21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રામપાલને સજા, કોર્ટે ફરી ભૂલ નહીં કરીને સારું કર્યું

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિતભારતમાં ધર્મના નામે દુકાન ખોલીને બેસી ગયેલા બાવાઓ વરસોનાં વરસો લગી ધૂપ્પલ ચલાવ્યા કરે છે પણ કોઈ તેમનું કશું ઉખાડી શકતું નથી. આ માહોલમાં આ રીતે ધૂપ્પલ ચલાવનારા કોઈ બાવાને તેનાં કુકર્મોની સજા મળે ત્યારે ખરેખર આનંદ થાય. રામપાલ નામના બાવાને હરિયાણાની હિસાર કોર્ટે સજા ફટકારી ત્યારે આવી જ લાગણી થઈ. રામપાલ હરિયાણાનું છાપેલું કાટલું છે ને હિસારની કોર્ટે તેને હત્યાના બે કેસમાં ફિટ કરી દીધો છે. રામપાલ અને તેના ૨૮ ચેલકાઓને હત્યાના બે કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. રામપાલ અને તેના ચેલકાઓને સજાનું એલાન ૧૬ ને ૧૭ તારીખે થશે પણ આ બધા જે કલમો હેઠળ દોષિત ઠર્યા છે એ જોતાં આજીવન કારાવાસથી ઓછી સજા થાય એવું લાગતું નથી એ જોતાં બધા લાંબા જવાના એ નક્કી છે.

રામપાલ અને તેમના ચેલકાઓને દોષિત ઠેરવીને કોર્ટે ન્યાયતંત્રમાં લોકોનો ભરોસો જાળવ્યો છે કેમ કે રામપાલને ગયા વરસે જ બે કેસમાં નિર્દોષ છોડી મુકાયેલો. રામપાલ સામે સરકારી કામમાં રૂકાવટ કરવી, મહિલાઓને ગેરકાયદે રીતે બંદી બનાવીને ગોંધી રાખવી, રમખાણો ભડકાવવાં, રાજદ્રોહ, હત્યાનો પ્રયાસ, આગ લગાડવી વગેરે કલમો લગાડાયેલી. રામપાલના ૧૧ ચેલકા પણ તેમાં આરોપી હતા.

આ ચુકાદાએ લોકોને આંચકો આપી દીધેલો કેમ કે રામપાલ અને તેના ગુંડાઓએ જે કંઈ કરેલું એ આખી દુનિયાએ જોયેલું. આ ઘટના નવેમ્બર, ૨૦૧૪ની હતી ને એ વખતે હિસારમાં રામપાલના ચેલકાઓએ ભારે ઉધામો કરેલો. રામપાલ સામે હત્યાના ત્રણ કેસ ચાલતા હતા. એ કેસમાં તેણે બે વરસ લગી જેલની હવા પણ ખાધેલી. ૨૦૦૮માં રામપાલ જામીન પર છૂટ્યો પછી કોર્ટને ઘોળીને પી ગયેલો. કોર્ટે વારંવાર સમન્સ મોકલ્યાં પણ રામપાલ તોરમાં હતો એટલે હાજર જ ના થયો. છેવટે કોર્ટે હરિયાણા સરકારને નવેમ્બર ૨૦૧૪માં રામપાલને પકડીને કોર્ટમાં હાજર કરવાનું ફરમાન કર્યું.

જોકે પોલીસ તેને પકડીને લાવે એ પહેલાં રામપાલના દસેક હજાર જેટલા ચેલકા આશ્રમ ફરતે કિલ્લેબંધી કરીને ગોઠવાઈ ગયા. રામપાલના માણસો પાસે હથિયારો હતાં ને તેમણે પોલીસને ઘૂસવા જ ના દીધી. રામપાલના પઠ્ઠા અને બ્લેક કેટ કમાન્ડોએ લોકોને પણ પકડીને અંદર કર્યાં ને આશ્રમમાં ગોંધી રાખેલાં. લોકોને બંદી બનાવીને એ બધા પોલીસને ડારા આપતા હતા. પોલીસને બિવડાવવા તેમના પર પેટ્રોલ બૉમ્બ પણ ફેંકાયેલા. આ બધી વાતો કોર્ટ પાસે પહોંચી એટલે કોર્ટે બગડી. તેણે ગમે તે સંજોગોમાં રામપાલના ચેલકાઓએ ભગાડીને રામપાલને હાજર થવા ફરમાન કર્યું.

ભાજપના મનોહરલાલ ખટ્ટર ત્યારે તાજા તાજા મુખ્યમંત્રી બનેલા એટલે રાજાપાઠમાં હતા. તેમણે પોલીસને ફરમાન કર્યું કે ગમે તે સંજોગોમાં રામપાલને અંદર કરો. વચ્ચે જે પડે તેમને મારી મારીને ઢેકા ભાંગી નાંખો. રામપાલના ગુંડા મશીનગનો ને બીજાં હથિયારો લઈને બેઠેલા પણ ખટ્ટરના ફરમાનના પગલે તેમને પણ શૂરાતન ચડી ગયું. બે હજાર પોલીસોનું ધાડું હિસારમાં ઊતરી પડ્યું ને રામપાલના આશ્રમને ઘેરો ઘાલીને પહેલાં પાણી તથા બીજો પુરવઠો બંધ કરી નાંખ્યો. એ છતાં દસ દાડા લગી રામપાલના પઠ્ઠાઓએ ઝીંક ઝીલી ને પોલીસને ના ઘૂસવા દીધી. દસ દાડા પછી અંદર ખાવાનું ને પાણી ખતમ થયાં એટલે વિકેટો પડવા માંડી. જીવ પર આવી ગયેલાં લોકો ગમે તેમ કરીને છટકવા માંડ્યાં ને આશ્રમ છોડીને ભાગવા માંડ્યાં.

રામપાલના ગુંડાઓ પણ ખાધાપીધા વિના ઢીલાઢફ થઈ ગયેલા તેનો ફાયદો ઉઠાવીને પોલીસ આશ્રમમાં ઘૂસી ગઈ. સામે થયેલા રામપાલના પઠ્ઠા ને ગુંડાઓની પોલીસે બેફામ ધોલાઈ કરી. દસેક હજાર પઠ્ઠા રામપાલને બચાવવા પોલીસ આડે ઊભા રહી ગયેલા. પોલીસ તેમને બેફામ ફટકાર્યા ને રામપાલને કાંઠલો ઝાલીને બહાર લાવીને કોર્ટમાં હાજર કર્યા ને પછી અંદર કરી નાંખેલા. રામપાલ ત્યારથી જેલની હવા ખાય છે. તેમની સામે પોલીસે સરકારી કામમાં રૂકાવટ ઊભી કરવાનો ને મહિલાઓને આશ્રમમાં બંદી બનાવીને રાખવાના કેસ કરેલા.

રામપાલના સતલોક આશ્રમમાં જેમને ગોંધી રખાયેલાં તેમાંથી ચાર મહિલા ને એક ૧૮ મહિનાની છોકરી ગુજરી ગયેલી. પોલીસે રામપાલ તથા તેમના ચેલકાઓ સામે તેમને ગેરકાયદે રીતે ગોંધી રાખવાનો ને હત્યા કરવાનો કેસ ઠોકી દીધેલો. પાછળથી બીજી એક મહિલાની લાશ પણ મળતાં હત્યાનો બીજો કેસ નોંધાયેલો. અત્યારે જે ચુકાદા આવ્યા છે એ આ બે હત્યાના કેસના છે.

જોકે રામપાલના ઈશારે તેના ગુંડાઓએ દસ દાડા લગી કાયદાની ઐસીતૈસી કરીને કાળો કેર વર્તાવ્યો એ કેસોમાં તેમને છોડી મુકાયેલા. રામપાલના સતલોક આશ્રમમાં જે કંઈ થયું એ ટીવી ચેનલો પર લાઈવ બતાવાયેલું ને આખી દુનિયાએ રામપાલના પઠ્ઠા કેવી ગુંડાગીરી કરે છે તે નજરે જોયેલું. રામપાલના પઠ્ઠા પેટ્રોલ બૉમ્બ ફેંકતા હતા ને મશીનગનોમાંથી ગોળીઓ છોડતા એ ટીવી ચેનલો પર લાઈવ બતાવાયેલું. આશ્રમમાંથી મહિલાઓને છોડાવાઈ એ આખી દુનિયાએ જોયેલું ને એ મહિલાઓએ પોતાની આપવીતી લોકો સામે વર્ણવેલી. લોકોએ બહાર આવીને રામપાલના પઠ્ઠા પોતાને કઈ રીતે ગોંધી રાખીને કનડતા હતા તે રડતી આંખે કહેલું. દસ હજાર લોકોને ખાધા-પીધા વિના દસેક દાડા લગી ગોંધી રખાયેલા. હિસારનો આ તાયફો પૂરા પંદર દાડા ચાલેલો ને પોલીસ આશ્રમમાં ઘૂસી પછી રામપાલની લીલા આખી દુનિયા સામે ઉઘાડી પડી ગયેલી.

રામપાલના આશ્રમમાં પોલીસ ઘૂસી ત્યારે અંદર ચાર મહિલાઓની લાશો રઝળતી હતી. પોતાને બાબા ગણાવનારા રામપાલે આ મહિલાઓની લાશોના અંતિમસંસ્કાર કરાવવાની તસદી સુધ્ધાં નહોતી લીધી. બીજી એક નાની છોકરી ને મહિલા હૉસ્પિટલમાં ગુજરી ગયાં. રામપાલે કાયદાને ઘોળીને પી જવા કોશિશ કરી તેના કારણે છ લોકોએ જીવ ખોયેલા ને કેટલાંના ટાંટિયા ને હાથ-પગ તૂટ્યા તેનો તો હિસાબ જ નથી. આ મહિલાઓની હત્યા માટે રામપાલ ને તેના ચેલકાઓ જવાબદાર હતા છતાં હિસારની કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂકેલા. તેના કારણે રામપાલને કંઈ થશે કે કેમ તેમાં શંકા હતી પણ હત્યાના બે કેસમાં હિસારની કોર્ટે જ તેને દોષી ઠેરવી દેતાં હાશકારો થયો છે. હિસારની કોર્ટે પોતાની ભૂલ સુધારીને સારું કર્યું છે. આ ચુકાદા દ્વારા રામપાલ નજીકના ભવિષ્યમાં બહાર નહીં આવે તેવો પાકો બંદોબસ્ત કરી દેવાયો છે.

રામપાલ જેવા લોકોની અસલી જગા જેલ જ છે એ જોતાં આ ચુકાદો બરાબર પણ છે. રામપાલ પોતાને સંત કબીરના વારસદાર ગણાવે છે ને તેમના માર્ગે ચાલતા હોવાનો દાવો કરે છે પણ તેનાં લખ્ખણ કબીરપંથી જેવાં જરાય નથી. બલ્કે એ માફિયાની જેમ જ વર્ત્યો છે. રામપાલનો આશ્રમ મૂળ તો રોહતક જિલ્લાના કરોંઠા ગામમાં હતો ને પછી હિસારના બરવાડામાં આશ્રમ સ્થાપ્યો. ૨૦૦૬માં રામપાલે આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીએ લખેલા સત્યાર્થ પ્રકાશ ગ્રંથ સામે બકવાસ કર્યો તેમાં આર્યસમાજીઓ બગડ્યા.

રામપાલે સત્યાર્થ પ્રકાશમાં લખેલી કેટલીક વાતો સામે અત્યંત હલકી કક્ષાની કોમેન્ટ્સ કરેલી. તેમણે રામપાલ સામે વિરોધ પ્રદર્શન કર્યું. જવાબમાં રામપાલના ગુંડાઓએ તેમના પર અંધાધૂંધ ગોળીઓ છોડેલી. આ ગોળીબારમાં ૩ લોકોનાં મોત નીપજ્યાં ને ૧૬૦ લોકો ઘાયલ થયા. બગડેલા આર્યસમાજીઓએ હલ્લાબોલ કરી દીધું તેમાં રામપાલ ને તેમના ગુંડાઓએ ઊભી પૂંછડીએ ભાગવું પડેલું. આ કેસમાં રામપાલની ધરપકડ થયેલી ને બે વરસ લગી તેણે જેલની હવા ખાવી પડેલી.

રામપાલ સામે ૨૦૦૬માં આ કેસ નોંધાયો પણ ગમે તે રીતે ૨૦૦૮માં આ માણસ જામીન લઈને બહાર આવી ગયો. હત્યાના અપરાધીને કઈ રીતે જામીન મળ્યા એ મોટો સવાલ છે ને આપણે ત્યાં ન્યાયતંત્રમાં કેવું લોલંલોલ ચાલે છે તેના પુરાવારૂપ છે. બહાર આવ્યા પછી રામપાલ કોર્ટને ઘોળીને પી ગયેલો ને કોર્ટની કાર્યવાહીમાં હાજર જ નહોતો રહેતો. ૨૦૧૦થી ૨૦૧૪ના ૪ વર્ષમાં કોર્ટે ૪૨ વાર સમન્સ મોકલ્યાં પણ એ સમન્સની ઐસીતૈસી કરીને રામપાલ કોર્ટમાં હાજર ના રહ્યો પછી હિસારની કોર્ટે તેને હાજર કરવા ફરમાન કરવું પડ્યું હતું. એ ફરમાનને પણ રામપાલ ઘોળીને પી ગયેલો ને એ પછી શું થયું તેની વાત આપણે આગળ કરી જ નાંખી છે તેથી એ કથા ફરી માંડતા નથી પણ જે માણસ આ દેશના કાયદા ને કોર્ટને ગણકારતો નહોતો એ માણસને બહાર આવવાનો હક જ નથી.

રામપાલને સજા કરીને એ રીતે કોર્ટે સાચા અર્થમાં ન્યાય કર્યો છે. આશા રાખીએ કે, રામપાલ જેવા બીજા નમૂનાઓના પણ આ જ હાલ થાય. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

mP5006
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com