19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કમલનાથ અને રાજ ઠાકરેની ભાષામાં ફર્ક શું?

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ જ્યારે મહારાષ્ટ્રમાં પરપ્રાંતીયોનો મુદ્દો ઉપાડ્યો હતો અને મહારાષ્ટ્રના મરાઠીઓના હક માટે અવાજ ઉપાડ્યો હતો ત્યારે ચોમેરથી તેની ટીકા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ અને બિહારીઓ સામે મનસેએ જે રોષપૂર્વક આંદોલન ઉપાડ્યું હતું તેને કૉંગ્રેસે નકાર્યું હતું. અનેક કૉંગ્રેસી નેતાઓએ રાજ ઠાકરે અને મનસેના કૃત્યને વખોડી કાઢ્યું હતું. કેટલાક તો વળી તેમની સામે કોર્ટમાં પણ ગયા હતા. હવે અચાનક જ કૉંગ્રેસના નેતાઓને રાજ ઠાકરેની ભાષા બોલતા જોઈ નવાઈ લાગી રહી છે.

રાજ ઠાકરેએ ગુજરાતીઓ સામે પણ દ્વેષપૂર્વક વાતો કરી હતી, પરંતુ બાદમાં મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતીઓના મહારાષ્ટ્ર પ્રત્યેના યોગદાનની વાત કરી આ મુદ્દો વાળી લીધો હતો, પરંતુ તાજેતરમાં કૉંગ્રેસના નેતા અને નવા નિમાયેલા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથની જીભ પણ લથડી હતી. પોતાના કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા કમલનાથે જણાવ્યું હતું કે જે ઉદ્યોગગૃહો મધ્ય પ્રદેશના યુવાનોને (એટલે કે સ્થાનિકોને) પોતાના વ્યવસાયમાં 70 ટકા કરતાં વધુ રોજગાર આપશે તેમને કરમાં રાહત આપવામાં આવશે. વધુમાં કમલનાથે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહારથી લોકો અહીં આવે છે, તેઓ રોજગારી મેળવે છે આને કારણે સ્થાનિક લોકો બેરોજગાર થઈ રહ્યા છે. આથી જે લોકો સ્થાનિકોને કામ આપશે તેમને જ કેટલાક સરકારી લાભો મળશે અને આ મુદ્દે અમે સહી સિક્કા પણ કરી લીધા છે. આ એ જ કમલનાથ છે જેમણે ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો હતો અને હવે તે પોતે જ પરપ્રાંતીયોને મુદ્દે શાબ્દિક હુમલા કરી રહ્યા છે. કમલનાથ પોતે ઉત્તર પ્રદેશમાં જનમ્યા છે અને તેમણે બંગાળમાં શિક્ષણ લીધું છે તેમ જ સમગ્ર ભારતમાં તેમનો વ્યવસાય ફેલાયેલો છે. તેમ છતાં તેઓ આજે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન છે તો શું તેમને પરપ્રાંતીય ન ગણવા જોઈએ? શું મુખ્ય પ્રધાન બનીને તેમણે કોઈ મધ્ય પ્રદેશના નેતા સાથે અન્યાય નથી કર્યો? કૉંગ્રેસના સાથી પક્ષ આરજેડીએ પણ કમલનાથના આ નિવેદનને વખોડી નાખ્યું છે અને ભાજપ સહિતના કેટલાક પક્ષોેએ પણ કમલનાથના વિધાન સામે નારાજી નોંધાવી છે, પરંતુ જે રીતે કેટલાક પક્ષો રાજ ઠાકરે પર ઊતરી પડ્યા હતા તેવું કમલનાથના કેસમાં થયું નથી. રાજ ઠાકરેની માગણી પણ આવી જ હતી. રેલવેની પરીક્ષામાં ઉત્તર ભારત અને બિહારથી મોટા ભાગના લોકો આવતા અને મહારાષ્ટ્રના સ્થાનિક યુવાનોનો હક પચાવી પાડતા હતા. આજે પણ તમે રેલવેના સ્ટાફ કે રેલવેની કેન્ટીનો પર નજર કરશો તો મોટા ભાગના કર્મચારીઓ ઉત્તર ભારતીય કે બિહારી જોવા મળશે. રાજની માગણી પણ એવી જ હતી કે સ્થાનિકોને રેલવેમાં વધુ ક્વોટા મળે. આ માટે રાજે હિંસક આંદોલન કર્યું, જ્યારે કમલનાથે શાબ્દિક યુદ્ધ છેડી દીધું છે. ખરેખર તો સ્થાનિકોને જે લોકો કામ પર રાખતા હોય તેમને કેટલીક સવલતો મળતી હોય છે અને આવો કાયદો છે જ. એના માટે નવા કાયદા ઘડવાની જરૂર નથી, પરંતુ સત્તાના મદમાં નેતાઓ ક્યારેક બફાટ કરી બેસતા હોય છે, પરંતુ તેમના બફાટની અસર કેટલી દૂરગામી હોય છે તે તેવો જાણતા નથી.

સ્થાનિક વિરુદ્ધ બહારના લોકોની આ લડાઈમાં આપણે જે નજરે રાજ ઠાકરેને જોઈ રહ્યા હતા એ જ નજરે કમલનાથને પણ જોવા જોઈએ. રાજની વાત સાચી હતી, રાજે કહ્યું હતું કે યુપી અને બિહારની સરકાર એવો વિકાસ કરે કે જેથી તેમના યુવાનોને ત્યાં જ કામ મળી રહે. દરેક મુખ્ય પ્રધાનોએ પોતાના રાજ્યની સ્થિતિ રાજ ઠાકરેએ કહ્યું એવી કરવી જ જોઈએ જેથી કરીને કોઈને પણ આવા વિધાનો કરવા ન પડે અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિને બદલે વિકાસ કરો અને રાજ કરોની નીતિ અપનાવવી પડે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0008vJ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com