| સંબંધો બીમાર છે... |
|  સંબંધોની એબીસીડી - કાજલ રામપરિયા
ટૅક્નોલૉજીએ સંવેદનાથી છલોછલ આજના માનવીઓને રોબોટ બનાવી નાખ્યાં છે અને આ એક કડવું છતાં વાસ્તવિક સત્ય છે. પ્રેમની પરિભાષા તેઓ સમજી શકતાં નથી અને ફક્ત પોતાના સ્વાર્થ માટે જ જીવન જીવવા માગે છે. સંબંધોની સિંચાઇ કરવાનું તો જાણે ભૂલી જ ગયાં છે. તમે પણ આ અંગે વિચાર કરશો ત્યારે અંદરથી એક સવાલ થશે કે ખબર નહીં આજના સંબંધોને શું થયું છે?
આજકાલના સંબંધો લાગણીથી નહીં, પણ સ્વાર્થથી બંધાઇ રહ્યા છે. લગ્ન કરવા લાયક વ્યક્તિને જ્યારે પૂછવામાં આવે કે તમને કેવો લાઇફ પાર્ટનર જોઇએ છે તો જવાબ મળશે કે મને કોઈ એવી વ્યક્તિ જીવનસાથી તરીકે જોઈએ છે જે મારા અંગત જીવન પર નજર ન રાખે, તેની સાથે હું સંબંધમાં બંધાઉં, પણ તેની સાથેના તમામ સંબંધોના બંધનોથી હું મુક્ત હોઉં.
આજના યુવાનિયાઓની આવી પ્રેક્ટિકલ વિચારધારા વિશે શું કહેવું એ સમજાઇ રહ્યું નથી. સામાન્ય રીતે બે પ્રેમીઓ તેમના સંબંધો વચ્ચે અંગત વાતો છુપાવતા નથી હોતા, પણ આજના લોકોને બધી અંગત બાબતો છુપાવવી હોય એટલે તેને સ્પેસનું નામ આપી દે છે. મને સંબંધોમાં સ્પેસ જોઇએ છે એવો કૉમન ડાયલૉગ મોટા ભાગના યુવાવર્ગના જીભ પર હોય જ છે. આ જ પ્રોબ્લેમ છે કે તેઓ સંબંધોને રમત સમજી બેસે છે, જ્યારે તેમને કિંમત સમજાય છે ત્યારે મોડું થઇ ચૂક્યું હોય છે.
પતિ-પત્નીના સંબંધો પણ હવે પહેલા જેવા નથી રહ્યા! પહેલા તો પતિ ઘરનો નાણા પ્રધાન અને પત્ની દેવી અન્નપૂર્ણા એટલે કે ગૃહિણીનો રોલ ભજવતાં હતાં, જેથી સંસારનું ગાડું સુખેથી ચાલી શકે. આજે તો પતિ અને પત્ની બંને સરખા પાત્રો ભજવે છે, કે પછી અમુક કેસમાં પત્ની પૈસા કમાય છે અને પતિ ઘરનું ધ્યાન રાખે છે. બંનેમાં કોઇપણ જાતનો ભેદભાવ ન રાખવો જોઇએ એ વાત તો બરાબર છે, પણ આ સરખામણીવાળા જમાનામાં લોકોને સંબંધોની કિંમત સમજાતી નથી. એવું નથી હોતું કે આજકાલના લોકો લાગણીશીલ નથી, ફરક એટલો થઇ ગયો છે કે હવે લાગણીઓ ક્ષણિક બની ગઇ છે. દંપતી લગ્ન કરીને એક ઘરમાં તો રહે છે, પણ ફક્ત શારીરિક રીતે, માનસિક રીતે તો તેઓ એકબીજાથી દૂર રહે છે, જે સંબંધોની ઉંમર માટે ખૂબ જ હાનિકારક છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે પતિ અને પત્ની બન્ને નોકરી કરતાં હોય! સંબંધો ન ટકવાનું મુખ્ય કારણ વાતચીત, માનસિક તણાવ અને ટૅકનોલૉજીનો વધુ પડતો વપરાશ હોઇ શકે છે.
પહેલી વાત તો એ છે કે બંને પોતાના વ્યાવસાયિક જીવનને ઊંચાઇ સુધી પહોંચાડવા માટે કમરતોડ મહેનત તો કરતાં જ હોય છે. આ મહેનત અને તેમના ભવિષ્યના લક્ષ્ય પાછળ ભાગતાં ભાગતાં પોતાના અંગત જીવનને તો જાણે ભૂલી જ જાય છે. સંબંધોને સાચવવાની મુખ્ય ચાવી તો વાતચીત અને પ્રેમ જ છે. તમે જો દરેક વાતો તમારા પાર્ટનરને કહેશો તો તે સારું અનુભવશે અને તેનો વિશ્ર્વાસ તમારા પ્રત્યે બમણો થશે. બંને જણા જૉબથી થાક્યા પાક્યા જ્યારે ઘરે આવે છે ત્યારે એક સાથે એક જ થાળીમાં જમવું જોઇએ, આખા દિવસ દરમિયાન તમારી સાથે શું થયું એ વિશેની ગુફ્તે ગૂ કરવી જોઇએ. તમારા સંબંધોમાં આવતી મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવી જોઇએ જેથી દોરી રૂપી સંબંધના તાતણા વધુ મજબૂત થશે અને તમારું અંગત જીવન સુખમય પસાર થશે.
પણ દુ:ખની વાત એ છે કે આવું ભાગ્યે જ થઇ રહ્યું છે. જેટલા જલદી સંબંધ બંધાતા નથી તેનાથી વધુ જલદી તો તે તૂટી જાય છે. તમે તમારા જ આસપાસના પરિસરમાં નજર ફેરવીને જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન કરતાં વધારે તો ડિવોર્સ થઇ રહ્યા છે. આજનો મોડર્ન વિચાર ધરાવતો યુવાવર્ગ વચનોમાં બંધાતા ડરે છે. તેથી તેમના સંબંધો વધુ ટકી શકતાં નથી.
બીજુ મુખ્ય કારણ ટૅક્નોલૉજી છે. લોકો એટલા ટૅક્નોસેવી બની ગયા છે કે તેમને પોતાના સિવાય બીજું કોઇ દેખાતું જ નથી. ફેસબૂક, વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, સ્નૅપ ચેટ જેવી બીજી અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પોતાના સમયનો વેળફાટ કરશે. સોશિયલ મીડિયા પર આમ તો તે બધા સાથે કનેક્ટ હશે, પણ તેની આસપાસના સંબંધો પર ધ્યાન આપવામાં અસમર્થ રહેશે. આજના બધા જ લોકોની આ જ એક મોટી મુસીબત છે કે સોશિયલી તો બધા સાથે વાતચીત કરશે, પણ માતા-પિતા સાથેના અને પતિ-પત્નીના સંબંધોમાં દૂરી આવી જાય છે. ખાસ કરીને દંપતીના જીવનમાં સૌથી વધારે અસર થાય છે. તેમાંય આ ટૅક્નોલૉજીના વધુ પડતાં વપરાશને કારણે તેમની સેક્સ લાઇફ પણ એકદમ નીરસ થઇ જાય છે. આખો દિવસ નોકરી કર્યા બાદ જ્યારે ઘરે એકાંતમાં સમય મળે ત્યારે સોશિયલ મીડિયા પર સમય વિતાવવાનું પસંદ કરતાં હોય છે.
રાત્રે સૂતી વખતે એક જ બૅડ પર હોવા છતાંય બંને પોતપોતાના મોબાઇલમાં સમય વ્યતીત કરતાં હોય છે, જેથી તેમના સંબંધોને ટકાવી રાખવા ખૂબ જ મુશ્કેલ છે. નાની નાની વાતોથી સંબંધો મજબૂત અને ગાઢ બને છે. જોકે, હવે આવું થઇ રહ્યું નથી. આ બધી વાતોની જગ્યા તો આજકાલ મોબાઇલ અને લૅપટોપે લઇ લીધી છે. આજના કોમ્પિટિશનભર્યા અને મોંઘવારીવાળા જમાનામાં પતિ અને પત્ની બંનેની આવક મહત્ત્વપૂર્ણ હોય છે. તો જ આપણે એક સારું જીવન જીવી શકીએ છીએ. ઇન્કમ તો આવે છે પણ લાગણીઓ જતી રહે છે એ અંગે કોઇ ધ્યાન આપવા તૈયાર થતું નથી. એટલું જ નહીં કળયુગના આ મોડર્ન પતિ-પત્ની તો માતા-પિતાની જવાબદારીઓ ઉઠાવવા પણ તૈયાર થતાં નથી. ટૂંકમાં કહીએ તો આજની પેઢી કમિટમેન્ટથી ડરે છે. તેમને ડર એ વાતનો છે કે જો હું આ સંબંધને નિભાવી ન શક્યો તો મને ઘણી તકલીફો આવશે.
આજથી ત્રણથી ચાર દાયકા પહેલા વિવાહ એડ્જસ્ટમેન્ટથી થતાં હતાં. પતિ અને પત્ની એકબીજા સાથે ગોઠવણ કરીને જીવન ગુજારતાં હતાં. એવી સહનશીલતા આજની પેઢીમાં બિલકુલ રહી નથી. વધારે ભણેલા લોકો પોતાનું જીવન લગ્ન બાદ પણ પોતાની શરતો પર જીવવા માગતા હોય છે. આવી પરિસ્થિતિમાં સવાલો ઊઠી રહ્યા છે કે આજકાલના સંબંધોને થયું શું છે?
યુવાનિયાઓ એકબીજા તરફ આકર્ષિત તો થાય છે, પણ વચનોમાં બંધાઇ રહેવા નથી માગતાં. હાલની તારીખમાં સંબંધોને બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, પણ તેને તૂટતા એક ક્ષણ પણ લાગતી નથી. આ જ એક કારણ છે આજના લોકો સંબંધોને ઊંડાણપૂર્વક સમજી શકતાં નથી. ખાસ કરીને તેઓ પોતે જ નિર્ણય લેવામાં અક્ષમ હોય કે તેમને આ સંબંધોમાં રહેવું જોઇએ કે નહીં. લોકો એવું વિચારે છે કે જ્યાં સુધી ગાડી ચાલે છે ત્યાં સુધી ચાલવા દઇએ અને અટકીશું ત્યારે કોઇ નવી ગાડીમાં ચડી જશું. તેથી આજના લોકોને લગ્નના સાત પવિત્ર ફેરાની કિંમત કરતાં આવડતી જ નથી. રિલેશન ટકી ન શકવાનો બીજો અગત્યનો મુદ્દો છે સ્થિરતા! જી હા, સંબંધો સ્થિર હોવા ખૂબ જ જરૂરી છે. આજના લોકો પોતાના સ્વાર્થ માટે સંબંધોને ટકાવી રાખતાં હોય છે, જે ન થવું જોઇએ. જ્યાં સુધી તેમની સાથે કામ હશે ત્યાં સુધી જ ફક્ત તેઓ તમારા જીવનમાં મહત્ત્વ ધરાવશે, પણ જ્યારે એ સ્વાર્થ પૂરો થઇ જાય ત્યારે એ સંબંધને પૂર્ણપણે ભૂલી જતાં હોય છે. રોજબરોજના જીવનમાં આપણી વિચારધારા એકદમ પ્રેક્ટિકલ થઇ ચૂકી છે કે અનુભવ આપણને એ જ શીખ આપે છે કે સંબંધોને લઇને ભાવુક થવું મુર્ખાઇ છે. તેથી સારું એ જ છે કે તમે તમારા જીવનને લઇને પ્રેક્ટિકલ રહો! શહેરોમાં નોકરિયાત માણસોને પોતાના પરિવાર માટે ફક્ત શનિવાર અને રવિવારે જ સમય મળે છે. તેમાંય આપણે એવી જગ્યાએ સમય વીતાવીએ છીએ જ્યાં કંઇક ફાયદો થાય! જીવનમાં દરેક વસ્તુમાં ફાયદો જોવો જોઇએ, પણ સંબંધોની સિંચાઇ કરવામાં પોતાનો સ્વાર્થ કે ફાયદો આડો ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
દરેકને પોતાના જીવનમાં એક અલગ જગ્યા જોઇતી હોય છે કે એક બંધનમાં બંધાયા બાદ પણ તેમા કોઇ પ્રકારનું બંધન ન હોય! મોડર્ન યુગની આ અજીબ મોડર્ન વિચારધારા છે કે પ્રેમના સંબંધમાં કોઇ છુપાવવા જેવી જરૂરત હોવી જોઇએ નહીં. પ્રેમી યુગલને એકબીજાની વાતો શા માટે છુપાવવી પડે? સામાન્યપણે મોટા ભાગના કપલ્સને એકબીજાના જીવનથી સ્પેસ એટલે કે અમુક અંગત પળો જોઇતી હોય છે, આવું ન કરવાથી સંબંધો તૂટતા જાય છે.
જો ઝાડના મૂળિયા જ મજબૂત ન હોય તો ડાળીઓ પર ભરોસો કરવાનો સવાલ ન આવે! સ્પેસના નામ પર તમે શું ઇચ્છો છો કે કોઇ તમારા મોજશોખ પર રોકટોક ન લગાવે, માથે કોઇ ટક ટક ન કરે, પણ જ્યારે તમે મનથી આ બધી વસ્તુઓ વિચારો છો ત્યારે આવું કંઇ જ નથી હોતું. તમારા મગજ અને મન એક વાતે સંમત થાય એવી કોશિશ કરો જેથી તમને જીવન જીવવામાં આસાની થશે અને સંબંધોનું ગૂંચવાતું કોકડું પણ ટૂંકમાં ઉકેલાશે.
તેથી સંબંધોને જો તમારે સાચવવા હોય તો તેની સંચાઇ કરવી વધારે જરૂરી છે. શહેરી વ્યસ્ત વાતાવરણમાં તમારા પાર્ટનર માટે થોડો અંગત સમય ફાળવવો જોઇએ. ટૅક્નોલૉજીનો વપરાશ મર્યાદિત કરવો જોઇએ જેથી તમારા બાકી તમામ સંબંધો પર તમે ધ્યાન આપી શકો અને સુખમય અને સ્વસ્થ જીવન જીવી શકો. સુખી અને સમૃદ્ધ જીવન જીવવાની સૌથી મહત્ત્વની ચાવી તો સંબંધ જ છે. જો તમે તેને સમયસર સાચવી શકશો તો જીવન તમારા હિસાબે જીવી શકશો. |
|