12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મૂક-બધિર ખમીરનો માલિક, વિરેન્દ્રસિંહ

કવર સ્ટોરી-પરેશ શાહઆએક એવા પુરુષની વાત છે જે ચૅમ્પિયન બનવા માટે એના પ્રતિકૂળ સંજોગોમાંથી ઊભો થયો છે. એથી જ આ કહાણી દૃઢ મનોબળની, પ્રારબ્ધની, કઠોર પરિશ્રમની અને રાજીપાની છે, એમ કહેવામાં કશો ભાર કે વાંધો નથી તો સામે છેડે સંજોગોને મારી હટાવી ઊભો થવા માગતા પુરુષને અવરોધવાની કથા પણ છે એટલે એ બેપરવાઈની, પક્ષપાતની અને અનાદરની કહાણી પણ છેે. આ કહાણી ખેલજગતની છે. આ કહાણી ૩૨ વર્ષની વયના વિરેન્દ્રસિંહની છે. આ બેસ્ટ ભારતીય પુરુષ ઍથ્લેટની છે. આ એવો શ્રેષ્ઠ ઍથ્લેટ છે જેના વિશે કદાચ તમે ઝાઝું સાંભળ્યું નહીં હોય. ચાલોને એના શબ્દોમાં જ એની ઓળખ મેળવીએ.

"હું ભારતનો રેસલર (મલ્લ) છું. મેં સાત આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે અને હું અર્જુન અવૉર્ડ વિજેતા છું. આ સાત ચંદ્રકોએ જ એને ભારતનો સૌથી વધુ વિભૂષિત-મોસ્ટ ડેકોરેટેડ રેસલર બનાવે છે, પણ એવું એ કહેતો નથી. એ કહી શકે એમ નથી કારણ કે એ મૂંગો-બહેરો છે. એ ‘ગૂંગા પહેલવાન’નાં નામે વધારે જાણીતો છે. એના બે ગોલ્ડ મેડલ ૨૦૦૫ અને ૨૦૧૩ની ડિફલિમ્પિક્સમાં મેળવ્યા હતા. (સ્પર્ધા દર ચાર વર્ષે યોજાય છે.) ત્રીજો ગોલ્ડ મેડલ ૨૦૧૬ની ડિફ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેળવ્યો હતો. એના ચંદ્રકોની યાદી આપણને અચંબો આપે છે. ટૂંકમાં જોઈએ, ૨૦૧૭માં તૂર્કીમાં ગોલ્ડ મેડલ, ૨૦૧૬માં ઈરાનના તહેરાનમાં ગોલ્ડ, ૨૦૧૩માં બલ્ગેરિયામાં ગોલ્ડ, ૨૦૧૨માં બલ્ગેરિયામાં બ્રોન્ઝ, ૨૦૦૯માં તાઈવાનના તાઈપેઈમાં બ્રોન્ઝ, ૨૦૦૮માં આર્મેનિયાના યેરેવાનમાં સિલ્વર મેડલ અને ૨૦૦૫માં મેલબોર્ન, ઑસ્ટ્રેલિયામાં ગોલ્ડ મેડલ... આટલા ચંદ્રકો ગૂંજામાં ભરી લેનારો પહેલવાન જૂનિયર કોચ તરીકે દર મહિને ફક્ત ૨૮,૦૦૦ રૂપિયા આવક રળી શકે છે. ત્રણ સુવર્ણ સહિત સાત સાત ઈન્ટરનેશનલ ચંદ્રકો મેળવનારો કુસ્તીબાજ પોતાનું ઘર ખરીદી શકતો નથી અને એને મોટરકાર લેવી તો પરવડી શકે એમ જ નથી. એ ચાર જણ સાથે ભાંગેલાં ખાટલા ધરાવતા એક જૂના ઓરડામાં વસવાટ કરે છે. ઓરડામાં સ્નાન બાદ કપડાં ધોઈને સૂકવવા માટે એક તાર લગાડેલો છે. જૂતાં મૂકવા લાકડાનો જૂનો ઘોડો છે. એની ટ્રોફી મૂકવા માટે ભાંગલી છાજલી પણ છે! આ છાજલી પર એને આપવામાં આવેલો અર્જુન અવૉર્ડ પણ મુક્યો છે. એનું આ ઘર એટલે કે ચાર જણની ભાગીદારીવાળો ઓરડો નવી દિલ્હીના સદર બજાર વિસ્તારમાં ઘોંઘાટ ભરેલી રેલવે લાઈનને અડીને આવેલા એક નાનકડા અખાડામાં આવેલો છે. આવા આ રેસલરે ઑલ ઈન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઑફ ધ ડિફ (એઆઈએસસીડી) દ્વારા આચરવામાં આવતી નિયમ વિરુદ્ધ બાબતો સામે મોં ખોલવા બદલ સજા કરવામાં આવી અને આવા જાણીતા કુસ્તીબાજને વર્લ્ડ ડિફ સિનિયર ગ્રેકો-રોમન ઍન્ડ ફ્રી સ્ટાઈલ રેસલિંગ ચૅમ્પિયનશિપમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. સિંહના ટેકામાં સ્પર્ધામાં હિસ્સો લેનારા રેસલરોએ ફૅડરેશન સામે બગાવતનો ઝંડો ફરકાવ્યો હતો.

ખેર, આપણે સહેજ ઊંડા ઊતરીએ. બેઠી દડીનો પણ મજબૂત બાંધાનો વિરેન્દ્ર સિંહ નવ વર્ષનો હતો ત્યારે એના પિતા અજયસિંહ વિરેન્દ્રને થઈ આવતી પગની તકલીફની સારવાર માટે દિલ્હી લઈ ગયા હતા. સારવાર થઈ ગયા બાદ પિતા વિરેન્દ્રને હરિયાણાના ઝાજ્જર જિલ્લાના એેક ગામે પાછો મોકલી દેવા માગતા હતા, પણ અજયસિંહના મિત્ર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિકયોરિટી ફોર્સ (સીઆઈએસએફ)માં ઈન્સ્પેક્ટર હતા. વિરેન્દ્રના એ ‘સુરેન્દ્ર કાકા’એ પિતાને સમજાવીને વિરેન્દ્રને ત્યાં રાખવા સમજાવી લીધા. વિરેન્દ્ર અખાડામાં નાનામોટા કામ કરવા લાગ્યો. એમાંથી એ કુસ્તી કરતો થયો. કિશોરાવસ્થામાં પહોંચતા સુધીમાં એ મલ્લ તરીકે જાણીતો બન્યો અને ‘દંગલ’માં ભાગ લેવા લાગ્યો હતો. આજનો વિરેન્દ્ર ત્યારે જ ‘ગૂંગા પહેલવાન’નાં નામે જાણીતો બની ગયો હતો એટલું જ નહીં, પણ દંગલોમાં એણે નોખો ઈતિહાસ રચ્યો હતો. એ વિરેન્દ્ર કહે છે કે, "મૈં સૂન નહીં સકતા હૂં, બોલ નહીં સકતા હૂં... ઈસ કા યે મતલબ તો નહીં કે મેરી કોઈ સુનવાઈ હી ના હો. સંજ્ઞાની એટલે હાથના સંકેતોની ભાષામાં વાત કરતો વિરેન્દ્ર પોતાનો ક્રોધ બરાબર વ્યક્ત કરે છે.

ઝાજ્જરમાં સાસરોલી ગામમાં જન્મેલો પહેલવાન તેની વાણી અને શ્રવણની મુશ્કેલીને કારણે શાળાનું વિધિસરનું શિક્ષણ લઈ શક્યો નથી. ગામમાં એવાં બાળકોને શિક્ષણ આપી શકાય એવી વ્યવસ્થા નહોતી ત્યાં સંજ્ઞા-ભાષા કોણ શીખવે? આમ બાળક વિરેન્દ્રને જીવનના વિકાસની કશી મદદ મળી નહીં. નવ-દસ વર્ષના ‘ગૂંગા’ને પિતા છેવટે પગની સારવાર માટે દિલ્હી લઈને આવ્યા હતા. પિતા પણ રેસલર-કુસ્તીબાજ-મલ્લ હતા અને સીઆઈએસએફમાં કાર્યરત હતા. સુરેન્દ્રકાકાની સલાહથી પિતાએ વિરેન્દ્રને દિલ્હીમાં મૂક-બધિરોની શાળામાં દાખલ કરાવ્યો હતો. એ સાથે પિતાના દિલ્હીના અખાડામાં બાળ-વિરેન્દ્રની તાલીમ પિતા તથા સુરેન્દ્રકાકાના હાથ તળે ચાલવા લાગી હતી. સવારનો પૉ ફાટતા પહેલા અંધારામાં જ વિરેન્દ્ર બિસ્તર છોડી દે અને આઠ કલાકની થકવી નાખતી તાલીમમાં જોતરાઈ જાય છે. કોઈ દૂષણ-વ્યસન વિના એકચિત્તે હરીફને મહાત કરવાનું એકલક્ષ્ય વિરેન્દ્રે આ તલીમ દરમિયાન કેળવ્યું છે. તેણે પહેલો સુવર્ણ ચંદ્રક ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી ૨૦૦૫ની ડિફલિમ્પિક્સમાં મેળવ્યો હતો ત્યારે એણે પોતાના ખિસાના ૭૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એની જીતે એને નવા પૈસાનો નફો કરાવ્યો નહોતો કે નહોતું એવું મોટું નામ અપાવ્યું. એ વખતે ડિફરન્ટલી એબલ એટલે શારીરિક રીતે અખંડ ન હોય એવા ખેલ-સ્ટારને રોકડ ઈનામો આપવાની કોઈ સરકારી જોગવાઈ નહોતી એટલે અન્ય ઑલિમ્પિક્સ વિજેતાઓ સરકાર, રાજ્ય અને ખેલ સંગઠનોમાંથી પાંચ કરોડ રૂપિયાથી વધારે વળતર મેળવતા હતા ત્યારે વિરેન્દ્રને વર્ષો સુધી ‘ફૂટી કૉડી’ મળી નથી.

આટલાં વર્ષોમાં બીજી કોઈ આવક કે સરકારી સહારો ન હોઈને વિરેન્દ્રે પોતાનો જીવન નિર્વાહ ચલાવવા ગામનાં દંગલોમાં હિસ્સો લેવો પડ્યો હતો. એમાં એ જીતે તો અને ૫૦૦૦ રૂપિયાથી ૨૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ મળતી! સતત આવી આવક મેળવવા વિરેન્દ્ર સિંહે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબ સુધીના ગામડાંની સફર કરવી પડતી, આ પ્રવાસ બસો કે ટ્રેનો દ્વારા જ થતો. એ કહે છે, "હું જો બોલી શકતો હોત તો મેં મારા જેવા ખેલાડીઓના અધિકારો માટે લડત ઉપાડી હોત. વર્ષ ૨૦૧૩માં ત્રણ યુવાન ફિલ્મસર્જકો ‘ગૂંગા પહેલવાન’ની વાત સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. તેમણે વિરેન્દ્રની દસ્તાવેજી ફિલ્મ બનાવી. આ ફિલ્મને બહોળો આવકાર અને પ્રતિસાદ મળ્યો હતો તથા લોકોનું અને સત્તાવાળાઓનું ધ્યાન વિરેન્દ્ર ભણી ગયું હતું. ૨૦૧૫માં ખેલનીતિમાં સુધારો કરાયો અને મૂક વિજેતાઓ માટે રોકડ ઈનામોની જોગવાઈ કરવામાં આવી હતી તો પણ આવા વિજેતાઓને અખંડ અંગ ધરાવતા વિજેતાઓ કરતાં પાંચમા ભાગના જ નાણાં મળે છે. ૨૦૧૬માં સિંહને અર્જુન અવૉર્ડ એનાયત કરાયો હતો, જે દેશનો સૌથી વધુ પ્રતિષ્ઠિત અવૉર્ડ ગણાય છે. જોકે, વિરેન્દ્ર આજે પણ કહે છે કે, "આમ છતાં બહુ ઓછા લોકો મને ઓળખે-જાણે છે. દંગલોમાં એ ૧૦૦ કિલોગ્રામ કરતાં વધારે વજન ધરાવતા કુસ્તીબાજો સામે ટકરાય છે. આવો ખુનખાર ‘ગૂંગો પહેલવાન’ ઈનામની સરખી અને પૂરતી રકમ વિના ભારતનું પ્રતિનિધિત્વ કેટલો સમય કરી શકશે, એવો સવાલ સતત ઘોંઘાટ કરતો ખખડે છે! એ ઘોંઘાટમાં ‘ગૂંગો પહેલવાન’ કહે છે, "મૈં ચાહતા હું કિ લોગ મુજે પહેલવાન વિરેન્દ્રસિંહ કે નામ સે જાને-પહચાને.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

uW0666
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com