19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કુલદીપ: ભારતીય ક્રિકેટમાં પ્રગટી રહેલું દીપ

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાક્રિકેટની રમત ‘બેટ્સમેન્સ ગેમ’ તરીકે ઓળખાય છે અને જ્યારે એમાં કોચ બોલર કોઇ યાદગાર પર્ફોર્મન્સને કારણે બધાના મન પર છવાઇ જાય ત્યારે બહુ સારું લાગે. બેટ્સમેનો તો દરેક મેચમાં ધમાલ મચાવતાં જ હોય છે, પણ કોઇ બોલર તરખાટ મચાવે ત્યારે તેની ચર્ચા ભલે બહુ ન થતી હોય, પરંતુ લોકો તેના એ તરખાટને લાંબા સમય સુધી ભૂલે તો નહીં જ.

આપણા ચાઇનામેન બોલર કુલદીપ યાદવની જ વાત કરોને ! તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો એને માંડ અઢાર મહિના થયા છે ત્યાં તો તે ત્રણેય ફોર્મેટની ભારતીય ટીમમાં ફિટ બેસી ગયો છે. વન-ડે, ટી-ટવેન્ટી અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં તેણે ૨૦૧૮ના વર્તમાન વર્ષનાં જ પ્રથમ વાર પાંચ વિકેટની સિદ્ધિ મેળવી છે. ટેસ્ટની પાંચ વિકેટની ઉપલબ્ધિ તેણે શનિવારે રાજકોટમાં મેળવી હતી જેના આધારે ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામેની જીત આસાન થઇ ગઇ હતી.

કુલદીપ માટે વેસ્ટ ઇન્ડિઝ બહુ નસીબવંતી ટીમ છે. ગયા વર્ષે એની જ સામે તેણે વન-ડે માં અને પછી ટી-ટવેન્ટીમાં રમીને આ બે ફોર્મેટમાં આગમન કર્યું હતું અને હવે એ જ દેશ સામે તેણે ભારતને વિજય અપાવી ટેસ્ટ-ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

કુલદીપ માટે કરેબિયન ટીમ નસીબદાર છે તો ટીમ ઈન્ડિયા માટે કુલદીપ લકી છે, કારણ કે તેના રૂપમાં ટીમને ત્રીજો કાબેલ સ્પિનર મળી ગયો છે જેણે નંબર-વન ભારતની ટેસ્ટ-ટીમને વધુ મજબૂતી બક્ષી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્ર્વિનની હાજરીમાં ટેસ્ટ-ટીમમાં જગ્યા મેળવવી અને પછી તેઓ બન્નેનાં પર્ફોર્મન્સને ઝાંખો પાડીને ભારતને જિતાડવું એ પણ કુલદીપની બહુ મોટી સફળતા કહેવાય. રાજકોટની ટેસ્ટનાં બીજા દાવમાં જ્યારે જાડેજા (૩ વિકેટ) તથા અશ્ર્વિને (૨ વિકેટ) મળીને કુલ પાંચ વિકેટ લીધી ત્યારે બીજી તરફ એ જ ઇનિંગ્સમાં કુલદીપે એકલાએ પાંચ શિકાર કરીને ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.

ભારતની ટેસ્ટ-ટીમમાં એક સાથે ત્રણ સ્પિનરો હરીફોને પોતાના કાંડાની કરામત-આંગળીના જાદુથી નચાવતા હોય એવું અગાઉ ૧૯૭૦ના દાયકામાં બનતું હતું જ્યારે બિશનસિંહ બેદી, એરાપલ્લી પ્રસન્ના અને ભાગવત ચંદ્રશેખરનું હરીફો પર વર્ચસ્વ હતું. અધૂરામાં પૂરું, શ્રીનિવાસ વેન્કટરાઘવન પણ હરીફોને ભારે પડી જતા હતા. જાડેજા, અશ્ર્વિન અને કુલદીપની સ્પિન-ત્રિપુટીએ ક્રિકેટ જગતને એ સિત્તેરના દાયકાની યાદ તાજી કરી આપી છે.

કુલદીપ યાદવ ભારતને જડેલો દુર્લભ કૌશલ્યવાળો લેફ્ટ-આર્મ ચાઇનામેન બોલર છે જે રાઇટી ઓફ-સ્પિનરની જેમ ડાબા હાથે ઓફ સ્પિન બોલ ફેંકે છે અને ક્યારેક એમાં ગૂગલી (સામાન્ય રીતે બોલ ડાબેથી જમણી તરફ જવાને બદલે જમણેથી ડાબી તરફ જાય) પણ ફેંકીને બેટ્સમેનને ચોંકાવી દે છે. વેસ્ટ ઇન્ડિઝના ૧૯૩૩ની સાલના એલીસ પુસ’ ઍચોન્ગ નામના મૂળ ચીનના વતની એવા સ્પિન બોલર પરથી ચાઇનામેન નામ પડ્યું છે અને ભારતને કુલદીપના રૂપમાં એવો સ્પેશિયલ સ્પિનર જડ્યો છે.

અને તેણે આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. સ્થાનિક ટીમોમાં વધુ અવગણના થતાં તેણે ક્રિકેટ રમવાનું જ છોડી દેવા વિચારેલું, પરંતુ થોડા સમયમાં તેનું ભાગ્યચક્ર ફરી ગયું અને તે સફળતાનું એક પછી એક પગથિયું ચડતો ગયો હતો.

----------------------------

ફાસ્ટબોલર બન્યો સ્પિનર

કુલદીપ યાદવ ૨૩ વર્ષનો છે. તેનો જન્મ ૧૪ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ કાનપુરમાં થયો હતો. તેને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ હતો, પરંતુ આ ‘જાદુઇ સ્પિનર’ વિશેની એક રસપ્રદ હકીકત એ છે કે યુવાન વયે તે જ્યારે કાનપુરની એક ક્રિકેટ-એકેડેમી માં જોડાયો ત્યારે ફાર્સ્ટ બોલર હતો. કોચ કપિલ પાન્ડેને તેની ફાસ્ટ બોલિંગ કરતા તેની સ્પિન બોલિંગ વધુ ગમી હતી એટલે તેમણે કુલદીપને સ્પિન બોલિંગ અને એમાં પણ ખાસ કરીને તેના લેફ્ટ-આર્મ રિસ્ટ-સ્પિન પર વધુ ધ્યાન દેવાની સલાહ આપી હતી. કુલદીપ માટે એ ફેરફાર અપનાવવો આસાન નહોતો, પરંતુ કોચની વાત પરથી ખુદ તેને લાગ્યું કે તેમનું જજમેન્ટ ખોટું તો નથી જ.

ભારતને લેફ્ટ-આર્મ ચાઇનામેન બોલર ભાગ્યે જ મળ્યા છે અને એમાં સ્પેશિયાલિટી મેળવીને નામના મેળવવાનું કુલદીપને સૂઝયું હતું અને એ દિશામાં આગળ વધવાનું તેણે નક્કી કરી લીધું હતું.

એપ્રિલ-૨૦૧૨માં કુલદીપ જ્યારે ૧૭ વર્ષનો હતો ત્યારે તેણે ભારત વતી પહેલી વાર અન્ડર-૧૯ મેચમાં સફળતા પ્રાપ્ત કરીને ક્રિકેટ ક્ષેત્રે ધારણા મુજબનું આગમન કર્યું હતું. ૨૦૧૪ના યુવા વર્લ્ડ કપમાં સેક્ધડ-હાઇએસ્ટ ૧૪ વિકેટ મેળવવાની સાથે તેને એપ્રિલની આઇપીએલમાં કોલકોતા નાઇટ રાઇડર્સની ટીમમાં ૫૦ લાખ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યો હતો. એ પહેલાં તેને મુંબઇ ઇન્ડિયન્સે બહુ સસ્તામાં ખરીધ્યો હતો. તેને કોઇ સત્તાવાર મેચમાં રમવા તો નહોતું મળ્યું, પણ એક દિવસ નેટ-પ્રેક્ટિસમાં તેણે સચિન તેન્ડુલકરને પોતાના કાંડાની કરામતથી ગૂંચવી તો નાખ્યો જ હતો.

ઉત્તર પ્રદેશ વતી અને પછી ઇન્ડિયા ‘એ’ વતી સારું રમીને તેણે માર્ચ ૨૦૧૭માં ધરમશાલા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક મેચથી તેણે ટેસ્ટ-ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

૪ ટેસ્ટમાં ૧૫ વિકેટ, ૨૯ વન-ડે માં ૫૮ વિકેટ અને ૧૨ ટી-ટ્વેન્ટીમાં ૨૪ વિકેટ કુલદીપ યાદવનો માત્ર ૧૮ મહિનાની ટૂંકી ઇન્ટરનેશનલ કરિયરનો ‘હિસાબ-કિતાબ’ છે. ૨૮ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં કુલ ૧૦૮ વિકેટ લઇને તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં તરખાટ મચાવ્યો જ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટની

ટીમમાં તેણે સિલેક્ટરોને જાડેજા અને અશ્ર્વિનનો સારો વિકલ્પ પણ પૂરો

પાડ્યો છે.

ભારતને ૮૬ વર્ષના એના ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વાર ચાઇનામેન બોલર મળ્યો છે જેણે અન્ડર-૧૯ ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનારા પ્રથમ બોલર તરીકેની સિદ્ધિ પણ મેળવી છે.

કુલદીપના અંગત જીવન વિશે બહુ ઓછી જાણકારી ઉપલબ્ધ છે, પરંતુ એક કિસ્સો તેના ચાહકોને સ્તબ્ધ કરી દેનારો છે. તે ૧૩ વર્ષનો હતો ત્યારે ઉત્તર પ્રદેશની અન્ડર-૧૫ ટીમમાં તેને નહોતો લેવામાં આવ્યો ત્યારે તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. જોકે, લેફ્ટ-આર્મ સ્પિન બોલર ભારતને ભાગ્યે જ મળ્યા છે અને એમાં કરિયર બનાવવા તેના કોચે આપેલી સલાહ તેને એ ઘડીએ યાદ આવી ગઇ હતી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

wC7t4Ge
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com