18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દવા દારૂ: દારૂ દવા છે કે વિષ?

મેડિકલી યોર્સ -ઊર્મિલ પંડ્યાઘણા ભારતીયો અષાઢ મહિનાના છેલ્લે દિવસે ગટારી મનાવતા હોય છે, મતલબ કે ખાણી-પીણીની બાબતમાં જે શોખ હોય તે પૂરા કરી લે છે. માંસ-મદિરા (જેનો ઉલ્લેખ આપણી સંસ્કૃતિમાં તામસી પદાર્થ તરીકે કરેલો છે)જે પણ કાંઇ ખાવા પીવાનો શોખ હોય એ આ દિવસે પૂરો કરી લે છે. પછીનો આખો શ્રાવણ મહિનો દારૂ અને માંસને હાથ પણ નથી લગાડતાં. આ શ્રાવણ મહિનાને અત્યારે જાન્યુઆરી મહિનામાં યાદ કરવાનું કારણ એ છે કે બ્રિટનમાં સાલ ૨૦૧૪થી ડ્રાય જાન્યુઆરી ઉજવવાનું શરૂ થયું છે, મતલબ કે ૩૧ ડિસેમ્બરે રાત્રે બાર વાગે નવા વર્ષની પાર્ટી આપણી ગટારીની જેમ ઉજવીને પછી નવા વર્ષના હેલ્ધી રિઝોલ્યુશન તરીકે આખો જાન્યુઆરી મહિનો શરાબ પર પ્રતિબંધ. ડ્રાય ડે નહીં, ડ્રાય મન્થ. આ પ્રમાણે જોઇએ તો બ્રિટનવાસીઓ માટે ૩૧ ડિસેમ્બર પછીનો આ જાન્યુઆરી મહિનો એટલે કે જાણે ગટારી પછીનો શ્રાવણ મહિનો.

ચાર વર્ષ પહેલાં પા પા પગલી કરતાં આ સંકલ્પને બ્રિટનમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે એવું ત્યાંની ‘યુનિવર્સિટી ઓફ સક્સેસ’ના સંશોધકો દ્વારા યોજાયેલા સર્વેક્ષણો દ્વારા જાણવા મળ્યું છે.

દારૂ પીવાની આદત બ્રિટન જેવા ઠંડા પ્રદેશમાં હોય એ બહુ સામાન્ય કહેવાય. ભારત જેવા ગરમ પ્રદેશમાં પણ દારૂ પીવાવાળા ઓછા નથી. એમાંય ૩૧ ડિસેમ્બરે દારૂ પીતા હોય કે ન પીતા હોય. દરેક લોકો આ દિવસોમાં દારૂ વિશે ચર્ચા જરૂર કરતાં હોય છે. દારૂને લગતાં અસંખ્ય મેસેજ અને વોટ્સઍપ પણ દિવસો અગાઉથી શરૂ થઇ જતંા હોય છે. પણ દારૂ એ એક વ્યસન છે - એક બંધાણ છે એવું હવે પશ્ર્ચિમના દેશો પણ માનવા લાગ્યા છે એ વાત હવે તેમણે લેવા માંડેલા આ સંકલ્પ ( રિઝોલ્યુશન)થી સાબિત થાય છે. આપણા શાસ્ત્રોમાં એક કહેવત છે કે, ‘અતિ સર્વત્ર વર્જ્યતે’કોઇ પણ વસ્તુનો અતિરેક ત્યજવા લાયક જ છે, પછી એ સાકર હોય,મીઠું હોય કે દારૂ. પરંતુ આજના વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે અન્ય નુકસાનકર્તા ચીજોની લત લાગતી નથી, જ્યારે સિગારેટ, દારૂ કે ડ્રગ્સ માણસને વ્યસની બનાવી દે છે.એક વાર લત લાગ્યા પછી મનથી તમે પ્રયત્ન કરો તો શરીર( એનાથી ટેવાઇ ગયું હોઇ )જલદીથી આ આદત છોડી શકતું નથી. આ ચીજોમાં સંયમમાં રહી શકો તો ઠીક,નહીં તો લેવાના દેવા પડે છે. એટલું ખરું કે દારૂનો અતિરેક શરીરમાં દવા નહીં પણ વિષ જેવું જ કામ કરે છે. આપણે ત્યાં દવાદારૂનો અર્થ જ એ થતો હતો કે દારૂને દવાની માફક પીવો જોઇએ, ઢીંચવો ન જોઇએ.

હવે દારૂ ઢીંચવાથી શું નુકસાન થાય છે એ પણ જોઇ લઇએ.

૧) દારૂ ચઢે છે

દારૂ એટલે બીજું કાંઇ નહીં, પરંતુ એક પ્રકારનો આલ્કોહોલ. આ આલ્કોહોલ ચઢે છે એમ કહીએ તેનો મતલબ વૈજ્ઞાનિક રીતે પણ સાફ છે. દારૂ પેટમાં જતાં જ પહેલ વહેલી ખરાબ અસર માણસના મગજ પર થાય છે. સામાન્ય બોલચાલની ભાષામાં આપણે એમ કહીએ છીએ કે ભાઇને દારૂ ચઢી ગયો છે. દારૂ પીધાં પહેલાનાં અને પછીના મગજના ફોટા લેવામાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે મગજ દારૂ પીધા પછી સંકોચાય છે અને તેનાથી આપણી વિચારવાની, સમજવાની કે યાદ રાખવાની શક્તિ પર અસર થાય છે. આપણા બોલવા પર અને ચાલવા પર પણ આપણો કંટ્રોલ નથી રહેતો.

૨) શું પૂરતી ઊંઘ આવે છે?

દારૂ સૌપ્રથમ મસ્તક પર અસર કરે એટલે તમને ઘેન આવવા માંડે, પણ તેનો અર્થ એવો બિલકુલ નહીં કરતાં કે સારી ઊંઘ આવી રહી છે. ઘેનની અસર ઓછી થાય ત્યારે તમે પથારી પર તડપતા રહો કે ખરાબ સપનામાં આળોટવા માંડો કે પછી વારંવાર પેશાબ કરવાનું મન થાય અને તમારી નિંદરમાં ખલેલ પડે એમ પણ બને.

૩) પેટ પર કુપ્રભાવ

દારૂ પેટની અંદર જઇને પણ ખૂબ ધમાલ કરે છે, પેટ આથી ઉત્તેજિત થઇને આલ્કોહોલને પચાવવા વધુ પ્રમાણમાં એસિડ છોડે છે. એસિડ અને આલ્કોહોલના સંગમથી મોઢામાં મોળ આવવાનું શરૂ થાય છે, ક્યારેક ઊલટી પણ થાય છે. દારૂ પીતી વખતે એટલે જ કંઇકને કંઇક ખાતા રહેવાનો એક રિવાજ પડી ગયો છે, જેને દારૂ પીવાવાળા ચખના કે ચકણા કહે છે. દારૂ પીતી વખતે ચખણા ખાતા રહેવાથી પેટમાં આલ્કોહોલથી ઉત્તેજિત થયેલા એસિડ શાંત તો થાય છે, પણ લાંબે ગાળે માણસનું વજન જરૂર કરતાં વધી જાય છે. આ ઉપરાંત આલ્કોહોલ અને એસિડનો સંગમ પેટના અલ્સર (ચાંદા પડવા)માં પણ નિમિત્ત બની શકે છે. વધુ પડતા એસિડના સ્રાવથી એક સમય એવો પણ આવે છે કે ભૂખ લાગતી નથી. શરીરને સારું અને પૂરતું પોષણ મળતું નથી.

૪) અતિસાર અને છાતીમાં બળતરા

આલ્કોહોલથી માત્ર પેટ જ નહીં, આંતરડા પણ બુરી રીતે પ્રભાવિત થાય છે, ઝાડા છૂટી પડે છે, છાતીમાં બળતરા થાય છે, ઊલટીની લાગણી થાય છે.

૫) લીવર (યકૃત) પર ઘણી જ ખરાબ અસર થાય છે

લીવર પર આલ્કોહોલની ઘણી જ ખરાબ અસર થાય છે. લીવરનું કામ ખોરાકને તોડીને પચાવામાં મદદ કરવાનું છે, પણ આલ્કોહોલના અણુએ અણુને તોડવામાં લીવરને નાની યાદ આવી જાય છે. આ પ્રક્રિયામાં ઉદ્ભવતા વિષદ્રવ્યો સાથે પનારો પાડવો પડે છે. ઓવર ટાઇમ કરવો પડે છે. અતિશય આલ્કોહોલને કારણે લીવરની દીવાલો જાડી થતી જાય છે. લીવરના પ્રત્યેક કોષને પૂરતું લોહી નથી મળતું અને એક દિવસ કામ કરતું બંધ થઇ જાય છે. અંગ્રેજીમાં આને સિરોસિસ કહેવાય છે.

૬) ડાયાબિટીસની શક્યતા વધે છે.

શરીરમાં આવેલું પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ) ઇન્સ્યુલિન અને બીજા રસાયણો પેદા કરે છે જે ખોરાક પચાવવામાં અને ખોરાકમાં રહેલી સાકરનું શક્તિમાં રૂપાંતર કરવામાં મદદરૂપ બને છે, પણ આલ્કોહોલ નામનો આ વિલન સ્વાદુપિંડની આ પ્રક્રિયામાં બાધારૂપ બને છે અને દારૂના અતિરેકથી એક દિવસ એવો આવે છે કે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અને ડાયાબિટીસની શક્યતા વધી જાય છે.

૭) ઠંડીમેં ગરમી કા અહેસાસ?

ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે ઠંડી લાગતી હોય ત્યારે દારૂ પીવાથી શરીરમાં ગરમાટો આવી જાય છે. જોકે, આ વાત અર્ધ સત્ય છે. આલ્કોહોલના સંસર્ગથી લોહીની નળીઓ પહોળી થાય છે અને વધુ લોહી વહેવા લાગે છે જેને કારણે આપણી ચામડી અને શરીર ગરમાટો અનુભવે છે. જોકે, શરીર લાંબા ગાળા માટે ગરમ રહેતું નથી, કારણ કે વાતાવરણમાં ઠંડક હોવાથી આ ચામડીમાં પેદા થયેલી ગરમી શરીરની બહાર નીકળી જાય છે અને પાછું તેનું ઊષ્ણતામાન નીચું થઇ જાય છે. વળી લાંબા સમયના અને વધુ પડતા આલ્કોહોલના સેવનથી શરીરે વધુ પડતાં અંતસ્રાવ છોડવા મજબૂર થવું પડે છે જે ધમનીનું સંકોચન કરે છે, બ્લડપ્રેશર વધી જાય છે, હૃદયની કાર્યક્ષમતા પર પણ અસર થાય છે.

કદાચ, આ જ કારણને લીધે હવે બ્રિટનવાસીઓને પણ લાગ્યું હશે કે ઠંડી ઘટાડવા માટે દારૂ પીવો એ બકરું કાઢતા ઊંટ પેસી જાય એ કહેવતને સાર્થક તો નથી કરી રહીને? અને એટલે જ કદાચ જાન્યુઆરીમાં કડકડતી ઠંડી હોવા છતાં તેઓ ડ્રાય મન્થ ઉજવી રહ્યા છે. અને હા, અંતમાં આ દારૂ છોડવાવાળાઓના ના હાલ શું થયા એ પણ તમને જણાવી દઇએ. ઇંગ્લેન્ડમાં સસેક્સની યુનિવર્સિટીએ કરેલા તેમના સર્વે પ્રમાણે ૯૩ ટકા લોકોએ જણાવ્યું હતું કે દારૂ પીધા વગર સારું લાગે છે, ૮૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે પૈસાની બચત થાય છે, ૭૦ ટકા લોકોએ એમ જણાવ્યું હતું કે તંદુરસ્તી વધી છે અને ૫૮ ટકા લોકોએ એમ જણાવ્યું હતું કે અમારું વજન સારું એવું ઘટી ગયું છે. આટલું જ નહીં, પણ જાન્યુઆરીમાં દારૂ પીવાની આદત છોડવાથી બાકીના મહિનાઓમાં પણ આ લોકોનું દારૂ પીવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું હતું.

વાહ, અત્યારે બ્રિટનમાં ડ્રાય જાન્યુઆરી પાળવાવાળા વધી રહ્યા છે, શું તમારે પણ આવો સંકલ્પ લેવો છે કે તમારા પતિ પાસે આવો કોઇ સંકલ્પ લેવડાવવો છે, તો રાહ કોની જોઇ રહ્યા છો હજુ તો આ મહિનાના પૂરા પચીસ દિવસ સિલકમાં પડ્યા છે, યાર.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

57r82303
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com