25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહિલા તસ્કરી પાપ કોનું,સજા કોન

અભય કુમાર ‘અભય’ભારતમાં મહિલાઓનું શોષણ થવું, અત્યાચાર કરવા, સાસરિયામાં દહેજને નામે ત્રાસ, તેને જીવતી બાળી નાંખવી, બળાત્કાર, તસ્કરી જેવી વાતો બહુ ચુંથાઇને ચળાઇ ગઇ છે એટલી હદે વર્ષોથી થાય છે. અગાઉ દુબઇથી સોનાની તસ્કરી થતી એવું સાંભળીને બધા બહુ આશ્ર્ચર્યચકિત થઇ જતા અને હવે માનવ તસ્કરી પણ ઘણા વર્ષોથી થાય જ છે, પણ મહિલાઓની તસ્કરી કરીને તેમને ગુલામની જેમ વેચી દેવાય છે અને પછી તેમની જે હાલત થાય છે તે ખરેખર બહુ દર્દનીય અને શાપિત વસ્તુ છે. આપણા દેશમાં મહિલાઓને દેવીની જેમ પૂજવામાં આવે છે. સ્ત્રીને ફક્તમાનવાની દૃષ્ટિએ (કર્મથી નહીં) બહુ ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે તેમાંય માતાને તો ખાસ. ત્યારે ભારતમાં એવા પણ રાજ્યો છે જ્યાં સ્ત્રીઓની તસ્કરી કરીને તેમનું જીવન દુ:સહ્ય બનાવી દેવાય છે. તેની ઢળતી ઉંમરે તેને ગામના છેડે ફેંકી દેવામાં આવે છે, જેની સામે સમાજના કહેવાતા ઉજળા લોકો જોતા પણ નથી કે તેને ખાવા મળે છે કે નહીં કે તેના બાળકોને તે દૂધ પીવડાવી શકે છે કે નહીં. આ વાતને બહુ ગંભીરતાથી લઇને આટલી મોટી સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે આપણે બુલેટ ટ્રેનની પાછળ પડ્યા છીએ. વિદેશોમાં ભારતના ગુણગાન ગાઇએ છીએ અને આપણો દેશ વિદેશમાં કેટલું નામ કમાય છે તેની વાહવાહી કરીએ છીએ, પણ અંદરખાને દેશમાં લોકોની કેવી દશા છે તે કોઇ જુએ છે? જાણે છે બધા છતાં પણ! કોઇ વિદેશીને પલ્લે પણ આવી બાબતો નથી પડતી, કારણ કે આપણે તો આધુનિક જમાનાના મોડર્ન અને શિક્ષિત લોકો છીએ. ગરીબ કે અબળા કે નબળા લોકોને આપણે અડીએ પણ શા માટે? તેને તો થોડી મદદ કરીને પાપ ધોઇને પુણ્ય કમાવાનો એક વ્યવસાય બની ગયો છે. આ વાતને સમર્થન આપતી આ ઘટનાઓ અને દૃશ્યોને સમજો. તમને ખબર પડશે કે ભારતમાં બુલેટ ટ્રેનની જરૂર છે કે દેશના ૭૦ ટકા ગામડાના લોકોને સંતોષભર્યા જીવન ને પ્રેમ અને સમાજની વ્યવસ્થાની. આ હૃદયદ્રાવક લેખ તમારા આત્માને જરૂર ઢંઢોળશે જો તમે સાચા માનવી હશો તો.

મનિષા અત્યારે ૫૦ વર્ષની છે. નાંદેડ ગામની (મહારાષ્ટ્ર) મનિષાને લગભગ ૩૦ વર્ષ પહેલા હરિયાણાના એક એવા માણસને વેચી દેવાઇ હતી, જે ઉંમરમાં તેનાથી બે ગણો વધુ મોટો હતો. આ ત્રણ દાયકામાં તેનો સંઘર્ષ તે તમામ મહિલાઓની વ્યથાને રજૂ કરે છે, જે તેની કિશોરાવસ્થામાં તસ્કરીનો શિકાર થાય છે. યુવાનીમાં યૌન શોષણ અને શારીરિક ઉત્પીડનને બર્દાશ્ત કરી રહી હતી અને આધેડ ઉંમરે તેને બેસહારા છોડી દેવામાં આવી હતી. તે નિ:સહાય થઇ ગઇ હતી, પણ તેને સરકાર, સ્થાનિક પ્રશાસન કે સામાજિક સંસ્થાઓમાંથી કોઇએ પણ સહાય નથી કરી અને નથી કરતા.

જોકે, અન્ય મહિલાઓથી વિપરીત મનિષાનું જીવન થોડું સારું હતું, જ્યાં સુધી તેનો પતિ કિશનચંદ જીવિત હતો. તેના અવસાન પછી તેના સંબંધીઓએ મનિષાને જાનથી મારી નાંખવાનો પણ પ્રયાસ કર્યો, જેથી તેની સંપત્તિ પર કબજો કરી શકાય. તે રડતાં રડતાં જણાવે છે, ‘મારા દિયરે ભાડૂતી ગુંડાઓ દ્વારા મારું અપહરણ અને હત્યાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમાં સફળતા ન મળી તો તેમણે એક દિવસ મને જબરજસ્તી બાંધીને રસ્તા પર ફેંકી મારા પર ટ્રેક્ટર ચડાવીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો. જો મારી ચીસો સાંભળીને ગામના કેટલાક લોકો મારી મદદ કરવા ન આવ્યા હોત તો તે દિવસે મારું મૃત્યુ નિશ્ર્ચિત હતું. આ વાતને સાત વર્ષ વીતી ગયા છે.’

મરતું માણસ જીવવા માટે શું ન કરે? મનિષાએ પણ લડવાનું નક્કી કર્યું. તેણે તેના પતિની જમીન વેચી દીધી અને તે પૈસાને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા. આગળ તે જણાવે છે,‘મેં મારા તે સગાંઓ પર મારી હત્યા કરવાના પ્રયાસનો કેસ દાખલ કર્યો, જેમાં લડતા લડતા મારા ઘણા પૈસા ખર્ચાઇ ગયા, પણ તે લોકો બચી ગયા. હવે હું રોજ મજૂરી કરીને જીવું છું. છેલ્લાં બે વર્ષથી દર મહિને મને રૂ. ૧૮૦૦ વિધવા પેન્શન મળે છે.સરકારી રેશનિંગની દુકાનમાંથી પાંચ કિલો ઘઉં મળે છે, તેનાથી પણ મને ઘણી મદદ મળી રહે છે.’

પતિના મૃત્યુ પછી તેને તેનું ગામ છોડવું પડ્યું ત્યારથી તે સકરસ ગામમાં (નૂહ જિલ્લો, હરિયાણા) ભાડાની એક રૂમમાં રહે છે. નૂહ જિલ્લામાં ૪૦૦થી વધારે ગામ છે અને દરેક ગામમાં ૧૨-૧૩ મહિલાઓ એવી છે, જેને ખરીદીને લાવવામાં આવી છે. તેનાથી એ અંદાજો લગાવી શકાય છે કે પૂરા હરિયાણામાં આ સમસ્યા કેટલી ગંભીર હશે જ્યાં ચિંતાજનક બાબત એ છે કે મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે (૮૭૯ મહિલાઓ પ્રતિ ૧૦૦૦ પુરુષ, ૨૦૧૧માં થયેલી વસ્તીગણત્રી મુજબ) અનેસસ્તી મજૂરી કરાવવા માટે ખરીદીને લવાયેલી મહિલાઓની માગ બહુ વધારે છે. સાથે જ મોટી ઉંમરના અને શારીરિક અને માનસિક રીતે વિકૃત પુરુષો પણ આ મહિલાઓના ખરીદાર હોય છે, કેમ કે તેમને આટલી મોટી ઉંમરે જીવનસાથી નથી મળી શક્તી, જે ગુલામની જેમ તેમના જીવનને પોષ્યા કરે. આ મહિલાઓ સામાન્ય રીતે બિહાર, ઝારખંડ, આસામ અને પશ્ર્ચિમ બંગાળથી લાવીને વેચી નાંખવામાં આવે છે. ગરીબી અને રોજગારીના અભાવે મહિલાઓના ખરીદદારો માટે આ રાજ્યો મનપસંદ સ્ત્રોત બની ગયા છે.

આ મહિલાઓને ૪૦થી ૫૦ હજાર રૂપિયામાં તે સમયે ખરીદવામાં આવે છે, જ્યારે તે યુવાન હોય છે. પછી ઘરમાં તેમનું યૌન શોષણ થાય છે અને ખેતરોમાં તેમનો સસ્તા મજૂર તરીકે ઉપયોગ થાય છે. સમાજના પિતૃસત્તાત્મક સ્વભાવને કારણે ત્યાં સ્થાનિક મહિલાઓને સંપત્તિમાં હિસ્સો નથી મળતો કે કૌટુંબિક અને સામાજિક બાબતોમાં તેમને હસ્તક્ષેપ પણ નથી કરવા દેવાતો. આમ, ખરીદીને લવાયેલી આ મહિલાઓને કોઇ અધિકાર કેવી રીતે મળી શકે? જેમને જીવનભર ‘પારો’, ‘મોલ-કી’ જેવા શબ્દોથી સંબોધિત કરીને અપમાનિત કરવામાં આવે છે! તેમને તો સ્થાનિક ઉત્સવો અને પરંપરાઓમાં પણ ભાગ નથી લેવા દેવામાં આવતો અને ‘લગ્ન’ પછી પોતાના પિયર જવાની તો તે કલ્પના પણ નથી કરી શક્તી. પશ્ર્વિમ બંગાળ અને આસામની આ મહિલાઓ માછલી અને માંસ ખાય છે, પણ તેમને જબરજસ્થી શાકાહારી બનાવી દેવામાં આવે છે.

કિશોરાવસ્થામાં પોતાના પ્રિયજનોથી જુદી થઇ ગયેલી અને ઘણીવાર એકથીવધારે વખત વેચાયેલી અને શોષણ અને ઉત્પીડનનો શિકાર બનેલી આ મહિલાઓ જ્યારે રજોનિવિૃત્તની ઉંમરે પહોંચે છે ત્યારે તેને અહેસાસ થાય છે કે તેનું હવે પછીનું ભવિષ્ય બહુ ભયાનક છે. તેમના જીવનના પાંચમા દાયકામાં તેમની શારીરિક ક્ષમતા એકદમ નબળી પડી જાય છે અને પુરુષ તેમનામાં દિલચસ્પી લેતા બંધ થઇ જાય છે. તે સ્ત્રી તેમના માટે ‘અણગમતી’ બની જાય છે. તેમના પુરુષો અન્ય યુવાન મહિલાઓ ખરીદવાના જુગાડમાં લાગી જાય છે અને આ આધેડ ઉંમરની મહિલાઓને તેમના બાળકો સહિત બેસહારા છોડી દેવામાં આવે છે. કોઇપણ સામાજિક સંસ્થા, રાજનૈતિક વર્ગ કે સ્થાનિક પ્રશાસન તેમને મદદ કરવા આગળ નથી આવતા.

જે સ્ત્રીઓ વિધવા થઇ જાય છે, તેમની હાલત પણ આવી જ થઇ જાય છે. તેમને ન સંપત્તિમાં અધિકાર મળે છે અને ના સમાજ સ્વીકારે છે. તેમને પોતાની જંગ પોતે લડવી પડે છે. ગરીબો અને વિધવાઓ માટે સરકારી યોજનાઓ પણ મોટા ભાગે તેમની પહોંચથી દૂરરહે છે. તેમની સ્થિતિ એકદમ બદતર થઇ જાય છે, કેમ કે તેમાંની મોટા ભાગની સ્ત્રીઓ નિરક્ષરહોય છે અને મોટા ભાગની સ્ત્રીઓ પાસે ઓળખપત્રો નથી હોતા. તેમના બાળકો, વિશેષરૂપે છોકરીઓને પણ સમાજ સ્વીકારતો નથી. તેમના દીકરાઓને પણ લગ્ન માટે છોકરીઓ નથી મળતી. આ બેસહારા મહિલાઓ પાસે મતદાન માટેના ઓળખપત્રો પણ નથી હોતા. આથી તેમને બહારની વ્યક્તિ ગણવામાં આવે છે અને તેમને મનરેગા, વીમા યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ શામેલ નથી કરવામાં આવતા.

તેમની સામે એકમાત્ર નાનકડો ટુકડો નાંખવામાં આવે છે ફક્ત વિધવા પેન્શન યોજનાનો. આ ખરીદાયેલી મહિલાઓમાંથી કોઇને પણ કોઇ સરકારી યોજના હેઠળ નૂહમાં પ્લોટ નથી મળ્યો.

તસ્કરીનો શિકાર બનેલી આ આધેડ ઉંમરની બેસહારા મહિલાઓની સમસ્યા વૃંદાવન કે વારાણસીની વિધવાઓથી પણ વધારે ગંભીર છે. વૃંદાવનની વિધવાઓની સમસ્યાને કોઇએ તો નહીં, પણ અદાલતે તો સમજી અને તેમની મદદ માટે આગળ આવી, પણ તસ્કરીનો શિકાર બનેલી આ મહિલાઓ તો બસમૂંગા મૂંગા બધું સહન કરવા માટે મજબૂર બની જાય છે. રાજનૈતિક વર્ગ પણ તેમના વિશે કશું નથી બોલતો, કારણ કે તેનાથી સ્થાનિક લોકો તેમના પ્રત્યે નારાજ થઇ જાય તો પછી તેમને મત કોણ આપે? બિનસરકારી સંગઠનો આવી મહિલાઓની મદદ કરે છે, પણ તેમની પાસે પૂરતાં નાણાં નથી હોતા.

તસ્કરીનો શિકાર બનેલી આવી હજારો મહિલાઓની જેમ મનિષાને પણ આશા છે કે અંતિમ શ્ર્વાસ લેતા પહેલાં તે એકવાર તેના ભાઇ-બહેનોને મળે. જોકે, તેના મનમાં તેના સગાં-સંબંધીઓનું ચિત્ર એકદમ ધૂંધળું થઇ ગયું છે. ફક્ત તેને એટલું યાદ છે કે તેઓ છ ભાઇ-બહેન હતા અને તે વચ્ચેના નંબરની હતી. તે નિસાસા નાંખતા કહે છે, ‘જો હું તસ્કરીનો શિકાર ન બની હોત તો કદાચ મારું જીવન કંઇક જુદું જ હોત, પણ કોઇની પાસે શું ફરિયાદ કરું? મારા ભાગ્યમાં જ આવું લખ્યું હશે.

આ વર્ષની શરૂઆતમાં એક એનજીઓ (બિન સરકારી સંગઠન) એમપાવર પીપલે માનવ તસ્કરીનો વિરોધ કરવા આ સંદર્ભે જાગૃતિ હેતુ એક લાંબો મોર્ચો કાઢ્યો હતો. આ અભિયાન ૨૫ માર્ચે આસામથી શરૂ થયો અને પહેલી જૂને શિમલા, હિમાચલ પ્રદેશમાં સમાપ્ત થયો. માર્ચમાં દસ રાજ્યોમાં તેમણે ૭૦ જિલ્લાને કવર કર્યા, જેમાં માનવ તસ્કરીની સમસ્યા સૌથી વધારે છે. આ પ્રયાસથી એટલો લાભ તો અવશ્ય થયો છે કે હવે તે રાજ્યોમાં ગ્રામીણ લોકો તસ્કરીનો વિરોધ કરવામાં સહયોગ આપી રહ્યા છે. જોકે, તે આ બાબત સમસ્યાનો અંત લાવવા માટે પર્યાપ્ત નથી.

માનવ તસ્કરી વિરુદ્ધ જાગૃતિ આણવાના તમામ પ્રયાસો છતાંય ભારતીય દંડ સંહિતા હેઠળ આ બાબતને દંડનીય અપરાધ હેઠળ જ દર્જ કરાવાય છે. જેનાથી તેના પર વિરામ લાવવો બહુ મુશ્કેલ છે, કેમ કે પછી આ બાબત મોટી સમસ્યા રૂપે સામે આવે છે. ૨૦૧૬ના રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના આંકડા બતાવે છે કે ફક્ત ૧૪૯ પીડિતોની જ તસ્કરી હરિયાણામાં થઇ છે, જેમાંથી ૯૭ મહિલાઓ હતી. તેમાંથી ૧૦૮ પીડિતોને મુક્ત કરવામાં આવ્યા, જેમાંથી ૮૦ મહિલાઓ હતી. મુક્ત કરવામાં આવેલા પીડિતોમાંથી ૪૬ની યૌન શોષણ માટે, ૨૭ની વેશ્યાવૃત્તિ માટે, ૮ મહિલાની ભીખ મગાવવા માટે, છ મહિલાઓને જબરજસ્તી લગ્ન કરાવવા માટે, પુષ્કળ શ્રમ કરાવવા અને તેના અંગો ચોરવા માટે એક એક અને ૧૯ મહિલાઓની અન્ય કારણોસર તસ્કરી કરવામાં આવી હતી.

----------------------------

શોષણખોરોને મારો તો શોષિત લોકોને મદદની જરૂર જ નહીં રહે

આપણા દેશમાં સામાન્ય મહિલાઓને અબળા અને નબળી અને ગરીબોને બિચારા માનવામાં આવે છે અને તેમને મદદ કરવાના પ્રયાસો કરવા કે નેતાઓ પાસે તેમને મદદ કરવા માટે માગણીઓ થાય છે. એનજીઓ અને આશ્રમો ડોનેશન લઇને શોષિત કે નબળી મહિલાઓને મદદ પણ કરે છે, પણ દેશમાં કોઇ વિચારતું નથી કે તેમને પણ સારા માણસોની જેમ ભગવાને હાથ-પગ, મગજ ને આંખો બધું જ આપ્યું છે. ફક્ત તેઓ મોટાભાગે અભણ અને ગરીબ હોય છે આથી તેમને સમાજમાં આગળ લાવવા માટે તક આપવાની જરૂર હોય છે. તેઓ પણ સમાજમાં સીનો ઠોકીને રહી શકે છે, મહેનત કરી શકે છે અને તેમના બાળકોને સારું શિક્ષણ આપીને ઉચ્ચ દરજ્જાના નાગરિક બનાવી શકે છે, પણ તેમને તે તક નથી મળતી અને ગામડાના ભાયડાઓ...! કે ઘણા ઉચ્ચ દરજ્જાના જમીનદારો જેવા માણસો મહિલાઓનું આવી રીતે કેટલાયે રાજ્યોમાં શોષણ કરે છે તેને જ ધડમૂળથી નાબૂદ કરવા જોઇએ. આવી બધી પ્રવૃત્તિ થાય જ શા માટે? આવા કર્મ કરતા માણસોને સજા આપીને આ બધી દરિદ્રતા અને શોષણને થતા બંધ કરવા જોઇએ. તેના માટે કાયદા હોય છે પણ તે પળાતા નથી, જેના પ્રત્યે આંખ આડા કાન કરાય છે. તેની સામે પણ જે આ કાયદો ના પાળે અને જેના રાજ્યોમાં આવું થાય છે અને તેની સામે કોઇ ઉકેલ જે તે સંબંધિત પ્રધાનો નથી લાવી શક્તા કે કાયદાનો અમલ નથી કરતા તેમને પણ સજા થવી જોઇએ. આવું કૃત્ય કરતા લોકોને જ ડામી દેવા જોઇએ, જેથી આવી શોષણ પ્રવૃત્તિ થાય જ નહીં. જ્યારે આપણા ભારતીય સમાજમાં કહેવાતા ઊજળા લોકો તો થોડું પુણ્ય કમાઇ લેવા કે પોતાના દરજ્જાને ઊંચો કરવા કે નામ કમાવવા કે પૈસા કમાવા આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન જ આપતા હોય તેમ નાથવાના બહાને પોષે છે. ગરીબોને કે શોષિતોને મદદ કરવા કરતા તેમને થતા એ અન્યાયને નાબૂદ કરવાના કેમ પ્રયત્ન કોઇ નથી કરતું? આવી કોઇ સમસ્યા ન સર્જાય તો મહિલાઓ ક્યારેય નબળી પડે જ નહીં કે લોકો ગરીબ બને જ નહીં. આવી મહિલાઓ મહેનત કરીને દસ રૂપિયાને બદલે ૧૦૦ રૂપિયા કમાઇને પોતાના જીવન અને કુટુંબને સુરક્ષિત રાખી શકે છે. આમ, આની સામે લોકોએ નહીં, પણ દેશના પ્રધાનો, નેતાઓ ને રાજકારણીઓએ તથા કાનૂને જાગવાની જરૂર છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

84HXu7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com