25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરે એ શિક્ષકની નિષ્ફળતા છે

ઘટના અને અર્થઘટન - સોનલ શુક્લગયે અઠવાડિયે ફોનમાં એક મિસ્ડ કૉલનો નંબર હતો. સામો કર્યો અને પોતાનો પરિચય આપી કહ્યું કે આપે ફોન કરેલો? સામેથી મીઠા રણકારવાળો અવાજ આવ્યો, અરે, તમે ગીતાબહેન રાયજી વિશે લખ્યું! આજે હું જે છું તે એમને લીધે છું. એ અવાજ હતો ડૉ. નલિની માડગાંવકરનો. રવીન્દ્ર સંગીતના કલાકાર અને બંગાળી સાહિત્યના જાણકાર વાચકો એમને એમની સાપ્તાહિક કટાર પરથી પણ ઓળખે છે જ્યાં એ નીતનવા કાવ્યોનો આસ્વાદ કરાવે છે. નલિનીબહેન એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના ડૉ. સુરેશ દલાલ પછી અધ્યક્ષ બનેલા. આવા સ્કોલર જ્યારે પોતાના એક પ્રાધ્યાપક વિશે આટલી પ્રશંસા અને ભાવના સાથે બોલ્યા ત્યારે મને ફરીથી મારી ખુશનસીબી યાદ આવી કે મહત્ત્વના એક વર્ષ માટે એ મારા શિક્ષક હતા.

શિક્ષક દિન, સર્વોદય દિન અને ગાંધીજયંતીના એક મહિનાથી માંડેલી વાતમાં આ ત્રણે પળો મારા શાળા કક્ષાના અનુભવો જોડે સંકળાયેલા છે એમ કહેલું. આ શાળા અને એના સંચાલકો ગાંધીવાદી હતા પણ રૂઢિચુસ્ત, સંકુચિત અને વેવલાઈવાળા નહોતા. એવા પણ કેટલાક આ ડાયનેમિક કાર્યમાં ઘૂમી ગયેલા. વળી રૂઢિચુસ્ત કે જૂનવાણી એટલે હંમેશાં અન્યાયી કે દુષ્ટ નહીં તે આપણે નજરે જોતા હોઈએ છીએ, સમાજમાં અને પરિવારમાં, માતાના અકાળ અને અકળ મૃત્યુ પછી સાંપડેલી મારી શાળા શ્રી ચંદુલાલ નાણાવટી ક્ધયા વિનય મંદિરમાં બીજે જ વર્ષે ધરખમ ફેરફાર થયા. માત્ર આઠમીથી દસમીના વર્ષોથી શરૂ થયેલી આ શાળા હવે પાંચમીથી અગિયારમી સુધીની હાઈસ્કૂલ બની ગયેલી, હવે મળેલા શિક્ષકો તે રસીલાબહેન પારેખ, લતાબહેન કરીમ, હંસાબહેન સાંકળિયા અને એ બધાના સુંદર કાર્યને વણી લેતા ઓછું બોલીને નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડતા. વિદ્યાર્થીઓના ગૌરવ અને સન્માન જાળવવાનો એમનો વિશેષ આગ્રહ, કોઈને પણ ક્યારેય તુંકારે બોલાવે નહીં. એમની વાત તો પછી પણ એટલું ખરું કે ગાંધીવાદી બુનિયાદી તાલીમને શહેર સ્વરૂપ આપી શકાય તે માત્ર એમણે જ કરી બતાવ્યું. મને લાગે છે દસમીમાં મારા વર્ગ શિક્ષક હતા રસીલાબહેન. એમની પૂર્વ તૈયારી, એમનું નિષ્પક્ષપાતી વલણ અને એમનું સંતુલન ગજબના હતા. ક્યારેય દોરવાઈ ન જાય અને ક્યારેય કોઈને અન્યાય ન કરે પણ સ્ટ્રિક્ટ ખરા. તોછડા નહીં પણ દૃઢતાથી શિસ્તપાલન કરે અને કરાવે. મને છેક સુધી કૉલેજના અનેક વર્ષો સુધી વર્ગમાં પુસ્તક લઈ જઈ વાંચવાની ટેવ હતી. વાંચવાની, સતત વાંચવાની એટલી જબરદસ્ત આદત હતી કે ટ્રેઈનમાં જતી હોઉં તો બીજા કોઈ વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તક મળે તો પણ વાંચું અને ત્યારે તો પ્લાસ્ટિક થેલી નહોતી એટલે છાપાંની થેલીમાં મોદીએ કાંઈ આપ્યું હોય તો તે પણ ખાલી કરીને વાંચ્યુું. લાંબા અભ્યાસકાળ દરમિયાન કોઈ એક શિક્ષકે મને પકડી હોય તો તે હતા રસીલાબહેન. આજે ૯૦ વર્ષે એ ઘરે રહી શાંત જીવન પસાર કરે છે. એમનામાં તમને ધાર્મિક, નૈતિક અને સામાજિક ચેતનાનો મેળ નજરે ચડે. પોતે જૈન ધર્મ પાળે પણ ખરેખર સ્વધર્મ પ્રેમીમાં જ જોવા મળે એવો એમનો સર્વ ધર્મ સમભાવ. લગભગ ૮૮ વર્ષ સુધી એમણે સ્વૈચ્છિક સેવાઓ આપી જેમાં અંધ બાળકો, મંદબુદ્ધિ વિદ્યાર્થીઓ અને વૃદ્ધ મહિલાઓ આવી જાય. સમાન કક્ષાની મિત્ર સ્ત્રીઓ જોડે અને એમને માટે પ્રવાસ આયોજન પણ કરે, ક્યારેક ફોન કરું તો ગ્રીસ ગયા હોય અને ક્યારેક શ્રીલંકા. આજીવન વિદ્યાર્થી રહે તે જ ખરા શિક્ષક.

લતાબહેન કરીમ તો કુંવારા હતા અને હજી ઝેવિયર્સ વગેરેથી ભણીને આવ્યા કે તરત જ અમારા શિક્ષક તરીકે આવેલા. મારાથી મોટી વયની ઘણી વિદ્યાર્થિનીઓ હતી. એમનાથી માંડ પાંચ-છ વર્ષ મોટા હશે. બધા વિદ્યાર્થીઓ એમની પાછળ ઘેલાં અને એમાં આગલી હરોળમાં હું. આ અમારા ગ્લેમર ગર્લ શિક્ષકબહેન જે રીતે અઘરામાં અઘરા ગણિતના દાખલા કે વિજ્ઞાનના મુદ્દાઓ સરળ કરી આપે તે તમે જોઈ રહો. હું જ્યારે બી.એ. થઈ પછી તરત જ કમાણીનું સાધન મેળવવું જરૂરી હતું. મારે મારા લગ્ન માટે પૂરી ખર્ચ વ્યવસ્થા પણ કરવાની હતી. બાકીના વર્ષો હું સાસરેથી ભણવા ગઈ. લતાબહેનના પતિ હાર્વર્ડ ગ્રેજ્યુએટ હતા. અમદાવાદની મેનેજમેન્ટ કૉલેજ આઈ.ઈ.એમ. હાર્વર્ડની મદદથી ઊભી કરાયેલી અને લતાબહેન ત્યાં પતિ જોડે ચાલી ગયા. આ બંને શિક્ષકો જે મૂકી ગયા તે મુંબઈની વિવિધ ભાષી શાળાઓ જોડેનાં આંતરસંબંધો અને પોતપોતાના વિષયોમાં વ્યાવસાયિક રીતે બીજાની જોડે રહીને કામ કરવા સ્થાપેલી સમાજ વિજ્ઞાન કલબ, ભૌતિક વિજ્ઞાન કલબ વગેરેમાં એમનું કામ મૂકી ગયા છે તે એમની જોડેની વર્ષા શિબિરો, આદિવાસી ગામડાંનો પ્રવાસ, ત્યાંથી મેળવેલા જ્ઞાનનો પાઠ્ય ક્રમમાં ઉપયોગ અને જ્ઞાનક્ષિતિજોનો વિસ્તાર કરતા રહેવાની ધગશ.

આ સૌમાં નેતૃત્વ હતું શ્રી વજુભાઈ પટેલનું. કમનસીબે પાછલા વર્ષોમાં એક નઠારા માણસની પેરવીઓથી એમણે ઘણુંં સહન કરવાનું આવ્યું. જોકે ધ્રુવના તારાની જેમ એ અચલ અને અડગ રહ્યા અને અંતે સત્યમેવ જયતે સૂત્ર સાચું પડ્યું. એ બધી ગંદકી યાદ કરવાને બદલે વજુભાઈના શૈક્ષણિક સત્કાર્યોને યાદ કરું છું. હું દસમીમાં હતી ત્યારે એ આચાર્ય તરીકે આવ્યા. ગૌર વર્ણ, લાંબી ઊંચાઈ, સફેદ ખાદીના બુશશર્ટ અને પેન્ટ. અમને સૌને કૌતુક થયું. આ વળી કોણ હશે? હોંશથી એ નવી નવી શિક્ષણ પ્રણાલીઓ શરૂ કરે અને એમાં સાથ ન પણ આપીએ. અપરંપાર સ્વસ્થતા અને શ્રદ્ધા કોઈને પણ તુંકારે બોલાવે નહીં. પણ એમણે જે ફેરફારો કર્યા તેનું મહત્ત્વ અમે સમજી શકેલા નહીં. એ વર્ગ ક્લાસ રૂમમાં લે તો ક્યારેક ઝાડ નીચે તો ક્યારેક વળી અગાશીમાં. અમને થાય આ શું વળી મહમદ તઘલખી જેવું. ધીરે ધીરે અમને જડબેસલાક વર્ગ વ્યવસ્થામાંથી આ બધું ગમવા લાગ્યું. એક બાજુ બધી બેંચો અને સામે હોય શિક્ષક તો એમાં જૂથ કાર્ય ક્યાંથી થાય? ખરેખર આ તો એક ફાંસીવાદી રસમ છે, એક જ દોરવે અને બીજા જાણે ઘેટાં એને બદલેે અમને લાઈબ્રેરીમાં જઈ વાંચવાનું અસાઈનમેન્ટ મળે. શિક્ષકોએ અનેક જાતની સચિત્ર સામગ્રીઓ અને પ્રકલ્પો તૈયાર કર્યાં હોય તેમાંથી માહિતી મેળવવાની હોય, ગ્રુપ ચર્ચા કરાતી હોય, નખશિષ ગાંધીવાદી વજુભાઈ પટેલ ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણેલા હતા. અમેરિકન ફિલસૂફ જ્હોન ડુઈ અને ગાંધીજીના શિક્ષણ વિચારોનો એમણે તુલનાત્મક અભ્યાસ કરેલો હતો. સામાજિક ઉપયોગિતાના કાર્ય દ્વારા જ શિક્ષણપ્રાપ્તિ થાય એ ડુઈ અને ગાંધીજી બંને માને, જોતજોતામાં શાળામાંથી પટાવાળો ગાયબ થઈ ગયો. આપણા વર્ગો તો આપણે જ સાફ કરવાના હોય ને! આચાર્ય પોતે સંડાસ સાફ કરે ત્યાં સફાઈ કરવી કે નહીં તે મરજિયાત આચાર્ય પોતે કરતા હોય એટલે કોઈ કોઈ સ્વેચ્છાએ જાય પણ ખરા. બીજો ગાયબ થઈ ગયો અમારો ભેળવાળો, હવે ઘરેથી રોટલી શાક લાવવાના હતા, પ્રિન્સિપાલ પણ હૉલમાં અમારી જોડે જ જમે અને શિક્ષકો પણ. કેન્ટિનમાં બાફેલા મઠ ને મમરા કે બટેટા પૌઆ જેવો સાત્ત્વિક નાસ્તો મળે અને એ પણ કોઈ વિદ્યાર્થિનીઓ જ પીરસે અને ખાનારા જાતે જ ચારઆના ત્યાં મૂૂકી દે. લાઈબ્રેરીમાંથી પુસ્તક લેવું હોય તો પુસ્તક જાતે લઈ રજિસ્ટરમાં જાતે જ નોંધી લેવાનું. પરીક્ષામાં માથે કોઈ દેખરેખ કરવાવાળું નહીં. એક વાર પેપર, ઉત્તરવાહિની, સપ્લિમેંટરી વગેરે મૂકી જાય પછી શિક્ષક ગાયબ. બધા જ વિદ્યાર્થીઓ ચોરટા છે એવું શા માટે માનવાનું? હું પોતે શિક્ષક બની ત્યારે સમજ પડી કે પરીક્ષામાં કોઈ ચોરી કરે તે શિક્ષકની નિષ્ફળતા છે કેએણે અભ્યાસપ્રીતિ, આત્મવિશ્ર્વાસ વગેરે જગાડ્યાં નહીં અને શિક્ષકગણની નિષ્ફળતા છે કે પોતે નૈતિક મૂલ્યો આપી શક્યાં નહીં. અને વળી નિષ્ફળતા શાની? રોજ પ્રાર્થના, રોજ કિશોરલાલ મશરુવાળાના સમશ્ર્લોકી અનુવાદ જોડે પ્રાર્થનામાં પઠન, રોજ આશ્રમ ભજનાવલિનો કોઈ કોઈ ભજન, કાયમ તમારી આંતરશક્તિ બહાર આવે એવાં સંગીત, કળા, સાહિત્ય, નેતૃત્વ તાલીમ વગેરેના ઉલ્લાસમય કાર્યક્રમો, રોજ તમારી પર વિશ્ર્વાસ મૂકીને બધુું ચાલતું હોય તો જ તમારામાં વિદ્યાર્થી અવસ્થાથી આત્મશ્રદ્ધા જાગવા માંડે, બે-ચાર ટકા વિદ્યાર્થીઓ ચોરી કરે તો પણ ૯૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓ, પ્રામાણિકતાથી પરીક્ષા આપે કે બીજા કાર્ય કરે તો એ તો ઉજ્જવળ પરિણામ કહેવાય.

આ બધી વાતો તો ચાલ્યા જ કરે પણ આ લેખમાળાના પ્રારંભમાં નાથાલાલ દવેની ભૂદાન અંગેની કવિતા કે ઝવેરચંદ મેઘાણીનાં રાષ્ટ્રગીતો મોઢે રહ્યાં. વિદ્યાર્થી ગણ અને સમાજને કેન્દ્રમાં રાખી આજે પણ અમારી ટીમનું અનેક ઝૂંપડપટ્ટીઓમાં કામ કરવું એ જે કાંઈ શક્ય બન્યું તે શિક્ષકોને કારણે જીવનના કારમા વર્ષોમાં એ સહારો બન્યાં આધુનિક શિક્ષકો. ક્યારેય ચરણસ્પર્શ કર્યો નથી. એમને એ ગમે પણ નહીં. આ ત્રણે અને અન્ય મારા શિક્ષકો અને અમે માત્ર હાથ જોડીને એકબીજાને નમસ્તે કહીએ. સમાજ અને રાષ્ટ્ર જોડે સાંકળી રાખે તેવી તાલીમ આપી વજુભાઈ ગુજરી ગયા ત્યારે એમને એકસોમું વર્ષ ચાલતું હતું. રસીલાબહેન હવે ૯૭ વર્ષે બહાર કામ કરવા જતા નથી. લતાબહેન આજે પણ મુંબઈ અને ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓ જોડે સંકળાયેલા છે. ૮૫ વર્ષે મધ્ય મુંબઈથી બસમાં આવવું કે અંધેરીથી લોકલ પકડી જવું એ એમનો ડાબા હાથનો ખેલ. સૌ સાચા શિક્ષકો, સર્વોદયીઓ અને ગાંધીવાદીઓ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

P83560l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com