15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઉલઝનની આરપાર

કેતકી જાનીબારમા ધોરણમાં ભણતો દીકરો સતત પરીક્ષાના ટેન્શનમાં રહે છે

સવાલ: બહેન મારે એક દીકરી અને એક દીકરો છે. દીકરો હમણાં બારમામાં ભણે છે. દીકરી આઠમામાં. પ્રોબ્લેમ એ છે કે પરીક્ષાને હજી વાર હોવા છતાં હમણાંથી જ દીકરો જાણે કે ટેન્શનમાં રહે છે. કોઈ પણ સમયે પરીક્ષાની જ ચિંતા કરતો હોય ને હોશિયાર હોવા છતાં આવું કેમ કરે છે તેની સમજ અમને નથી પડતી. તેને નોર્મલ કરવા માટે શું કરવું જોઈએ?

જવાબ: આપણે જે દસમા-બારમાનો હાઉ ઊભો કર્યો છે તેને કારણે અનેક બાળકો આવી તાણ-તણાવવાળી મનોદશામાંથી પસાર થાય છે. સૌપ્રથમ તો તેને આશ્ર્વસ્ત કરો કે બારમાની પરીક્ષા એ જિંદગીની અંતિમ પરીક્ષા નથી. ઘણું બધું છે આગળ. સીધી કે આડકતરી રીતે પણ તેને પરીક્ષા વિષયક ટેન્શન થાય તેવી વાતો તમારા મોંએ ના નીકળે તે ધ્યાન રાખવું. ઘરમાં, પડોશીઓ, સંબંધીઓ, તેની શાળાનાં શિક્ષકો કે તમારાં મિત્રવૃંદમાં કોઈ પણ સમયે બારમાની પરીક્ષામાં માર્ક્સ સારા ના આવે તો દુનિયા ઊંધી થઈ જાય તેવા મનોભાવ વ્યક્ત કરતી વાતો ના કરવી. તમે તેના મિત્રગણ ઉપર પણ નજર રાખજો. તેમાંનું કોઈ નેગેટિવ વિચારસરણીવાળું તો નથી ને? તેવું હોય તો શક્ય બને તો તેને પણ હકારાત્મક વિચાર માટે પ્રેરિત કરો. તમારા બાળકને ચિંતા કરવાના સ્થાને સમયનું પ્રોપર મેનેજમેન્ટ કરતાં શીખવાડો. તેની મનપસંદ ઈતર પ્રવૃત્તિ માટે રોજેરોજ ઓછામાં ઓછો અડધો કલાક વ્યતીત કરવો ફરજિયાત બનાવો. રોજ માત્ર પંદર મિનિટ યોગાસન કરવા કહો. તે તેની મેળે નહીં કરે, એટલે રોજ સવારે તમારે યોગાસન કરવા અને તમારી સાથે તેને જોડાવા કહેવું. તેને સંગીત પસંદ હોય તો રોજ અડધો કલાક તેને મનપસંદ ગીતો સાંભળવા દેવા અથવા ટી.વી.માં તેને ગમતો પ્રોગ્રામ જોવા કહેવું.

સમતોલ આહાર તેને મળી રહે તે ધ્યાન રાખવું. બની શકે તો ઘેરથી શાળા કે અન્ય કોઈ સ્થળે જાય તો સાઈકલ ચલાવી જવા કહેવું. રોજ સૂતા પહેલા પંદર વખત ઊંડા શ્ર્વાસ લેવા અને છોડવાની ક્રિયા કરાવવી. તેની સાથે સંવાદસેતુ જાળવી રાખો. તેની દરેક વાત શાંતિથી સાંભળો. તેને જણાવો કે લોકવાયકા છે કે ‘ચિંતાથી ચતુરાઈ અને રૂપ બંને ઘટે છે, માટે તે ચિતા સમાન છે.’ માણસને જીવતેજીવ મારી નાંખે છે. આ બધું કર્યા છતાં તમને તેનામાં ફેર ના લાગે તો તેને મનોચિકિત્સક પાસે લઈ જવામાં વાંધો નહિ. એકાદ સીટિંગમાં જ તેઓ તેની માનસિકતા શાંત કરવામાં સફળ થશે. અસ્તુ.

------------------------------

નાની ઉંમરે પરણી એટલે ભણવાનું રહી ગયું એનો અફસોસ થાય છેસવાલ: બહેન, હું ૪૦ વર્ષની સ્ત્રી છું, જે ખૂબ નાની (૧૮ વર્ષની ઉંમરે) પરણાવી દેવાઈ હતી. એ વખતે મારાં સાસરિયાએ આગળ ભણાવીશું કહ્યું હતું, પણ તે શક્ય ન બન્યું. લગ્ન બાદ ઘરમાં એવી ગૂંથાઈ ગઈ કે યાદ સુદ્ધાં ન રહ્યું કે ભણું. આજે ઘર-બાળકો સેટ થયા બાદ મને ક્યારેક ખૂબ ગુસ્સો આવે છે ખુદ પર. હોશિયાર હોવા છતા મેં શા માટે લગ્ન કર્યાં? કેમ ના ભણી આગળ. મારું જીવન જ જાણે મેં જાતે સ્થગિત કર્યું. હમણાં હમણાં આવા અનેક વિચારો જંપવા નથી દેતા મને. શું કરવું જોઈએ.

જવાબ: સૌથી પહેલી વાત એ કે જે વીતી ગયું તેને ગળે વળગાડી રાખવાથી તે બદલાઈ જશે? હમણાં તમે ઉંમરના જે પડાવ પર છો, તેનું અઢાર ઉપર તો કોઈ કાળે પાછું જ નહિ જાય ને? તમે તમારી સમજને અલગ રીતે કામે લગાડો. એવું ન થાય કે જે ત્યારે અધૂરું રહી ગયું હતું, તે આવનારા સમયમાં પૂરું કરાય? તમે વિચારો કે મારે ભણવાનું રહી ગયું, પણ હવે હું ભણીશ. આજે તો ઘેર બેઠા ભણી શકાય તેવા અનેક કોર્સ થાય છે. વીત્યું તેના વિશે દુ:ખી થઈ સમય બગાડ્યા વિના જે રહ્યું છે તે કરો ને. તમે જ કહ્યું છે કે ઘર-બાળકો સેટ થઈ ગયાં છે. તમને ભરપૂર સમય મળતો હશે કદાચ. આજે જ તપાસ કરો તમારાં ઘરની આસપાસ કોઈ કૉલેજ હોય તો કે તમે આગળ ભણવાનું પૂછી શકો. ટૅકનોસેવી હોવ તમે તો ગૂગલમાં સર્ચ કરો. ઘણી માહિતી મળશે. તમારાં બાળકો સુદ્ધા તમને મદદ કરી શકે. જે તમારાં હાથમાં છે તે બાજી સંભાળી તમે જે બગાડ્યું છે સુધારી જરૂર શકો. સમય ભલે તે નથી રહ્યો પણ તમારી શિક્ષણઝંખના તમને માનસિક રીતે ઘણી મદદ કરશે. તમે સારી રીતે ભણો અને ડિગ્રી હાંસલ કરો. તેનાથી તમને ભવિષ્યમાં મનગમતા ક્ષેત્રમાં કામ કરવાની તક પણ મળશે. આમ, જે થઈ ગયું તે તમારાં હાથની વાત નહોતી. સમય - સંજોગો મુજબ તમારે ઢળવું પડ્યું કે તમે જાતે એ કર્યું. તે બધુંજ ભૂલી જાવ.

આ ક્ષણ બાદ તમારાં જીવનમાં જે થશે તેનો હવાલો તમારાં હાથમાં લઈ લો. ભણવાનું રહી ગયું લાગે છે, ભણી લો. અરે, કંઈ રમવાનું - ગાવાનું - નાચવાનું - ફરવાનું રહી ગયું લાગતું હોય તો તે પણ યાદ કરી લો. કશું જ રહી નથી ગયું. તમે હજી કરી શકો છો. જે ચાહો તે. ટૂંકમાં, બી પોઝિટિવ. આજ પછી તમે ક્યારેય અફસોસ નહીં કરો, પણ જે રહ્યું તે હાંસલ કરશો, તેવી જાત સાથે વાત કરી લો. કદમ અસ્થિર હો તેને રસ્તો નથી જડતો અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ ઉંમરે કેમ ભણાય? કેવી રીતે ભણાય? મને ફાવશે? લોકો શું કહેશે? લોકોને કેવું લાગશે? જેવા કોઈ પણ નકારાત્મક વિચારો મનમાં ટકવા ના દેશો. તમે ચોક્કસ ભણીને તમારાં સપનાં પૂરાં કરશો. અસ્તુ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

vCsm3n3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com