19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઊંચી ગબ્બરની ટોચનો સમીર મારો ગરબો

કવિતાની કેડીએ - નલિની માડગાંવકરગરબો

એક હરતું ને ફરતું મંદિર મારો ગરબો

કોઈ દેવતાઈ સૂરની શિબિર મારો ગરબો.અજવાળી રાતે, કંકુ લલાટે

ગોરીના ઘાટે આવે જગદમ્બા જાતે,

મારી જનનીના હૈયાનું હીર મારો ગરબો.જેમાં ચોખા ચૂંદડી શ્રીફળ, શોભે ફૂલોનો હાર,

બજે ઘંટારવ ઢોલ મંજીરા, ડોલે દીવડાની ધાર,

જાણે માન રે સરોવરનું તીર મારો ગરબો.કંકુ કંકણ ને કાજળ ન છાનાં

રૂમઝૂમ બજે ઝાંઝર મા જગદમ્બાનાં

ઊંચી ગબ્બરની ટોચનો સમીર મારો ગરબો.

- અવિનાશ વ્યાસ

----------------------------

સ્ત્રીનો વ્યવહાર વીસમી સદીનો હોય કે ઓગણીસમી સદીનો પણ પોતાના ગૃહિણીપદને સાચવીને, કોઈ ચોકમાં ગરબે રમવા જાય ત્યારે એનો કંઠ અને હૃદય જે ગીતકાર - સંગીતકારને એમની રચનાઓ માટે યાદ કરે તે અવિનાશ વ્યાસ જ. આ નામ સાથે જોડાયેલી કેટલીક અમર ગીતરચનાઓ આજે પણ સૂરીલા કંઠમાં પોતાનું સ્થાન દાયકાઓ સુધી સાચવશે.

કેટલાંક ગીતોની અભિવ્યક્તિ સૂર સાથે પણ સ્પર્ધા કરવા સમર્થ છે. પરિણામે અ-વિ-ના-શ ગાયન નહીં; ગીત સૃષ્ટિમાં પણ સ્મરણીય બન્યા છે, પછી ભલે કવિ અવિનાશે પોતાની અનુભૂતિ ગીત, ગરબા કે ભજનમાં ઢાળી હોય. પણ સુખી ગૃહસંસારનાં ચિત્રો અવિનાશની રચનાઓને, નારી સંવેદનાથી સભર પણ બનાવે છે. ભક્તિ કે પ્રેમમાં જાગતા પ્રશ્ર્નોને કાવ્યસ્વરૂપે ઢાળતાં ગીતકવિને વાર નથી લાગી. એક વાત નિશ્ર્ચિત છે કે અવિનાશની રચનાઓ લોકચાહના મેળવી શકી છે.

"હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત,

ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત.

આ પંક્તિઓમાં મંદિરનાં બારણાં ઉઘાડનારી માતાનો હેતાળ સ્પર્શ અને માનવની પ્રતીક્ષાનો સંગમ થયો છે. આવી અનુભૂતિ અનેક ગીતોમાં છે. અવિનાશ વ્યાસના શબ્દોમાં રચાયેલું ભાવજગત અન્ય કવિતાના સંદર્ભે પણ એટલું જ સત્યદર્શન કરાવનારું છે.

અહીં ‘ગરબો’ પ્રતીક બનીને આવ્યો છે. કવિ મંદિરની પવિત્રતા જાણે ગરબા સાથે એક કરે છે મંદિર સ્થાયી છે, પણ ગરબા સાથે ઘૂમતી નારી ચેતનવંતી છે. દેવતાઈ સૂરથી સભર આકાશ, હરતું ફરતું મંદિર, ઘૂમતો ગરબો અને ગરબા સાથે ઘૂમતી નારી.... જાણે સમગ્ર સંસાર જનની સાથે મંત્રમુગ્ધ થઈ ઘૂમી રહ્યો છે. ગબ્બર પર્વતની ટોચે વિરાજતી દૈવી શક્તિ જાણે માટીના ગરબાના પ્રતીક રૂપે જગત પર ઊતરી આવી છે. પંચમહાભૂતથી બનેલો આ દેહ જ ‘ગર્ભદીપ’ રૂપે જનનીનો ગરબો છે. જનનીએ જ એને સર્જ્યો છે અને એનું તેજ જાણે અનેક છિદ્રો દ્વારા જગતને અજવાળી રહ્યું છે. આ તેજ એ બીજું કંઈ નથી પણ ગરબા રૂપી દેહમાંથી પ્રગટ થતું આત્માનું તેજ છે. એને માથે લઈ ઘૂમતી નારી જ્યાં સુધી ઘૂમી રહી છે ત્યાં સુધી જગત જનનીનું જ રૂપ છે.

અજવાળી રાત, કપાળ પર શોભતો કંકુનો ચાંદલો, ચૂંદડીમાં શોભતી આ નારી છે. ગોરીના રૂપે જગદમ્બા જ ઘૂમી રહી છે, પણ એને જગદમ્બા રૂપે નીરખવાની શક્તિ દેનાર અજવાળી રાત છે. કવિ આ ગરબાની ગુણસંપત્તિ દર્શાવવા, જે કલ્પના સર્જે છે એ અદ્ભુત છે. ‘દેવતાઈ સૂરની શિબિર’એ ગરબાના સ્વરૂપની જાણે ધ્રુવપંક્તિ છે. જીવન ભલે સમસ્યાની આંટીઘૂંટીથી ભરેલું હોય, ચિંતાથી અધમૂઓ માણસ પણ નવરાત્રિના નવ દિવસ આનંદમાં ગાળે આ જ આનંદ સભર ફલશ્રુતિ છે. ઈન્દ્રધનુના રંગે ખાસ તો લાલ - પીળા - લીલા રંગે શોભતી ક્ધયા - નવવધૂ - પ્રૌઢા જાણે ધરતીનું ઘરેણું છે. આ તો નારીના સન્માનનો ઉત્સવ છે. એની શક્તિને આપેલો અર્ઘ્ય છે. જુદા જુદા રાગમાં ગરબો ગવાય છે. એ ગતિશીલ છે. ગરબામાં જગતને ભૂલી જતી અને ઘૂમતી નારી એ ધરિત્રીની કરેલી પ્રદક્ષિણા છે.

ગરબો હોય કે મધ્યકાલીન પ્રિય કાવ્યસ્વરૂપ રૂપે રચાતી ગરબી હોય પણ એમાં લાલિત્યપૂર્ણ ભાવદર્શનમાં ઊર્મિગીતનાં લક્ષણો પ્રગટ થતાં જણાય છે. ગરબો અર્થાત્ ‘ગર્ભદીપ’ને માથે ધારણ કરીને હલકથી ગાતાં ગાતાં ઘૂમતી નારી એ સમૂહનૃત્યનો જ એક ભાગ બની જાય છે. સમગ્ર ભારતવર્ષમાં શક્તિપૂજાનો પ્રચાર અને પ્રસારમાં આ ‘ગરબો’ જ નિમિત્ત બન્યો છે. દેહના વળાંકભર્યા ઠમકા, તાળી કે દાંડિયાના ઢોલ સાથે તાલ અને થોડી ક્ષણો પૂરતી ખંખેરાઈ ગયેલી વૈયક્તિક કે સામાજિક સમસ્યા આ મુક્તનૃત્ય માટે ‘ગરબે રમવા’ની ઉક્તિ રૂપે ભાષામાં પ્રતિબિંબિત થઈ. આનું નામ જ રમવું છે.

હવે આનંદ લઈએ કવિએ પ્રયોજેલા શબ્દોનો. ‘દેવતાઈ સૂરની શિબિર’ - શિબિરમાં એક જ વિષય કેન્દ્રમાં હોય છે. અહીં દૈવી વાતાવરણ છે. સૂર આ લોકનો નથી. એ સૂરમાં અલૌકિકતાની પ્રતીતિ છે. જેમ સૂર આરોહ-અવરોહનો પ્રવાસ કરીને વાદી-સંવાદી સૂર તરફ વળે છે એમ અહીં નૃત્યનો આરોહ છે જે ચડતા સૂરોનો છે અને નૃત્યનો વિવિધ ભાવભંગીયુક્ત અવરોહ અર્થાત્ ઊતરતા સૂરોની લીલાનો છે, પણ એ આરોહ-અવરોહને વધારે મનોહર બનાવે છે વાદી-સંવાદી સૂરોનું પ્રયોજન. અહીં પણ ગરબો પોતે જ ઘૂમતા મંદિર જેવો છે. અને અલૌકિત્વ એના કેન્દ્રમાં છે.

બીજી કલ્પના છે; "જનનીના હૈયાનું હીર હીર અહીં અમૃતશક્તિ રૂપે છે. જાણે માતાનું હૈયું અહીં સાકાર થાય છે એ પણ સ્નેહ રૂપે. સ્નેહ અર્થાત્ ઘી - તેલ. જેના વડે જ દીવો ઝગમગતો રહે જેમ હૈયાનું સત્ત્વ બાળકને નવજીવન આપે છે.

ત્રીજી કલ્પના છે; ચોખા, ચૂંદડી, શ્રીફળ, ફૂલનો હાર અને બજતાં ઢોલમંજીરા. અહીં તો બમણો ઉત્સવનો આનંદ છે. એક વસ્તુઓ રૂપે દર્શનનો આનંદ આપનાર અને બીજો ઘંટારવ. ઢોલ, મંજીરાનો તાલબદ્ધ નિનાદ. આ નાદ શ્રુતિગમ્ય છે. એ સહુ ચૈત્યન્યસભર દીવડાને ડોલાવવા સમર્થ છે. એની સાથે જોડાયેલી કલ્પના પણ અલૌકિક છે. માનસરોવરને કાંઠે - આ ગરબો સરોવરના તીરને પણ વધુ અલૌકિકતા અર્પે છે.

ગીતને અંતે જાણે સૌભાગ્યવતીનો શૃંગાર છે. કંકુ અને કંકણ, કાજળ-રૂમઝુમ બજતા ઝાંઝરની આ જુગલબંદી છે. ગરબે ઘૂમતી સૌભાગ્યવતીના કંકુ અને કંકણ તો નૃત્યને લીધે બોલે પણ મા જગદમ્બાના ઝાંઝર પણ બોલકાં છે. ઊંચા પર્વતે વિરાજમાન દૈવીશક્તિનાં ચરણ પૃથ્વી પર ઊતરી આવ્યાં છે. ગબ્બર પહાડની ટોચે વિરાજમાન દેવી કંઈ પોતાના સમીરથી, પવનથી ગરબાના દીવાને થથરાવતા નથી. ગબ્બરના શિખરે વિરાજતો પવન પણ ગમે તેટલો ફૂંકાવા છતાં દીવાને સાચવે છે.

જાણે આ દિવ્ય ગરબાએ પૃથ્વીથી ગબ્બરની ટોચ સાધી છે. આ રચનાનું એક મોહક તત્ત્વ એનાં સંબોધનો પણ છે. ગરબો પોતાનો છે. એની આત્મીયતા આપણને પણ સ્પર્શે છે. ‘મારો ગરબો’નું મમત્વ જગતના પદાર્થો સાથે તો છે જ પણ એની દિવ્યતા દર્શાવવા આકાશને પ્રયોજે છે. ઊંચા ગબ્બરની ટોચને પ્રયોજે છે. આમ ગીતકાર અવિનાશ વ્યાસની અ-લૌકિક જગદમ્બા એટલે જ લૌકિક-અલૌકિક તત્ત્વનો સમન્વય.

મને ગમતી કવિની પંક્તિઓ...

"એવું મ્હાતમ છે નોરતાનું કે ગરબામાં પગલું

પરખાઈ જાય માનું, જગદમ્બાનું

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ud60a354
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com