15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગંગા નદી માટે અગરવાલની શહાદત એળે ન જવી જોઈએ

વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને ભાજપના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં સરકાર રચાઈ ત્યારે મોદીએ સ્વચ્છ ગંગાનું અભિયાનની છડી પોકારીને ગંગા નદીને સ્વચ્છ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. ૨૦૧૯ સુધીમાં ગંગા સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે એવું વચન તેમણે દેશવાસીઓને આપ્યું હતું. ધાર્યું કરવાની પ્રતિષ્ઠા ધરાવનારા સંનિષ્ઠ મોદીજી પર પ્રજાને ગજબનો ભરોસો છે, પરંતુ હકીકત કંઈક જુદું જ ચિત્ર દર્શાવે છે. ૨૦૧૯માં ચૂંટણી છે. મોદી અને ભાજપ ફરીવાર દેશવાસીઓ પાસે મત માગશે, પણ મોદીજી ગંગાને કયું મોં બતાવશે? ગંગાનું એક ટીપુંય સ્વચ્છ- શુદ્ધ થયું નથી. મોદીજીની વિશ્ર્વસનીયતા વિશે કોઈ શંકા નથી, પરંતુ તાજેતરમાં જ ગ્રીન ટ્રાઈબ્યુનલે જણાવ્યું કે ‘ગંગાનું એક ટીપુંય શુદ્ધ થયું નથી.’

આથીય વિશેષ શરમજનક બાબત તો એ છે કે સરકારે રાજ્યસભામાં પણ એવું કબૂલ્યું કે હરિદ્વાર, કનૌજથી અલાહાબાદ તથા મુશીરાબાદ જિલ્લાના બેહરામપુરથી લઈને ડાયમંડ હાર્બર (સાઉથ ૨૪ પરગણાઓ) સુધી વહેતી ગંગાનું પાણી નહાઈ શકાય એવું પણ નથી.

૨૦૧૭ના ડિસેમ્બરના અહેવાલ પર નજર ફેરવીએ તો એ અહેવાલમાં સ્પષ્ટ જણાવેલું કે ઉત્તર પ્રદેશ, બિહાર તથા પશ્ર્ચિમ બંગાળના શહેરોમાં થઈને વહેતી ગંગાના પ્રદૂષણનો સ્તર સેન્ટ્રલ પૉલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ દ્વારા સ્વીકાર્ય સ્તર કરતાં ૩૩૪ ગણું વધુ છે. જળસ્રોત મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ૨૦૨૦ સુધીમાં ગંગા સ્વચ્છ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ નરેન્દ્ર મોદીજીના આ મહત્ત્વકાંક્ષી અભિયાન- ‘નમામિ ગંગે’ સ્વચ્છતા- શુદ્ધતાથી ઘણો દૂર છે. ગડકરીએ ત્યાં સુધી કહેલું કે ૨૦૧૯ના મે સુધીમાં સ્વચ્છ ગંગાનું ૮૦ ટકા કાર્ય પૂર્ણ થઈ જશે. એમના પુરોગામી ઉમા ભારતીએ ૨૦૧૮ સુધીમાં આ મહાકાર્ય પૂરું કરી નાખવાની ઘોષણા કરી હતી, પરંતુ હકીકત એ છે કે રાજ્ય સરકારોએ ગંગા સ્વચ્છ કરવાનું માત્ર ઉપરછલ્લું કામ કર્યું છે. નેશનલ ગ્રીન ટ્રાઈબ્યુનલે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે હરિદ્વારથી ઉન્નાઓ સુધીના પટ્ટામાં નાહી શકાય એવું નથી, પાણી પી શકાય એવું નથી. તેણે સંબંધિત સત્તાવાળાઓને આ બાબતે ત્યાં ‘હેલ્થ વૉર્નિંગ’ આપવાની પણ તાકીદ કરી છે.

મોદીનું ‘નમામિ ગંગે’ અભિયાન કે પ્રોજેક્ટની યાદ એટલે આવી કે આપણી પવિત્ર ગંગા નદીને સ્વચ્છ કરવાની માગણી સાથે આમરણ ઉપવાસ પર ઉતરેલા આજીવન ભેખધારી કાર્યકર્તા પ્રો. જી. ડી. અગરવાલનું ઉપવાસ આંદોલન દરમિયાન નિધન થયું છે. સંન્યાસ લઈને સ્વામી જ્ઞાનસ્વરૂપ આનંદ નામ ધારણ કરનાર પ્રો. અગરવાલે ૧૧૧ દિવસના આકરા ઉપવાસ કર્યા. અચાનક એમની તબિયત લથડતા તેમને જબરદસ્તીથી માત્રી સદન આશ્રમ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સોડિયમનું પ્રમાણ અતિશય ઘટી જવાથી ગંગા સ્વચ્છતા અભિયાન ચલાવનારા આ ભેખધારી સંન્યાસીનું અવસાન થયું.

આઈઆઈટીના ભૂતપૂર્વ પ્રાધ્યાપક આ વર્ષના જૂનથી ગંગા નદીને સ્વચ્છ કરવાની માગણી કરી રહ્યા હતા. નિર્મળ સ્વચ્છ ગંગા અવિરત વહે એવી એમની મહેચ્છા હતી. તેમણે સંપૂર્ણ જીવન સ્વચ્છ ગંગા માટે સમર્પિત કરી દીધું હતું. એમના જીવનનો મહામંત્ર હતો ‘સ્વચ્છ ગંગા’. ગંગા બેઝીનના હાલ ચાલતા તમામ હાઈડ્રો પાવર પ્રોજેક્ટો બંધ કરાવવાની તેમની માગણી હતી. તેમણે ગંગા પ્રોટેક્શન ઍન્ડ મેનેજમેન્ટ ઍક્ટની પણ માગણી કરી હતી.

અગાઉ યુપીએ સરકાર દરમિયાન નેશનલ રિવર ગંગા બેઝીન ઑથોરિટીના સભ્યપદે રહી ચૂકેલા સ્વામી સાનંદે ૨૦૧૦માં ૩૮ દિવસના ઉપવાસ કરીને જળના અસ્ખલિત પ્રવાહને રોકતા ભાગીરથી નદી કિનારાના ૬૦૦ મેગાવૉટના લોહારી નાગપાડા પ્રોજેક્ટને રદ કરાવ્યો હતો. ગંગા નદીને સ્વચ્છ કરાવવાની ઝુંબેશ સામે લડીને પ્રાણની આહુતિ આપનારા સ્વામી સાનંદ એક જ નથી. અગાઉ ૨૦૧૧માં ૩૬ વર્ષીય સ્વામી નિગમાનંદે બે મહિનાથી વધુ દિવસ આમરણ ઉપવાસ કરીને જીવ આપ્યો હતો.

‘સ્વચ્છ ગંગા મિશન’ છેલ્લાં ૪૦ વર્ષથી ચાલે છે - અસ્ખલિત રીતે આ મિશન ચાલ્યું આવે છે. ક્યાં શું ખોટું થઈ રહ્યું છે અને શું કરવાની જરૂરત છે એ વાત કોઈથી અજાણી નથી. છતાં ‘નમામિ ગંગે’ પ્રકલ્પ લબડી રહ્યો છે. કાયદાના ઉલ્લંઘનો, ખોટી ટેક્નિકાલિટીઓ, બેફામ ભ્રષ્ટાચાર તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સુમેળ અને સંકલનના અભાવને પરિણામે ‘સ્વચ્છ ગંગા’ની વાત વિસરાઈ જાય છે.

બે હજાર પાંચસો પચીસ કિલોમીટરના પટ્ટા પર આવેલાં લગભગ ૧૦૦ શહેરો તથા ટાઉનો તેમ જ નદી કાંઠે વસેલાં ગામડાંની ગટરોનું પાણી અને કચરો ગંગાના પ્રદૂષણમાં વધારો કરે છે. ગંગાનો મુખ્ય પ્રવાહ વહે છે તે સ્થળે ૧૮ મિલ્યન સેપ્ટિક ટૅન્ક અને દસ મિલ્યન ટોઈલેટો છે. સ્વાભાવિક રીતે જ મળમૂત્ર ગંગામાં ઠલવાય છે.

એકમાત્ર વારાસણીમાં વરસે ૩૩ હજાર શબના અગ્નિસંસ્કાર થાય છે. અસ્થિ પધરાવાય છે. રોજેરોજ હજારો માનવ મૃતદેહો નદીમાં વહાવી દેવાય છે. ક્યાંક આપણી પરંપરા- શ્રદ્ધા- અંધશ્રદ્ધા પણ ગંગાને મેલી કરવા માટે એટલી જ જવાબદાર છે. જાણીતા લેખક વિકાર મેલ્લેટે તેમના પુસ્તક ‘રિવર ઑફ લાઈફ, રિવર ઑફ ડૅથ’: ધી ગંગ્સ ઍન્ડ ઈન્ડિયા’સ ફ્યુચર’માં લખ્યું છે કે મોદીએ ગંગા સ્વચ્છતા અભિયાનમાં કંઈ વધુ કર્યું નથી એ મુદ્દે તેમના મજબૂત ટેકેદારો પણ નિરાશ થયા છે.

સ્વચ્છ ગંગા પ્રોજેક્ચટ સમયસર પૂર્ણ થયો હોત તો તેને લીધે ભારતની શાન વિશ્ર્વભરમાં વધી હોત અને સરકારને રાજકીય લાભ મળ્યો હોત, પરંતુ માત્ર વાતો કરવાથી કંઈ ન થાય. કૃતનિશ્ર્ચયતા જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Tj8Qd6e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com