પરંતુ આ કોઈ કાયમી ઈલાજ નથી. નવા જન્મમાંય તમારે કર્મફળ તો ભોગવવું જ પડશે, તો આ જન્મમાં જ કેમ નહીં?

હા, એક ઉપાય છે. બાથરૂમમાં જઈ નળ ખોલીને નીચે બેસી જાવ. તમારી હતાશા ને નિરાશાને ખંખેરીને પાણી ભેગી વહી જવા દો. ફરીથી પ્રયત્નપૂર્વક કાર્ય કરો અને સફળતાની રાહ જુઓ. એક દિવસ જરૂર સફળતામાં નહાવાના દિવસો પણ આવશે. હિન્દુ શાસ્ત્રોમાં શંકર ભગવાનને ગરમ સ્વભાવવાળા અને ક્રોધી બતાવવામાં આવ્યા છે. તેમનું ત્રીજું નેત્ર ખૂલે તો ભલભલા એમાંથી નીકળતી જ્વાળામાં ભસ્મ થઈ જાય એવું વર્ણન પણ આવે છે. મૃત્યુના અધિષ્ઠાતા દેવ હોવાથી ક્યારેક ક્રૂર નિર્ણયો પણ એમને લેવાના હોય છે. સમુદ્રમંથન વખતે નીકળેલું વિષ તેમણે ગ્રહણ કર્યું હતું. આથી તેમના ગળામાં ઘણી જ બળતરા થઈ હતી. આથી જ બીજા કોઈ દેવને નહીં, પણ ફક્ત ઠંડક માટે શિવલિંગ પર ચોવીસે કલાક જળાભિષેક થતો રહે તે રીતે છિદ્રાળુ અને પાણીથી છલોછલ ભરેલું પાત્ર ગોઠવેલું હોય છે. આના પરથી પ્રેરણા લઈ તમે પણ જીવનમાં ‘ખાવાની’ સંખ્યા ઓછી કરી ‘નહાવાની’ સંખ્યા વધારશો તો ઘણા જ ફાયદા થશે. ત્રણ વાર નહાવું અને એક વાર ખાવું એવો ઉપદેશ તો ખુદ શંકર ભગવાને આપણને આપ્યો છે. આમ * સ્નાનથી પાંચ ઈન્દ્રિય શાંત થાય. * ઈચ્છા શાંત થાય * કામ, ક્રોધ, મોહ, માયા, અહંકાર અને અદેખાઈ જેવા છ દુશ્મનો પણ નાશ કરી શકાય. * એકાગ્રતા વધે. * આઘાત સહન કરવાની ક્ષમતા વધે, નિરાશા ઘટે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

30W7S86v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com