21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નેતાજીનું યોગદાન ભુલાવવું અશક્ય

રાજકારણ એ શાસકપક્ષે વિપક્ષને અને વિપક્ષે શાસકપક્ષને સાણસામાં લેવાનો ધંધો છે. એમાંય આજકાલ રાજકારણ જે સ્તરે નીચે ઊતરી ગયું છે એ જોતાં ઉક્ત વાતમાં વધુ વજુદ જોવા મળે છે. તક શોધીને કે મેળવીને પોતાની લીટી લાંબી કરવાનું રાજકારણમાં સામાન્ય છે.

મુત્સદ્દીગીરી વાપરીને પોતે એ લીટી તાર્કિક રીતે-તર્કસંગત રીતે લાંબી કરી બનાવી છે એવું રાજકારણના ખેલમાં સ્માર્ટ રાજકારણીઓ બખૂબી કરી જાણે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવી જ તક હાથમાં આવી ગઇ.

આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝે ૨૧મી ઑક્ટોબર, ૧૯૪૩ના રોજ આઝાદ હિન્દ સરકારની રચનાની ઘોષણા કરી હતી જેને ૭૫ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે ઐતિહાસિક લાલ કિલ્લા પર એની તકતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાઇ.

વડા પ્રધાનને આ પ્રસંગે ગર્ભિત રીતે નહેરૂ-ગાંધી વંશને સપાટામાં લીધો. ‘માત્ર એક કુટુંબ’ને યશસ્વી કરાવવા માટે સ્વાતંત્રતાની લડતમાં મહાન યોગદાન આપનારા સરદાર પટેલ, બી. આર. આંબેડકર, સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાંક વિરાટ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ ‘જાણીબુઝી’ને વિસરાવી દેવાયા છે. આને મોદીએ ઝડપેલી તક કહો કે મુત્સદ્દીગીરી કે રાજકીય ચબરાકી, પણ તેમણે નામોલ્લેખ કર્યા વિના કોથળામાં પાંસેરી નાખીને ઘા કર્યો.

‘સ્વતંત્રતા બાદના દાયકાઓમાં દેશને સુભાષબાબુ, સરદાર પટેલ જેવા મહાન વિચારકોનું માર્ગદર્શન મળ્યું હોત તો દેશની હાલત ઘણી જુદી હોત, પરંતુ મારી સરકાર આ સ્થિતિમાં પરિવર્તન લાવી રહી છે,’ આ શબ્દો મોદીના હતા.

મોદી અટક્યા નહીં તેમણે વાત આગળ કહી :‘એક જ કુટુંબની ખ્યાતિની વાહ વાહ કરવું યોગ્ય નથી.

અન્ય નેતાઓને જાણીબુઝીને ભૂલી જવાયા છે. વધુને વધુ ભારતીયો સરદાર, નેતાજી બોઝ અને આંબેડકર જેવા ધૂરંધર નેતાઓના બલિદાન વિશે જાણે એ અતિ મહત્ત્વનું છે.’

મોદીજીના આ પ્રહારને કૉંગ્રેસ પામી ગઇ. તરત જ વળતી પ્રતિક્રિયાઓ આપી. ‘આ ભગવા રંગનો પક્ષ ઇતિહાસને પુન: લખવા માગે છે’ નેતાજીની લીગસીનો ઉપયોગ કરવાના ધમપછાડા છે. કૉંગ્રેસે નેતાજી બોઝના આદર્શોને જાળવવા અને પ્રસાર કરવાના અથાગ પ્રયાસો કર્યા છે. ભાજપનું આઝાદીની લડતમાં કોઇ પ્રદાન નથી. ‘ભાજપ સરદાર પટેલ અને નહેરૂ તથા નેતાજી બોઝ અને નહેરૂ વચ્ચે કપોળ કલ્પિત વૈમનસ્ય દર્શાવીને ફરીથી ઇતિહાસ લખવાનો ખોટો પ્રયાસ કરી રહ્યો છે.’ આટલું ઓછું હોય એમ કૉંગ્રેસે કેટલાક સણસણતા સવાલો કર્યા : ‘ઇન્ડિયન નેશનલ આર્મીની (આઇએનએ)ના ખટલાઓ વખતે નહેરૂ બોઝના વકીલોમાંના એક હતા. નેતાજીને ટેકો આપવા માટે આરએસએસમાંથી કોઇ હતું?

કૉંગ્રેસની આ સ્વાભાવિક પ્રતિક્રિયા-વળતો પ્રહાર- સામસામી આતશબાજી રાજકારણનો જ એક હિસ્સો છે.

દર વર્ષે ભારત નેતાજી દ્વારા કરાયેલી સરકાર આઝાદ હિન્દ સરકારની વિધિવત ઘોષણાની ઉજવણી કરે છે, પરંતુ એ સિવાય ભાગ્યે જ કંઇ થાય છે. આઇએનએ કમિટીના સ્થાપક પ્રમુખ કેપ્ટન જહોન જેકોબે ભારત સરકારને દસ ભલામણો કરી છે, પરંતુ કમનસીબ બાબત તો એ છે કે ૭૫ વર્ષમાં એક પણ સરકારે એની ભલામણો સ્વીકારી નથી.

નેતાજીને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જાહેર કરવા, ૨૩મી જાન્યુઆરી એમના જન્મદિવસને રાષ્ટ્રીય દિન ઘોષિત કરવો, ‘જયહિન્દ’ને રાષ્ટ્રીય અભિવાદન જાહેર કરવું, શાળા-કૉલેજોમાં આઇએનએના રાષ્ટ્રગીતને સામેલ કરવું, લાલ કિલ્લા પર નેતાજીની પૂરા કદની પ્રતિમા મૂકવી, નેતાજીના ચિત્રો દર્શાવતી ચલણી નોટો- સિક્કાઓ બહાર પાડવા, ભારતીય સંરક્ષણ દળોમાં કમસેકમ એક મહિલા વિંગને રાણી ઝાંસી રેજિમેન્ટ નામ આપવા, નેતાજીના નામે એક ડિફેન્સ એકેડેમી શરૂ કરવા સહિતની દસ ભલામણો સુપરત થઇ છે,પણ એ દિશામાં કંઇ થયું નથી.

રાજકીય પક્ષો મોકો મળે ત્યારે કોઇ પ્રસંગે, રાજકીય લાભ ખાટવા માટે પોતાનો અસ્સલ રંગ બતાવે છે, પણ સત્તા પર આવ્યા બાદ બધું ભૂલીને રાજપાઠ ટકાવવાના અને સામેના પક્ષોને કાદવ ઉછાળવા સિવાય ભાગ્યે જ કંઇ કરે છે. આમાં તમામ પક્ષો આવી ગયા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

04513Q22
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com