18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈગરા બાદ હવે મંત્રીઓના પાણી માટે વલખાં
પ્રધાનોના બંગલાનો પાણીપુરવઠો ખોરવાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં છેલ્લા અનેક દિવસથી પાણીની અછત નિર્માણ થઈ છે, તેની અસર પ્રધાનોને પણ થઈ રહી છે. મંત્રાલય સામે આવેલા પ્રધાનોના સરકારી બંગલામાંથી ગુરુવારે સવારે અચાનક પાણી ગાયબ થઈ ગયું હતું, તેને કારણે બૂમાબૂમ થઈ ગઈ હતી. ત્યારે ટૅક્નિકલ અડચણને કારણે પાણીપુરવઠો બંધ થઈ જવાને કારણે આ સમસ્યા દૂર થાય નહીં ત્યાં સુધી ટૅન્કર દ્વારા પાણીપુરવઠો કરવાની માગણી રાજ્ય સરકારના પાણી ખાતાએ પાલિકાને કરી હોવાનું કહેવાય છે.

ફોર્ટ, ચર્ચગેટ, કોલાબા વિસ્તારમાં છેલ્લા અનેક દિવસથી અપૂરતો પાણી પુરવઠો થઈ રહ્યો છે. આ બાબતે સ્થાનિક નગરસેવિકા સુજાતા સાનપે પાલિકા પ્રશાસનને ફરિયાદ પણ કરી હતી પણ અહીં પાણીની કોઈ સમસ્યા નથી પણ સ્થાનિક સ્તરે ભાજપ-સેના વચ્ચે ચાલી રહેલા પૉલિટિકલ વૉરને કારણે પાણીને મુદ્દે ફરિયાદ કરવામાં આવી રહી હોવાનો અજબ ખુલાસો પાણી પુરવઠા ખાતાના ઉચ્ચ અધિકારીએ કર્યો હતો. પાણીને મુદ્દે સ્થાયી સમિતિમાં પણ નગરસેવિકાએ ફરિયાદ કરી હતી ત્યારે પાણી પુરવઠા ખાતાએ બેઠક લઈને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું પણ છેલ્લા દસ દિવસથી મંત્રાલય સામે આવેલા ૧૯ સરકારી બંગલા અને સરકારી ઈમારતમાં અપૂરતા અને ઓછા દબાણે પાણી પુરવઠો થઈ રહ્યો છે.

પાણીની સર્જાયેલી સમસ્યાને પગલે આ પાણીકાપ નથી પણ ટૅક્નિકલ અડચણને કારણે ઓછા દબાણે પાણી પુરવઠો થઈ રહ્યો છે અને કોલાબા વિસ્તાર મુંબઈના છેક ખૂણામાં આવેલો હોઈ ત્યાં પાણી ઓછું આવવાની શકયતા છે અને ટૅક્નિકલ અડચણ દૂર કર્યા બાદ પાણી પુરવઠો પૂર્વવત થશે એવી સ્પષ્ટતા પણ સ્થાયી સમિતિ અધ્યક્ષને કરવી પડી હતી, છતાં પાણી પુરવઠામાં કોઈ ફરક પડયો નથી. ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના પવઈ-વેરાવલી ટનલનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું. તે માટે મોટી પાઈપલાઈનનો પાણી પુરવઠો અમુક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો, જોકે તે હવે પૂર્વવત કરવામાં આવ્યો છે. આ દરમિયાન ખાલી પડેલી પાઈપલાઈનમાં હવાના દબાણને કારણે ટૅક્નિકલ અડચણ નિર્માણ થવાને કારણે અમુક વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હોવાનો દાવો પાણી પુરવઠા ખાતા દ્વારા થઈ રહ્યો છે.

આ દરમિયાન છેલ્લા અમુક દિવસોથી નિર્માણ થયેલી પાણીની સમસ્યાનો ઉકેલ જલદી લાવવાની વિનંતી રાજ્ય સરકારના પાણી પુરવઠા ખાતા દ્વારા વારંવાર પાલિકાને કરવામાં આવી હતી પણ આ બાબતે નોંધ લેવામાં આવતી ન હોવાને કારણે મંત્રીઓના રોષનો ભોગ આ ખાતાના અધિકારીઓ બની રહ્યા હોવાથી તેમણે આ બાબતે પાલિકાના ‘એ’ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દિગ્ઘાવકરને ફરિયાદ પણ કરી હતી.

મંત્રીઓના બંગલામાં પાણીની સમસ્યા ગંભીર થઈ રહી હોવાને કારણે આ સમસ્યાનો ઉકેલ આવે નહીં ત્યાં સુધી દરરોજ આઠથી દસ ટૅન્કર દ્વારા પાણી પુરવઠો કરવાની સૂચના રાજ્ય સરકારના અધિકારીઓએ પાલિકાને આપી હોવાનું જાણવા મળ્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

18sl817
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com