26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૫૮ બૉગસ ડૉક્ટર વિરુદ્ધ આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

મુંબઈ: પરેલની કૉલેજ ઑફ ફિઝિશિયન ઍન્ડ સર્જન (સીપીએસ)માંથી પરીક્ષાઓ પાસ કરવાના ખોટાં પ્રમાણપત્રો રજૂ કરીને ગેરકાયદે નોંધણી કરાવનારા ૫૮ ડૉક્ટરોની વિરોધમાં આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલે આ ડૉકટરો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

સીપીએસના ખોટાં પ્રમાણપત્રો રજૂ કરીને નોંધણી કરાવવાનું કૌભાંડ ૨૦૧૬માં પ્રકાશમાં આવ્યું હતું. આ પ્રકરણે વીસ ડૉક્ટર પકડાયા હતા અને તેમની નોંધણી રદ કરવામાં આવી હતી. આ રીતે સીપીએસના બનાવટી પ્રમાણપત્રો રજૂ કરીને એમએમસી પાસે નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓના દસ્તાવેજની તપાસ પણ શરૂ કરાઇ હતી.

૨૦૧૭-૧૮માં ૫૮ ડૉક્ટરોએ સીપીએસ કૉલેજમાંથી પૉસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોવાના ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને નોંધણી કરાવી હોવાનું કૌભાંડ એમએમસીએ ઉઘાડું પાડ્યું હતું. આ કૌભાંડમાં વિવિધ સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થાય છે. ગેરકાયદે લાઇસન્સ મેળવી તેઓ દર્દીઓને સેવા આપતા હતા.

બનાવટી દસ્તાવેજો રજૂ કરી દર્દીના જીવ સાથે રમત રમનાર આ ડૉક્ટરોનું લાઇસન્સ એમએમસીએ રદ કર્યું હતું. આરોપીઓને બરાબર પાઠ ભણાવવા માટે આગ્રીપાડા પોલીસમાં એમએમસીએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો ગુનો અગાઉ ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો તેથી ત્યાંજ ફરિયાદ નોંધવામાં આવે એવી દલીલ કરીને આગ્રીપાડા પોલીસે ફરિયાદ નોંધવા માટે આનાકાની કરી હતી. છેવટે આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

૫૭ ડૉક્ટર્સ અને તેમને દસ્તાવેજ પૂરા પાડનાર એક ડૉક્ટર એમ ૫૮ ડૉક્ટર સામે બનાવટી દસ્તાવેજો રજૂ કરવા પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજ્યના વિવિધ ભાગના ડૉક્ટરોનો આરોપીઓમાં સમાવેશ થાય છે. આ ડૉક્ટરોને નોટિસ મોકલવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે. આગ્રીપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સાવલારામ અગાવનેએ જણાવ્યું હતું કે ૫૮ ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને આ પ્રકરણે તપાસ ચાલી રહી છે.

----------------------------

મહિલાના વ્હૉટ્સએપ પર પાઠવ્યા અશ્ર્લીલ મેસેજ



બે સિક્યુરિટી ગાર્ડની કરાઇ ધરપકડ



(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: જે મહિલાની ફરિયાદ પરથી સિક્યુરિટી ગાર્ડને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો તેણે જ મહિલાના વ્હૉટ્સએપ પર અશ્ર્લીલ મેસેજ પાઠવ્યા હતા. મેસેજ પાઠવવા સાથે વ્હૉટ્સએપના ડીપી પર મહિલાના ફોટા સાથે પોતાનો ફોટો પણ રાખ્યો હતો. ચિતલસર પોલીસે આ પ્રકરણે ગુનો નોંધીને બે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી હતી.

ચિતલસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સોસાયટીમાં બે સિક્યુરિટી ગાર્ડને રાખવામાં આવ્યા હતા, જેમાંથી વાહીદ અહમદ નઝીર હુસૈન ચૌધરી સોસાયટીના રહેવાસીઓ પાસેથી રૂપિયા લઇને તેમના કામ કરતો હતો. આની જાણ ફરિયાદી મહિલાને થતાં તેણે સિક્યુરિટી એજન્સીમાં ફરિયાદ કરી હતી, જેને પગલે વાહીદને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ બાબતનો ગુસ્સો મનમાં ધરબી રાખનારા વાહીદે ફરિયાદી મહિલાના વ્હૉટ્સએપ પર અશ્ર્લીલ મેસેજ પાઠવ્યા હતા અને ડીપી પર મહિલાના ફોટાની સાથે પોતાનો ફોટો રાખ્યો હતો. દરમિયાન સોસાયટીના એક રહેવાસીએ ફોન કરવા માટે બીજા સિક્યુરિટી ગાર્ડ મોહંમદ તારીક મોહંમદ ફારુક ચૌધરીનો મોબાઇલ લેતાં તેમાં ફરિયાદી મહિલાના ફોટા સાથે વાહીદ ચૌધરીનો ફોટો નજરે પડ્યો હતો. આની જાણ મહિલાને થતાં તેણે ચિતલસર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5Pf254
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com