21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સમદુખિયા માટે જીવન સમર્પિત કર્યું

સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈકુંંવારી માતાના કુખે જન્મેલ બાળકને ફક્ત છ અઠવાડિયામાં દત્તક આપી દેવામાં આવે અને આ બાળક પાંચ વર્ષનું થાય ત્યાં દત્તક માતા પણ મરણ પામે અને દત્તક પિતા બીજા લગ્ન કરી લે તેની સ્થિતિ અને બાળપણ કેવું વિત્યું હશે તે બાબત ધ્રુજાવી નાખે તેવી છે.

આ બાળક એટલે રેક્ષ ડેવિડ થોમસ જે ડેવ તરીકે વધુ જાણીતા હતા. સંજોગવશાત્ તેઓ ભણી શક્યા નહીં તેથી નાની વયથી જ રેસ્ટોરન્ટમાં કામ શરૂ કર્યું. તેનો અનુભવ કામે લગાડીને નાની પુત્રી વેન્ડીના નામે વેન્ડીસ હેમ્બર્ગર ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ શરૂ કરી. જોતજોતામાં ૬૦૦૦ ફ્રેન્ચાઇઝી ઊભી કરી.

કંપનીની કમર્શિયલ જાહેરખબરમાં ટીવીનો મુખ્ય ચહેરો વર્ષો સુધી રહીને ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. ડેવે દત્તક બાળક તરીકે જે મુશ્કેલી-યાતના ભોગવવી પડ ી તેવી અન્ય દત્તક બાળકને સહન કરવી નહીં પડે તે માટે આવા બાળકો અને સંબંધિત સંસ્થાને મદદરૂપ થવા ફાઉન્ડેશન સ્થાપ્યું. સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો તેના માટે ફાળવ્યો. તેમના ઉમદા કાર્ય માટે અમેરિકાના બે પ્રમુખોએ તેમનું સન્માન કર્યુ ડેવની જીવન સફર જોઇએ.

રેક્સ ડેવિડ થોમસ જે ડેવ તરીકે ઓળખાતાં હતાં.તેમનો જન્મ ૨ જુલાઇ, ૧૯૩૨ના ન્યૂજર્સી-અમેરિકામાં થયો હતો. તેમને જન્મ આપનાર માતાએ લગ્ન કર્યા નહોતા એટલે કે કુંવારી માતાના કુખે ડેવિડનો જન્મ થયો હતો. માતાએ લગ્ન કર્યા વિના જન્મ આપવાની હિંમત તો કરી પરંતુ છ અઠવાડિયામાં જ દત્તક આપી દેવાયો.

જે સમયે બાળકને માતાના દૂધની અને હૂંફની જરૂર હોય છે ત્યારે દોઢ મહિનાના બાળકને બીજાને દત્તક આપી દેવાયું. મા-બાપને જોયા-જાણ્યા વિનાના બાળકની સ્થિતિ કેવી હશે તે કલ્પના પણ ધ્રુજાવી

દે છે.

રેક્સ અને ઓલેવા થોમસે બાળકને દત્તક લીધું હતું. ડેવના નસીબમાં દત્તક માતાનું પણ સુખ નહોતું. તે પાંચ વર્ષનો હતો ત્યારે જ દત્તક માતાનું અવસાન થયું. દત્તક પિતા તેનું બહુ ધ્યાન રાખતાં નહોતા જોકે દાદીએ ડેવનો ઉછેર કર્યો.

તેના દત્તક પિતા કામની શોધ કરતાં હતા, આર્થિક સ્થિતિ નબળી હતી. દાદીએ ભણાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ડેવીડે ભણતર અધૂરું છોડી દેવું પડ્યું.

ફક્ત ૧૨ વર્ષની ઉંમરે એક રેસ્ટોરન્ટમાં જોબ શરૂ કરી પરંતુ ત્યાંના બોસ સાથે વિવાદ થતાં કામ છોડવું પડ્યું. ૧૫માં વર્ષે હોલી હાઉસ રેસ્ટોરન્ટમાં જોબ શરૂ કરી. સ્કૂલ છોડીને ફૂલ ટાઇમ રેસ્ટોરન્ટમાં કામ શરૂ કર્યું

ભણતર અધૂરું છોડવાનો અફસોસ તેમને જીંદગીભર રહ્યો જેને જીવનની સૌથી મોટી ભૂલ માનતા હતા.

તેઓ ૧૮ વર્ષના હતા ત્યારે અમેરિકાની આર્મીમાં જોડાયા તે સમયે કોરીયા સાથે યુદ્ધ ચાલતું હતું. ડેવને ફુડ બનાવવાનો અનુભવ બે ત્રણ રેસ્ટોરન્ટમાં હતો તેનો લાભ લઇને તેમણે સૈનિકોને દૈનિક ભોજન પૂરું પાડવાનું કામ હાથ ધર્યું.

ત્રણ વર્ષ લશ્કરમાં સેવા આપ્યા બાદ તેઓ ફરીથી ફોર્ટ વેઈન હોબી હાઉસ રેસ્ટોરન્ટમાં જોડાયા.

ડેવના દત્તક પિતાએ બીજા લગ્ન કરતાં અને દાદીની છત્રછાયા પણ ગુમાવતાં તેઓ એકલા પડી ગયા. રેસ્ટોરન્ટમાં કામ કરતાં તેમણે ખાનગી ટ્યુશન રાખીને શિક્ષણ લીધું અને થોડી સ્થિતિ સુધરતાં લગ્ન કર્યા અને તેમને ત્યાં ચાર પુત્રીઓ જન્મી.

જન્મતાવેંત ડેવને જે મુશ્કેલી સહન કરવી પડી તે ધ્યાનમાં લઇને તેમણે પુત્રીઓને ઘણો પ્રેમ-હૂંફ આપી એટલું જ નહીં નાની પુત્રી જે ૮ વર્ષની હતી ત્યારે તેના નામે રેસ્ટોરન્ટ ખોલી પુત્રીના પગલે વિશાળ રેસ્ટોરન્ટ ચેઇન ઊભી કરીને તેઓ વિશ્ર્વવિખ્યાત થઇ ગયા.

ડેવની પુત્રીનું નામ મેલીન્ડા લો છે, જેનું લાડકુ નામ વેન્ડી છે વેન્ડી નામે વેન્ડીસ હેમ્બર્ગર ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ કોલમ્બસ-ઓહિયોમાં શરૂ કરી.

દસ વર્ષમાં આ રેસ્ટોરન્ટની ૧૦૦૦ ફ્રેન્ચાઇઝી થઇ ગઇ. જે બાદમાં વધીને ૬૦૦૦ થઇ ગઇ. વેન્ડીસના સ્થાપક અને સીઇઓ તરીકે ડેવિડ થોમસ પ્રખ્યાત થઇ ગયા તેનાથી પણ વધારે જાણીતી કંપનીની કમર્શિયલ જાહેરખબરમાં ટીવીનો મુખ્ય ચહેરો વર્ષો સુધી રહ્યા તેના કારણે બન્યા.

વેન્ડીસ હેમ્બર્ગરની ટીવીમાં ૮૦૦થી વધુ કમર્શિયલ જાહેરખબરમાં ડેવિડ થોમસનો ચહેરો ઘરઘરમાં જાણીતો થઇ ગયો. વેન્ડીસ રેસ્ટોરન્ટમાં ૧૩ વર્ષ સુધી તેઓ સક્રિય રહ્યા બાદ રોજિંદી કામગીરીમાંથી નિવૃત્ત થયા. રેસ્ટોરન્ટનું વેચાણ છ અબજ ડોલરને પાર કરી ગયુ.

વેન્ડીના દૈનિક કામકાજથી તેઓ થોડા વર્ષ દૂર રહ્યા તેની અસર વેચાણને થઇ એટલે ચાર વર્ષ બાદ તેઓ ફરી સક્રિય થયા. ડેવિડ થોમસે પ્રારંભમાં થોડા વર્ષ કેએફસી માં પણ અનુભવ લીધો. આમાં મોટું રોકાણ કર્યું બાદમાં કેએફસી છોડીને પોતાની ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. વેન્ડીસે તેમને અબજોપતિ બનાવી દીધા.

ડેવ માટે જન્મ બાદનો તબક્કો કઠિન હતો તેમ પાછલા વર્ષો પણ યાતનાભર્યા હતા. દસ વર્ષ સુધી કેન્સર સામે ઝઝુમ્યા તે ઉપરાંત ૧૯૯૬માં બાયપાસ સર્જરી કરાવવી પડી તેમાથી બેઠાં થયા. ત્યાં કીડનીની સમસ્યા ઊભી થતાં ડાયાલિસીસ પર રહેવું પડ્યું. ૨૦૦૨માં લીવરના કેન્સરના કારણે ફ્લોરીડાના ઘરે જ અંતિમ શ્ર્વાસ લીધા. વેન્ડીસને વિશ્ર્વની ત્રીજા નંબરની મોટી બર્ગર રેસ્ટોરન્ટ બનાવીને ગયા. હાલ તેમની પુત્રીઓ કારભાર સંભાળે છે. મેકડોનાલ્ડ અને બર્ગરકીંગ સાથે સ્પર્ધાનો સામનો કરી રહેલ છે.

દત્તક બાળકોની સ્થિતિ મોટાભાગે દયનીય હોય છે તે ધ્યાનમાં લઇને તેમણે દત્તક બાળકોની સંસ્થા માટે ઘણું કામ કર્યું. દત્તક બાળકોને અને સંસ્થાને મદદરૂપ થવા તેમણે ડેવ થોમસ ફાઉન્ડેશન સ્થાપ્યું. આવા બાળકો માટે તારણહાર બન્યા. વિશેષ પ્રેમ મળી રહે તે માટે પ્રયાસ કર્યા. તેમની સંપત્તિનો અમુક હિસ્સો આ માટે ફાળવ્યો.

તેમના પરોપકારી અને ઉમદા કાર્ય માટે અમેરિકાના બે પ્રમુખ જ્યોર્જ બુશ અને બિલ ક્લિન્ટને તેમને સન્માન્યા હતા.

ડેવ ૮ વર્ષના હતા ત્યારે જ સ્વપ્ન જોયું હતું કે તેની પોતાની એક દિવસ રેસ્ટોરન્ટ હશે. જે ૪૭માં વર્ષે સાકાર થયું તેમણે કેનેડાની કોફીચેઇન ખરીદી હતી.

ટીવીની જાહેરખબરમાં સૌથી લાંબો સમય સ્થાન મેળવનાર તરીકે તેમનું નામ ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે.

જે વ્યક્તિનો ઉછેર અલગ જ પરિસ્થિતિમાં થવા છતાં પોતાની રીતે સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા. તેમના વિચારો અને વક્તવ્ય વિશે જાણવાની ઉત્સુકતા હોય જ.

તમારી માનસિકતા દૃષ્ટિકોણ જીતવા માટેનો હોવો જોઇએ, સાથોસાથ તમારા પ્રયાસ પ્રામાણિકભર્યા અને નિષ્ઠાવાન હોવા જોઇએ. તમને આગળ વધવામાં તમારા સિવાય કોઇ અટકાવી શકે નહીં.

જીવનમાં અને બિઝનેસમાં પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કરો. હાર્ડવર્ક માટે તેમણે સલાહ આપી છે. તમારા બિઝનેસની તમે જ કાળજી લેશો તો બિઝનેસ તમારી કાળજી લેશે.

તમે હેમ્બર્ગર અથવા કોમ્પ્યુટર વેચો. તમારા ગ્રાહકની અપેક્ષા પૂર્ણ થાય એવી સર્વિસ અને ક્વોલિટી આપો.

તમે સફળ થયા બાદ તેને અન્યને વહેંચો, બીજાને સફળ કરવા મદદ કરો. મોટા ભાગનો વર્ગ સ્પર્ધા કરીને ટાંટિયા ખેંચવાનો પ્રયત્ન કરતો હોય છે. આજની પેઢીને તેમણે સલાહ આપી છે કે વધુ ને વધુ શિક્ષિત બનો. તેઓ પોતે ભણી શક્યા નહીં તેનો અફસોસ હંમેશાં રહ્યો હતો. તક આપણી આસપાસ જ હોય છે તેને કેવી રીતે ઝડપી લેવી તે તમારા હાથમાં છે. અન્યને તમે જે આપશો તેનાથી વધુ વળતર મળશે. તમે કંઇપણ બોલવા પહેલા ઘણું વિચારો. બાળકોને ભરપૂર પ્રેમ આપો. તેમણે દત્તક પુત્ર તરીકે ઘણું ગુમાવ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

40370D
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com