19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુજારાનો પ્રારંભમાં જ પરચો: ભારતને શરમજનક આરંભથી બચાવ્યું
સૌરાષ્ટ્રના સાવજ’ની કાંગારું-ભૂમિ પર પ્રથમ સદી: કોહલી, રાહુલ, વિજય નિષ્ફળ ગયા: યજમાન ફાસ્ટ બોલરોનો પ્રભાવ: ભારત ૯ વિકેટે ૨૫૦ રન

પુજારાએ ૨૪૬ બૉલમાં ૧૨૩ રન બનાવ્યા અને રમતના છેલ્લા બૉલે રનઆઉટ થયો.એડિલેઈડ: ચેતેશ્ર્વર પુજારાએ અવસરને શોભે એવી ઑસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ સદી નોંધાવી ભારતને અહીં પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં (સવારે ૫.૩૦થી લાઈવ) ગુરુવારે આરંભિક દિવસે મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી પોતાની ટીમને નવ વિકેટે ૨૫૦ રન (૮૭.૫ ઓવર)ના સન્માનજનક જુમલે પહોંચાડી હતી.

પુજારાએ તેની લડતભરી રમતમાં ૨૪૬ બોલમાં ૧૨૩ રન કર્યા હતા અને ૧૨૭ રનમાં છ વિકેટ ગુમાવી દીધા પછી ભારતને બાજી સુધારી આપી હતી. છેવટે પેટ કમીન્સે સીધા વિકેટ પર ફેંકેલા બોલમાં તે દિવસભરની રમતના છેલ્લા બોલમાં રન-આઉટ થયો હતો.

ટોસ જીતી કેપ્ટન વિરાટ કોહલીએ માફક આવે એવી સ્થિતિમાં પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ભારતના ટોચના ક્રમના બેટ્સમેનો મિચલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને કમીન્સની ઝડપી ગોલંદાજોની ત્રિપુટી સામે ફરી નિષ્ફળ ગયા હતા.

ભોજનના વિશ્રામના સમયે ભારતનો સ્કોર ચાર વિકેટે ૫૬ રનનો હતો અને ૨૫૦ રનની આસપાસના જુમલે પહોંચવાનું મુશ્કેલ જણાતું હતું. પણ પુજારાએ પોતાની ૧૬મી ટેસ્ટ સદીથી ભારતને બાજી સુધારી આપી હતી.

પુજારાના લડાયક દાવમાં સાત ચોક્કા અને બે છગ્ગાનો સમાવેશ હતો.

રોહિત શર્મા ૩૭ રન કરી અને પુજારા જોડે પાંચમી વિકેટની ભાગીદારીમાં ૪૫ રન ઉમેરી આઉટ થયો હતો અને રિષભ પંતે ઝડપી ૨૫ રન કર્યા હતા.

કોહલી (૩)ને કમીન્સની બૉલિંગમાં ઉસ્માન ખ્વાજાએ ગલીના સ્થાને છલાંગ મારીને તેનો ડાબા હાથે કેચ કરી ત્રીજી વિકેટના રૂપમાં પેવેેલિયનમાં વહેલો રવાના કર્યો હતો અને ભારતે તેના કેપ્ટનની અતિ મહત્ત્વની વિકેટ ૧૧મી ઓવરમાં ૧૯ રનમાં જુમલામાં ગુમાવી દીધી હતી.

૩૦ વર્ષના પુજારાએ નીચલા ક્રમના બેટધરો સાથે અન્ય બે મહત્ત્વની ભાગીદારી કરી પોતાની ટીમના બૉલરોને હરીફ ટીમની વિકેટો લેવા માટે થોડા રન જમા કરી આપ્યા હતા.

ચાના મધ્યાંતર પછી પુજારાએ રવિચંદ્રન અશ્ર્વિન (૨૫) જોડે સાતમી વિકેટની ભાગીદારીમાં ૬૨ રનનો ઉમેરો કર્યો હતો અને ઈશાંત શર્માની જોડીમાં ૨૧ રનનો વધારો કર્યો હતો.

રમત બંધ પડી ત્યારે મોહંમદ શમી ૬ રન કરી દાવમાં હતો અને છેલ્લા ક્રમનો બેટધર જસપ્રીત બુમરાહ તેની સાથે જોડાશે.

સ્ટાર્ક, હેઝલવૂડ અને કમીન્સ તથા સ્પિનર નેથન લાયન વ્યક્તિગત બે વિકેટ લેવામાં સફળ બન્યા હતા.

ભારતે ટેસ્ટના અગાઉના દિવસે જાહેર કરેલ ૧૨ ખેલાડીની નામાવલીમાંથી હનુમા વિહારીને બાકાત રાખી રોહિતની પસંદગી કરી હતી.

ઑસ્ટ્રેલિયા વતી માર્કસ હેરીસે પોતાનો ટેસ્ટ પ્રવેશ કર્યો હતો.

ટૂંકો સ્કોર:

ભારત: પહેલો દાવ: ૮૭.૫ ઓવરમાં નવ વિકેટે ૨૫૦ (ચેતેશ્ર્વર પુજારા ૧૨૩, રોહિત શર્મા ૩૭, રિષભ પંત ૨૫, રવિચંદ્રન અશ્ર્વિન ૨૫, મિચલ સ્ટાર્ક ૬૩ રનમાં બે, જોશ હેઝલવૂડ ૫૨ રનમાં બે, પેટ કમીન્સ ૪૯ રનમાં બે, નેથન લાયન ૮૩ રનમાં બે). (પી.ટી.આઈ.)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

a21Kl44
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com