21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નપહેલી મેરેજ એનિવર્સરી જોઇ, ન સંતાનનું મોઢું

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહઉત્તરાખંડનું ઋષિકેશ દેવભૂમિ તરીકે ઓળખાય છે એ જાણીતી વાત છે. પણ આ દેવભૂમિના અપર ગંગાનગરની ગલી નંબર દસના રાવત નિવાસમાં રહેનારાઓને સમજાતું નથી કે એક સાથે બધેબધા દેવની ખફગી આપણા પર ઊતરી શા માટે? સમાજ અને દેશ માટે પોતાની ફરજ બજાવવામાં ક્યારેય તસુભાર કામચોરી કે મનચોરી ન કરનારા રાવત પરિવાર એકમેકને જોઇ રહે છે. કોઇને સમજાતું નથી કે કોણ કોને શું કહે? અને કેવાં શબ્દોમાં એકમેકને હિમ્મત આપવી?

ઘરના મોભી કંવરસિંહ રાવત લશ્કરમાંથી નિવૃત્ત થઇને હાલ દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં નોકરી કરે છે. કંવરસિંહના બે ભાઇ પણ લશ્કરમાં સેવા આપી ચૂક્યા છે. દેશની સેવા કરીને હેમખેમ રિટાયર થનારા કંવરસિંહજી સુપેરે જાણે કે લશ્કરમાં પળેપળે કેટલું જોખમ હોય છે. કોઇ પણ પળ આખરી ઘડી બની જઇ શકે. છતાં તેમની છપ્પન પ્લસ બે દોરાવાળી છાતી જુઓ કે એકના એક દીકરા પ્રદીપને લશ્કરમાં જવા દીધો, એ પણ હોંશભેર અને ગર્વભેર. આ પ્રદીપભાઇ પાછા ત્રણ બહેનના એકના એક ભાઇ.

આ પરિવારનો એકનો એક વ્હાલસોયો પ્રદીપસિંહ કંવરસિંહ રાવત ખૂબ હસમુખ વ્યક્ત્વિનો માલિક. શહેરની શ્રી ભરત મંદિર ઇન્ટર કોલેજના આ વિદ્યાર્થી. પિતાને લશ્કરના ગણવેશમાં જોઇને બાળપણથી જ એમને માર્ગે જવાનું સપનું જોનારા પ્રદીપસિંહ એન.સી.સી.માં જોડાયા ત્યારે કોઇને જરાય નવાઇ ન લાગી. હિમ્મતબાજ પણ એવા કે દોસ્તો એને ‘ફાઇટર’ના હુલામણા નામે બોલાવે.

૨૭ વર્ષના પ્રદીપસિંહના લગ્ન ગયા વર્ષે એટલે કે ૨૦૧૭ની જાન્યુઆરીમાં થયા હતા. પોતાની મેરેજ એનિવર્સરી માટે ઘરે આવવાનું પ્રોમિસ સુધ્ધાં આપ્યું હતું. મેરેજ એનિવર્સરી પહેલી એટલે વિશેષ મહત્ત્વ હોય જ. પરંતુ પ્રદીપસિંહ માટે વિશેષ ને ય સવિશેષ બનાવે એવી આનંદની પળો હતી. પત્ની ગર્ભવતી હતી અને પોતે પપ્પા બનવાના મીઠા સપના વચ્ચે કાશ્મીરમાં ફરજ બજાવતા હતા.

એમાં આવી ૨૦૧૮ની બારમી ઑગસ્ટ રવિવાર એટલે આખી દુનિયા માટે રજા, મજા અને આરામ. પણ ગઢવાલ રેજિમેન્ટની ચોથી બટાલિયનના આ જવાન સ્પેશિયલ ગ્રુપની કામગીરી પર હતા. જમ્મુ-કાશ્મીરના ઊડી સેક્ટરમાં ફરજ બજાવતી વખતે પ્રદીપસિંહના મનમાં આવા જ વિચારો આવતા હશે.

એક, ૨૬મી ઑગસ્ટે રક્ષાબંધન આવી રહી છે એટલે તેર દિવસ બાદ તો ત્રણેય બહેનો રાખડી પોતાના માટે આવી જશે અને પોતે આજીવન એમનું રક્ષણ કરતા રહેશે. બે, માર્ચમાં વેકેશન પરથી આવ્યો પણ પત્ની અને ત્રણેય બહેનોને બહુ લાંબા સમય પહેલા મળ્યો હોય એવું કેમ લાગે છે?...અને ખાસ તો એ વાત પર પ્રદીપસિંહ ખુશખુશાલ હતા અને ઇશ્ર્વરના આભારી હતા કે બે મહિનામાં પોતાના સંતાનના આગમનના સમાચાર આવશે. એનો ચહેરો મારા જેવો હશે? પત્ની જેવો? કે ફૈબા પર જશે?

મૂળ તેહરી ગઢવાલના દોગી પટ્ટી પ્રાંતના બમુંડ ગામના પ્રદીપસિંહ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા, એ જાણીને હમણાં કંઇક વાચેલી પંક્તિ હદયને ખૂબ સ્પર્શી ગઇ. "આપણા સંતાન શહેરમાં ને શહેરમાં રાતે દસ મિનિટ મોડા પડે, તો કેટલાં ફોન થાય, વ્હોટ્સઅપ મેસેજ થાય અને ચિંતામાં અડધા થઇ જવાય તો જે જવાન કાશ્મીરમાં અંકુશ રેખા પાસે એક-એક મોતના માહોલમાં વીતાવતો હશે એમના મા-બાપ ભાઇ, બહેન, પત્ની અને સંતાનને રાતની ઊંઘ કેવી રીતે આવતી હશે?

રવિવારની બપોર સલામતપણે પસાર થઇ ગઇ. એલ.ઓ.સી. પાસે એક-એક મિનિટ જોવી એટલે જીવનનું એક્સટેન્શન ચાર વાગ્યા સુધી પેટ્રોલિંગ કરતી વખતે એક્સટેન્શન મળતું રહ્યું. અચાનક આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. પ્રદીપસિંહ ગંભીરપણે ઘાયલ થયા. વાતો એવી ય થઇ કે ગ્રેનેડ એમના હાથમાં જ ફાટ્યો. ઇજા એટલી ગંભીર હતી કે સારવાર પણ કામ ન લાગી.

મોડી રાતે સેનાના કમાન્ડિંગ ઑફિસરે પ્રદીપસિંહના કાકા વીરસિંહ રાવતને ભત્રીજાની શહાદતના સમાચાર ભારે હૈયે આપ્યા. આ સાંભળતાવેંત પત્ની તો સુધબુધ ગુમાવી બેઠી. ત્રણેય બહેનોના દિમાગ બહેર મારી ગયા : ભાઇને આજકાલમાં રાખડી મોકલવાની હતી જે ભાઇનું આજીવન રક્ષણ મળવાની ગળા સુધી ખાતરી હતી એ માતૃભૂમિના રક્ષણ કાજે ખપી ગયો?!

ઋષિકેશ માટેય આ એક વધુ આઘાત હતો. એક પછી એક કરતાં આ પ્રાંતે દસ-દસ દીકરા ગુમાવ્યા હતા. રવિવારે શહીદ થયેલા પ્રદીપસિંહનો પાર્થિવ દેહ ‘મુનિ કી રેતી’ સ્થિત સ્મશાનઘાટે લઇ જવાયો, ત્યારે રસ્તા અબાલ વૃદ્ધ, સ્ત્રી-પુરુષો અને બાળકોથી ઊભરાયા હતા. ‘પ્રદીપ તેરા યહ બલિદાન યાદ રખેગા હિન્દુસ્તાન’ ની ગર્જનાઓ જાણે આકાશને આંબતી હતી. રાવત નિવાસ બહાર હજારો ભીની આંખે શહીદના અંતિમ દર્શન માટે ઊમટી પડ્યા હતા. પ્રદીપસિંહની કોલેજના વિદ્યાર્થીઓ ત્રિરંગા લઇને અંજલિ આપવા રસ્તા પર કતારબદ્ધ ઊભા રહી ગયા હતા.

આ સ્મશાનયાત્રા દરમિયાન અને ઋષિકેશમાં કેન્દ્ર સરકારની ઢીલાશ, આરપારની લડાઇની માગ અને પાકિસ્તાનને આકરો બોધપાઠ ભણાવવાની ઉગ્ર ચર્ચા થઇ રહી હતી. કે એક યુવાને તો ભારોભાર ગુસ્સો કર્યો,"કેન્દ્ર સરકારે લશ્કરના હાથ બાંધી રાખવા ન જોઇએ. પાકિસ્તાન સાવ ઉઘાડું પડી ગયું છે, ત્યારે તાત્કાલિક પગલાં ભરીને એને સીધું કરી નાખવું જોઇએ.

ખરેખર સામાન્યજનોને પાકિસ્તાનની દાદાગીરી અને આપણી લાચારી સમજાય પણ અને આપણી કરુણતા જુઓ, વિચિત્રતા જુઓ. ઇન્ટરનેટમાં સર્ચ પર ‘પ્રદીપ રાઉત’ મૂકીએ એટલે સૌથી પહેલા એક્ટર પ્રદીપ રાઉતના થોકબંધ રિઝલ્ટ જોવા મળે. હા, આમિરની ‘ગજની’ નો વિલન. ઇન્ટરનેટ કેવું આપણા સમય અને સમાજનું સચોટ પ્રતિબિંબ દેખાડે છે!

પણ શહીદ લાન્સનાયક પ્રદીપસિંહ રાવત અમને સૌને તમારા પર ગર્વ છે. ખૂબ ખૂબ આભાર...

...અને દિલથી સેલ્યુટ સર.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Yy27XMe7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com