21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક સાહિત્યિક બ્રોકર

વાહ જનાબ! - મયૂર ચૌહાણહમણાં હમણાં મકાન જોવાનું થયું. ઘરનું ઘર લેવું કેટલું મુશ્કેલ છે એ આ સાડા ત્રણ વર્ષમાં હું અનુભવી ચૂક્યો છું. જેવો માણસ હોય તેને તેવા પ્રકારની વ્યક્તિ સાથે જ ભેટો થાય. પતિ અને પત્ની માટે કહેવામાં આવે છે કે સરખે સરખા જોડકણા કોઇ દિવસ શોધાય નહીં.

મારે મકાન જોવાનું થયું ત્યારે મેઇન એસ્ટેટ બ્રોકરે મને કહ્યું હતું કે, ‘આ બ્રોકરથી થોડા ચેતીને રહેજો, કારણ કે આ પહેલા તેઓ સાહિત્યનું કામ કરતા હતા, વચ્ચે તેમણે કૃષ્ણ પર લખવાનો એક નિષ્ફળ પ્રયાસ કરેલો કારણ કે તેમનું માનવું હતું કે સાહિત્યમાં કૃષ્ણ પર લખાઇ તો જ સાહિત્યકાર બનાય તેવી હવે સાહિત્યમાં ઓળખ બની ગઇ છે.’ તેમના ગળાના રણકાર પરથી લાગ્યું કે તેઓ વાત ઓછી કહી રહ્યા છે અને ચેતવણી વધારે આપી રહ્યા છે.

મને થયું કે સાહિત્યના ક્ષેત્રમાં તેમણે ખેડાણ કરેલું છે તે વળી ક્યું સાહિત્ય હશે? જો હાસ્યસાહિત્ય હશે તો નક્કી આપણી આડે એકાદવાર તો આવી જ ગયા હોવા જોઇએ, પરંતુ કૃષ્ણ વિશે સાંભળ્યું એટલે એકાદવાર નવલકથા હેઠળથી પસાર થઇ ગયા હોવાનું મને લાગ્યું.

આમ પણ ભારત દેશમાં હવે સાહિત્યકારોની કમી નથી રહી. પહેલા સિંહો ઓછા હતા એટલા માટે સરકારે તાત્કાલિક પગલાં ભરી સિંહોની વૃદ્ધિ કરી નાખી. તો ઓનલાઇન સાહિત્ય આવતા સાહિત્યમાં વૃદ્ધિ થઇ પણ સમૃદ્ધિ મરી પરવારી.

મેં બ્રોકરનું નામ પૂછ્યું તો તેમણે કહ્યું રા.પ્રેમલ. આવા કોઇ લેખક મને અત્યાર સુધી ભટકાયા નહોતા. આમ પણ કવિ અને નવલકથાકાર હવે રસ્તામાં દરેક અથડાતો ભટકાતો માણસ બનવા લાગ્યો છે. તેમાં કવિ હજુ મળી જાય, પરંતુ નવલકથાકાર તો ભાગ્યે જ મળે. ઉપરથી નામ આગળ ચોંટાડી દીધેલા રા.ના કારણે તેઓ મને જ્યોતિન્દ્ર દવેના સમયના વૃદ્ધ માણસ હોવાના ભણકારા વાગવા લાગ્યા. જ્યોતિન્દ્રનું પુસ્તક મારી નોંધપોથીના પ્રથમ નહીં તો બીજા પાને આવા રા નામધારી લેખકો આવ્યા કરે છે.

ઇસ્કોન ચાર રસ્તા પાસે હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ ભાદરવાનો તડકો ખાતો ઊભો હતો. અચાનક અશ્ર્વિની ભટ્ટની નવલકથાનો નાયક જેમ કારના ટાયરને જમીન સાથે મિલન કરાવતો આવે તેમ રા.પ્રેમલ આવ્યો. રા.પ્રેમલથી મને લાગ્યું કે આ શ્રીમાન નક્કી ઉત્તર પ્રદેશ કે દિલ્હી બાજુના હશે અને હિન્દીના નવા એસ્ટાબ્લિશ લેખક હશે, પરંતુ પ્રારંભિક વાતચીતનો દોર શરૂ થતા મને થયું કે આ તો અમદાવાદની જ બલા છે. ઉપરથી અનુ-આધુનિક યુગમાં જીવનારા માણસ છે.

ગાડીમાં બેસાડી મને લઇ ગયો એક એપાર્ટમેન્ટ પર. હજુ નવો જ બન્યો હતો. કલરકામ સાથે આલીશાન ઇમારત મારી આંખોને મંત્રમુગ્ધ કરી રહી હતી, પણ મને શું ખબર મંત્રમુગ્ધ થવાનો તો હવે મારો વારો આવવાનો છે. મારું બોલવાનું બંધ થયું અને તેની જીભ ચાલુ થઇ...

બીજા વિસ્તારોમાં જ્યાં વાતાવરણ તંગ અને તનાવભર્યું હોય છે તેના કરતાં અહીં વિપરિત સંજોગો ઊભા થશે. પક્ષીઓનો મંત્રમુગ્ધ કરી દેતો અવાજ સાક્ષાત તમારી અંદરના નાયકને જગાડશે, હવે તમે નાયક છો તેની પ્રતીતિ કરાવું તો, કુલ ગણીને ૫૩ બ્લોક ધરાવતા આ આલીશાન એપાર્ટમેન્ટમાં કોઇ કામિની પોતાની હરકતથી તમારા જીવનમાં ખલેલ પહોંચાડી શકે છે જેની પાછળનું કારણ માત્ર આ એપાર્ટમેન્ટના બિલ્ડરો દ્વારા પ્રદાન કરવામાં આવેલ હાઇટેક સ્વિમિંગપુલ. જેમાં અક્ષતયૌવના જેવી સ્ત્રીઓ જળમધ્યે ડૂબકી લગાવી તમારી અંદરના કામદેવને પોતાના ટૂંકા આંતરવસ્ત્રોથી ઉત્તેજિત કરશે. તો માત્ર આજ એપાર્ટમેન્ટના બિલ્ડર દ્વારા નિર્મિત આલીશાન જીમ જેમાં દુર્બળ નાયકો શરીરને સૌષ્ઠવ બનાવી સબળ નાયકમાં ખુદનું પરિવર્તન આણી શકશે. જેનાથી કામિનીઓ મોહી જાય તો વિસ્મય નહીં!

જ્યાં બીજા બિલ્ડરો તમારી સાથે કરામત કરી નબળી લિફ્ટો પકડાવી દેતા હોય છે, ત્યાં અહીં ખાસ ઓમેગાની લિફ્ટ આપવામાં આવી છે. જેના કારણે શરીરનું તાપમાન જળવાઇ રહેશે, શરીરમાંથી લખલખુ પસાર નહીં થાય, માથાની નસો તંગ નહીં બને, વારંવાર લિફ્ટ બંધ થવાના કારણે હાથની મુઠ્ઠી કસોકસ નહીં ભીંસાય, ભ્રૂકુટીઓ નહીં ચડે.

કોઇવાર એવા દુન્યવી સંજોગોનું પણ સર્જન થશે કે, લિફ્ટમાં તમને કોઇ સાથે તારામૈત્રક થઇ જાય અને પછી કોઇવાર આ તારામૈત્રક ચુંબનમાં પરિણમે. ઉપરથી તમારું નાક તીક્ષ્ણ, લાંબું અને અણિયારું હોવા છતાં તમને એક વાતની હું ચેતવણી આપું છું કે નાયિકાનાં ઉત્તેજિત વસ્ત્રો, ઉભારો અને નિતંબોને જોઇ તસતસતું ચુંબન ન કરી બેસતા, કારણ કે આ માટે અહીં બિલ્ડર દ્વારા લિફ્ટમાં પણ અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

તેણે બારણું ખોલ્યું અને આગળ ચલાવ્યું, તો આ છે ફ્લેટ ખરીદનારા નાયકનું આવાસ સ્થાન. રૂમમાં પ્રવેશ કરતા જ આછા રંગના રતાશ પડતા બલ્બ જગારા મારતા દેખાશે. સામે ચીમળાઇ ગયેલી અવસ્થામાં પડેલો સોફો ફ્રી આપવામાં આવશે. અહીંથી ઊભા ઊભા બારી બહાર દેખાતું દ્રશ્ય તમારા મનને ઝકઝોળી શકે છે. કારણ કે જો તમે આ ફ્લેટ લેશો તો વૃંદાવનરાયે જ સામેના ફ્લેટને લીધેલો છે. જેઓ શરીરે હુષ્ટપુષ્ટ અને દોલતીજીવ છે. જેમની દીકરીનું શરીર આરસપહાણ જેવું છે. કામદેવે તેના સર્જન માટે વિશ્ર્વકર્માને ખાસ અપોંઇન્ટ કર્યા હોય તેની ઝાંખી આ ફ્લેટથી જ સેવાશે.

ત્યાં દૂર નભ અને આકાશનો મેળ થતા ક્ષિતિજની રેખા અંકાતી દેખાશે. જેનો ખૂણો માત્ર તમારા જ ફ્લેટમાંથી દૈદિપ્યમાન થઇ રહ્યો છે. જે વાતમાં કોઇ સંશય નથી. પહેલા પણ નિષ્ઠુર, દુર્બળ અથવા તો માલેતુજાર લોકો આ ઘર પર મીટ માંડીને બેઠા હતા. પણ બિલ્ડરને તમને મકાન દેવું જ યોગ્ય લાગતું હોય તેમ પાંચમા માળનો આ ફ્લેટ ખાસ તમારા માટે જ બચાવીને રાખ્યો છે.

અહીં આવો, આખો દિવસ પ્રસ્વેદબિંદુઓથી દુર્ગંધ મારતા શરીરને સાફ કરવાની આ અલભ્ય વસ્તુ તમને બીજા કોઇ બિલ્ડરોના ફ્લેટમાં દ્રશ્યમાન નહીં થાય. એવું વિશાળ અને મહાકાય આ સ્નાનાગર. જેમાં માત્ર તમે જ નહીં, બીજા ચાર પાંચ લોકો પણ સ્નાન કરવાને ઇચ્છુક હોય, તો માહી ઘુસાડી શકાય છે.

નેત્રહીન લોકોને પણ જેની સુગંધથી પારાવાર લખલખું પસાર થઇ જાય તેવું ખાસ ઇટાલિયન ટોયલેટ. અગ્રભાગથી તે ભદ્રંભદ્રના પેટ જેવું તો કોઇ લોકપ્રિય નવલકથાની નાયિકાના નિતંબો હોય તેવું તેના પશ્વભાગેથી પ્રતીતિ થઇ રહેલું તમને નથી ભાસી રહ્યું ?

અહીં આવો, સૂર્યના પ્રથમ કિરણોને આંખથી મમળાવવાનો લહાવો જેને સાંપડે તે માણસના પ્રારબ્ધને કવિવર દલસુખરાયે ઇશ્ર્વરની સમકક્ષ ગણ્યો છે. આ પ્રથમ રૂમમાં તમને સવારના ઠંડા સૂર્યના કિરણો શરીર પર અડકતા જ તમારી તૃપ્તિની મહેચ્છા સંતૃપ્ત થઇ જશે. સવારમાં જ વિહવળ થયેલી તમારી આંખો અને ચિંતામગ્ન સવારને આ રૂમ તાજગી આપવા માટે કટીબદ્ધ અને અણીશુદ્ધ હોય તેવું નથી લાગી રહ્યું.

જો સાહિત્યિકજીવ હોય તો આ રૂમ પર બિરાજમાન થઇ સતત એક વર્ષ સુધીના શ્રમ દ્વારા તમે કલાપીના કૈકારાવ જેવો દળદાર ગ્રંથ પણ લખી શકો છે. કારણ કે હજુ આ જ રૂમની સામે દોલતીજીવનો ફ્લેટ દેખાઇ રહ્યો છે. કદાચ અહીં રહેનારાના મગજમાં પણ ઊર્મિઓનો સંચાર થાય અને સાક્ષાત કવિ હોવાની લાગણીની અનુભૂતિમાંથી તે પસાર થાય, તો પછી તેને કવિ બનતા કોણ રોકી શકે? અહીં આવો...

વત્સ આ આટલી મોટી બારી અહીંથી છલાંગ મારવા માટે નથી રાખવામાં આવી. જીવનનો અંત આણવો તે તો પાપાત્મક કૃત્ય છે. ઇશ્ર્વરના દરબારમાં જઇ શું આન્સર આપશું?

સાંજના આ દૃશ્ય અત્યંત આહ્લાદક હોય છે. પંખીઓનો મધુર કલરવ તમારા કર્ણપટલને શાંતિ આપવા માટેનું કાર્ય કરશે. નાના ભૂલકાઓની રમતો તમારી આંખને ટાઢક આપશે. આખા દિવસના કામના ભારના કારણે ર્જીણ થયેલું આપનું શરીર સુરેશ જોશીની થીગડું વાર્તાના ત્રીજા પાત્ર રાજકુમાર ચીરાયુની જેમ અમરત્વ પામશે. ગાર્ડનમાં રહેલી લીલોતરી તમારા ચક્ષુને સાંત્વના આપવાની કારીગરીનું એક અલભ્ય અંગ છે, જેની તો મને પણ અત્યારે જ માહિતી મળી. સમસ્ત વિશ્ર્વમાં જેના આધારથી જ આ નિરાધાર ધરતી પાવન બની રહી છે તેવા આ ફ્લેટના માલિકને ગાર્ડન વિના તો કેમેય કરીને ચાલે?

ઘરનો ખૂણો એટલે રસોડું, જેના વિના આ અકલ્પિત દુનિયાની કલ્પના કરવી ગ્રાહ્ય નથી. અહીં રહેતો ભોજન માટેનો સર્વે સામાન અહીં અગ્નિશામક દ્વારા પકવવામાં આવતા ભોજનની સુગંધ તમને સતેજ કરી રહી હોય તેવી તમારી ભાવભંગિમાઓથી મને લાગી રહ્યું છે. પરંતુ તમારી વાણીને અહીં રજૂ કરવાનો કોઇ અર્થ સરતો નથી, કારણ કે હું તમને અહીં લાવ્યો છું, તો મારું એ કર્તવ્ય છે કે અહીંના ખૂણે ખૂણેથી તમને માર્ગદર્શન મળી રહે તેવો તમામ ચીઠ્ઠો પીઠ્ઠો હું ખોલી નાખું. હવે કહો આ ફ્લેટ વિશે તમારું શું મંતવ્ય છે?

હું બહાર નીકળી ગયો અને બીજા દિવસની સવારે મારા પર બિલ્ડરનો ફોન આવ્યો, ‘તો જનાબ તમને એ ફ્લેટ કેવો લાગ્યો? ક્યારે બુકિંગ કરો છો? એટલે વહેલી તકે આપણે બધી પ્રોસિઝર પતાવી શકીએ.!’

‘ક્યારેય નહીં’

‘મને વિશ્ર્વાસ હતો કે એ બ્રોકર તમને એક દિવસ માટે તો ગાંડો કરીને જ રહશે, ત્યારે ચાલો મળીએ પછી..’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

E45850h7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com