19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દુનિયા સામે પડવાની હિંમત કરનારાઓ પરિવર્તન લાવી શકતા હોય છે - 2
સમાજસુધારક ઈશ્ર્વરચન્દ્ર વિદ્યાસાગરની હિંમતને કારણે ભારતમાં એક શરમજનક કુરિવાજનો અંત આવ્યો

સુખનો પાસવર્ડ-આશુ પટેલ



7 ડિસેમ્બર, 1856ના દિવસે કોલકાતામાં જે લગ્નનું આયોજન થયું હતું તેની સામે પ્રચંડ વિરોધ એટલા માટે ઊઠ્યો હતો કે એક વિધવા છોકરી કાલીમતી દેવીના પુન:લગ્ન થઈ રહ્યા હતા! ભારતમાં હિંદુ વિધવા પુન:લગ્નને મંજૂરી આપતો કાયદો ઘડાયો એ પછી કોઈ વિધવાના પહેલી વાર પુન:લગ્ન થઈ રહ્યા હતા. અને એ લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું હતું વિખ્યાત સમાજસુધારક ઈશ્ર્વરચન્દ્ર વિદ્યાસાગરે.

આજથી ઓગણીસમી સદીમાં ભારતીય વિધવાઓની હાલત બહુ કરુણ હતી. રિબાઈ-રિબાઈને અને સમાજની નજરમાં અત્યંત ઊતરતી કક્ષાની ગણાતી વિધવાઓની દુર્દશા જોઈને ઈશ્ર્વરચન્દ્ર વિદ્યાસાગરનું હૃદય દ્રવી ઉઠતું હતું. એ સમયમાં વિધવા થતી સ્ત્રીઓના પુન:લગ્ન મહાપાપ સમા ગણાતાં. વિદ્યાસાગરજીએ હિન્દુ વિધવાઓના પુન:લગ્ન માટે કાયદો ઘડવા માટે કમર કસી.

વિદ્યાસાગરજી જ્યાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા એ સંસ્કૃત કૉલેજમાં તેમની ફરજના કલાકો પૂરા થયા પછી તેઓ કૉલેજની લાઇબ્રેરીમાં કલાકો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. તેઓ એ શોધવા માગતા હતા કે આપણા શાસ્ત્રોમાં ક્યાંય વિધવાઓના પુન:વિવાહને સમર્થન આપતી વાત મળી જાય તો વિધવા પુન:લગ્નનો કાયદો ઘડવા માટે તેઓ એને સરકાર સામે મૂકી શકે.

મહિનાઓ સુધી અનેક શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યા પછી વિદ્યાસાગરજીને ‘પરાશર સંહિતા’ શાસ્ત્રમાં જોવા મળ્યું કે વિધવાઓના લગ્ન ધર્મની વિરુદ્ધ નથી. એ પછી તેમણે એ શાસ્ત્રની મદદથી વિધવા પુન:લગ્નને મંજૂરી આપતો કાયદો ઘડાય એ માટે પ્રયાસો શરૂ કર્યા.

વિદ્યાસાગરજીએ લાંબા સમય સુધી કરેલી કોશિશ પછી છેવટે સરકારે 19 જુલાઈ, 1856ના દિવસે હિન્દુ વિધવાઓના પુન:લગ્નને માન્યતા આપતો કાયદો પસાર કર્યો.

જોકે એ કાયદો ઘડાઈ ગયો એટલે કંઈ રાતોરાત રૂઢિચુસ્ત ભારતીય સમાજ સુધરી જવાનો નહોતો. કાયદામાં મંજૂરી મળી ગઈ હતી, પણ સમાજ તો વિધવા લગ્નની વિરુદ્ધ જ હતો. એટલે ક્યાંકથી આ કુરિવાજનો અંત લાવવાની શરૂઆત કરવાનું ભગીરથ કામ હાથ ધરવાનું હતું.

ભારતમાં હિન્દુ વિધવા સ્ત્રીઓના પુન:લગ્નને મંજૂરી આપતો કાયદો ઘડાયો એના બે દાયકા અગાઉ ભારતમાં વિધવા પુન:લગ્નનો માત્ર એક જ કિસ્સો બન્યો હતો. બર્દવાનના રાજા તેજચન્દ્રના મૃત્યુ પછી તેમની યુવાન વિધવા રાણી બસંતા કુમારી સાથે એ વખતના સમાજસુધારક એવા બંગાળી યુવાન દક્ષિણારંજન મુખોપાધ્યાયએ લગ્ન કર્યા હતા. જોકે એ વખતે કોલકાતામાં એ લગ્નનો એટલો પ્રચંડ વિરોધ થયો હતો કે દક્ષિણારંજન મુખોપાધ્યાય અને રાણી બસંતા કુમારીએ કોલકાતા છોડીને લખનઉ જતા રહેવું પડ્યું હતું.

વિદ્યાસાગરજી અને તેમના અન્ય સાથીઓએ વિદ્યાસાગરજીની સાથે સંસ્કૃત કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રીચન્દ્ર વિદ્યારત્નને દસ વર્ષની ઉંમરે વિધવા થઈ ગયેલી ક્ધયા કાલીમતી દેવી સાથે લગ્ન માટે તૈયાર કર્યા. શ્રીચન્દ્ર તૈયાર થયા અને લગ્નની તારીખ 27 નવેમ્બર પણ નક્કી થઈ ગઈ.

વિધવા બનેલી કાલીમતીની માતા લક્ષ્મીમતી દેવી પણ વિધવા મહિલા હતી. જોકે તેણે પોતાની વિધવા દીકરીના લગ્ન કરાવવાનું સાહસ કર્યું. એ લગ્ન વિશે વાત ફેલાઈ એટલે શ્રીચન્દ્ર વિદ્યારત્ન પર જબરદસ્ત દબાણ આવવા લાગ્યું અને તેમને ધમકીઓ મળવા લાગી. બીજી બાજુ ઈશ્ર્વરચન્દ્ર વિદ્યાસાગરજીને પણ ધમકીઓ મળવા લાગી. વિદ્યાસાગરજી તો ન ડગ્યા, પણ કાલીમતી સાથે લગ્ન કરવા તૈયાર થયેલા શ્રીચન્દ્ર ડરી ગયા અને તેમણે લગ્ન કરવાની ના પાડી દીધી. તેમણે પાછીપાની કરી એટલે લગ્ન રદ થયા.

શ્રીચન્દ્રએ લગ્નની ના પાડી દીધી એટલે કાલીમતીની માતા લક્ષ્મીમતિ દેવીએ તેમની વિરુદ્ધ કોર્ટમાં જઈને વળતર માગ્યું. આ દરમિયાન ઈશ્ર્વરચન્દ્ર વિદ્યાસાગર અને તેમના સાથીઓએ શ્રીચન્દ્રને ફરી સમજાવ્યા અને હિંમત આપી એટલે છેવટે તેઓ તૈયાર થયા. અને ઈશ્ર્વરચન્દ્ર વિદ્યાસાગરજીએ 7 ડિસેમ્બરના દિવસે શ્રીચન્દ્ર વિદ્યારત્ન અને કાલીમતિ દેવીના લગ્નનું આયોજન કર્યું. લોકોના પ્રચન્ડ વિરોધ વચ્ચે વિદ્યાસાગરજીએ ભારતના પહેલા કાનૂની હિન્દુ વિધવા પુન:લગ્ન કરાવ્યા. એ પછી ધીમે-ધીમે બીજા લોકોની પણ હિંમત ખૂલતી ગઈ અને ભારતમાં વિધવાઓના પુન:લગ્ન પરના પ્રતિબંધના કુરિવાજનો અંત આવ્યો.

દુનિયા કે સમાજ સામે પડવાની હિંમત કરનારાઓ પરિવર્તન લાવી શકતા હોય છે. ઈશ્ર્વરચન્દ્ર વિદ્યાસાગરે ઓગણીસમી સદીમાં એવી હિંમત બતાવીને સંખ્યાબંધ સ્ત્રીઓના જીવનને દોજખ સમા બનતા અટકાવ્યાં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6C8x1k
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com