25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૨૦૧૯ માં માર્ક ઝુકરબર્ગે શું આપવું જોઈએ? ‘રાજીનામું’

મોન્ટાજ-અભિમન્યુ મોદીયસ. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા નામના દેશમાં, જ્યાં ઝુકરબર્ગ ભાઈ જન્મ્યા અને જે ભૂમિ ઉપર ફેસબુકને ટેકઓવર કરીને આખી દુનિયાને સોશ્યલ મીડિયા નામની પેરેલલ દુનિયા સાથે જોડી દીધી, એ જ દેશના અમુક ટોચના લોકોને જયારે પૂછવામાં આવ્યું કે ૨૦૧૯ ની અંદર ફેસબુકના સર્વેસર્વા શ્રી માર્ક ઝુકરબર્ગે શું કરવું જોઈએ તો તે લોકોનો શબ્દો ચોર્યા વિનાનો તથા કોઈ જ ખચકાટ વિનાનો જવાબ હતો ઝુકરબર્ગે રાજીનામું આપી દેવું જોઈએ.’ કેમ?

આ બે અક્ષરનો નાનો લાગતો પ્રશ્ર્ન- ‘કેમ?’ બહુ મોટો છે. જે માણસે દુનિયાને સોશ્યલ મીડિયા સમજાવ્યું, જે માણસે દસ વર્ષમાં અબજો માણસોને એક પ્લેટફોર્મ ઉપર લાવી દીધા, જે માણસ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી ટોચની એપ્લિકેશન/વેબસાઇટનો માલિક છે એ માણસને પોતાની જ કંપનીમાંથી રુખસદ થઇ જવાની સલાહો અપાય તે વાત ચોંકાવનારી લાગી શકે. માટે તેની પાછળના કારણો પણ ટુ ધ પોઈન્ટ હોવાને બદલે બહુપરિમાણીય અને કોમ્પ્લેક્ષ હોવાના. પણ આપણે સાદી ભાષામાં સમજીએ કે અમેરિકાનો એક મોટો વર્ગ ઝુકરબર્ગને આટલી નફરત કેમ કરે છે? અમેરિકાના બંને રાજકીય પક્ષના નેતાઓ ફેસબુકના માલિકથી ખફા કેમ છે?

પહેલી વાત તો એ કે જ્યાં લોકોનો મેળાવડો વધુ થાય ત્યાં બગીચાની સાથે સાથે ઉકરડાનું સર્જન થાય જ. આ વણલખ્યો સામાજિક નિયમ કોઈ ન બદલી શકે. વધુમાં જ્યાં બગીચા-ઉકરડાની જુગલબંદી હોય ત્યાં બગીચાના બાંકડે પોતાનું નામ કોતરાવવાનો મનસૂબો ધરાવતા દાવેદારોની સંખ્યા વધી જાય અને ઉકરડાને હટાવવા માટે આંદોલન પણ શરૂ થઇ જાય. લોકોની સંખ્યા તો વધતી જ જવાની માટે બંને વ્યવસ્થા વિના ચાલવાનું નથી અને જ્યાં સુધી એ બંને વ્યવસ્થા છે ત્યાં સુધી વિવાદો રહેવાના. કારણ કે બગીચામાં ફૂલો લિમિટેડ છે અને ઉકરડાની વાસ વધતી જવાની. ફેસબુક સાથે આ જ થયું છે. માર્ક ઝુકરબર્ગને પોતે જ ઉગાડેલા શિંગડા ભારી પડે છે. જે થવાનું હતું એ થઇને રહ્યું, તેમાં કોઈ આશ્ર્ચર્ય નથી.

કોઈ પણ નવી કંપનીનો યુવાન સી.ઈ.ઓ. કંપનીના વિકાસ માટે અને કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે સ્વયંશિસ્તની અમુક પ્રતિજ્ઞાઓ લે એ જ રીતે માર્ક ઝુકરબર્ગે ૨૦૦૯ માં ‘પર્સનલ ચેલેન્જીઝ’નું પ્રકરણ શરૂ કર્યું હતું. ઝુકરબર્ગ દર નવા વર્ષની શરૂઆતમાં પોતાના માટે નવા પડકારો ઊભા કરે અને તેની આપૂર્તિ માટે આખું વર્ષ મહેનત કરે જેથી ફેસબુકના કર્મચારીઓમાં પણ જુસ્સો જળવાયેલો રહે. તેની ચાઇનીઝ પત્નીની માતૃભાષા મેન્ડેરીન શીખવાથી માંડીને બે અઠવાડિયે એક પુસ્તક પૂરું કરવા સુધીની ચેલેન્જ તો ઠીક હતી પણ વાંધો પાડવાનો શરૂ થયો ૨૦૧૬ થી. એ વર્ષે ખ્યાલ આવ્યો કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સામે ટેકનોલોજિકલ પડકારો છે એ તો પૂરા થતા જ નથી. ૨૦૧૭ માં અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણ ખૂબ થયું ત્યારે તેણે અમેરિકામાં એક રાઉન્ડ ટ્રીપ મારી જેનાથી ખાસ કઈ નિવેડો ન આવ્યો. ૨૦૧૮ માં તો ફેક ન્યૂઝ અને વિદેશી દખલગીરી (વાંચો, પુતિન-રશિયા) વગેરેનો ઇસ્યુ ઊભો થયો જેમાં ફેસબુક મુખ્ય ભૂમિકામાં હતું. ફેસબુક ઉપર ડેટા ચોરીના પણ આરોપો મુકાયા. રાજનેતાની અદામાં ઝુકરબર્ગે ફરીથી વાયદો આપ્યો કે તે એક જ વર્ષમાં ફેસબુકને સંપૂર્ણ વિશ્ર્વસનીય બનાવી દેશે. વર્ષ પૂરું થઇ ગયું અને આ વાયદો અધૂરો રહ્યો.

નવા વર્ષની શરૂઆતે અમેરિકાની ટોચની અમુક હસ્તીઓને પૂછવામાં આવ્યું કે ઝુકરબર્ગ આ વર્ષે શું કરશે અને આ વર્ષે તેણે શું કરવું જોઈએ? આ બંને સવાલોના જવાબ રસપ્રદ આવ્યા. દસથી બાર હસ્તીઓના જવાબમાં ઝુકરબર્ગ પ્રત્યેનો અવિશ્ર્વાસ, અણગમો અને નારાજગી સ્પષ્ટ દેખાઈ આવે છે. લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર ટોમ વોટ્સને કહ્યું કે ૨૦૧૯ માં ઝુકરબર્ગ અમેરિકન સંસદ તપાસમાંથી છટકી જશે અને ફેસબુકના પ્રોબ્લેમ સોલ્વ નહિ કરે. માટે તેણે રાજીનામું આપી દેવું જોઈએ અને ફેસબુકને બીજા હાથોમાં સોંપીને ઉકરડો સાફ થવા દેવો જોઈએ.

મૂળ ભારતના એવા અમેરિકન લેખક આનંદ ગીરીધરદાસ જેણે ઇન્ડિયા કોલિંગ, ધ ટ્રૂ અમેરિકન અને વિનર્સ ટેક ઓલ નામના પુસ્તકો લખ્યા છે તે તો વધુ જલદ ભાષામાં ઝુકરબર્ગ વિષે પોતાનો અભિપ્રાય આપે છે. તે કહે છે કે ૨૦૧૯ માં ઝુકરબર્ગ પોતાના વિકાસ માટે સાવ નજીવી મહેનતે કંઇક તિકડમ કરશે જેથી તેને એવી ભ્રમણા થાય કે તેનું પ્રભાવમંડળ વિકસ્યું પણ છેલ્લે તો એ અમેરિકાના રાજકારણમાં સતત સળીસંચો કરનાર ચળવળકાર જ બનશે. ઝુકરબર્ગે આદર્શ રીતે શું કરવું

જોઈએ તેના વિષે લેખક આનંદ કહે છે કે ઝુકરબર્ગે ફેસબુકની ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગ સાથે રાજીનામું આપી દેવું જોઈએ જેથી તે બીજી બધી સ્ત્રીઓને એવું સમજાવી શકે કે પિતૃપ્રધાન વ્યવસ્થા તો નાનકડી સમસ્યા છે. તેણે રોગ નાબૂદીનું અભિયાન બંધ કરીને ફેસબુકે લોકોના દિમાગમાં જે રોગચાળો ફેલાવ્યો છે તેની સારવાર કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

ઓબામા ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચીફ ટેકનીકલ ઓફિસરે તો થોડા શબ્દોમાં સારી ઝાટકણી કાઢી. એ કહે છે કે ઝુકરબર્ગ તો ૨૦૧૯ માં ફેસબુકના પ્રચાર માટે જ વધુ કામ કરશે પણ આદર્શ રીતે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ જેથી તેને નમ્રતા શીખવા મળે અને ફાજલ સમયમાં તેની નૈતિકતાના ધોરણો ઊંચા આવે.

આ તો માત્ર એવી ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા જેમણે એવું કહ્યું કે માર્ક ઝુકરબર્ગ શૂડ રીઝાઈન ઇન ૨૦૧૯. બીજી પણ ઘણી હસ્તીઓ છે જેણે ઝુકરબર્ગ ખૂંચે છે. શું કામ?

મુખ્ય તો રાજકીય કારણો. સામાજિક અને આર્થિક મુદ્દાઓ પણ કારણભૂત. માર્ક ઝુકરબર્ગ અત્યારે વિશ્ર્વના ટોચના અદ્રશ્ય સિંહાસન પર બેઠેલી વ્યક્તિ છે. ચારેક અબજ જેટલા લોકો સ્વયંસેવક બનીને તેની આર્થિક સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે અને તેની સંખ્યા વધતી જાય છે. ફેસબુક જો કોઈ એક દેશ હોત તો વિશ્વનો સૌથી પાવરફૂલ નેશન હોત. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ વૈશ્ર્વિક નાગરિકના જનજીવનનો ભાગ બની ગયો છે. લોકોને એની લત પડી ગઈ છે અને તેના વિના ચાલવાનું નથી એ ઝુકરબર્ગને ખબર પડી ગઈ છે. એકસાથે અબજો લોકોની લગામ જે વ્યક્તિના હાથમાં હોય એ શંકાના દાયરામાં આવવાની જ. દેશના પ્રેસિડેન્ટ પણ સોશ્યલ મીડિયા સામે અમુક રીતે લાચાર થઇ જાય છે કારણ કે પાવરનું સેન્ટર સંસદમાંથી ફેસબુકની ઓફિસમાં ટ્રાન્સફર થતું હોય એવું સતત દેખાઈ રહ્યું છે.

ઝુકરબર્ગ પાસે બે ધારી નહિ પણ ત્રણ ધાર વાળી તલવાર આવી ગઈ છે. જેનાથી તેના સિવાય બધા અસુરક્ષિત થઇ શકે છે. પાવર, પૈસો અને પ્રતિષ્ઠા તેના પગ તળે છે માટે તે દુનિયા માટે ખતરો બની શકે એમ છે. ઝુકરબર્ગ રાજીનામું તો ક્યારેય નહિ આપે પણ એ નાના-મોટા દેશના વડા પ્રધાનો કે પ્રમુખો કે કંપનીઓના ચેરમેનોનું રાજીનામું માગતો ન થઇ જાય એ ભય છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

rHL6EJe8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com