21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મળો ‘સુમો’દીદીને

કવર સ્ટોરી - દર્શના વિસરીયાસ્પોર્ટ્સ અને ગુજરાતીઓને દૂર દૂર સુધી સંબંધ નથી એવી સર્વસામાન્ય માન્યતા છે, પણ આ માન્યતાને અને ગુજરાતીઓ સ્પોર્ટ્સમાં ખાસ કશું કરી શકતાં નથી એવી ઈમેજને તોડવાનો નિર્ણય એક ગુજરાતી ક્ધયાએ કર્યો અને તેણે સ્પોર્ટ્સમાં આગળ વધવાનું નક્કી કર્યું. સ્પોર્ટ્સ પણ તેણે એવી પસંદ કરી કે જેમાં તે એકમાત્ર ભારતીય મહિલા હોય એવી. પહેલવાની અને એક છોકરી અને એમાં પણ એ છોકરી જ્યારે ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી આવતી હોય ત્યારે તો એને કેટલી મુશ્કેલીઓ પડી હશે એની કલ્પના તો આવી જ ગઈ હશે.

ત્રીસેક વર્ષની ઉંમર, પાંચ ફૂટ છ ઈંચ ઊંચાઈ. ગોરો વાન અને એકદમ ગોળમટોળ ચહેરો. આ પરિચય છે ભારતની એક માત્ર મહિલા સુમો રેસલર રહી ચૂકેલી હેતલ દવેનો. સુમો રેસલિંગનું નામ આવે તોે સૌથી પહેલાં જ આ સ્પોર્ટ્સ સાથે કોઈ દેશનું નામ જીભ પર આવે એ જાપાન જ હોય. જુડોની માસ્ટર હેતલ દવેએ મુંબઈ યુનિવર્સિટમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. હેતલના પિતા એક ખેલાડી હતા અને બાળપણથી જ હેતલને પણ તાકાત સાથે સંકળાયેલી જ કોઈ રમતમાં પોતાની કારકિર્દી બનાવવી હતી.

આ અંગે હેતલ કહે છે કે ‘જ્યારે મેં જૂડોની પસંદગી કરી અને તેની ટ્રેનિંગ લેવા લાગી ત્યારે એ જ સેન્ટરમાં મેં કેટલાય પુરષ ખેલાડીઓને સુમો રેસલિંગની ટ્રેનિંગ લેતા જોયા અને મનમાં થયું કે સુમો રેસલિંગમાં આગળ વધીશ તો કેવું રહેશે? અને બસ સુમો રેસલિંગ પર જ આખું ફોકસ આવી ગયું.

સુમો રેસલિંગની ટ્રેનિંગ તો શરૂ કરી દીધી પણ પ્રેક્ટિસ કરવા માટે હેતલની સામે કોઈ મહિલા નહોતી નથી. હવે શું કરવું એવો સવાલ ઊભો થયો. પણ આનો જવાબ પણ હેતલના ઘરમાં જ હતો. હેતલે તેના ભાઈ સાથે સુમો રેસલિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું અને તેની સાથે જ પ્રેક્ટિસ પણ કરી. ૨૦૦૮માં હેતલે આંતરરાષ્ટ્રીય સ્તરે ટુર્નામેન્ટ રમવાનું શરૂ કર્યું અને એક સમય એવો પણ હતો કે હેતલ વર્લ્ડ રેંકિંગમાં પાંચમા નંબર પર હતી. હેતલે તેની કારર્કિદી દરમિયાન બે વર્લ્ડ ચેમ્પિયનશિપ, વર્લ્ડ ગૅમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

પોતાના આ સ્પોર્ટ્સ વિશેના શોખ વિશે વાત કરતાં હેતલ કહે છે કે ‘જે ઉંમરમાં છોકરીઓ બાર્બી ડૉલ અને ઘર ઘર રમવામાં અને કાર્ટુન જોવામાં વ્યસ્ત હતી એ ઉંમરમાં હું જૅકી ચેન અને બ્રુસ લીની ફિલ્મો જોતી હતી. હંમેશા કંઈક અલગ કરવાના વિચારો બાળપણમાં મગજમાં ચાલતાં રહેતા. પિતાએ પણ મને કરાટે ક્લાસમાં ટ્રેનિંગ અપાવવાનું શરૂ કર્યું.’

વાત-ચીતનો દોર આગળ વધારતાં તે કહે છે કે ‘સાત વર્ષની ઉંમરે હું પહેલી ટુર્નામેન્ટ રમી હતી. અને જ્યારે પુરુષોની સ્પૉર્ટસમાં પ્રવેશનારી હું પહેલી મહિલા હતી, એટલે મારે ટીકાના ભોગ પણ બનવું પડ્યું. ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી આવતી હતી એ પણ મુદ્દો તો હતો જ. જે સમાજમાં છોકરીઓને ભણાવવા-ગણાવવા પર જ ખળભળાટ મચી જતો હોય એવા સમાજમાં છોકરી રમવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે શું થાય તેની કલ્પના તો તમે કરી જ શકો. પાછું મેં રમત પણ એવી પસંદ કરી હતી કે જેમાં પુરુષોનું આધિપત્ય હતું. સુમો રેસલિંગ તો પુરુષો જ રમે અને તે પણ અર્ધનગ્ન થઈને. આવી રમતમાં જો કોઈ ભારતીય છોકરી ઝંપલાવે તો સમાજમાં તેની શું-શું પ્રતિક્રિયાઓ આવી હશે એની કલ્પના કરી શકાય. તેમ છતાં મારા પરિવારે મને પૂરો સપોર્ટ આપ્યો અને મને આ રમતમાં આગળ વધવા દીધી. અરે લોકોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે આ છોકરીને કયો છોકરો પરણવા તૈયાર થશે?’

એવું નથી કે હેતલે હંમેશાં જ જીવનમાં સફળતા મેળવી છે. જિતનો સ્વાદ ચાખનારી હેતલે હારના કડવા ઘૂંટડા પણ પીધા છે. એ વિશે હેતલ કહે છે કે ‘ઘણી વખત મને હારનો સામનો પણ કરવો પડ્યો છે. મારી જગ્યાએ કદાચ બીજી કોઈ છોકરી હોત તો ક્યારનીય હિંમત હારીને આ રમતને ટાટા-બાય બાય કરી ચૂકી હોત. પણ મેં બધું જ ભૂલીને બસ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો.’

અભ્યાસ અને પરિવારના સપોર્ટ વિશે વાત કરતાં તે જણાવે છે કે ‘બાળકો સારા માર્ક્સ લાવવા માટે ભણતા હતા. પણ હું માત્ર પાસ થવા માટે ભણતી. પણ મારા માતા-પિતાએ ક્યારેય આની સામે વાંધો નહીં લીધો, કારણ કે એમને ખબર હતી કે મારું હિત શેમાં છે. તેમણે જ મને હંમેશાં મારા સપનાઓનો પીછો કરવાનું શીખવાડ્યું હતું.’

નવમા ધોરણમાં હેતલ નાપાસ થઈ, જેને કારણે તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવી. પણ નવી સ્કૂલમાં હેતલને તેની સ્પોર્ટ્સ પ્રત્યેની લગનને પૂરતો સપોર્ટ મળ્યો અને આ જ સપોર્ટ તેને કૉલેજ લાઈફમાં પણ મળ્યો.

હેતલે વર્લ્ડ ૨૦૦૯માં તેણે તાઈવાનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની મિડલવેઈટ કેટેગરીમાં પાંચમુ સ્થાન મેળવ્યું હતું. ‘સુમો’ દીદીના નામે ઓળખાતી હેતલ દવેએ નામ અને ખ્યાતિ ઘણી કમાવી પણ સરકારની આ રમત પ્રત્યેની નિરસતાને કારણે આખરે આ રમતમાંથી તેણે ફરજિયાત નિવૃત્તિ લેવી પડી. સરકાર આ રમતને હજી પણ સત્તાવાર રમત તરીકે સ્વીકારી શકી નથી અને તેને કારણે આ રમતમાં કંઈક કરી દેખાડવા માટે હેતલે પોતે જાતે જ સ્પોર્ન્સર્સ શોધવા પડ્યા અને તેણે જે પણ કંઈ સિદ્ધિ હાંસિલ કરી એ તેના પરિવારના અને પોતાની જાતમહેનતના જોરે જ મેળવી છે એવું કહી શકાય.

હેતલને આજે પણ આ વાતનો વસવસો છે અને તે વસવસો વ્યક્ત કરતાં જણાવે છે કે ‘મને ખૂબ જ દુ:ખ છે એ વાતનું કે એક સન્માનનીય, પારંપારિક અને પ્રસિદ્ધ રમતને ભારતમાં જોઈએ એટલું માન નહીં મળ્યું. કોઈ પણ પ્રકારની સરકારી મદદ વિના, સ્પોન્સર વિના આ રમતમાં આગળ વધવું એ ખૂબ જ અઘરું છે અને બસ મેં પણ આખરે સુમો રેસલિંગમાંથી નિવૃત્ત થવાનું જ મુનાસિબ માન્યું.’

સામાન્યપણે નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીને ભારત સરકાર દ્વારા નોકરી આપવામાં આવે છે. પણ સુમો રેસલિંગને સરકારે જ સત્તાવાર રીતે રમત તરીકે નહીં સ્વીકારતા હેતલને કોઈ સરકારી નોકરી પણ નહીં આપવામાં આવી. જોકે હિંમત હાર્યા વિના હેતલે કેટલાય મોટા સરકારી અધિકારીઓને આ બાબતે પત્રો લખ્યા પણ પરિણામ તો શૂન્ય જ આવ્યું.

આજે હેતલ પોતે જ એક શિક્ષક બનીને બાળકોને ટ્રેનિંગ આપે છે એ વિશે વાત કરતાં તે જણાવે છે કે ઘણા બાળકો સુમો રેસલિંગમાં કરિયર બનાવવા માગે છે, પણ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના અભાવે આ બાળકોના સપનાં અકાળે જ મરણ પામે છે. મારી પાસેથી જ ટ્રેનિંગ લઈ રહેલો જ એક વિદ્યાર્થી હાલમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું છે. હું ભવિષ્યમાં પણ બાળકોને ટ્રેનિંગ આપવાનું ચાલુ જ રાખવા માગું છું. મારું એક જ લક્ષ્ય છે કે સુમો રેસલિંગમાં ભારતને જેમ બને એમ વધુને વધુ મેડલ અપાવવાનું...’

એક દીકરી કે કદાચ જેનું પોતાનું સપનું અધૂરું રહી ગયું એ દીકરી નથી ઈચ્છતી કે જે તેની સાથે થયું એ બીજા બાળકો સાથે ન બને. પોતાના લક્ષ્યને હેતલ હાંસલ કરે એવી શુભેચ્છા...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

654m2o
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com