| ‘મી-ટૂ’ ઝૂંબેશને સમર્થન: સુભાષ કપૂરની ફિલ્મમાંથી આમિર ખાનની એક્ઝિટ |
| મુંબઈ: બૉલીવૂડમાં સતત સામે આવી રહેલા જાતીય સતામણીના કેસ અને દેશભરમાં ચાલી રહેલી ‘મી ટૂ’ઝૂંબેશને ધ્યાનમાં લઇને આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ સુભાષ કપૂરની આગામી ફિલ્મમાંથી બહાર નીકળી
ગયાં છે.
આમિર ખાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તાજેતરમાં જ મને કોઇએ જાણ કરી કે હું આગામી ફિલ્મમાં જેની સાથે કામ કરવાનો છું, તેની વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ છે. હાલમાં કેસ કોર્ટમાં ચાલુ છે. જોકે, આમિર આ મામલે સંબંધિત વ્યક્તિ પ્રત્યે મત બાંધ્યા વગર પોતાને આ ફિલ્મથી દૂર કરી રહ્યો છે.
આમીરે ટ્વીટ કરીને જારી કરેલા નિવેદનમાં કઇ ફિલ્મથી પોતાની જાતને દૂર કરી રહ્યો છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી તેમ જ ફિલ્મના દિગ્દર્શકનું પણ નામ લીધું નથી. જોકે, બધાને ખબર છે કે આમિર કઇ ફિલ્મની વાત કરી રહ્યો છે.
‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ ફિલ્મની રિલીઝ બાદ આમિર ‘મુગલ’ ફિલ્મનું કામ શરૂ કરવાનો હતો. એવામાં આમિરનો ઇશારો આ ફિલ્મ તરફ છે અને જેને સુભાષ કપૂર દિગ્દર્શિત કરવાના હતા.
વર્ષ ૨૦૧૪માં ‘વન બાય વન’, ‘આત્મા’ અને ‘વોટ ધ ફિશ’ જેવી ફિલ્મમાં કામ કરનાર ગીતિકા ત્યાગીએ સુભાષ કપૂર પર બળાત્કારનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો અને તેની વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે કપૂરની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર બહાર આવ્યો હતો. દરમિયાન ઘટના સંબંધિત વીડિયો પણ બહાર આવ્યો હતો જેમાં કપૂર ત્યાગીને લાફો મારીનેે તેને ડરાવી ધમકાવી રહ્યો હતો.
‘મુગલ’ ફિલ્મના કૉ-પ્રોડયુસર અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત બનાવવાની અમારી જવાબદારી છે. ઇન્ડસ્ટ્રીમાં એવું વાતાવરણ નિર્માણ કરવાની જરૂર છે. દિગ્દર્શક વિરુદ્ધ ચાલી રહેલી કાનૂની કાર્યવાહી અંગે જાણ થતા ટી-સિરીઝમાં અમે બધાએ તે દિગ્દર્શક સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો છે.
દરમિયાન સુભાષ કપૂરે ટ્વીટ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ‘હું આમિર ખાન અને કિરણ રાવના નિર્ણયનો આદર કરું છું. આ કેસ કોર્ટને આધિન છે અને હું મારી જાતને નિર્દોષ સાબિત કરીશ’. (પીટીઆઇ) |
|