12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફિલ્મના સેટ પર અભિનેત્રીનો વિનયભંગ: નાના પાટેકર સહિત ચાર જણ સામે ગુનો
અભિનેતાને બોલાવવા પૂર્વે પોલીસ સાક્ષીઓનાં નિવેદન નોંધશે

મુંબઈ: બોલીવૂડની અભિનેત્રી તનુશ્રી દત્તાએ કરેલી કથિત જાતીય સતામણીની ફરિયાદ બાદ પોલીસે ફિલ્મઅભિનેતા નાના પાટેકર સહિત ચાર જણ વિરુદ્ધ વિનયભંગનો ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ અભિનેતાને બોલાવવા અગાઉ સાક્ષીઓનાં નિવેદન નોંધવા માગે છે.

અભિનેત્રી દત્તાએ આક્ષેપ કર્યો હતો કે ૨૦૦૮માં બોલીવૂડની એક ફિલ્મના સેટ પર પાટેકરે તેને અણછાજતો સ્પર્શ કર્યો હતો.

આ કેસની તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. સંબંધિત ઘટના ૧૦ વર્ષ જૂની હોવાથી પોલીસ બધી હકીકતોને પહેલા ચકાસવા માગે છે, એવું તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસના ભાગરૂપ આરોપીને બોલાવવા પૂર્વે કેસ સાથે સંબંધિત બધા સાક્ષીઓનાં અમે નિવેદન નોંધીશું, એવું પોલીસનું કહેવું છે.

શનિવારે પોલીસમાં કરેલી ફરિયાદમાં દત્તાએ આક્ષેપ કર્યો હતો કે ફિલ્મ ‘હૉર્ન ઑકે પ્લીઝ’ના ગીતના શૂટિંગ વખતે નાના પાટેકરે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો, એ પણ જ્યારે પોતે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે પોતે અશ્ર્લીલ, લંપટ અને પ્રતિકૂળ ડાન્સ સ્ટેપ્સ નહીં કરે.

તનુશ્રી દત્તાએ એવો પણ દાવો કર્યો હતો કે આ અંગે તેણે ગીતના કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને પણ ફરિયાદ કરી હતી, પરંતુ તેણે પોતાને અંગત દૃશ્યો કરવાની ફરજ પાડી હતી, જેમાં પાટેકરે તેને અણછાજતી રીતે સ્પર્શ કર્યો હતો.

આ પ્રકરણે ઓશિવરા પોલીસે બુધવારે દત્તાને તેનું નિવેદન નોંધાવવા બોલાવી હતી. કહેવાય છે કે દત્તા રાતે બુરખો પહેરી પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેની ફરિયાદને આધારે ઓશિવરા પોલીસે બુધવારે મધરાતે નાના પાટેકર, ગણેશ આચાર્ય, ફિલ્મના પ્રોડ્યુસર સમી સિદ્દીકી અને ડિરેક્ટર રાકેશ સારંગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ગુરુવારે મહિલાઓના એક જૂથે ઓશિવરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અભિનેતા વિરુદ્ધના આક્ષેપો સાચા જણાય તો યોગ્ય તપાસ કરી પાટેકરની ધરપકડની માગણી મહિલાઓએ કરી હતી.

બીજી બાજુ, આ મામલાની ‘સાચી’ તપાસ કરવાની માગણી શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ સહિતના પક્ષોએ કરી હતી.

૨૦૦૮માં ફિલ્મ છોડી દેવાનો નિર્ણય દત્તાએ કર્યા બાદ કેટલાક લોકોએ તેની કારની તોડફોડ કરી હતી. આ તોડફોડ મનસેના કાર્યકરોએ કરી હોવાનો આક્ષેપ દત્તાએ કર્યો હતો.

રાજ્ય મહિલા આયોગે પણ ગુરુવારે પાટેકર, સિદ્દીકી, આચાર્ય અને સારંગને નોટિસ મોકલી હતી. એ સિવાય આયોગે યોગ્ય પગલાં લેવા સંદર્ભે પોલીસને પણ પત્ર પાઠવ્યો હતો. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2p4xn54
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com