21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રજનીશજી કહે છે કે જન્મ અને મરણ વચ્ચેનો સમય તમે વેડફી રહ્યા છો

સન્ડે મોર્નિંગ-સૌરભ શાહરજનીશજીના વિચારો વિશેની જે લેખમાળા શરૂ કરી હતી એમાં એક વાત કરવાની રહી ગઈ જે કરીને સિરીઝ પૂરી કરીએ.

રજનીશજી કહે છે કે આપણે જેને જીવન જીવવું કહીએ છીએ એ તો ખાલી કહેવાનું છે. બાકી જીવન તો કોઈ બુદ્ધનું હોય છે, કોઈ મહાવીરનું હોય છે, કોઈ નાનક, કોઈ જિસસનું હોય છે. જીવન તો એ લોકો જીવતા હોય છે. મોટાભાગના લોકો તો જન્મે છે અને મરે છે. જન્મ અને મરણની વચ્ચે જે વિરાટ અવસર મળે છે એને એ રીતે વેડફી નાખે છે, જાણે એ અવસર મળ્યો જ ન હોય. ખજાનો શોધી શક્યા હોત. એવી સમૃદ્ધિ-સંપદા પ્રાપ્ત કરી શક્યા હોત જેને કોઈ છીનવી શક્યું ન હોત, પણ એને બદલે તેઓ એવી ચીજવસ્તુઓને ભેગી કરવા પાછળ આ જીવનો વેડફી નાખે છે જે ચીજવસ્તુઓ છીનવાઈ જવાની છે એ પહેલેથી જ નક્કી છે. અને આ વાતથી કોઈ બચી શક્યું નથી, કોઈ આ ચીજવસ્તુઓને પોતાની સાથે લઈ જઈ શક્યું નથી. મોત આવે છે અને તમે ભિખારીના ભિખારી જ રહી જાઓ છો. મોટામાં મોટો સમ્રાટ પણ ભિખારીની જેમ જ આ દુનિયામાંથી વિદાય લેતો હોય છે.

ઓશો રજનીશની આ વાત સાથે કોણ સહમત નહીં થાય? હું જે કમાઉં છું તે મને ઓછું પડે છે. મારું ઘર મને નાનું પડે છે. મારી ગાડી હવે બદલવાની થઈ ગઈ છે. મારી પાસે મોંઘું વેકેશન લેવા જેટલા પૈસા નથી. મારી પાસે સંતાનોનાં લગ્ન ઠાઠથી કરાવવા જેટલા પૈસા નથી. મારી પાસે વૃદ્ધાવસ્થામાં મને સલામતી આપે એટલી મરણમૂડી હજુ સુધી એકઠી થઈ નથી.

આપણું સમગ્ર જીવન આ જ ચક્કરમાં પૂરું થવાનું. બે ટંકની રોટલી, માથે છાપરું અને બે જોડી કપડાં મળી ગયા પછી માણસે આ ચક્કરમાંથી છૂટવું જોઈએ. સમૃદ્ધિ વધે એનો વિરોધ નથી, આંતરિક સમૃદ્ધિ તરફ બેધ્યાન રહીએ એનો વાંધો છે. માત્ર ચીજવસ્તુઓ ભેગી કરીને જે સમૃદ્ધિ એકઠી કરીએ છીએ તેનો વાંધો છે.

બુદ્ધ-મહાવીર કે રજનીશ બનવાનું આપણા હાથમાં છે. આપણે એ બન્યા છીએ કે નહીં એની ખબર આપણા જીવતેજીવ ન તો આપણને પડવાની છે, ન જમાનાને. એ તો આપણા ગયાના દાયકાઓ કે સદીઓ પછી જમાનો નક્કી કરશે કે આપણે જે જીવી ગયા, જે કામ કરી ગયા તેને કેવી રીતે મૂલવવાનું છે. પછી તેઓ આપણાં ગુણગાન ગાશે અને જીવતેજીવ કેટલા મહાન હતા એવી વાર્તાઓ જોડી કાડશે, જો ખરેખર મહાન કાર્યો કર્યાં હશે તો. માટે હું કંઈ મહાવીર-બુદ્ધ-રજનીશ કે એવી કોઈ પણ મહાન વ્યક્તિ કેવી રીતે બની શકું એવો સંશય મનમાંથી દૂર કરીને મૃત્યુના એક-બે દાયકા પછી કે એક-બે સદીઓ પછી કે એક-બે સહસ્ત્રાબ્દી (મિલેનિયમ) પછી પણ આપણું કામ યાદ રહી જાય એ રીતે જીવીએ. જીવનની પ્રત્યેક પળને આ સંદર્ભ ધ્યાનમાં રાખીને જીવીએ. આપણી પાસે આ અમૂલ્ય અવસર છે કમાણી કરવામાં કે કરેલી કમાણીને વાપરવામાં સમય પસાર કરવાને બદલે કોઈક એવાં કામમાં પરોવાઈ જઈએ જે આ દેશ માટે, માનવકલ્યાણ માટે ઉપયોગી હોય. જીવદયા, મંદિરો બાંધવાં, હૉસ્પિટલો તથા શાળાઓ બાંધવી વગેરે કામો ઉપયોગી છે જ પણ હવે એના કરતાં વધારે ઉપયોગી કામમાં દીર્ઘદૃષ્ટિ ફેલાવવી જરૂરી છે. સ્વામી વિવેકાનંદે મંદિરો નહોતાં બાંધ્યાં, સરદાર વલ્લભભાઈ પટેલે હૉસ્પિટલો નહોતી બાંધી, ગાંધીજીએ શાળાઓ નથી બનાવી. ખુદ બુદ્ધ અને મહાવીરે પણ ધર્મોપદેશ કર્યો પણ એમનાં મંદિરો તો એમના નિર્વાણ પછી એમના અનુયાયીઓએ બાંધ્યાં. રજનીશજી જો રજનીશજી બની શક્યા હોય તો તે એટલા માટે કે જે લોકો મંદિર વગેરેમાં દાનધર્માદા કરી શકતા હતા એમણે એ રકમ રજનીશજી માટે વ્યવસ્થા ઊભી કરવા, એમની સિસ્ટમો બનાવવા માટે વાપરી જેને કારણે જે જમાનામાં ટેપ રેકોર્ડર બહુ સામાન્ય વપરાશમાં નહોતા, પ્રોફેશનલ કામકાજમાં જ વપરાતા, તે જમાનામાં - ૧૯૬૦ના દાયકામાં એમનાં પ્રવચનો રેકોર્ડ થયાં. પછી વીડિયો રેકોર્ડ થયાં. આ તમામ પ્રવચનોનાં પુસ્તકો બન્યાં. અત્યારે આપણી પાસે આ અમૂલ્ય વારસો છે એનું કારણ એ કે આ બધું થાય અને સચવાય એવી સિસ્ટમો રજનીશજીની આસપાસ ઊભી થતી ગઈ. જે રકમથી હૉસ્પિટલો - શાળાઓ બની શકતી હતી તે અહીં વપરાઈ. આને કારણે હૉસ્પિટલો કે શાળાઓ-મંદિરો ઓછાં બંધાયાં? ના. એ તો બંધાયાં જ અને બંધાતાં રહેશે. સારું જ છે. પણ વૈચારિક વારસો જળવાય, ક્રાંતિકારી અને નિર્ભીક વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી સિસ્ટમો પાછળ દાનધર્માદો થવો જોઈએ.

રજનીશજી તો હજુ ગઈ કાલની જ વાત છે જાણે. સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, ગાંધીજી, વીર સાવરકરથી લઈને ખલિલ જિબ્રાન, કૉન્ફ્યુશ્યસ કે વેદ વ્યાસના વિચારો આજે આપણી પાસે છે એનું કારણ એ કે પ્રત્યેક જમાનાના જનસમૂહે ધ્યાન રાખ્યું છે કે દેવાલયો-આરોગ્ય ધામો કે પાઠશાળાઓ ઉપરાંત વૈચારિક વારસો જળવાય એ માટેની સિસ્ટમો ઊભી કરવા માટે પણ સમાજે છૂટે હાથે દાન-ધર્માદો કરવો જોઈએ.

સમાજનું આ દાયિત્વ છે, સમાજની આ જવાબદારી છે. બુદ્ધ-મહાવીર સહિતના આ સૌ વિચારકોએ જીવન દરમ્યાન જે કામ કર્યું તે અમર રહે, નવી નવી પેઢીઓ સુધી પહોંચતું રહે એની જવાબદારી સમાજે સ્વીકારી ત્યારે આપણા સુધી એમનું કામ, એમના વિચારો પહોંચી શક્યા છે. એમને સાચવીને સમાજે પોતાના પર થયેલા અહેસાનનો ઋણસ્વીકાર કર્યો છે. બુદ્ધ-મહાવીર-વિવેકાનંદ-રજનીશ વગેરે બનવાની ક્ષમતા કદાચ સૌ કોઈનામાં ન પણ હોય, પણ જેમની પાસે એવી શક્યતા છે એમની નજીક જઈને, એમને તનમનધનથી ઉપયોગી થઈને આપણે સૌ ભવિષ્યના બુદ્ધ-મહાવીર-વિવેકાનંદ-રજનીશ વગેરેનો એક અંશ બનવાનો સંતોષ તો લઈ જ શકીએ એમ છીએ.

------------------------------

સન્ડે હ્યુમર

વાઈફે શુભેચ્છા આપી: હેપી ન્યુ યર.

હસબન્ડે કહ્યું: ખરેખર?

-વૉટ્સઅપ પર વાંચેલું.

--------------------

સન્ડે હ્યુમર

બકી: સવાર પડી ગઈ, ઊઠો! હું ફટાફટ ભાખરી કરું છું.

બકો: તું તારે કરને, હું ક્યાં તવા પર સૂતો છું!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3p4ua317
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com