21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બોલે તો લાઇફમેં સ્ટેટસ હોના માંગતા હૈ, સમઝા ક્યા?

મિજાજ મસ્તી-સંજય છેલટાઇટલ્સ: નિશાનચૂક માફ માફ નહીં નીચું સ્ટેટસ (નવી કહેવત)

હમણાં આંધ્ર પ્રદેશે સ્પેશ્યલ રાજ્યનું સ્ટેટસ માંગ્યું છે! આ સ્ટેટસ છે શું? જીવનમાં તમે ચપરાસી હો કે બિઝનેસમેન પણ તમને તમારા સ્ટેટસ વિશે થોડી ફિકર તો રહેવાની જ. માણસ માત્ર, સ્ટેટસને પાત્ર! પ્રાયમરીનો પી.ટી. ટીચર ખુદને ગુરુ ગણાવીને પોરસાય છે. જીપી ડૉક્ટર પોતાને ‘ભગવાન નંબર ટુ’ કહીને હરખાઈ રહે છે. કોલમિસ્ટ ખુદને સાહિત્યકાર માને છે અને સાહિત્યકાર ખુદને વિદ્વાન ગણે છે! કથા વાંચનારો ખુદને સંત સમજે છે. સંત, ખુદને ભગવાન ગણે છે અને ભગવાન પાછો ખુદને અંતર્યામી ગણે છે તો હે અંતર્યામી-અંતરને વાંચીને પ્લીઝ કહે કે અમારું સ્ટેટસ શું છે?(લખાય છે ત્યાં સુધી ભગવાનનો કોઇ જવાબ આવ્યો નથી)

એની-વે, સમાજમાં તમારું સ્ટેટસ બહુ ઊંચું ના હોય તો ડરો નહીં. અમારી પાસે તમારું સ્ટેટસ ઊંચું લાવવાના રેડીમેડ ઉપાયો છે, જેમ કે તમને વિમાનમાં વધારે વાર ઉડવા ના મળ્યું હોય તો વાંધો નહીં, પણ તમે જો એક વાર પણ વિમાનયાત્રા કરી હોય અને ત્યારે તમારી બેગ પર એરલાઇન્સનું જે ‘ટેગ’ બાંધ્યું હોય એને તમારે કર્ણનાં કવચ-કુંડળની જેમ કદીયે કાઢવું નહીં. હેન્ડબેગ પરના એ ટેગને સોહાગણના મંગળસૂત્રની જેમ સદાયે માટે બાંધી રાખવાનું. જોકે એ નશ્ર્વર ટેગ, જૂનાં થઈને ખરી શકે છે, માટે જ્યારે જ્યારે એરપોર્ટ જાવ ત્યારે એક્સ્ટ્રા ટેગ ઉઠાવી લાવવા અને એને તમારી બેગ્ઝ પર સતત બદલતા રહો. જેમ આજકાલ દરેક ગુજરાતી કલાકાર કે કવિ-લેખક એમ જ કહેતો ફરે છે કે ‘નરેન્દ્રભાઈ સાથે તો મારે ઘર જેવું!’ અથવા તો મોરારિબાપુ તો મને જ ઉદ્દેશીને કથા કરે છે ! એ લોકો મોદીસાહેબની જૂની ઓળખાણનું કે બાપુના પરિચયનું ‘ટેગ’ છાતીએ લગાવીને ફરે છે એ રીતે તમારે એરલાઈન્સના ટેગ ફરકાવવાનું!

બીજું, રદ્દીમાંથી ટાગોર, બર્નાર્ડ શૉ, ખલિલ જિબ્રાન કે ગાંધીજી જેવાં મોટાં નામોની જાડી બૂક્સ લાવીને શોકેસમાં સજાવીને મૂકી રાખવાની. એમને વાંચવાની જરૂર નથી, પણ બૂક્સનાં નામ જરૂર યાદ રાખવાં. બાસુંદી પર ચારોળી ભભરાવીએ એમ એ મહાન નામો અકારણ વાતોમાં ભભરાવતા રહેવાનું. આ સ્ટન્ટથી તમે ઇસ્ટન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ બની જશો. વાતવાતમાં સાહિર, અમૃતા પ્રીતમ, ગુલઝાર-પંચમદા વગેરેનાં યુગો જૂના કિસ્સાઓ કાલે જ સાંભળ્યાં હોય એમ ઠપકારવાનાં. આનાથી તમે અભણ અને અણજાણ લોકોમાં સંવેદનશીલતાનું સ્ટેટસ જમાવી શકશો. સાથે અસ્તવ્યસ્ત લાંબા વાળ કે કાબરચીતરી દાઢી કે જાડાં ફ્રેમનાં ચશ્માં પહેરવાનું ના ચૂકતાં! તમે ભલે ને બજારમાં બાજરો ખરીદવા નીકળો તોયે ઉપનિષદ, ઇસ્લામ અને ‘બાઇબલના સિદ્ધાંતો’ કે ઇતિહાસમાં ‘ઝુમરીતલૈયા ઝઘડાનું જૂઠ’ જેવા ભારી ટોપિકવાળી બૂક્સ હાથમાં અચૂક રાખવી! પૂંઠા પર આવાં હેવી ટાઇટલ હોય એટલું જ પૂરતું છે, અંદર ભલેને ‘કબજિયાત, એક કળા’ જેવી બૂક સંતાડેલી હોય! જો કોઇ એ બૂક વિશે સવાલ પૂછે તો તરત જ કહી દેવાનું, ‘હિન્દુ-સમાજ સાથે થયેલા અન્યાય વિશે આખી રાત વિચારમાં આખી બૂક વાંચી જ ના શક્યો! લાગે છે કે ઇતિહાસના બાગમાં ગુલાબને બદલે કેકટસ ઊગ્યા છે!’ સામેવાળો આ વાક્યનો અર્થ પૂછે એ પહેલાં જ ત્યાંથી ભાગી નીકળવું!

ઇન્ટરવલ :

બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે

સુઘડ ને સ્વચ્છ કાગળ જોઇએ નકલી ગુલાબોને!(મરીઝ)

ત્રીજું, જેમ આજકાલ એક હિન્દુવાદીઓમાં ગાય પર પ્રેમ હોવો કંપલસરી છે એમ ઊંચા સ્ટેટસવાળા પાસે એક પોશ ગાડી હોવી કમ્પલસરી છે. જો તમારી પાસે ગાડી ના હોય તો કહેવાનું કે, ‘ગાડીના ધુમાડા ફેલાવવા કરતાં, મારા બંગલાની પાર્કિંગ સ્પેસને હું ફૂલઝાડ ઉગાડવામાં વાપરું છું. મેં રોપેલા છોડ પર કોયલ આવીને ટહૂકે છે ત્યારે મારી અંદર વૃંદાવન મહેકે છે!’ આવું ચિંતનાત્મક બોલીને ‘મારી પાસે બંગલો પણ છે’ એવી વાત ઇનડાયરેક્ટલી ફેંકવાની!

તમારી પાસે ગાડી હોય પણ ડ્રાઇવર ના હોય તો કહેવાનું: ‘મને મારું એકાંત બહુ વહાલું છે! કોઇ સતત મારી સાથે હોય એ ના ગમે. અરે, હું તો હનીમૂનમાં પણ એકલો જ જવાનો હતો પણ કોણ જાણે મારી વાઇફ ના માની!’ જો તમારી પાસે ગાડી નાની હોય તો કહેવાનું: ‘મર્સિડીઝ તો કાલે લઇ લઉં પણ પછી અંડરવર્લ્ડવાળા અને ફંડફાળાવાળા બહુ હેરાન કરે!’ તમારી ગાડી જૂની હોય તો કહેવાનું : ‘યુસી, મારે રોજ રાત્રે મોટી મોટી કોકટેલ પાર્ટીઓમાં જવાનું થાય! પીધા પછી પોલીસવાળાં નવી ગાડીને પકડે અને મને લાંચ આપવી જરાયે ના ગમે!’ અને જો અમારી જેમ તમારી પાસે પણ ઓલરેડી મર્સિડીઝ કે બી.એમ.ડબલ્યુ જેવી મોટી ગાડી હોય તો એમ કહેવાનું કે ‘યાર, હેલિકોપ્ટર ખરીદ્યા પછી આ ડબ્બો (મર્સિડીઝ) નાનો પડે છે!’

ચોથું, આજકાલ મોંઘા મોબાઇલના સ્ટેટસનો જમાનો છે. તમે જો નાનો સસ્તો મોબાઇલ વાપરતા હોવ તો કહેવાનું : ‘બિઝનેસના ટેન્શનમાં મેં છેલ્લા બે મહિનામાં ચાર આઇફોન ખોઇ નાખ્યા! મારી સેક્રેટેરી મને હંમેશા કહે કે સર, હું સતત તમારી પાસે છું તો પછી તમારે મોબાઇલ રાખવાનો જ શું કામ?’ (આ વખતે આંખ જરૂર મારવી કારણ કે એનાથી પુરુષવર્ગમાં તમારું સ્ટેટસ અચૂક વધશે!) આટલુંયે પૂરતું ના હોય તો ચંદ્રકાંત બક્ષી-છાપ ડાયલોગ મારવાનો કે, "બરખુરદાર, મોટા મોબાઇલ જેવાં નાનાં રમકડાઓથી રમવાનું અમે ક્યારનુંય છોડી દીધું છે! એનાથી તો હવે અમારાં બાળકો રમે છે! (તમને પોતાનાં બાળકો ના હોય તો પડોશીનાં બાળકો એમ કહેવું.)

આ ઉપરાંત, ખિસ્સામાં મોંઘી પેન જરૂર રાખવી પછી ભલે ને કુરિયરવાળાની પાવતી પર સહી કરવા માટે જ એ પેન કેમ ના વાપરતા હોવ! અને હા, વિઝિટિંગ કાર્ડ પર ‘વિરમગામ વિચારધારા મંચ’ કે ‘સુરત સુતળીબૉમ્બ વિક્રેતા સંઘ’ જેવાં કાલ્પનિક નામ છપાવીને એના પ્રમુખ તરીકે તમારું નામ લખી નાખવાનું! વળી, ચોરબજાર કે રદ્દીવાળા પાસેથી મોંઘાં વિદેશી શરાબની જૂની બાટલીઓ, ફોરેનની ચોકલેટોનાં ખાલી બોક્સ કે હાફુસ કેરીના ઘાસવાળા કરંડિયાઓને ઘરની બહાર વિખેરીને પડોશીઓને જલાવવાના. જો ‘સ્વચ્છતા અભિયાન’નો ઉપયોગ નફ્ફટ નેતાઓ ફોટા પડાવીને કરી શકે તો આપણને આટલી અસ્વચ્છતા તો અલાઉડ હોય જને? આત્માને પોરસાવવા જેવો સ્વચ્છ આનંદ બીજો કોઇ નથી!

આ આઇડિયાઓ કે બીજા આઇડિયાઓ જાતે શોધીને પણ તમે તમારા સ્ટેટસને ઊંચે લાવી શકો છો! ધારો કે આમાંથી કાંઇ પણ ના ફાવે તો તો અમારા જેવા સ્ટેટસવાળા લેખકને જાહેરમાં દંભી, ફિલ્મી, સ્યુડો સેક્યુલર, લેફ્ટ લિબરલ, ગદ્દાર કે દેશવિરોધી વગેરે ગાળો આપીને તમારું સ્ટેટસ વધારી શકો છો! આમાં આપણા બેઉનું સ્ટેટસ ઓટોમેટિકલી વધશે!

(તા.ક.: સ્ત્રીઓનાં સ્ટેટસ વધારવાનાં આઇડિયાઝ અલગથી નથી લખ્યા કારણ કે ‘સ્ત્રી હોવું’ એ પોતે જ એક અપને આપમાં જ એક સ્ટેટસ છે!)

એન્ડ ટાઇટલ્સ:

ઇવ: મેં પાંચ હજારનું પર્સ ખરીદ્યું!

આદમ: પણ તો પછી હવે એમાં અંદર શું મૂકીશ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

RBA5q43
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com