19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દરેક જ્ઞાની વ્યક્તિ તરીકે પણ ઉમદા હોય એવું જરૂરી નથી...

કથા કોલાજ - કાજલ ઓઝા - વૈદ્યનામ : મિલેવા મેરિક

સ્થળ : ઝ્યુરિક, સ્વિટઝર્લેન્ડ

સમય : ૨૦૧૮

ઉંમર : ૧૪૩ વર્ષ (જો હોત તો)

(ગયા અંકનું ચાલુ)

હું હવે આ દુનિયામાં નથી... જો હોત તો ૧૪૩ વર્ષની હોત, પરંતુ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની પત્ની તરીકે મને જે પ્રકારના માન-સન્માન મળવા જોઈતા હતા એવા ન મળ્યા. આઈન્સ્ટાઈન બર્લિનમાં રહ્યા અને હું આખી જિંદગી ઝ્યુરીકમાં રહી. મારો દીકરો એડ્યુઆર્ડ માનસિક રીતે વિક્ષિપ્ત થઈ ગયો અને એની આખી જિંદગી એણે હૉસ્પિટલમાં વીતાવી. ૭૨ વર્ષની ઉંમરે ૪થી ઑગસ્ટ, ૧૯૪૮ના દિવસે હું ઝ્યુરીકમાં મૃત્યુ પામી ત્યારે મારી આસપાસ કોઈ નહોતું. આલ્બર્ટ ત્યારે એના નવા પ્રણયમાં વ્યસ્ત હતા. પોતાની સેક્રેટરી ઈલ્સા તરફ આકર્ષાયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈન એ વખતે ૬૯ વર્ષના હતા.

એમણે મને વચન આપ્યું હતું, મેં એ શરતે જ એમને છૂટાછેડા આપ્યા હતા કે એ બીજા લગ્ન નહીં કરે અને નોબલ પ્રાઈઝ મળશે ત્યારે એ પૈસા મારા નામે મૂકી દેશે. એમને નોબલ મળ્યું... એ રકમ એમણે મારા નામે મૂકી દીધી. ત્રણ લાખ જેટલા અમેરિકન ડોલરની એ રકમ જિંદગી જીવવા માટે તો પૂરતી હતી, પરંતુ આલ્બર્ટ આઈન્સ્ટાઈને એ રકમ મારા નામે મૂકતી વખતે એક ક્લોઝ ઉમેર્યું હતું, હું એ રકમની મૂડીને હાથ ન લગાડી શકું. એનું વ્યાજ અચૂક મારા નામે આવે, પરંતુ મૂડી મારા સંતાનોને મળે એવી એમણે તજવીજ કરી. દુ:ખની વાત એ છે કે મારો દીકરો એડ્યુઆર્ડ માનસિક રીતે બીમાર થઈ ગયો. એને માનસિક રોગોની હૉસ્પિટલમાં મૂકવો પડ્યો અને મારો મોટો દીકરો હેન્સ પિતાના નામ અને એની પહોંચથી અંજાઈને એમની સાથે રહેવા લાગ્યો. હું જ્યારે બીમાર પડી ત્યારે હેન્સે ફક્ત ફોન કરીને મારા ખબર પૂછી લીધા અને એક નર્સની વ્યવસ્થા કરી... એને હંમેશાં લાગ્યું કે, એના પિતા સાચા અને સારા માણસ હતા. એની મા એના પિતાને સમજી શકી નહીં એવું હેન્સ જીવનભર માનતો રહ્યો.

કેટલીક વખત આપણે જાણતા નથી એવી રીતે આપણી જિંદગી આપણને પાઠ શીખવાડી જતી હોય છે. જેના પર આંખ મીંચીને વિશ્ર્વાસ કરતા હોઈએ એવી વ્યક્તિ અચાનક જ આપણને છેતરે ત્યારે એ માટે વ્યક્તિની વિશ્ર્વસનીયતાનો વાંક કાઢવો કે આપણા આંધળા વિશ્ર્વાસનો, એવો સવાલ આવીને ઊભો રહે છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈનને હું એક વિદ્યાર્થી તરીકે મળી હતી. મારી સાથે ભણતો એક હસમુખો, હોશિયાર અને કંઈક કરી બતાવવાની તમન્ના સાથે થનગનતો છોકરો. વીતતા સમય સાથે અમે લગભગ ૨૦ વર્ષ સાથે વીતાવ્યાં... હું ક્યારેય ન કલ્પી શકું કે જે માણસને એનું સપનું પૂરું કરવામાં મેં આટલી બધી મદદ કરી એ આવી રીતે મારી સાથે છેતરપિંડી કરે ! હું આલ્બર્ટને મદદ કરતી, એના રિસર્ચમાં, રિસર્ચના પેપર્સ તૈયાર કરવામાં અને એનું ઘર સંભાળીને એનાં સંતાનોને સાચવવામાં... મેં મારી કારકિર્દીનો ભોગ આપ્યો. આજે વિચારું છું તો લાગે છે કે હું કોઈ મેથેમેટિશ્યન બની શકી હોત. કશું મેળવી શકી હોત, પ્રસિદ્ધિ, પૈસા અને કદાચ પ્રેમ પણ ! આ માણસની સાથે જીવવામાં તો મને કશુંયે ન મળ્યું.

એક દિવસ જ્યારે એની ઑફિસમાં બેઠી હતી ત્યારે મેં જોયું કે સાપેક્ષવાદ પર તૈયાર કરેલા એના પેપર્સમાં ક્યાંય મારું નામ નહોતું. પૃથ્વી અને આકાશને જોવાની દૃષ્ટિમાં ક્રાંતિ સર્જી શકે એવો આ પ્રોજેક્ટ જ્યારે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે હું એની સાક્ષી હતી. વૈજ્ઞાનિક શોધખોળ તરીકે આ બહુ મોટો સિદ્ધાંત પુરવાર થવાનો હતો. હું આ પ્રોજેક્ટમાં સાથે હતી એની સાબિતી એ છે કે ૧૯૦૫માં મેં મારી એક સેરેબિયન મિત્રને પત્રમાં લખ્યું હતું, ‘અમે એક જબરદસ્ત પ્રોજેક્ટ પૂરો કરી રહ્યા છીએ. આ ખૂબ અગત્યનું કામ જ્યારે પૂરું થશે ત્યારે મારા હસબન્ડ આખી દુનિયામાં જાણીતા થઈ જશે.’ એવી જ રીતે જ્હોન સ્ટેશેલ નામના એક લેખકે અમારા મૃત્યુ પછી હમણાં જ લખ્યું છે, ‘કે જ્યારે બંને જણા વિદ્યાર્થી હતા ત્યારથી એ બંને જણા આ પ્રોજેક્ટ પર કામ કરતાં હતાં. ખરેખર તો આઈન્સ્ટાઈનની જીનિયસ અને મિલેવાની મેટિક્યુલસનેસ એમને નજીક લઈ આવી. આઈન્સ્ટાઈન ગમે તેટલા હોશિયાર અને જીનિયસ હોય, પરંતુ મિલેવાની મદદ વિના એ આ પેપર પૂરું કરી શક્યા ન હોત. ઝીણી ઝીણી નોંધ રાખવાની મિલેવાની ટેવને કારણે આઈન્સ્ટાઈનનું પેપર આટલું પરફેક્ટ અને વ્યવસ્થિત રીતે રજૂ થઈ શક્યું.’

સાપેક્ષવાદની થિયરી શોધાયાનું ૧૦૦મું વર્ષ ઉજવાયું ત્યારે અમેરિકાની એક જાણીતી સંસ્થા પ્રિન્સેસ્ટન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ આગળ આવી અને એમણે આઈન્સ્ટાઈન વિશે પ્રોજેક્ટ શરૂ કર્યો. આઈન્સ્ટાઈન વિશે જ્યાં, જેટલી માહિતી મળે એટલી એકઠી કરવાનો આ પ્રોજેક્ટ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ ઘણા બધા લોકોને આઈન્સ્ટાઈનના જીવનમાં મારા વિશે જાણ થતી ગઈ. માત્ર મારા વિશે જ નહીં, પરંતુ આઈન્સ્ટાઈન જે પ્રકારના સંબંધોમાં હતા એ વિશે પણ આ કલેક્ટીવ પેપર્સને કારણે ઘણી બધી વિગતો બહાર આવવા લાગી. આ કલેક્ટીવ પેપર્સ ઓફ આઈન્સ્ટાઈનના પ્રોજેક્ટમાં લગભગ પચ્ચીસ હજાર જેટલા પત્રો મળ્યા છે એમ કહે છે... હું તો આ પત્રો વાંચવા માટે હાજર નથી, પરંતુ આ ઈન્સ્ટિટ્યૂટે લગભગ આઠ ગ્રંથોમાં આઈન્સ્ટાઈન વિશેની માહિતી પ્રગટ કરી છે. બીજો કોઈ આનંદ હોય કે નહીં એટલો આનંદ ચોક્કસ છે કે દુનિયાની નજરમાં જે આઈન્સ્ટાઈન મહાન હતા એના ઢીલા જાતિય જીવન વિશેની વિગતો પણ આ પત્રોમાં બહાર આવી છે ! દુનિયાની કોઈ પત્ની એવી નહીં હોય કે જેને પોતાના પતિની બદનામીથી આનંદ થાય... એક હું જ છું કે જેને મૃત્યુ પછી પણ પતિનો સાચો ચહેરો જગત સામે આવ્યો ત્યારે આનંદ થાય છે. ઈલ્સા એકદમ યુવાન હતી... અને ઈલ્સાની મા સાથે આલ્બર્ટ આઈન્સ્ટાઈને લગ્ન કર્યા હતા.

આલ્બર્ટ અને હું જ્યારે છૂટા રહેવા લાગ્યાં ત્યારે બર્લિનમાં એની મુલાકાત એલ્સા સાથે થઈ. એલ્સા આલ્બર્ટ આઈન્સ્ટાઈનની પિતરાઈ બહેન હતી. બંને જણાને બાળપણથી જ ઘણુ બનતું. હું જાણતી નથી, પણ કદાચ ટીનએજમાં બંને એકબીજા પ્રત્યે આકર્ષાયેલા પણ હોઈ શકે... અમારા સહજીવનના વીસે-વીસ વર્ષ દરમિયાન આઈન્સ્ટાઈન અને એલ્સા એકબીજાને પત્રો લખતાં રહ્યાં, જોકે આ વાતની મને જાણ નહોતી. જ્યારે કલેક્ટીવ પેપર્સ ઓફ આઈન્સ્ટાઈનનો પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે એમના પત્રો, અંગત નોંધ અને બીજી વિગતો જડી આવી ત્યારે એમાં એલ્સા અને આઈન્સ્ટાઈને એકબીજાને લખેલા પત્રો હતા. કેટલાક પત્રોમાં આઈન્સ્ટાઈને અમારા દામ્પત્ય જીવનના ત્રાસ અને કટુતાનો ઉલ્લેખ પણ એલ્સાને કર્યો છે ! વાત નવાઈ લાગે એવી છે, છતાં સાચી છે કે આઈન્સ્ટાઈન મારી સાથે રહેતા હતા ત્યારે પણ કોઈક બીજી સ્ત્રી પરત્વે આકર્ષાયેલા હતા જ. મેં બર્લિન રહેવાની ના પાડી, એ વાતને પત્રોમાં ઘણી ચગાવવામાં આવી છે, પરંતુ સત્ય એ હતું કે આઈન્સ્ટાઈન જ્યારે બર્લિન રહેવા લાગ્યા ત્યારે હું બાળકોને લઈને બે વાર ગઈ હતી... એ પછી પ્રથમ વિશ્ર્વ યુદ્ધ શરૂ થયું. એ બર્લિનમાં રોકાઈ ગયા અને હું બાળકો સાથે ઝ્યુરીકમાં ફસાઈ ગઈ ! સત્ય એ નથી કે હું બર્લિન ગઈ નહીં, સત્ય એ છે કે હું બર્લિન જઈ શકી નહીં.

આઈન્સ્ટાઈન જ્યારે બર્લિનમાં રહેતા ત્યારે એલ્સાએ એમની કાળજી કરવા માંડી. પહેલેથી આકર્ષાયેલા તો હતા જ, પરંતુ બર્લિનમાં જ્યારે એ બીમાર પડ્યા ત્યારે એલ્સા એમને પોતાના ઘરે લઈ ગઈ. એ સમય એવો હતો કે પ્રથમ વિશ્ર્વ યુદ્ધના પડઘા હજી શમ્યા નહોતા. આઈન્સ્ટાઈનનાં કિંમતી પુસ્તકો અને એમનું ઘણું કામ નાઝી હકૂમતે બાળી નાખ્યું. પોતાના સ્વાતંત્ર્યની રક્ષા માટે એ વારંવાર નાઝીઓ સામે પડતા, એમને બર્લિનમાંથી કાઢવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ એમ એ બર્લિન છોડવા તૈયાર નહોતા. જોકે, એ પછી એમણે અમેરિકા-ન્યૂજર્સી રહેવાનું નક્કી કર્યું.

એલ્સા સાથેના સંબંધો એમના બર્લિનના સમય દરમિયાન પાંગર્યાં. એલ્સા એમને જોઈતી હતી એવી જ સ્ત્રી હતી, કદાચ. એ એમની સેવા કરતી, રસોઈ બનાવતી, કાળજી કરતી અને પ્રમાણમાં બેવકૂફ હતી. એને ગણિત કે ફિઝિક્સ સાથે બહુ ઝાઝો સંબંધ નહોતો, આઈન્સ્ટાઈનને કદાચ આ વાત અનુકૂળ હતી ! એલ્સા સાથે એમણે લગ્ન કરી લીધા. એલ્સા વિધવા હતી. બે પુત્રીઓની મા ! એમણે મને વચન આપ્યું હતું કે એ ફરી ક્યારેય લગ્ન નહીં કરે તેમ છતાં, એમને જ્યારે નોબલ પ્રાઈઝ મળ્યું ત્યારે એલ્સા આઈન્સ્ટાઈન સમારંભમાં એમની સાથે હતી...

આઈન્સ્ટાઈન કોઈ એક સ્ત્રી સાથે ટકી એમ હતા જ નહીં. એલ્સાની દીકરી (એના પહેલા લગ્નથી જન્મેલી), આઈન્સ્ટાઈનની સેક્રેટરી તરીકે કામ કરવા લાગી. આઈન્સ્ટાઈનની સેક્રેટરી ઈલ્સાએ ૧૯૧૮માં એના મિત્રને લખેલા એક પત્રમાં લખ્યું છે, ‘આઈન્સ્ટાઈન મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. એ મારા કરતાં ઘણા મોટા છે, પરંતુ અમારી વચ્ચે શારીરિક મેળનો પ્રશ્ર્ન નથી. હું સમજી નથી શક્તી કે મારે શું કરવું જોઈએ, પરંતુ એમનું માન-સન્માન, નામ અને જીવન જોતાં કદાચ એ જ સાચો નિર્ણય હશે ?’ એમની પુત્રી સમોવડી ઈલ્સા સાથે શારીરિક સંબંધ બાંધતા એમને જરાક પણ વિચાર નહીં આવ્યો હોય ?

ઈલ્સાએ અંતે એમની સાથે લગ્ન ન કર્યું, પરંતુ આઈન્સ્ટાઈને એને પત્રો લખવાનું બંધ ન કર્યું... ઈલ્સાના લગ્ન પ્રસિદ્ધ લેખક રુડોલ્ફ કૈઝર સાથે થયા... એ ખૂબ જ સુખી હતી. ૧૯૩૩માં ઈલ્સા મૃત્યુ પામી, પરંતુ એની પાસેથી મળેલી વિગતો અને આઈન્સ્ટાઈને એને લખેલા પત્રો એકઠા કરીને રુડોલ્ફ કૈઝરે આઈન્સ્ટાઈનના જીવન વિશે એક પુસ્તક લખ્યું...

હું, મિલેવા આઈન્સ્ટાઈન આજે આ જગતમાં નથી, પરંતુ ‘કલેક્ટીવ પેપર્સ ઓફ આઈન્સ્ટાઈન’માંથી મળેલી વિગતોએ એ માણસના જીવન અને પ્રસિદ્ધિમાંથી મને મારો હિસ્સો અપાવ્યો છે એ વાતનો મને આનંદ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2007CL5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com