19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહે છે રુઆબદાર વાઘડો

આપણા કલ્યાણ મિત્રો-ડૉ. અશોક એસ. કોઠારીનાગપુરથી લગભગ ૧૦૦ કિ.મીટર દૂર ચંદ્રપુરમાં મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલનું અધિવેશન હતું. ત્યારે અમારા કેટલાક ડૉક્ટરો સાથે ૪૫ કિ.મીટર દૂર તાડોબા અંધારી રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘ અને બીજાં પ્રાણીઓ જોવાની ઈચ્છા હતી, પરંતુ તે સવારે વાઘનાં દર્શન ન થયાં. જાતજાતનાં પક્ષીઓ, હરણાં, રીંછ વગેરે જોવા મળ્યાં. ક્યાંક નોળિયા દેખાતા હતા. જંગલોમાં ખુલ્લી ગાડીમાં વહેલી સવારે અને સાંજે ભ્રમણ કરી શકાય છે. બપોર પછી ઘણા ડૉક્ટરો પાછા ગયા. વાઘ જોવા ન મળતા તેઓ નિરાશ થયા હતા. અમે તે સાંજે પાછા જંગલમાં ભ્રમણ કર્યું. વાઘે આ વખતે પણ હાથતાળી આપી હતી, પરંતુ જાતજાતનાં બીજાં પ્રાણીઓ નીરખ્યાં. તાડોબામાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું કેન્દ્ર હતું. બીજે દિવસે અમે ફરીથી નસીબ અજમાવવાનું નક્કી કર્યું. બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના અહીંના વહીવટી અધિકારી અને પક્ષીવિશેષજ્ઞને અમારી સાથે લીધા. ચંદ્રપુરથી તાડોબા ૪૫ કિલોમીટર છે. બહારના દરવાજાથી અંદર મહારલી પ્રવેશદ્વાર ૨૦ કિલોમીટર દૂર છે. વચ્ચે પાંખું જંગલ છે. શરૂઆતમાં એક વાઘ ઝડપથી બાજુમાંથી નીકળ્યો. અંદર પ્રવેશ માટેની રકમ ભરીને ત્રણ કલાક જુદા જુદા રસ્તાઓ ઉપરથી પસાર થયા. પક્ષીઓ, હરણાં વગેરે જોયાં, પરંતુ વાઘ અમને હાથતાળી આપતો રહ્યો. બીજા કેટલાક વાઘ નજીકથી જોયા, પરંતુ ઉનાળાની ઋતુ સિવાય વાઘ જલદી નજરે પડતા નથી. ઉનાળામાં ઘાસ સુકાઈ ગયેલું હોય છે. વાઘને પીવા માટે પુષ્કળ પાણી જોઈતું હોય છે. તેથી તળાવોને કિનારે કે પાણીના હવાડાઓમાં જોવા મળે છે. પાણીના હવાડાઓને ‘વોટર હોલ’ કહેવામાં આવે છે. અમે તે સાંજે ચંદ્રપુરમાં કાળકામાતાનું પ્રાચીન મંદિર જોઈ સંતોષ માન્યો અને ઉનાળાની મોસમમાં ફરીથી આવવાનું નક્કી કર્યું.

મે મહિનામાં ફરી નાગપુરથી તોડાબાના કાર્યક્રમનું આયોજન કર્યું. નાગપુરથી તાડોબા ૧૭૫ કિ.મીટર દૂર છે. સાંજે જંગલમાં જવા માટે ખુલ્લી જીપગાડીઓ તૈયાર હતી. અમે અમારા કેમેરા સાથે ગોઠવાયા.

તાડોબા અંધારી ૬૨૩ ચોરસ કિલોમીટરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અંદર પહોંચીને ફરવા માટે જુદા જુદા રસ્તાઓ ઉપરથી વાહન ફેરવી શકાય છે. અંદર નાનાં - મોટાં તળાવો હોવાથી પ્રાણીઓને પુષ્કળ પાણી મળી રહે છે. મે મહિનાની ૪૩૦ સેલ્સિયસની સખત ગરમીમાં પ્રાણીઓ તળાવને કિનારે કે ખાબોચિયાને કિનારે કે પાણીના હવાડાઓ પાસે હોય છે. પહેલી જ સફરમાં અમે એક પાણીના હવાડામાં વાઘણ માયા અને તેના બચ્ચાં જોયાં. તાડોબામાં લગભગ ૪૫ વાઘ છે. તાજેતરમાં ત્યાં ગયેલા પ્રવાસીઓના અહેવાલ મુજબ માયા ફરીથી ગર્ભવતી થઈ છે. એક જગ્યાએ પડી રહે છે.

અમને બીજે દિવસે રસ્તાની બાજુમાં પાણીના હોજમાં ગેલ કરતાં ૮ વાઘ અને બચ્ચાં જોવા મળ્યાં. થોડી વાર જીપમાં રાહ જોતાં રસ્તાની બીજી બાજુથી આવતો વાઘડો દેખાયો. ભારતના વાઘોમાં વાઘડો એક સૌથી મોટી કાયા ધરાવતો અને રુઆબદાર ચાલવાળો વાઘ ગણાય છે. તે નફિકરાઈથી ડગ માંડતો અમારી વાહનની બાજુમાંથી પસાર થયો. સૌએ મનફાવે તેમ તેની તસવીરો ખેંચી. આગળ જઈને તેણે પણ પાણીના હોજમાં લંબાવ્યું. આજકાલ જંગલખાતાએ આ હોજમાં પાણી ભરવાનું બંધ કર્યું છે. તેઓ ઈચ્છે છે કે વાઘ અને બીજા પ્રાણીઓ કુદરતી જળસ્રોત અને તળાવોમાંથી તૃષ્ણા છિપાવે. વાઘ સિવાય દીપડા, ઝરખ, શિયાળ, નીલગાય, ચીતલ, કાકર, સૂવર, સાંબર, રેટેલ વગેરે પ્રાણીઓ રીંછ પણ ઠુમક - ઠુમક ચાલતા જોવા મળે છે. પ્રાણીઓ મોટી સંખ્યામાં છે, ઘટાટોપ વૃક્ષોને લઈને જાતજાતનાં પક્ષી જોવા મળે છે. વચ્ચોવચ મોટું તળાવ છે. વચ્ચેથી આંધારી નદી પણ વહે છે. ભારતના ૨૮ વાઘ પ્રકલ્પોમાં તાડોબા સૌથી લોકપ્રિય ગણાય છે. અહીં જવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી મે મહિના સુધી છે. શિયાળામાં સવારે ૬-૩૦થી ૧૦-૩૦ અને બપોરે ૧-૩૦ થી ૫-૩૦ સુધી સહેલ કરી શકાય. ઉનાળામાં ૬ થી ૧૦ અને પછી ૨-૩૦ થી ૫-૩૦ સુધી ફરી શકાય. મંગળવારે બંધ

રહે છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

13jL00y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com