12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અલ્પેશે ગુજરાતમાં અશાંતિ ફેલાવી તો તેને અંદર કેમ નથી કરાતો?

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિતગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાના મામલામાં પરપ્રાંતીયો બાજુ પર રહી ગયા છે ને ગંદું રાજકારણ શરૂ થઈ ગયું છે. આ હુમલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઊભી કરેલી ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ કરાવે છે એવા આક્ષેપો પહેલા દાડાથી જ થતા હતા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોઘમ વાત કરીને અલ્પેશ તરફ ઈશારો કરેલો પણ તેનું નામ નહોતું દીધું. નીતિન પટેલે કોથળામાં પાંચશેરી ફટકારી તેમાં તમતમી ગયેલા અલ્પેશે એ પછી ભારે નાટક કરેલાં. પહેલાં તો તેણે હુમલાના મામલે હાથ ખંખેરી નાંખ્યા ને પોતાનો કોઈ હાથ નથી એવું જાહેર કરી દીધું. બીજું તેણે પોતાના છોકરાઓનો ખુલ્લેઆમ બચાવ કર્યો ને તેમની સામે ખોટા કેસો કરીને તેમને ફસાવાય છે તેવો આક્ષેપ પણ કર્યો. ભાજપવાળા જ આ હુમલા કરાવે છે ને અમને ભેરવી દેવાના કારસા કરે છે એવો આક્ષેપ પણ કર્યો. અલ્પેશે નીતિન પટેલને પણ ઝપટે લઈ લીધા ને નીતિન પટેલે ઠાકોરોનું અપમાન કર્યું છે માટે એ માફી માંગે એમ કહીને નવો પલીતો ચાંપી દીધો.

અલ્પેશ ઠાકોરે ઠાકોરોના અપમાનની વાત કરી તેમાં રમખાણ શરૂ થઈ ગયું. ભાજપવાળા દોડતા થઈ ગયા ને તેમણે અલ્પેશ ઠાકોર પર હલ્લાબોલ કરી દીધું. મુખ્યમંત્રી વિજય રૂપાણીથી માંડીને રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સુધીના બધા મચી પડ્યા. અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો પર હુમલાની હોળી સળગાવી છે ને કોંગ્રેસે તેને તગેડી મૂકવો જોઈએ એવું કોરસ શરૂ કરી દીધું. જાડેજા તો એટલા ફોર્મમાં આવી ગયેલા કે, તેમણે તો એલાન કરી દીધું કે, પરપ્રાંતીયો પર હુમલાનું કાવતરું ઘડનારા ૨૦ લોકોનાં નામ અમે બુધવારે જાહેર કરીશું. દિલ્હીમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પત્રકાર પરિષદ યોજી ને તેમાં પણ અલ્પેશ ઠાકોરના નામજોગ આક્ષેપો થયા. પાત્રાએ તો આ હુમલાના કાવતરા માટે કોને કોને અંદર કરાયા છે તેમનાં નામ પણ જાહેર કર્યાં ને તેમના છેડા અલ્પેશ ઠાકોર લગી પહોંચે છે તેવો દાવો પણ કર્યો.

બુધવારે પણ આ ક્રમ ચાલુ રહ્યો ને ભાજપના નેતાઓએ અલ્પેશ ઠાકોરના માથે માછલાં ધોવાનું ચાલુ રાખ્યું. તેમા પણ અલ્પેશની ઠાકોર સેનાના એક નેતાએ એવો મમરો મૂક્યો કે, આ બધું તો નીતિન પટેલ કરાવે છે કેમ કે નીતિન પટેલનને ગુજરાતની ગાદી પર બેસવાના ને મુખ્યમંત્રી બનવાના ભારે અભરખા છે. ગુજરાતમાં હોળી સળગે તો વિજય રૂપાણી ઘરભેગા થાય ને પોતાનો નંબર લાગે તેને વાસ્તે નીતિન પટેલ જ આ બધા ઉધામા કરે છે. આ વાત સાંભળીને ભાજપવાળા વધારે ભૂરાંટા થયા ને નીતિન પટેલનો બચાવ કરવા કૂદી પડ્યા. સાથે સાથે અલ્પેશ ઠાકોર આ બધા માટે જવાબદાર છે એ સાબિત કરવાનો કાર્યક્રમ તો પૂરજોશમાં ચાલુ જ છે. ભાજપના નેતાઓની વાતોનો સાર એ જ છે કે, અત્યારે જે અશાંતિ થઈ છે તેના મૂળમાં અલ્પેશ ઠાકોરે ગયા મહિને પરપ્રાંતીયો ગુજરાતીઓની નોકરીઓ છીનવી જાય છે એવો લવારો કરેલો તેમાં છે. એ વખતે અલ્પેશ ઠાકોરે ચીમકી આપેલી કે, પરપ્રાંતીયોને તગેડીને ગુજરાતીઓને નોકરીઓ નહીં આપનારી કંપનીઓને તાળાં લાગી જશે. અલ્પેશની આ ઉશ્કેરણીના કારણે તેના પોઠિયા ઉશ્કેરાટમાં હતા જ. તેમાં સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા ઢૂંઢર ગામની ૧૪ મહિનાની એક છોકરી પર પરપ્રાંતીય મજૂરે બળાત્કાર કર્યો ને તેને અધમૂઈ કરીને ફેંકી દીધી એ ઘટના બની તેથી તેમને દાઝ કાઢવાનો મોકો મળી ગયો.

ભાજપનો અલ્પેશને ભાંડવાનો આ કાર્યક્રમ ક્યાં લગી ચાલશે એ ખબર નથી પણ ગુજરાતમાં જે ભવાઈ ભજવાઈ રહી છે એ અત્યંત શરમજનક છે. ગુજરાતમાં જે કંઈ બની રહ્યું છે તેની પાછળ ઠાકોર સેનાના કાર્યકરો છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે. અલ્પેશ અત્યારે ભલે બધી સફાઈઓ ઠોકતો હોય પણ ઢૂંઢરની ઘટના પછી ઠાકોર સેનાના કાર્યકરોએ હુમલા શરૂ કર્યા તેમા મીનમેખ નથી. શરૂઆતમાં આ હુમલા સાબરકાંઠા પૂરતા મર્યાદિત હતા પણ પછી લગભગ આખું ઉત્તર ગુજરાત તેની લપેટમાં આવી ગયું છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસતી નોંધપાત્ર છે તેથી સાબરકાંઠા ઉપરાંત મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ ને ગાંધીનગર એ ઉત્તર ગુજરાતના સાતેય જિલ્લામાં પરપ્રાંતીયોને નિશાન બનાવીને હુમલા થયા. તેનું પરિણામ એ આવ્યું છે કે, ફફડેલા પરપ્રાંતીયો પહેરેલાં લૂગડે ભાગવા માંડ્યા ને એ ક્રમ હજુ ચાલુ જ છે. આ હુમલા મુઠ્ઠીભર લોકોએ કર્યા ને તેના માટે આખા ઠાકોર સમાજને દોષિત ના ઠેરવી શકાય પણ ઠાકોર સેના હાથ અધ્ધર કરી શકે તેમ નથી. ઠાકોર સેનાના કાર્યકરો પરપ્રાંતીયોને ધમકાવતા હોય એવા વીડિયો પણ સામે આવ્યા છે. અલ્પેશે પોતે આ વીડિયો સાચા છે એવું કબૂલેલું છે. એ વખતે તેણે એવું કહીને લૂલો બચાવ કરેલો કે, આ ધમકીની ભાષા નથી પણ વિનયની ભાષા છે. ભલા માણસ, તમે કોઈને જતા રહેવા કહો પછી એ ધમકીની ભાષા હોય કે વિનયની ભાષા હોય તેનાથી શો ફરક પડે?

આ વાસ્તવિકતા છે ને અલ્પેશ ઠાકોર કંઈ પણ કહે તેના કારણે તેમાં ફરક પડતો નથી પણ સવાલ અલ્પેશ શું કહે છે કે તેણે શું કર્યું તેના કરતાં વધારે ભાજપ શું કરે છે તેનો છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે ને ગુજરાતમાં રહેતા દરેક વ્યક્તિની સુરક્ષાની જવાબદારી ભાજપ સરકારની છે. ગુજરાતમાં એક જ અઠવાડિયામાં પરપ્રાંતીયો પર હુમલાની ૬૧ ઘટનાઓની ફરિયાદ નોંધાઈ છે એવું સરકારે સત્તાવાર રીતે કહ્યું છે. જે ઘટનાઓની પોલીસ ફરિયાદ નથી નોંધાઈ એવી બીજી પણ કેટલીય ઘટનાઓ હશે જ એ જોતાં ઓછામાં ઓછી સો ઘટના તો બની જ છે. ભાજપ સરકાર આ ઘટનાઓને રોકી કેમ ના શકી ? ભાજપ સરકાર પાસે પોલીસ છે, ભાજપ સરકાર પાસે ગુપ્તચરતંત્ર છે છતાં તેને પરપ્રાંતીયો પર હુમલાનાં કાવતરાં થઈ રહ્યાં છે તેની ગંધ સુધ્ધાં કેમ ના આવી ? ભાજપ સરકારની એ નિષ્ફળતા કહેવાય ને તેનાથી પણ મોટી નિષ્ફળતા એ કહેવાય કે, હુમલા શરૂ થયા એ પછી પણ મોડે મોડે સરકાર હરકતમાં આવી. રાજ્યમાં સળંગ ત્રણ-ચાર દિવસ લગી હુમલા થતા રહ્યા છતાં પોલીસ તેમને રોકી ના શકી એ મોટી નિષ્ફળતા જ કહેવાય. ભાજપે ખરેખર એ માટે લાજવું જોઈએ તેના બદલે એ ગાજી રહ્યા છે.

માનો કે જે કંઈ થયું તેને પણ ભૂલી જઈએ તો પણ અત્યારે પણ ભાજપ સરકાર શું કરે છે ? ભાજપના નેતાઓ ગાઈવગાડીને એવું કહે છે કે, અલ્પેશ ઠાકોરે લોકોને ઉશ્કેર્યા ને પ્રાંતવાદનું ઝેર ફેલાવ્યું. આ વાત સાચી હોય તો પછી ભાજપ અલ્પેશને કેમ કંઈ કરતી નથી ? ભાજપે અલ્પેશને ઉઠાવીને અંદર કરવો જોઈએને? અલ્પેશની સાથે બીજા જેમણે પણ આ હુમલાનાં કાવતરાં કર્યાં તેમને ભાજપે જેલમાં ધકેલી દેવા જોઈએ. ભાજપ સરકારને એવું કરતાં કોણ રોકે છે ? ભાજપ સરકાર એ કરતી નથી ને તેના પ્રધાનો થૂંક ઉડાડ્યા કરે છે, ભાંડણલીલામાંથી ઊંચા આવતા નથી.

ભાજપ સરકાર વતી પ્રદીપસિંહે મોટા ઉપાડે એલાન કરેલું કે, પરપ્રાંતીયો પર હુમલો કરનારા ૨૦ લોકોની ઓળખ થઈ ગઈ છે ને તેમનાં નામ અમે જાહેર કરીશું. ભલા માણસ, નામ જાહેર કરીને શું કરવાનું? તમારામાં પાણી હોય તો એ લોકોને ઉઠાવીને અંદર કરો. પ્રદીપસિંહની પોલીસ તેમને તો કશું કરતી નથી ને આ બધા કૂદી કૂદીને થૂંક ઉડાડે છે. ભલા માણસ, તમે સત્તામાં છો, વિરોધપક્ષમાં નથી કે ખાલી આક્ષેપબાજી કર્યા કરો છે. તમારી પાસે સત્તા છે ને તમારી જવાબદારી પણ છે કે, ગુજરાતમાં અશાંતિ કરનારાને પાંસરા કરી નાંખો. તેના બદલે તમે કશું કરતા નથી ને વાતોનાં વડાં ને રાજકીય આક્ષેપો કર્યા કરો છો.

ભાજપના નેતાઓ પોતાની માનસિકતા બદલે ને મરદની જેમ વર્તે એ જરૂરી છે. જે લોકો ગુજરાતમાં અશાંતિ ઊભી કરવા માગે છે તેમની પોતાની રાજકીય ગણતરીઓ છે. એ લોકોને પોતાના સ્વાર્થ સિવાય કશામાં રસ નથી પણ ભાજપને તો ગુજરાતની પ્રજાએ પોતાની રક્ષા માટે ચૂંટ્યો છે. ભાજપ તો પોતાની ફરજ બજાવે કે નહીં? ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3070k60
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com