19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અફવા એટલે...

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગરકહે છે કે કવિઓ જન્મે છે, બનતા નથી. (એટલે જ કદાચ દરેક કવિને લાગે છે કે પોતે આજન્મ કવિ છે.) કવિઓ વિશેનું આ કથન અફવાના સર્જક્ધો પણ એટલું જ લાગુ પડે છે. અફવાના સર્જકો પણ જન્મે છે, બનતા નથી. દરેક અફવા એક મૌલિક કાવ્ય જેવી હોય છે.

કવિઓ કાવ્યનું સર્જન કરીને કાવ્ય સાથે પોતાનું નામ જોડવાનો આગ્રહ રાખે છે. (કેટલીક વાર તો બીજાના કાવ્ય જોડે પણ પોતાનું નામ જોડવાનો ઉત્સાહ દાખવે છે.) પણ અફવાનો સર્જક સ્વભાવથી નિર્લેપ હોય છે. એ અફવાને વહેતી મૂકીને પછી એનાથી અળગો થઈ જાય છે. અફવા વહેતી મુકાયા પછી વ્યક્તિની મટીને સમૂહની બને છે. અફવા પર કોઈનો કૉપીરાઇટ હોતો નથી; સૌ કોઈ એમાં સુધારાવધારા કરવાના હકદાર છે. દૂધમાં પાણી ઉમેરાતું જાય એમ દૂધ પાતળું બને છે, પરંતુ અફવાનું એથી ઊલટું છે. એટલે જ અફવાને ફુગ્ગા જેવી કહી છે. દરેક ફૂંકે એનું કદ વધતું જાય છે !

અફવાની અસર અદ્ભુત હોય છે. ઈશ્ર્વરમાં ન માનનારા મળી આવે પણ અફવાને ન માને, અફવાને એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે એવો મનુષ્ય આ જગત વિશે જડવો મુશ્કેલ છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના અવસાનની અફવા રાષ્ટ્રપતિ અને એમનાં પત્ની સિવાય આખા દેશે માની લીધી હતી. રાષ્ટ્રપતિ જો નબળા મનના હોત તો એમણે પણ ડૉક્ટરને ફોન કરીને પોતાના જીવતા હોવા વિશે ખાતરી કરી આપવા રાષ્ટ્રપતિભવનમાં બોલાવ્યા જ હોત ! ભારત જો જૂનું રશિયા હોત તો અવસાનની અફવા પછી રાષ્ટ્રપતિ જ્યારે ટીવી પર દેખાયા ત્યારે આ ખરા રાષ્ટ્રપતિ નથી, પણ એના ડુપ્લિકેટ છે, એવી અફવા પણ ચોક્કસપણે ફેલાઈ હોત !

જે અનારકલી જન્મી જ નહોતી એ અનારકલીને અકબર બાદશાહે દીવાલમાં જીવતી ચણી દીધી એવી અફવા એટલા જોરશોરથી ફેલાઈ ગયેલી કે અકબર બાદશાહ એકદમ મૂંઝાઈ ગયેલા. કોઈ-કોઈ વાર તો ખુદ અકબરને એવી શંકા થતી કે ખરેખર પોતે અનારકલીને જીવતી ચણી દેવાના ઑર્ડર પર ભૂલથી તો સહી નહિ કરી નાખી હોય ને ! જહાંગીર ગાદીએ આવ્યો ત્યારે નૂરજહાંએ પણ એને અનારકલી વિશે પ્રશ્ર્નો પૂછી પૂછીને અનેક વાર મૂંઝવી નાખેલો. પોતે આવી કોઈ અનારકલીને સપનામાં પણ કદી જોઈ નથી એવી સ્પષ્ટતા જહાંગીરે વારંવાર કરેલી. પણ કડક સાસુ જેમ વહુનો ખુલાસો ન સ્વીકારે, કડક બૉસ જેમ કર્મચારીઓનો ખુલાસો માન્ય ન રાખે, ગુસ્સે થયેલા મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન જેમ પ્રધાનનો ખુલાસો અમાન્ય કરે, ટ્રાફિક પોલીસ જેમ વાહનચાલક્ધાી વાત ન સાંભળે એમ નૂરજહાંએ જહાંગીરનો એકેય ખુલાસો માન્ય રાખ્યો નહોતો.

અફવાની શક્તિથી અકબર બાદશાહ એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે એકવાર એમણે બિરબલને પૂછ્યું, ‘બિરબલ, આ અફવા કેવી રીતે ફેલાતી હશે ?’ બિરબલે કહ્યું, ‘જહાંપનાહ ! અફવા ઈશ્ર્વર જેવી છે. એ શું છે, કેવી રીતે સર્વત્ર વ્યાપી રહે છે, એ સમજાવવું કઠણ છે. પરંતુ તમે કહો તો ડેમોન્સ્ટ્રેશન કરી બતાવું.’

અકબર બાદશાહ અફવાનું ડેમોન્સ્ટ્રેશન જોવા સંમત થયા. એટલે બિરબલે જી. આર. બહાર પાડી રાજ્યના તમામ સૈનિકોને રાજધાનીમાં હાજર થવા હુકમ કર્યો. ઘણા વખત પછી ટી.એ.ડી.એ. મળવાની શક્યતા ઊભી

થઈ એટલે સૈનિકો રોં થતા-થતા રાજધાનીમાં આવી પહોંચ્યા. એ વખતે પણ દિલ્હી મૅટ્રો સિટી ગણાતું એટલે દિલ્હી માટેના ટી.એ.ડી.એ.ના દર, આજની પેઠે, તે વખતે પણ ઘણા ઊંચા હતા. ખોટું દાક્તરી સર્ટિફિકેટ રજૂ કરી માંદગીની રજા પર હતા, તેઓ પણ ટી.એ.ડી.એ. મેળવવા ખોટું ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરી, હાજર થઈ ગયા.

બિરબલે બધા સૈનિકોને વારાફરતી બોલાવી એક લાઇનમાં ઊભા રહી જવાની ને પોતાની આગળનો સૈનિક જે કહે એ વાત પોતાની પાછળના સૈનિક્ધો કહી તરત લાઇનની બહાર નીકળી, કોઈની સાથે કશું બોલ્યા વગર પોતાના ડ્યૂટીના સ્થાને પહોંચી જવું અને ત્યાં જઈ ટી.એ.ડી.એ.નું ફૉર્મ ભરી વિનાવિલંબે મોકલી આપવું એવી સૂચના આપી. (આ સૂચનામાં ટી.એ.ડી.એ.નું ફૉર્મ વિનાવિલંબે મોકલવાની સૂચના વધારાની હતી. એ સમયે પણ કર્મચારીઓ ટી.એ.ડી.એ.નું ફૉર્મ ભરવામાં જરાય વિલંબ કરતા નહોતા) આટલા બધા સૈનિકોને આ સૂચના ક્ધવે કરવામાં જ ઘણા દિવસો નીકળી ગયા. જોકે કશું કામ કરવાનું નહોતું અને ડી.એ. ચડતું હતું એટલે સૈનિકો રોં હતા. સૂચનાનું કામ પૂરું થયું.

સૈનિકો લાઇનસર ઊભા રહી ગયા. લાઇન કેટલાય કિલોમિટર લાંબી થઈ. બિરબલની સૂચના પ્રમાણે અકબરે પહેલા સૈનિક્ધો કહ્યું, ‘બિરબલને બે દિવસથી મલેરિયા થયો છે’ આ વાત આગળના દરેક સૈનિકે પાછળના દરેક સૈનિક્ધો કહેવાની હતી એ જ સાંભળી શકે એટલી ધીમેથી કહેવાની હતી. દિવસો સુધી મૅસેજ પાસ ઑનની આ પ્રક્રિયા ચાલી. આ પ્રક્રિયા પૂરી થઈ એટલે છેલ્લા સૈનિક્ધો અકબર અને બિરબલ પાસે બોલાવવામાં આવ્યો. અકબરે આ છેલ્લા સૈનિક્ધો એની આગળના સૈનિકે શું કહ્યું, તે રિપિટ કરવા કહ્યું. પેલો સૈનિક તો બાપડો શિયાવિયા થઈ ગયો. એકદમ ગભરાઈને એણે કહ્યું, ‘જહાંપનાહ ! મને માફ કરો. મેં એ સાંભળ્યું તો ખરું, પણ હવે એ બોલવાનું પાપ મારાથી નહિ થઈ શકે.’ આ સાંભળી અકબરને ભારે અચંબો થયો. બિરબલને સાદો અમથો મલેરિયા થયો છે એવી વાત કહેવામાં આ બહાદુર સૈનિક ગભરાઈ કેમ ગયો એ અકબરની સમજમાં ન આવ્યું. એમણે મૂંઝાઈને બિરબલ સામે જોયું. બિરબલે સ્મિત કર્યું અને પછી કડક અવાજે પેલા સૈનિક્ધો કહ્યું, ‘તને તારી આગળના સૈનિકે જે કહ્યું હોય તે કહી દે. તું જો નહિ કહે તો તને ટાડામાં ફિટ કરી દઈશ.’ ટાડાનું નામ સાંભળી બિચારો સૈનિક વધુ ગભરાઈ ગયો. એ ભાડુંભથ્થું મળશે એમ સમજીને હોંશથી દિલ્હી આવ્યો હતો, પરંતુ ભાડાભથ્થાની જગ્યાએ ટાડાની વાત આવી પડી એટલે એના તો મોતિયા મરી ગયા.

એ જાણતો હતો કે ટાડા નીચે ફિટ થવા કરતાં તો શૂળીએ ચડી જવું બહેતર છે. એણે ગભરાતાં-ગભરાતાં કહ્યું, ‘જહાંપનાહ ! કાનને દોષ છે. કહેતાં મારી જીભ ઊપડતી નથી. પણ આપનો હુકમ છે એટલે કહું છું, મને આગળના સૈનિકે કહ્યું......મને કહ્યું કે......બિરબલને....બિરબલને એઇડ્ઝ થયો છે.’ આ સાંભળી બિરબલ ખડખડાટ હસી પડ્યો. એણે અકબર સામે જોયું. અકબર પણ હસવું રોકી શક્યા નહિ. બિરબલે હસતાં-હસતાં કહ્યું, ‘જહાંપનાહ ! અફવા ફેલાવવાનો આપનો હેતુ નહોતો. પણ શરૂઆત આપનાથી થઈ એટલે અફવા ફેલાવવામાં આપનો પણ ફાળો ખરો.’ અકબરને બરાબર સમજાઈ ગયું કે અફવા કેવી રીતે ફેલાય છે!

(તા.ક. આ વાર્તા વાંચીને કોઈને પ્રશ્ર્ન થશે કે અકબર-બિરબલના જમાનામાં એઇડ્ઝ જેવો કોઈ રોગ જ નહોતો. મલેરિયાનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું. પણ આવા પ્રશ્ર્નો કોઈએ કરવા નહિ. અફવામાં બુદ્ધિ લડાવવાનો પ્રશ્ર્ન જ ઉદ્ભવતો નથી. અફવા એટલે જ મલેરિયામાંથી એઇડ્ઝ કરી દેવાની કળા !)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

728H0h24
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com